Untitled Document
‘થળી’: દલિત નારીના આક્રોશની વાર્તા
મોહન પરમાર કૃત ‘થળી’ વાર્તામાં દલિત નારીની સંવેદનાનું અનોખી રીતે વર્ણન થયું છે. વાર્તામાં સવર્ણ માનસિંહ દલિત પરણિત રેવીનું જાતીય શોષણ કરે છે ત્યારે, રેવી કેવી ગંભીર પરિસ્થિતિમાં મુકાઈ જાય છે અને એ પરિસ્થિતિમાંથી રેવી કેવી રીતે મુક્તિ મેળવે છે, એ સમયના રેવીના મનોબળને લેખકે કુશળતાથી નિરૂપણ કર્યું છે.
વાર્તાનાયિકા રેવી ખૂબ જ રૂપાળી છે. રેવીના પતિ ચમન તૂરી હોવાને લીધે મોટે ભાગે ખેલ કરવા માટે બહારગામ જતો રહે છે, ત્યારે માનસિંહ તેની એકલતાનો લાભ લઈ રેવીને પોતાની સાથે શરીર સંબંધ બાંધવા માટે મજબૂર કરે છે. માનસિંહ પોતે ઠાકોર હોવાના કારણે જ રેવીને પોતાની ભોગ્યા સમજે છે, તે સંબંધ બાંધવા માટે મજબૂર કરે છે. માનસિંહ દારૂ પીને ગુસ્સામાં રેવીના વાસમાં બધાં લોકોની વચ્ચે લેવા માટે આવે છે ને રેવી મૂંઝાઈ જાય છે. રેવી તેને હાથ જોડીને આજીજી કરે છે:
“તમનઅ પગે લાગું છું. આંયથી જાવ ભૈસાબ !”
રેવી ગુસ્સે થઈ ઊઠી હતી પણ શું કરે ! દયાજનક સ્થિતિમાં એ મુકાઈ ગઈ. બોલે તોય દુ:ખ ને ના બોલે તોય દુ:ખ. ઘૂળો એના બે પગ વચ્ચે આવીને ભરાઈ ગયો. એના માથા પર હાથ ફેરવતાં-ફેરવતાં રેવીની આંખોમાં ઝળઝળિયાં આવી ગયાં હતા. એ ધીરેથી બોલે છે:
|
“ ‘કાલે હું સેતરમાં આયે.
‘વચન આલ !’
‘આલ્યું.’
‘અનઅ નઈ આય તો...’
‘આ મારા ધૂળાના સોગંદ’” |
આ રીતે, માનસિંહ રેવીનાં વાસમાં આવીને રેવીને બેઈજ્જત કરે છે. રેવી કુટુંબ-પરિવારમાં હતી ન હતી જેવી સ્થિતિમાં મુકાઈ જાય છે. રેવીને આરંભમાં તો માનસિંહ સંગ ગમે છે પણ અંતે તેને સમાજમા મૂલ્યો સમજાય છે. રેવી મનોમન વિચારે છે કે જેઠ ભગો અને જેઠાણી તખી પોતાના ખૂબ જ વખાણ કરે છે. સમાજ કુટુંબ શું છે તેની જાણ થતાં તે સમાજમાં પોતાનું માનભર્યું સ્થાન ટકાવી રાખવા ઇચ્છે છે, ફજેતી થવાની બીકે ચુસાતી રેવી અંતે રોજની ફજેતીથી મુક્તિ મેળવવાનો નિર્ધાર કરે છે. સમાજમાં પોતાને બેઈજ્જત કરનાર માનસિંહને પાઠ ભણાવવાનો દૃઢ સંકલ્પ કરે છે. પતિ ચમન અને પુત્ર ધૂળાના વિચારે ઘણાં વખતથી માનસિંહના ત્રાસને સહન કરતી રેવી એમાંથી મુક્ત થવા ‘થળી’ ઓળંગી લોકલાજ છોડીને દાતરડું લઈને નીકળી પડે છે.
“મારા ભાના હાળા ! તુંય જો હવઅ...તનઅ તાબોટા પાડતો ના કરી મેલું તો જો જે...” એવું દાંત ભીસીને વિચારતી રેવીનો આક્રોશ જો ખરેખર દાતરડે વ્યક્ત થયો હોય તો લેખકે નવું શું સિદ્ધ કર્યું હોત ? એવો પ્રશ્વ કોઈ પણ ભાવકને થાત પણ રેવી યુક્તિપૂર્વક માનસિંહને કહે છે: ‘મારઅ તમારું ઘર માંડવું છઅ એટલે...! આમ બીતાં બીતાં રઈએ ઈના કરતાં કાયમ હંગાથે રે’વું હારું... પછઅ તમે અનઅ હું... કોઈની કશી બીક જ નૈ !.. ના, હો ! આ રોજના હડમાલા મારાથી નહિ વેઠાય. હેંડો તમારા દરબારવાહમાં જ આવું છું. મનઅ તમારા ઘરનું પોણી ભરવાના અભરખા જાગ્યા છઅ.” કહીને રેવી માનસિંહને બરાબર ભીંસમાં લે છે. રેવીની વાત સાંભળતા જ બાપુ માનસિંહ ગભરાઈ જાય છે ને ઢીલોઢફ થઈ જાય છે. હોશકોશ ઊડી જાય છે. તે મૂંઝવણમાં મુકાઈ જાય છે. હવે સમાજથી ડરવાનો વારો રેવીનો નહિ પણ માનસિંહનો આવે છે. માનસિંહ મનોમન વિચારે છે કે, “મીં ઈની ફજેતી રાખવામાં કાંય બાચી રાશ્યું નથી. હવઅ એય રઢે ભરોણી છઅ. આજ મારો ધજાગરો કર્યા વના એ નઈ જંપઅ... ધારોકઅ હેંડી-ચાલી આયીનઅ મારા ઘરમાં જ બેહી જોય તો... પછઅ બધુંય થોય. પણ એકવાર આબરૂ જાય એટલે આખા મલકમાં મારી થું થું થઈ જવાની. નાતમાં માથા જેવડી છોડીઓનાં હગાં કુણ બાંધશી.” આમ વિચાર્યા પછી માનસિંહ ટાઢોબોર થઈ જાય છે. માનસિંહ સમાજ, કુટુંબ, ગામમાં પોતાની આબરૂની ચિંતામાં ભીરૂ, ઓશિયાળો બની જાય છે. અંતે માનસિંહ રેવીને તેના વાસમાં નહિ આવવાનું અને પોતે તેને પરેશાન નહિ કરે એવું વચન આપે છે. વાર્તામાં રેવી મુક્ત સ્વતંત્ર માનવ બનવા થળી ઓળંગવા સુધીની હિંમત કરે છે. વાર્તાને અંતે એક બાબત સ્પષ્ટ થાય છે કે રેવીના જાતીય શોષણના મૂળમાં વર્ણવ્યવસ્થા જ છે પણ રેવી ખૂબ જ હોંશિયાર અને બુદ્ધિશાળી છે. પરિસ્થિતિ પ્રમાણે કામ કરવામાં કુશળ છે. રેવી વર્ણવ્યવસ્થાનો જ ઉપયોગ કરીને માનસિંહને ભીંસમાં લે છે અને તેને પડકારે છે. શોષણખોર માનસિંહ સામે વિદ્રોહ કરતી રેવીનો વિજય વિશિષ્ટ રીતે આલેખાયો છે. આ સંદર્ભે ડૉ. શરીફા વીજળીવાળાએ ઉચિત જ નોંધ્યું છે: “બાપુના જોડા એમના જ ગળામાં પહેરાવી આપતી રેવીનો વિદ્રોહ અનોખી, અણધારી અને અકલ્પ રીતે વ્યક્ત થયો છે.”
વાર્તામાં માનસિંહનું સ્વાર્થી, દંભી, નિરસ વ્યક્તિત્વ ઉપસી આવે છે. રેવીનું જાતીય શોષણ કરતાં માનસિંહને જયારે રેવી પોતાની સાથે લગ્ન કરવાનું કહે છે ત્યારે તે કહે છે: “તું રયી હરિજન અનઅ અમે રયા બાપુ ! છીં છીં છીં મારા ઘરમાં તું ના શોભે....” માનસિંહને દલિત રેવી સાથે શરીર સંબંધ રાખવામાં વાંધો નથી પણ લગ્ન કરવામાં વાંધો છે.
વાર્તામાં પરિવેશ, પરિસ્થિતિ, પાત્ર ને પ્રસંગોચિત્ત ઉત્તર ગુજરાતની તળબોલીનો સમર્થ વિનિયોગ થયો છે. બોલી અને માર્મિક સંવાદોથી દલિત સમાજની વાસ્તવિક છબી ઝીલતી વાર્તાશૈલી આપણા ચિત્તમાં એકમાંથી અનેક સંબંધોનો સેતુ રચી આપે છે. વળી ત્રીજા પુરુષના કથનકેન્દ્રને કારણે પણ બધાં જ પાત્રોની વિશેષતા મર્યાદાઓ લેખક નિરૂપી શક્યા છે તેમજ દલિતવાસ, ઘર, ઘરની થળી અને ખેતર સ્થળ તરીકે પસંદ કર્યા છે. તે પણ સૂચિતાર્થ છે. વિષયવસ્તુને અનુરૂપ પરિવેશ નિર્માણ કરવામાં સર્જકની સર્જક પ્રતિભાની પ્રતીતિ થાય છે. વર્ણનો પાત્રના મનોભાવ સાથે જોડતી ક્રિયાઓ ઘટનાઓ જોડી આપે છે. વાર્તાનું શીર્ષક ‘થળી’ પ્રતીકાત્મક છે. ‘થળી’ એટલે ‘ઉંબરો’ વાર્તાનાયિકા રેવી થળી જેવું અસ્તિત્વ ધરાવે છે. જેવી રીતે ઘરની થળી-ઉંબરા આગળ ઓસરી પથરાયેલી હોય છે અને પાછળ ઘરનો ઓરડો છે. એવી જ રીતે રેવી થળીને અડીને ઊભી છે અને એક બાજુ નિર્દોષ પતિ ચમન પુત્ર ધૂળો છે. પુત્ર અને પતિની જે કરુણ દશા થઈ છે તેમાં જવાબદાર રેવી પોતે છે, એ બાબતે રેવી સમજી શકે છે અને આથી તે દુર્ગારૂપ ધારણ કરીને આક્રોશપૂર્વક સાથે બુદ્ધિપૂર્વક સવર્ણ માનસિંહના શોષણમાંથી મુક્ત થાય છે. પતિ, પુત્ર અને કુટુંબની આબરૂ બચાવે છે. ઘરના બારણાના બારસાખનો બધો જ આધાર જેવી રીતે ‘થળી’ હોય તેમ આ વાર્તામાં પણ પતિ ચમન, ધૂળો અને કુટુંબ તથા વાસની આબરૂનો આધાર રેવી છે. રેવી થળીની જેમ મક્કમ બને છે અને પોતાની તો ખરી જ પણ સાથે સાથે આખા કુટુંબ, સમાજની આબરૂ-ઈજ્જત બચાવે છે. ‘થળી’ વાર્તામાં ‘થળી’ મર્યાદાનું પ્રતીક છે અવું આપણે કહી શકીએ.
વાર્તામાં લેખક વાસ્તવિકતાનું કલામાં રૂપાંતર કરવામાં સફળ રહ્યા છે. વાર્તાના અંગરૂપ બનેલી બોલી, પ્રતીકયોજના, પાત્રોના મનોભાવો વ્યક્ત કરતાં વર્ણનો, કથનકેન્દ્ર, પરિવેશ, પ્રસંગને અનુરૂપ પાત્રનિરૂપણ વગેરેને કારણે વાર્તા સંતર્પક બને છે.
નીતિન મહેતા આ વાર્તાના સંદર્ભમાં નોંધે છે: “શોષિત, દમિત સ્ત્રી જ્યારે વિદ્રોહ કરે, તેની આગળ અસ્તિત્વને અસ્મિતા જાગે ત્યારે અન્યાય અને શોષણ કરનારે કેવી પીછેહઠ કરવી પડે છે તેનું કલાત્મક આલેખન આ વાર્તામાં જોવા મળે છે.”
આમ આ વાર્તામાં એક દલિત નારી રેવીનો આક્રોશ-પ્રતીતિકર અને તેનું પરિણામ મહત્ત્વના સ્થાને છે.
***************************************************
ગંગારામ મકવાણા.
778, રામનિવાસ સોસાયટી,
મુ.પો. જેતલપુર, તા-દસક્રોઈ,
જિ.અમદાવાદ, પીન 382 426.
|