logo

ગુજરાતી દલિત કવિતા:સંવેદનાઓનું સરળ છતાં વાસ્તવિક પ્રગટીકરણ

ગુજરાતી સાહિત્યમાં અનુઆધુનિક યુગમાં નારીવાદની સાથે જ દલિત સાહિત્યની ધારા ઉદભવી અને વિકસી જે સર્વવિદિત છે. ‘દલિત’ શબ્દનો લક્ષણાર્થમાં આપણે જાણીએ છીએ કે દબાયેલું, પિસેલું, નીચોવેલું, મસળેલું, માનવ સમાજમાં આવા આર્થિક, સામાજીક અને ધાર્મિક રીતે હાંસિયામાં ધકેલાયેલા અને મુખ્ય ધારાથી વંચિત રહેલા વર્ગનો સમાવેશ આમાં થાય. શરણકુમાર લિંબાલેનું મંતવ્ય આ સંદર્ભે ધ્યાનમાં લીધા જેવું છે. તેમના મતેદલિત એટલે કેવળ હરિજન કે નવબૌધ્ધ નહીં પણ ગામને છેવાડે રહેનારી બધી અછૂત જાતિઓ, આદિવાસી, ભૂમિહીન ખેતમજૂર, શ્રમિક દુ:ખી પ્રજા, ભટકતી-બહિષ્કૃત જાતિ. આ બધાનો દલિત શબ્દની વ્યાખ્યામાં સમાવેશ થાય છે. આવા દલિતની વેદના .પીડા, દુ:ખ- દર્દનું પ્રતીક બની ઉર્ધ્વગામી બનેલ દલિત સાહિત્યનું કાર્ય પરંપરા સામે ઇનકાર, ધર્મ પ્રેરીત જાતિપ્રથા અને વર્ણવ્યવસ્થા સામે નકાર, અન્યાય-અત્યાચાર અને શોષણ સામે આક્રોશ વ્યક્ત કરી વિદ્રોહ જગાવવાનું છે”

                     દલિત સાહિત્યની વ્યાખ્યા પણ બૃહદ અર્થમાં પ્રયોજાય છે. “દલિત પીડિત, શોષિત, ઉપેક્ષિત, વર્જિત જનસમુહની સંવેદનાત્મક કલામય અભિવ્યક્તિ એટલે દલિત સાહિત્ય”. દલિત સાહિત્યની શરૂઆતમાં  જે  ભ્રામકતા ઊભી થઇ હતી તે દૂર થઇ છે અને હવે તેની ચોક્કસ દિશા સ્પષ્ટ થયેલી જોઇ શકાય છે. ગુજરાતમાં દલિત સાહિત્યની સભાનતા મહારાષ્ટ્રને અનુસરી આવી છે. મહારાષ્ટ્રમાં આવેલી દલિત સહિત્યની આ લહેર ગુજરાતી દલિતકવિઓને પણ ગમી અને દલિત કવિઓની વાણી કલમબધ્ધ બનવા લાગી. 

          ગુજરાતમાં દલિત સાહિત્યના પગરણ ભલે ૧૯૭૫થી સંભળાતા  હોય પણ તેને સખત ધક્કો ૧૯૮૧ના અનામત આંદોલને આપ્યો. ગામડું જીવી આવેલા અને રોજગાર અર્થે શહેરમાં આવી વસેલા શિક્ષિત યુવાનો અંદરથી હચમચી ગયા અને હાથમાં કલમ ઉપાડી, જેથી જથ્થાબંધ કવિતાનો ફાલ ઉતર્યો. ૧૯૮૫ પછી કથા સાહિત્યે કાઠું કાઢ્યું. દલિત ટૂંકીવાર્તાએ ગુજરાતી સાહિત્યમાં ચોક્કસ સ્થાન બનાવ્યું. આ તમામ સાહિત્યમાં દલિત સંવેદના તિવ્રતાથી ઝીલાઇ છે. પોતિકા અનુભવની દલિત સર્જકો વિવિધ સ્વરૂપોમાં પોતાની વેદના અને  આક્રોશને વાચા આપી રહ્યા હતા. દલિત સાહિત્યકારોની વાણી કલમના જોરે પ્રગટ થવા લાગી. જોસેફ મેકવાનના મતે “અનુભૂતિની સબળતા દલિત સર્જકોની આગવી મૂડી છે.મોટા ભાગના દલિત કવિઓમાં કવિતા રચવાની સભાનતા કરતા ગુસ્સા અને તિરસ્કારને કે સમાજ પરિવર્તન્ના જુસ્સાને પ્રગટ કરવાનું વલણ વિશેષ જોવા મળે છે.સાહિત્ય સર્જન એમણે ઉપાડેલા આંદોલનનો એક ભાગ બને છે.”  
             એમાંય કવિતામાં દલિત સંવેદના અને ચેતના ક્યાં અને કેવી રીતે ઝીલાઇ છે તે જોવા કેટલાક દલિત કવિઓની કવિતાનો અભ્યાસ કરવાનું લક્ષ્ય આ લેખમાં રાખ્યું છે. પોતાની કવિતાને સાંપ્રતજીવન અને સામાજીક અસમાનતાની નિપજ ગણાવનાર કવિ એ.કે.ડોડિયા ગુજરાતી દલિત કવિતા સાહિત્યમાં ઊજળુ નામ છે. ૧૯૯૯માં પ્રથમ કાવ્યસંગ્રહ “સૂર્યોન્મુખ” પ્રગટ થાય છે. “મસીહા” અને “ઝંખનામાં સૂર્ય” નામના કવિતાના સંગ્રહો આપણને એમની પાસેથી મળે છે. તેમની કવિતામાં દલિત સંવેદના ,વેદના, વ્યથા, આક્રોશ, તારસ્વરે પ્રગટેલા જોઇ શકાય છે. આ સંદર્ભે કવિની કેફિયત નોંધવા જેવી છે. તેમના મતે: “સમાનતા, સ્વતંત્રતા અને બંધુત્વના આદર્શો થકી પ્લાવિત મહામાનવ એવા ડૉ.આંબેડકરની માણસ માટેની ઉન્નતિ માટેની માનવીય વિચારધારા જ આ સંગ્રહના શબ્દોનું પ્રાણ તત્વ છે.” એમની કવિતામાં વિપરીત, વિસંવાદી, કટુ અને કારમુ, અસંગત દલિત વિશ્વનું નિરૂપણ કરવામાં આવ્યું છે. ભારતીય સમાજના સામાજીક માળખામાં પોષાઇને બલવત્તર બનેલી અને કાળરૂપે વિકૃત બનેલી પરંપરાઓ. રૂઢિઓએ ધર્મનો આધાર લઇ માણસ સાથે જુલ્મી, અન્યાયી અને અમાનવીય વ્યવહાર કર્યો. મનુષ્યના જીવતરને જાનવરથી ય બદતર બનાવી નાખ્યું. આવી માનવસર્જીત વેદનાઓ, વર્ણ-જાતિ આધારિત યંત્રણાઓ સામે આક્રોશ-વિદ્રોહની અનુભૂતિને તીખા-તમતમતા શબ્દો દ્વારા નવો અવાજ દલિત સાહિત્ય રૂપે મળ્યો. દલિત સમાજના વિકાસ માટે, તેની જાગ્રુતિ માટે, સંવેદનશીલ સાક્ષરોએ કલમને શસ્ત્ર બનાવ્યું. એમાં એ.કે. ડોડિયા કવિતા દ્વારા દલિત સંવેદનાને વાચા આપવાનું કાર્ય કરતા રહ્યા છે. એવું કહી શકાય કે તેઓએ નાજુક સંવેદનાને આંબેડકરીય વિચારધારાથી માંજી માંજીને ચક્ષુ તાદશ્ય કરી આપ્યા છે. 

             માનવસર્જિત અંતરાયો-ધાર્મિક સ્થાપનાને વરેલા અંતરાયો આપમેળે ખસવાના નથી. સમાનતા આડે ઉભેલા આવા અંતરાયોને હરાવી, નિષ્ફ્ળ બનાવવાની વાત કાવ્યમાં કરે છે.’ 

અંતરાયો આપમેળે ના ખસ્યા’ 
તેમને નિષ્ફળ કરી નિકળ્યો’ 

સુખી, સપન્ન, સવર્ણ લોકો પોતાના સ્થાપિત હિત ખાતર દીન દુ:ખિયારા દલિત્તોને શિક્ષણના હકથી વંચિત રાખવા માગતા હોય છે. અભાવો વચ્ચે જીવતી આ પ્રજા શિક્ષણ લે તો તેમને જાગીર સલામત ના રહે જેથી શિક્ષણથી દલિતોને દૂર રાખવાની વેદના... 

’એમની જાગીર હોય જાણે આ બારાખડી, 
નામ છે મારું ને મને ઘૂંટવા દેતા નથી.’  

એજ પ્રમાણે ભૂખમાં માણસ રાક્ષસ બની જાય છે. વર્ગીય ભેદભાવ અને સામાજિક શોષણના લીધે જેમણે પેટ પૂરતું ખાવા મળ્યું નથી તેવા દલિતો રાક્ષસ બન્યા નથી પણ આવી વિપરીત પરિસ્થિતિમાં માણસ બની ટકી રહ્યા છે. માણસાઇના ભોગે ભૂખ વેઠે છે ભૂખ સહ્યા કરે છે પણ સવર્ણ  દ્વારા થતી અવમાનના, અવહેલના, તે સહન કરી શકતા નથી આ અવહેલનાના મૂળમાં પેલી વર્ણૅ વ્યવસ્થા પડેલી છે...’ 

‘ભૂખમાં જેઓ હતાહત ના થયા,તે મળ્યા અવહેલનાના ત્રાસમાં’ 

 

 દલિત જનોની સહનશક્તિ અને અવિકૃત પ્રતિભાવને કવિ સુંદર શબ્દોમાં વ્યકત કરે છે....

’ફુલો કદાચ પાથરી શકતા નથી અમે , કાંટા બની અમે કદીય વાગતા નથી અમે’ 

આવા ઋજુ અને હાંસિયામાં ધકેલાયેલા દલિતોમાં  સમાજના આટલા વિકાસ અને શિક્ષણ વધારે પરિવર્તન આવ્યું નથી. આંબેડકર જેવાના અથાગ પ્રયત્ન છતાં સ્થિતિ બદલાઇ નથી તેમના સામાજિક-આર્થિક પછાતપણું પેલા કર્ણના કવચ અને કૂંડળની જેમ તેમને આજે પણ કેવા વળગેલા છે તેની વાત કવિ આ પંક્તિઓમાં કરે છે..... 

‘નથી આવ્યું વધારે પરિવર્તન હયાતીમાં,
મસોતા હાથમાં મેલા, હજી માથે તગારા છે.’- ---    

પરિવર્તન માટે કેટલાય સમાજ હિતેચ્છુઓ પ્રયત્ન કરી રહ્યા છે. જેટલી અંધકારનીએ ઘટના છે એટલા દીવા પ્રગટાવનાર હાથ ઊભા કરીને અંધકારને ભગાડવાની મહેચ્છા કવિઓની કવિતામાં પ્રગટ થઇ છે. સ્થાપિત હિતોની ગોઠવણ માટે ‘અંધારપટ’  શબ્દ  અહીં વાપર્યો છે. દલિતમાં સામુહિક ચેતના જગાડવાની વાત કવિ નીચેની પંક્તિઓમાં કરી પોતાની સામાજિક નિસબત સુંદર રીતે પ્રગટ કરી આપે છે.’ 

એટલા પેટાવશું દીવા અમે, જેટલો ઘનઘોર છે અંધારપટ’. 

આ અંધારપટ હટાવવાનું, અંધકારને ચિરવાનું કામ કવિઓએ કલમને હાથો બનાવીને કરવાનું સ્વીકાર્યું છે. પોતાના અસ્તિત્વનું સ્વમાન અને સ્વભાન સર્જકો પામી ગયા છે. આજ સુંધી જે વેઠ્યું છે તે આવનારી પેઢીઓએ ન વેઠવું પડે તે માટે સર્જકો સભાન છે. નવી પેઢીઓને તેઓ અસ્પૃશ્યતા, વર્ગભેદ, વર્ણભેદ, વિસંગતિઓના દોઝખમાંથી બહાર લાવવા પ્રયત્ન કર્યા કરે છે. જેનો ઇરાદો કવિ આમ પ્રગટ કરે છે.

‘આપી જઇશ તમને ઉજાશનું પગેરૂ, અંધારામાં ભલે છે ચાલવાનું મારે’

દલિત સમાજમાં નવજગૃતિ લાવવાના પ્રયત્નો રંગ લાવ્યા, સમય બદલાયો અને સમાજમાં નવ્ય ચેતનાનો સંચાર થયો, અંધારાને વિચ્છેદી નાખ્યું, પરિણામ એ આવ્યું કે ભાગ્ય બદલાયું ,ખુમારી આવી જેને કવિ ...... 

‘હાથ જોડી ક્યાંય ના કરગર હવે, યુગ છે તારી હથેરી પર,;’ 

આમ કવિશ્રી એ.કે.ડોડિયાએ દલિત સંવેદનાને, વ્યથાને, વેઠેલી વેદનાને શબ્દબધ્ધ કરી છે તો સાથે સાથે તેમનામાં આવેલ જાગૃતિને કે ખુમારીને  પ્રત્યક્ષ કરી આપી છે. 

કવિશ્રી બિપિન ગોહિલ પણ દલિત ચેતનાના મહત્વના કવિ છે. તેમની પાસેથી “ભૂસાતા માણસને ઘૂંટુ છુ.” (૧૯૯૨) અને “ઉઘાડ જેવો માણસ” જેવા કાવ્યસંગ્રહો મળે છે. અભાવગ્રસ્ત, રીબાતી, સબડતી જીંદગીની સ્વાનુભવની પીડા, બળતરા, આઘાતો, અવસાદ બધું જ કવિતામાં ઘૂંટાઇને આવે છે. કવિને કીર્તિવંત થવાની લાલસા નથી પણ સામાજિક પરિવર્તનની અભિપ્સા તેમના કાવ્યોમાં વ્યક્ત થાય છે. ભૂખ અને દુ:ખ ભોગવતા દરિદ્ર જનનીએ વ્યથા આ કવિ નીચેના શબ્દોમાં વ્યક્ત કરે છે 

‘ભૂખના દિવસ,દુખના દિવસ, સાવ રે સુકા, કુખના દિવસ’.

દલિત કવિતાની સમાજિક નિસબત ધરાવતી સ્વાનુભૂતિની અભિવ્યક્તિ અહીં દેખાય છે. દલિતોની સામાજિક અવદશાનું અહી પ્રતિબિંબ ઝીલાયું છે. સાંપ્રત સમાજની સામાજિક અસહિષ્ણુતા અને વિષમ વાસ્તવિકતા સરળ શબ્દમાં રજૂ થઇ છે. 

‘જિંદગી જાણે બરફના દેશમાં ભૂલી પડી, ક્યાંય થોડો હૂંફ કે આધાર દેખાતો નથી’ 

સમાજમાં દલિતોને  હૂંફ કે સહાનુભૂતિ મળતી નથી એ તેથી ક્યાંક દલિત પોતાની અવહેલનાનો માર્યો વિદ્રોહ કરી બેસે છે જેનું વાસ્તવિક નિરૂપણ આ કવિ કરે છે. ધર્મ, સમાજ, વર્ણ આ બધી વ્યવસ્થાઓની વિકૃતિઓએ દલિતજન પર જે જખમ પાડ્યા છે તેનાથી આ બધી વ્યવસ્થા પરથી વિશ્વાસ ઉઠી ગયો છે. આ અવિશ્વાસ તેને ધર્મ અને ઇશ્વરની નિરર્થકતા સુધી દોરી જાય છે. સામાજિક અને આર્થિક અસમાનતા, ધાર્મિક અસહિષ્ણુતા, માનવીય દુરાચારનો ચોતરફ માહોલ આ બધામાંથી નવજાગૃતિ અને સંઘર્ષ જ દલિતોની આવનારી પેઢીઓને બચાવી શકશે જેનું આહ્વાન કવિ નીચેની પંક્તિઓમાં કરે છે.

‘ઊઠો દલિતો પીડિતો ઊઠો, કમર કસો લલકાર કરો, 
વિરાટ હે વિરાટ ઉર મમ શક્તિનો સંચાર કરો, 
કલમ મોરી અંગાર ઝરો.’ 

અંગાર ઝરતી કલમ વડે જન-જન હૈયે ચેતનાનો સંચાર કરવા કવિ આહ્વાન આપે છે જેનાથી એક પ્રકારની જાગૃતિ પ્રગટે છે. ભૂખ અને દુ:ખ જ્વાળામાં ખાક થઇ ગયેલા દલિતો સેંકડોની સંખ્યામાં સજીવન થઇ રહ્યા છે. બદલાયેલુ વાતાવરણ જોઇ કવિ શ્રધ્ધાશીલ બને છે. જે નીચેના શબ્દોમાં વ્યક્ત થાય છે 

‘પથ્થરો ફાટી નિકળશે નવો સૂરજ, દિશે દિશે વ્યાપશે,’ 

અહીં કવિની અંગાર ઝરતી કલમમાં વેદના છે, વિદ્રોહ છે, આક્રોશ છે. સાહિત્યિક સજ્જતાની  સભાનતા છે. શબ્દ માણસની સંવેદનાને સ્પર્શતો જોઇ શકાય છે. સરળ ભષામાં જીવના તિક્ષ્ણ અનુભવોને અસરકારક રીતે મૂકી આપ્યા છે.

સરૂપ ધ્રુવ વ્યાપક ભૂમિકાએ સંવેદનાને તાકે છે. તેમના ‘એકલવ્યના વારસદાર’માં ‘ 

‘એ લોકોને જર પૂછી તો જો કે,ક્યાં ગુમ થઇ જાય છે તમે ને તમારૂ રામરાજ્ય?.
જ્યારે મારી સ્ત્રી પર બળાત્કાર થાય છે?
જ્યારે મારા જંગલ કપાય છે?
જ્યારે મારી જમીન ઝુંટવાય છે,?
જ્યારે મારો કોળિયો ખૂંચવાય છે? 
જ્યારે મારૂ લોહી ચૂસાય છે? 

અહીં એક બાબત ખાસ ધ્યાનમાં આવે છે કે તેમની દલિત સંજ્ઞાની વિભાવના વ્યાપક છે. તમામ દલિત, શોષિત, લઘુમતિ કોમ, આદિવાસી અને નારીનો પણ ઉલ્લેખ કરે છે. બાળપણમાં શાળામાં દાખલ થતા અનુભવેલ અપમાનભરી દૂર્દશાને દલપત ચૌહાણ સુંદર રીતે સંક્ષેપમાં  ધ્વનિત કરે છે.

’ધ્રુજતા હાથે પાટીમાં એકડો નહીં, 
                 બળબળતા સહરાની અંગારભૂમિશી ધબકતી છાતીમાં લખી મારી જાત’. 

ખરેખર વાદળઘોડા પર સવારી કરતી કવિતાને વાસ્તવિક કાંટાળી ભૂમિ પર સાચા અર્થમાં લાવી મૂકે છે. ગુજરતી કવિતામાં વાસ્તવિકતાનો સંચાર ગાંધીયુગ પછી દલિત કવિતામાં સાચા અર્થમાં સંભળાય છે. આવા જ એક બીજા કવિ છે વિનોદચંદ્ર બોરીયા. તેમની કવિતામાંથી પસાર થતા સમજાય છે કે તેમની કવિતામાં વિદ્રોહ છે, વેદના છે તો સાથે પ્રતિબધ્ધાતાનો પમરાટ છે. આ કવિ દલિત સમાજમાંથી આવતા હોવાથી તેમની કવિતામાં સમાજની પીડાનો સ્વાનુભવ વ્યક્ત થાય છે. દેશ રાજકીય રીતે ભલે આઝાદ થયો હોય પણ જે રીતે વર્ણ ભેદ, વર્ગભેદ, અસ્પૃશ્યતા, વગેરે જેવાની ગુલામીમાંથી આજેય આઝાદ થયો નથી. જેની વેદના “અમો આજેય આઝાદ દેશના ગુલામ છીએ”માં વ્યક્ત થાય છે. અસમાનતાના જાતિભેદના, આભડછેટના, ગરીબીના, અત્યાચારના, શાપને નિવારવાનો આક્રોશ તો ક્યાંક આવા સમથળ સમાજની અપેક્ષાઓ છે. આવો સમથળ સમાજ જ સાચી આઝાદી છે તેવી માન્યતાઓ સાથેનો કવિનો આશાવાદ પ્રગટે છે. આવો સમથળ સમાજ, સમાન ન્યાય, સમતા, બંધુતા ફેલાશે જ સાચી આઝાદીનો અહેસાસ કરાવશે.ત્યારે  કવિ ..... 

‘તો અમે ય ગાશું ફેફસા ફુલાવી ફુલાવી,
અમે આઝાદ થયા.’      

આટલો અન્યાય કરતા હોવા છતાં ક્યાંક રાજકારણીઓ દ્વારા આ દલિત સમાજનો થતા ઉપયોગને તેઓ વાસ્તવિકતા અને આક્રોશ સાથે પ્રગટ કરે છે.

‘રાજમંદિરમાં પ્રવેશવા
બેસે શોષિતો પીડિતોને કાંધે
રાજકીય વેતાળો.’

કવિ બિહારી પરમાર પણ વિદ્રોહી વિચારધારાનું કવિતાના માધ્યમથી વાવેતર કરનારા કવિ છે. મુંબઇ નગરમાં દલિતોની વસાહતોમાં ફરી ફરીને જાગૃતિનું બહું મોટુ કામ કર્યું છે. શ્રી કિશન સોસાના શબ્દોમાં “બિહારીભાઇ પ્રગતિવાદી વિચારધારા..... સંવેદનોને અભિનિવેશપૂર્વક અભિવ્યક્ત કરતા વિદ્રોહી કવિ છે.” 

તેમની કવિતા પણ સડિયલ સમાજવ્યવસ્થા સામે વિદ્રોહનો ભાવ, આક્રોશ કેન્દ્ર સ્થાને છે. એક તરફ સમાજનો મોટો ભાગ ગરીબીમાં સબડે છે અને બીજી બાજુથોડા માણસો સમૃધ્ધિના શિખરે બિરાજી માલિકી હક ભોગવે છે તેથી જ કવિ કહે છે કે : 

‘બાવલા બનતા રહે સ્વાતંત્રના
ચીંથરા ઉડતા રહે જનતંત્રના
કાયદા થતા નવા ષડયંત્રના
માનવો ગુલામ બને છે યંત્રના’

 તેમની કવિતામાં સમાજજીવન પ્રત્યેની પ્રતિબધ્ધતાતો છે જ સાથે પીડા, ઉત્કર્ષ, શાષકો અને શોષકો સામે આક્રોશ, ભારતની મૂડીવાદી બની રહી ગયેલ સમાજવ્યવસ્થા,જવાબદાર તંત્ર અને સામાજિકોની ઉદાસીનતા સામેનો આક્રોશ પણ જોવા મળે છે. 

‘લોક ઉદાસી,ખુશી વિદેશી,જનતા ભુખી પ્યાસી,
કરતી અન્ન વસ્ત્ર પોકાર,સાંભળે નહી કોઇ સરકાર..... 

 કે પછી..
                            

‘દલિત ભડકે બળે ,વર્ગભેદની યજ્ઞવેદી પર,
એકભોયેં - બીજો આસમને 
જીવન જીવે અસમાન !
કોણે રચી આવી ભેદભરમ વાળી દુનિયા ? 

આમ, ઉપરના કવિઓની કવિઅતા જોતા જણાય છે કે દરેક કવિની કવિતામાં સંવેદના બળવત્તર બની નિરૂપાઇ છે. ક્યાંક દલિતોની વાસ્તવિક સ્થિતિનું નગ્ન અને કટુ આલેખન છે તો કયાંક દલિતોને જાગૃત બની સંગઠિય થવાની તો ક્યાંક સંગઠિત બની સંઘર્ષ કરવાની હાકલ કવિઓ કરે છે. અસમાનતા, વર્ગભેદ, વર્ણભેદ પ્રેરીત વ્યથા બરાબર કાવ્યમાં અભિવ્યક્ત થઇ છે. સુધરેલા અને નાગર-સંસ્કૃત સમાજની દલિતજન પ્રત્યેની ઉદાસીનતા, અવહેલના, ઉપેક્ષા, અસંવેદનશીલતા શબ્દોના માધ્યમથી તીખા તારસ્વરે રજૂઆત પામેલ જોઇ શકાય છે. દલિત કવિતામાં વસ્તું કેન્દ્રસ્થાને રહે છે. જો કે આ કવિઓની કવિતાને પરંપરિત કાવ્યશાસ્ત્રના ધોરણો સાથે મૂકી જોતા પાર વિનાના પ્રશ્નો ઊભા થાય તેવી સ્થિતિઓ છે. તેમની સંવેદના,અનુભૂતિમાં સચ્ચાઇનો રણકો હોવા છતાં નિરૂપણરીતિ અને ભાષાની વધુ પડતી સરળતા કાવ્યજ્ઞોને કઠે તેવી છે. પણ આ બધા પ્રશ્નો લેખના વિષય સાથે અસંગત હોવાથી અત્રે તેની ચર્ચા અપ્રસ્તુત લાગે તેમ  છે. પણ એક વસ્તુ ચોક્કસ છે કે મરાઠી સાહિત્યની જેમ અહીં પણ દલિત કવિતા કલાપક્ષે પણ સમૃધ્ધ બની રહે તેવી સ્થિતિ  અત્યારે દેખાય છે. 

*************************************************** 

પ્રા.પંકજકુમાર.બી.પટેલ
સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ, મેઘરજ (સા.કાં)

Previousindexnext
Copyright © 2012 - 2024 KCG. All Rights Reserved.   |   Powered By : Knowledge Consortium of Gujarat
Home  |  Archive  |  Advisory Committee  |  Contact us