logo

ગુજરાતનાં વિવિધ પ્રદેશનાં લોકગીતોમાં કૃષ્ણ

લોકસાહિત્ય એ આપણી મૌખિક પંરપરાનું સવોઁત્કૃષ્ટ ઉદાહરણ છે. જીવાતા જીવનની જેટલી મીંમાશા સીધી સરળ અને અસરકારક ભાષામાં લોકસાહિત્ય એ કરી છે તેટલી કદાચ બીજા કોઈએ કરી કરી નથી કહેવાય છે કે વિશ્વની બધી ભાષાનાં સાહિત્યની શરુઆત પદ્ય અને એમાય લોકસાહિત્યમાં થઈ છે અને લોકસાહિત્યનાં વિવિધ સ્વરુપોમાં લોકગીતમાં વિશેષ થઈ છે. લોકગીત એ એવું નિરાળુ અને નમણું લોકસાહિત્ય સ્વરુપ છે કે કંઠપંરપરા જેવી જુની સાહિત્યિક પધ્ધતિથી લઈને ભાટ, ચારણ, બારોટ અને આજનાં વિવિધ લોકસાહિત્યનાં સંગીત સાથે જોડાયેલા કલાકારોએ દિન રાત તેને માણ્યું છે. અને સમાજનાં વિવિધ વગોઁ સુધી તેને પહોંચાડ્યુ પણ છે. આવા લોકગીતોનાં વિવિધ પ્રકારો આપણા લોકસાહિત્યનાં વિવિધ અભ્યાસીઓેએ જણાવ્યા છે. જેમા શ્રી કનુભાઈ જાની તેમનાં - લોકગીત પ્રકાર સમૃધ્ધિ - નામનાં લેખમાં લોકગીતનાં નીચે પ્રમાણેનાં પ્રકારો જણાવે છે સંસાર અને સંસ્કાર સંબંધી,ઋતુ, વ્રત, શ્રમ, ભકિત અને પ્રકીણઁ આવા વિવિધ વિષયોને લઈને ગવાયેલા આ લોકગીતો દેશ, દુનિયા અને પ્રદેશે,પ્રદેશે અવનવી ભાત પાડતા રહયા છે. કંયાક પ્રદેશની સંસ્કૃતિ તો કંયાક તેની વિષમતા કંયાક તેની ઉત્તમતા તો કંયાક તેની રુગ્ણતા કંયાક માનવહૈયાની ઉંડાઈ તો કંયાક તેની ઉંચાઈ આમ વૈવિધ્ય અને વિવિધતા પ્રદેશેભેદે દેખાય છે કહેવાય છે કે ભારતીય સાહિત્યનાં વ્યકિતનિષ્ઠ અને કથાહિત્યનાં ઈતિહાસમાં સૌથી વધુ જો કોઈ વિષય આલેખાયો હોય તો તે કૃષ્ણ છે. કૃષ્ણનાં જીવનનાં વિવિધ રંગો લોકસાહિત્યનાં વિવિધ પ્રકારો જેવા કે દુહા,છંદ,લોકકથા વગેરેમાં ઝિલાયા છે તેમ વિશેષ લોકગીતમાં પણ ઝિલાયા છે. આજનાં મારા આ સ્વાધ્યાયનો ઉપક્રમ પણ કંઈક એવો જ છે જેમા મેં ગુજરાતનાં લોકસાહિત્ય અને એમાય લોકગીતોમાં વિવિધ પ્રદેશભેદે કૃષ્ણને કઈ અને કેવી રીતે ગવાયો છે તે જાંણવાનો પ્રયત્ન કરેલછે. મેં અંહિયા ખાસ કરીને ભાલ,નળકાંઠા,ચુંવાળ,વઢિયાર,ગોહિલવાડ જેવા પ્રદેશનાં લોકગીતોને ધ્યાનમાં લીધા છે તો સૌ પ્રથમ ગોહિલવાડનાં લોકગીતોમાં કૃષ્ણ વિશે જાંણીએ કૃષ્ણનાં વિવિધ જીવનરંગોમાં ગોપી આગવો અને અનેરો વિષય છે આ લોકગીતમાં ગોકુળ છોડીને મથુરા ગયેલા કૃષ્ણ પોતાનાં વિનાં વિરહણી ગોપીની હાલત કેવી છે તે જાણવા પોતાના પ્યારા મિત્ર અને ભકત ઉધ્ધવને પત્રને લઈને મોકલે છે અને જવાબમાં ગોપી જણાવે છે તે નોંધનીય છે.

સખી ઓધવ માધવ આવિયા રે.
લખ્યા પતરા પરભુ હરીનાં લાવિયા રે
મેં શ્યામશૈયાં વાળ્યા લાડવા રે
મેં તો દુધ વીંછળીને ભયાઁ ગાડવા રે
હું તો જમવા બેઠીને જીવણ સાંભયાઁ રે
મારા કંઠડે નો ઉતયોઁ કોળિયો રે

અંહિયા શ્યામશૈયા લાડવા અને દુધ વીંછળવા જેવા શબ્દો લોકગીતકારની આગવી શબ્દકળા વ્યકત કરે છે. તો કૃષ્ણનાં પત્ની રુક્ષ્મણી વિશેનાં આ લોકગીતમાં કૃષ્ણની બાળસહજ પ્રેમચેષ્ટા જુદી રીતે વ્યકત કરેલ છે.

સોના કોદાળી રુપા પાવડો ધરમરાજા નવાણ ગળાવે રે
સોના ઈંઢોણી રુપા બેડલુ, રાણી રુખમાઈ જળ ભરવા જાય રે
નંદજીનો કુંવર બાળો કાનજી બાળો કાનો દડે રમવા જાય રે
બાળે કાનુડે હળવી કાંકંયઁ નાખી રે
નંદવ્યુ સવાલાખી બેડલુ

તો રાસ અને નૃત્ય પણ કૃષ્ણ જોડે અભિન્ન રીતે જોડાયેલા શબ્દો છે પ્રસ્તુત લોકગીતમાં કૃષ્ણ સાથે રાસ રમતી ગોપી એવી તે કેવી ઘેલી થઈ છે કે હાથનાં કંકણ પગમાં પેયાઁ અને પગનાં હાથમાં,આંખમાં આંજવાનું કાજળનો સેંથો પૂરે અને સિંદુરને આંખમાં આંજે તો ઘીને તાવીને છાસમાં રેડે અને દૂધમાં નાંખે પાણી, અને મજા તો લોકગીતકાર એ કરાવે કે ગાયો માટેનાં વાડામાં પોતાના છૈયાને પૂરે અને ગોંદરે પોતાનાં બાળકોને. આ પંકિતમાં ગોપીની વિરહી મનોદશા વ્યકત કરવાંમાં લોકગીતકારને શબ્દો શોધવા જવુ પડતુ નથી શબ્દ સામે ચાલીને રમતો આવે છે. તો ધંધુકા પ્રદેશનાં લોકગીતોમાં કૃષ્ણની બેય જનેતા એક જન્મ દેનારી અને બીજી પાળનારી (પાલનપોષણ) એવી દેવકી અને જશોદા બન્ને સગી બહેનો છે અને જશોદા મા બનવાની છે તે વિશે પૂછતી દેવકી અને જવાબ આપતી જશોદાનું શબ્દચિત્ર સરસ રીતે વ્યકત થયુ છે

દેવકી જશોદા બેય બેનડી રે બેય બેનું જળ ભરવા જાય વાલા
દેવકી પૂછે જશોદા દુબળાં રે કો બેની કેટલા માસ વાલા
પહેલો તે જાણ અજાણમાં રે બીજલો એળે જાય વાલા
ત્રીજે તે સૈયરને સંભાળવીયું રે ચોથલે સાસુને જાણ વાલા
પાંચમે પંચમાસી બાંધો રાખડી રે છઠ્ઠે ચુરમાનાં ભાવ વાલા
નવ મહિને કાનકુંવર જનમિયા રે જનમ્યા તે જુગનાં આધાર
સોના છરીએ નાળ વધેરિયા રે રુપા કોશે મોંમા ભંડાર વાલા 

તો ગોપીનાં વસ્ત્રાહરણનાં વિષયને હુબહુ લોકગીતકાર અંહિ વ્યકત કરે છે જેમાં તેવ તેવડી શબ્દ અનેરી નજાકત વ્યકત કરે છે

તેવ તેવડી ટોળે મળીને
નદીએ નાવા જાય મારા વાલાજી રે.

તો વળી ગુજરાતની ભૂગોળમાં જે પ્રદેશનું આગવુ સ્થાન છે અને જે પ્રદેશમાં આદિમજાતિ પઢાર વશે છે તે નળકાંઠાનાં પ્રદેશમાં કૃષ્ણ વિનાની ગોપી કેવી વલવલે છે તેનું નયનરમ્ય ભાવચિત્ર લોકગીતકારે ગોપી પૂછે ઝાડ ઝાડને રે લોકગીતમાં વ્યકત કયુઁ છે

વડલા ને પીપળા તે આંબાને પૂછે પૂછે છે શેરડીની વાડને રે
ગોપી વનમાં પૂછે છે ઝાડ ઝાડને રે.

પ્રસ્તુત લોકગીતમાં લોકગીતકારે પ્રકૃતિનાં સંતાન એવા વૃક્ષ, અને પંખીઓને કરુણ અને વિશાદભયાઁ સાદે કૃષ્ણ વિષે જે પૂછ્યુ છે તે લય,ભાવ અને સંગીતમય છે. તો પોરબંદરનો બરડો વિસ્તાર તેના પહાડ અને જંગલથી રળિયાત છે તેમ તેનું લોકસાહિત્ય પણ એટલું જ રળિયાત છે ત્યાનાં લોકગીતમાં કૃષ્ણની વહાલી વાંસળી વિષે કેવો ભાવ વ્યકત થયો છે તે જોઈએ-

મોરલી વાગી રે મધરાતની મારી નીંદરડી ઉડી જાય રે
મોરલી વાગી રે મધરાતની
સુધ બુધ હું તો ભૂલી વસતરની હું તો પ્રભુજી ને મળવા જાઉ રે.

તો ખારાપાટ પ્રદેશનાં ભાતીગળ લોકગીત -રે રામમાં- કૃષ્ણ રાધાજીનાં સુવાવડનાં પ્રસંગે રાધાજીની આવા પ્રસંગે કેવી કાળજી લે છે તે વિશેની વાત કરતું આ લોકગીત કદાચ કૃષ્ણનાં આ વિષયનું પ્રથમ લોકગીત હશે જેમાં સુવાવડનાં સમયે રાધાજીની કાળજી લેતા કાનજી અને રાધાજીનો કાનજીને જે જવાબ અપાયો છે તેમાં અનોખાં દાંમ્પત્યજીવનની ભાવના વ્યકત થઈ છે.

કાનોજી પૂછે મારા રાધાજી ગોરાં
સુવાવડમાં શું શું જોશે રે તજ રે તીખા ને કાના વરિયાળી ટોપરા ને તેનાં તે ખાજલા ખંડાવો રે રામ

તો ઉત્તરગુજરાતનાં લોકગીત - મારગડો મેલો રે –માં રસ્તા વચ્ચે વાંરવાંર હેરાન કરતા કૃષ્ણનું સુંદર રુપ અંહિયા વ્યકત થયુ છે

કાન વારે વારે શું કહીએ રે
એક સાનમાં સમજી જઈએ રે..........મારગડો મેલો રે

તો કૃષ્ણ ભગવાન મણિયારા બનીને ગોપી અને રાધા સાથે જે લીલા કરે છે તેના અનેક લોકગીતો પ્રદેશભેદે જોવા મળે છે. જેમા ઉત્તરગુજરાતમાં કૃષ્ણ મણિયારા રુપે આ ગીતમાં જુદી રીતે વ્યકત કયાઁ છે.

કૃષ્ણ મહારાજ ચાલ્યા દુવારકે ને લીધો મણિયારાનો વેશ
ઓ કેટલા દહાડે તમે આવશો મને વાયદા વતાવતા જાઓ

તો વળી ઝાલાવાડનાં આ લોકગીતમાં કૃષ્ણની નાગદમનની લીલા –લીલા ગિરધારી- શીષઁક નીચે વ્યકત થઈ છે જેમાં કૃષ્ણનું રુપવણઁન પણ સરસ રીતે વ્યકત થયુ છે.

સખી શરદપૂનમની રાતલડી એનો ભમર ગયો આકાસ લીલા ગિરધારી
કંસ રાયે કંકોતરી મોકલી જઈ દેજો ભાણેજાને હાથ લીલા ગિરધારી

તો આજ પ્રદેશનું પણ કૃષ્ણનાં સંદભઁ વાળુ આ લોકગીત માં કૃષ્ણ નું કાનજી નામ લોકગીતમાં સંગીત મધુરતા ઉભી કરે છે અને કણબણ શબ્દ ગોપી અને રાધાનાં ભાવ સાથે અથઁની મધુરતા પણ વ્યકત કરે છે.

ચાલોને કાનજી ચડો ચાખડીએ નગરી જોવા જઈએ મારા વાલા
ઈ નગરી વાણિયા બ્રાહ્મણ કણબીનો પાર મારા વાલા

તો વઢિયાર પ્રદેશનાંઆ લોકગીત – માથે મટુચી –માં ઉત્તરગુજરાતની બોલીની લાક્ષણિકતા સાથે ભાવસભરતા પણ વ્યકત થાય છે

માથે મટુચીને મૈડાની ગોળી
મૈ વેચે મૈયારા વવારુ મૈ વેચવાને જ્યાતા.........

ટૂંકમાં કૃષ્ણ આપણા પંરપરાગત લોકસાહિત્ય અને તેમાય લોકગીતોમાં દેશ અને પ્રદેશભેદે કેવો વ્યકત થયો છે તે રસકીયકક્ષાએ તપાસવાનો પ્રયાસ કયોઁ છે આ સિવાય હજુ ઘણાં એવા પ્રદેશો બાકી છે જંયા કૃષ્ણ વિશે હઝુ વધુ જણાવી શકાય.

સંદર્ભ :::

1. લોકગીત- તત્વ અને તંત્ર –સં- બલવંત જાની
2. ગુજરાતી લોકસાહિત્ય માળા ભાગ -૮ અને ૬ -સં-મજુંલાલ મજમુદાર અને અન્ય

*************************************************** 

પ્રા. બળદેવ મોરી  
મ.દે દેસાઈ ગ્રામસેવા મહાવિધાલય, 
રાંધેજા, તા. જિ. ગાંધીનગર

Previousindexnext
Copyright © 2012 - 2025 KCG. All Rights Reserved.   |   Powered By : Knowledge Consortium of Gujarat
Home  |  Archive  |  Advisory Committee  |  Contact us