નારી સંવેદનાને વ્યક્ત કરતો વાર્તા સંગ્રહ ‘બાંધણી’
‘મીરાં યાજ્ઞિકની ડાયરી’ અને ‘અખેપાતર’ જેવી સમુદ્ધ નવલક્થાઓથી ખ્યાત થયેલાં બિન્દુ ભટ્ટ ‘બાંધણી’ નામે વાર્તા સંગ્રહ આપે છે. આમ તો વિવેચન, અનુવાદ, નિબંધ અને સંપાદનમાં પણ કેટલુંક સાહિત્ય આપી ચૂકયાં છે. પણ ખાસ કરીને એમની કલમ નારી સાહિત્ય વિશે વધારે ચાલી છે-ચલાવે છે. ‘મીરાં યાજ્ઞિકની ડાયરી’ અને ‘અખેપાતર’ જેવી નારી સંવેદનાને ભારોભાર આલેખનારી સફળ કૃતિઓ આપ્યા પછી ‘બાંધની’ નામે વાર્તા સંગ્રહ આપે છે. આ સંગ્રહ પણ નારી સંવેદનાને વાચા આપનાર સમુદ્ધ વાર્તા સંગ્રહ બન્યો છે. વાર્તાની બાંધણીથી શરૂ કરીને પુસ્તકની બાંધણી સુધી બધું માણવા જાણવા જેવું સ-રસ છે.
વિષય વૈવિધ્યની સાથે અવતરેલી બાંધણી’ની બાર વાર્તાઓ લેખિકના મનો જગતની નીપજ બની છે. કહીં શકાય કે અંગત બિનઅંગત મનોભાવની જાગૃત પરિકલ્પના. એટલે જ લેખિકા કહે છે કે ‘…વાર્તા લખતી વખતે કોરા કાગળનો આતંક ન જીરવાતાં લખવાનું છોડી દેવાનું મન થાય. જાતને ખોડવી પડે...’(પૃ:૮) જાતને ખોડતાં ખોડતાં લેખિકાએ અહિયાં સ્ત્રી જગતની વેદના સંવેદનાઓને ખોડી છે.
‘દહેશત’ બાંધણીની પહેલી વર્તા. વર્ષાના પાત્ર દ્વારા સ્ત્રી સંસાર જીવનની કેટલીક દહેશતો વર્ણવાઇ છે. વર્ષાના સસરા રસિકલાલની નજર/વર્તનને પારખી લેતી વર્ષા પોતાના પતિ ને કશું જ કહીં શકતી નથી. વર્ષાનું મનોમંથન જગતની સ્ત્રી વેદનાને વ્યક્ત કરનારું બન્યું છે. વાર્તાના અંતે અચાનક જ રસિકલાલનું હાર્ટ એટેકમાં મૃત્યુ થતાં વર્ષાના મનમાં રસિકલાલના મૃત્યુની દહેશત રહીં જાય છે. ફ્લેશ બૅકમાં આલેખાયેલી વાર્તા અનેકાનેક રસિકલાલોની કુનિતીનો ચિતાર આપી જાય છે. ‘મંગળસુત્ર’ પ્રતીકાત્મક રીતે સ્ત્રી જીવનની કરુણતાને વ્યક્ત કરે છે. પુરુષ પ્રધાન સમાજ દીકરાની જંખનામાં પુરુષપણું ન છોડતાં સ્ત્રીની કેવી કરૂઅણતા થાય છે, તે અહીં વ્યક્ત થયું છે. સાથે સાથે પરપ્રાંતીય સ્ત્રીઓની આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક સંઘર્ષની અભિવ્યક્તિ પુષ્પાના પાત્ર દ્વ્રારા આલેખાઇ છે. ‘આંતરસેવો’ વર્તા સાસું વહુંના ચિલાચાલું સંબંધ પર છે. તારાબહેન અને લતા સાસુ વહું. પણ મા દીકરી જેવો સંબંધ. આંતર સેવાની ગાંઠ ઊકેલતાં ઊકેલતાં તારબહેન અને લતાના સંવાદોમાં લેખિકએ સ્વજનની વિદાય પછી થતી લાગણીઓને સુપેરે આલેખી છે.
‘જાગતું પડ’માં બબાભાઇ નામના પાત્રથી માણસની માણસાઇ અને ભોળપણું દર્શાવાયું છે. વાર્તામાં બબાભાઇને જાગતપડ જેવા જિવંત અને એક અસ્સલ રીતે પરોણાગત કરાવતા ભોળા માણસથી આલેખીને જાગતું પડને એક ઉત્તમ કૃતિ બનાવી છે. ‘મંગલસુત્ર’ અને ‘નિરસન’ પ્રતીકાત્મક કૃતિઓ બનવા પામી છે. પ્રથમ પુરષ એક વચનમાં ચાલતી વર્તા સ્ત્રીના માનની વ્યથાને વાચા આપે છે. શેખરના પાત્ર દ્વ્રારા લેખિકાએ જિવંત સપનાઓના સુરમાને આંખોમાંથી અનાયાસે કાઢવાનો પ્રયત્ન કર્યો છે. શેખર ખરેખર નાયિકાના જીવનમાં નિરસન બની રહે છે.
દમ્પત્ય જીવનની વાત આલેખતી કૃતિ ‘આડહાથે મુકાયેલું ગીત.’ સુજતા અને વિશ્વાસ વર્ષો સૂધી જૂદા રહે છે. મલતી નામની સુજાતાની બહેનપણીના માધ્યમ દ્વ્રારા બન્નેના હાથે આડા હાથે મુકાયેલું ગીત મળી આવે છે. જૂઓ લેખિકાએ કેવી સુંદર રીતે વર્ણવ્યું છે: “ ના,ના, નહીં આવું મેળે નહીં આવું, મેળાનો મને થાક લાગે.....” ને આમ આડા હાથે મુકાઇ ગયેલું ગીત સુજાતાના હાથમાં આવી ગયું હતું અને આ ગીત ખોવાયાનો અફસોસ વિશ્વાસના હાથમાં....(પૃ:91) ‘અભિનંદન’ , ‘ પગેરું’, ‘તાવણી’ જેવી વાર્તાઓમાં પણ લેખિકાએ સ્ત્રી સંવેદનાને ઝણઝણાવી છે. ‘ઉંબાર વચ્ચે વાર્તાતો ખરેખર ભાવકને પણ
ઉંબર વચ્ચે જ ખડો કરી દે છે. હાથના અંગુંઠના નખના મૂળમાં અચાનક નજરે પડતાં સફેદ ટપકાથી ઋજુની વ્યથા-વિચારો ભાવકને સ્ત્રી વેદનાના છેક તળીયે લઇ જાય છે.
જે વાર્તના નામે વાર્તા સંગ્રહ પ્રગટ થયો છે તે ‘બાંધણી’ વાર્તા નારી જગતની બાંધણીને પ્રગટ કરનારી બની છે. ઘરની કામવાળી ચંચળ, બા અને વિધવા વહુ વચ્ચેની વાર્તા વચ્ચે લેખિકાએ પરમ્પરા અને આધુનિક્તાના વલણોને વાગોળ્યા છે. ‘બાંધણી’ના માધ્યમથી સ્ત્રી જગતની આંતર સંવેદના સ્ફૂરવા પામી છે. યોગ્ય પાત્રો અને યોગ્ય સંવાદો તેમજ ભાષની દ્રષ્ટિએ પણ આ વાર્તાની બાંધણી ઉત્તમ રહેવા પામી છે.
વાર્તા સંગ્રહમાં સ્ત્રી જીવનની વેદનાસંવેદના સાથે કેટલીકા સાંપ્રત પરિસ્થિતિઓ પણ ઉગાડ પામી છે. વિષવ વૈવિધ્ય અને વાર્તાને અનુરૂપ અદ્લ પત્રોનો વિનિયોગ પણ વાર્તાઓને જિવંત બનાવે છે. ‘બાંધણી’ની ચંચર, ‘આંતરસેવા’માં તારાબહેન અને લતા, ‘દહેષત’માં વર્ષા, ‘જાગતું પડ’ના બબાભઇ, અને ‘આડા હાથે મુકાયેલું ગીત’નાં સુજાતા અને વિશ્વાસ ખરેખર જીવંત પાત્રો બન્યાં છે.
ભાષા અને સમ્વાદ કલા પણ વાર્તાઓને અનુરૂપ વર્ણવાઇ છે. અલગ અલગ ભાષાઓનો પ્રયોગ વાર્તાઓનું પ્રાણત્ત્વ બન્યો છે. જેમકે:- ‘…. ઇની સોડીએ પઇનાં હમજ પેટ નથી માંડ્યું. હવે હું બીજે જઉં તો કાઢી મૂકે. હવે તો છોકરાંય હમજણાં થ્યાં. બળ્યું બીજે સે જવાય? પાછું ગૉમ તો કૅસ ક્ રાંડની સોડી, ગૉમના ચાટીન ચડ્ડી થઇ સે. એક ઠેકાણે ટાંટિયો વાળીને બેસતી હશે...’ (પૃ:16) ‘....જૈસા દેશ વૈસા ભૈસ. તુમ ભી શીખો ઔર છોકરીઅન કો ભી શિખાઓ....’(પૃ:22) ‘…. બે વરહ પહેલાં ઘરેથી પાછાં થ્યાં. એક છોડી છે નવ વરહની તે મોકલી દીધી બોન પાંહે. અહીં કોન કરે એની જળોજથા? એયને આપરે મસ્તરામ.એકલા જેવો કોઇ મજો નંઇ....’ (પૃ:73) આમ અનેક વિધ ભાષાઓનો ઉપયોગ કરીને ભાષા વૈવિધ્યની સાથે તાલ મીલાવવામાં લેખિકા સફળ રહ્યાં છે.
અહિ બિંદુ ભટ્ટે ખરેખરી નારી સંવેદનાને પકડી છે. શ્રી કિરીટ દૂધાત કહે છે તેમ: ‘મીરાં યજ્ઞિકની ડાયરી’ અને ‘અખેપાતર’ નવલકથાઓ દ્વ્રારા દેશના સાહિત્ય રસિકોનું ધ્યાન ખેંચનાર બિંદુ ભટ્ટ વાર્તા સંગ્રહ ‘બાંધણી’ લાઇને આવે છે, ત્યારે આ ઘટના પણ ગુજરાતી સાહિત્યજગત પૂરતી જ મર્યાદિત નહીં રહે એવી આગાહી કરવાનું મન થાય છે. (છેલ્લું પેઇજ) દૂધાત સાહેબની હામાં હા ભીડવામાં કોઇ અતિશયોક્તિ નથી. અને એ પણ સાચુ કે ‘…દૈવ અને દુનિયાએ સર્જેલી માનવીત ટ્રેજેડીમાં ભરાઇ પડેલી સ્ત્રીઓ સમગ્ર પરિસ્થિતિને, પ્રતમતો સમજવાનો અને સ્ત્રીત્વ તથા માનવતા ગુમાવ્યા વિના તેમાંથી સમજ અને સંમાન પૂર્વક બહાર નીકળવાના જે પ્રયાસ કરે છે તે પ્રયાસો એટલે બાંધણીની વાર્તાઓ...’
***************************************************
ડૉ. દશરથ સો. પટેલ. (ગુજરતી વિભાગ)
સરકારી વિનયન કૉલેજ, અમીરગઢ.
જિ: બનાસકાંઠા
|