રવીન્દ્રનાથના બાળસ્મૃતિ કાવ્યો
રવીન્દ્રનાથ ટાગોર કવિ, વાર્તાકાર, નાટકકાર, નિબંધકાર, નવલકથાકાર, પ્રવાસકાર ઉપરાંત ઉત્તમ ગીતકાર અને સંગીતકાર પણ હતા. તેઓ એકમાત્ર એવા કવિ છે જેમણે બે દેશોનાં રાષ્ટ્રીય ગીત આપ્યા છે. જેમા એક ભારતનું 'જનગણમન' અને બીજું બાંગ્લાદેશનું 'આમાર સોનાર બાંગ્લા'. આમ કવિવર ટાગોરની કલમમાંથી ફૂટેલી રચનાઓએ રાષ્ટ્રગીતનો દરજ્જો પ્રાપ્ત કર્યો છે. ૧૯૧૩માં તેમના પુસ્તક 'ગીતાંજલિ'ને સાહિત્યનું નોબેલ પારિતોષિક મળ્યું હતું. જે ભારતીય સાહિત્યએ ગર્વ લેવા જેવી બાબત છે. કારણકે સાહિત્યક્ષેત્રે ટાગોર સિવાય આ બહુમાન પ્રાપ્ત કરવાનો મોકો હજુ સુધી બીજા કોઇ અન્ય ભારતીયને મળ્યો નથી. રવીન્દ્રનાથ ટાગોર પાસેથી આપણને 'ગીતાંજલિ', 'પુરબી', 'પ્રવાહિની', 'શશિ', 'ભોલાનાથ', 'મહુઆ', 'વનવાણી', 'પરિશેષ', 'પુનશ્ચ', 'વીથિકા', 'શેષલેખા' અને 'ચોખેરબાલી' વગેરે પુસ્તકો પ્રાપ્ત થયા છે. ટાગોરે બાળસાહિત્યનું પણ ખૂબ સર્જન કર્યું છે. 'શિશુ', 'ખાપછડા', 'ગલ્પ શલ્પ' અને 'છડા' તેમની જાણીતી બાળ સાહિત્યિક કૃતિઓ છે. 'કાબુલીવાલા' તેમની ખૂબ જ જાણીતી બાળવાર્તા છે. તેમની ઘણી સાહિત્યકૃતિઓનો ગુજરાતી ભાષામાં અનુવાદ પણ થયો છે.
રવીન્દ્રનાથની કવિતા સામાન્ય રીતે પોતાનાં અંગત જીવનની અનુભૂતિરૂપે વ્યક્ત થયેલી છે. એમનું બાળપણ એકદમ બંધન અવસ્થામાં વીત્યું હતું. બાળપણમાં એમને સ્વતંત્રતા જેવું કંઇ ન હતું. બાળપણમા એમને ઘરમાં પૂરી રાખવામાં આવતા. અહીં વરંડામાં આવેલી બારી પાસે બેસી તેઓ સમય પસાર કરતા. વરંડાની બારીની નીચે જ એક ઓવારા બાંધેલું તળાવ હતું આ તળાવનાં પશ્ચિમ કાંઠે એક વિશાળ પ્રાચીન વડ હતો અને દક્ષિણ છેડે નાળીયેરીનાં ઝૂંડ હતા. આ વિશાળ પ્રાચીનવડ અને નાળીયેરીનાં ઝૂંડ સાથે એમને મિત્રતા બંધાયેલી, એને તેઓ છેક ચોવીસ વર્ષની વય સુધી ભૂલ્યા નહોતા. ચોવીસ વર્ષની વયે પ્રાચીન વડનું વર્ણન કરતા તેમણે ‘પુરાણો વડ’ નામે કવિતા લખી છે, તેમા જણાવ્યું છે કે,
“ઝૂલી પડે છે જટિલ જટા, ઘાડાં પાનોની ગહન ઘટા
અહીં તહીંયા રવિની છટા, તળાવ કાંઠે વટ.
દશે દિશામાં ફેલાવી શાખા, કઠિન બાહુ વાંકાચૂકા
સ્તબ્ધ જાણે રહ્યા છે આંક્યા, શિરે આકાશ પટ.” (પૃ.૯)
અપુરાણાવડ સાથે બાળપણમાં બંધાયેલી મિત્રતાને યાદ કરી વડને ફરિયાદ કરતાં લખે છે.
“રાત દિવસ ઊભો છે તું તો માથે લઇને જટ
નાના બાળકની કદી આવે યાદ ઓ પ્રાચીન વટ ?
કંઇક પંખી તારી શાખે બેસી ઊડી જાય
નાના બાળકને તે પેરે ભૂલવો નવ સોહાય.” (પૃ. ૯-૧૦)
એમની કવિતાઓમાં વારંવાર આ તળાવ, પ્રાચીન વડ અને નાળીયેરીનાં ઝૂંડ સ્થાન પામ્યા કરે છે. બાળપણથી જ એમને પ્રકૃતિના વિવિધ સ્વરૂપોએ આકર્ષ્યા છે. એમના બાળચિત્ત પર પ્રકૃતિનાં વિવિધ ચિત્રો અંકિત થયા છે અને એના પ્રતિબિંબો સતત એમની કવિતાઓમાં કયાંક ને કયાંક પડ્યા કરે છે. એમની ઉત્તરવયમા લખાયેલા ‘બાળક’ કાવ્યમાં એઓ જણાવે છે.
“બાદલેર દિને ગુરુ ગુરુ કરે તાર બુક ઉઠત દુલે
વટ ગાછેર માથા પેરિયે કેશર ફુલિયે દલેદલે
મેઘ જુટત ડાનાવાલા કાલો સિંહેર મતો.
નારકેલ ડાલેર સબુજ હત નિબિડ,
પુકુરેર જલ ઉઠત શિઉરે શિઉરે
જે ચાંચલ્ય શિશુર જીવને રુદ્ધ છિલ
સેઇ ચાંચલ્ય બાતાસે બાતાસે વને વને.”
(વરસાદનાં દિવસોમાં ગડ ગડ કરતું હૈયું ડોલી ઊઠતું, વડનાં ઝાડની ટોચની પેલી બાજુ કેશવાળી ફૂલાવીને પાખવાળા કાળા સિંહનાં જેવા વાદળાંનાં ટોળેટોળાં મળતા, નાળિયેરીની ડાળોનો લીલો રંગ ઘેરો થતો, તળાવનું પાણી વારે વારે કંપી ઊઠતું. જે ચાંચલ્ય બાળકના જીવનમાં રૂંધાયેલું હતું તે ચાંચલ્ય પવનનાં ઝપાટામાં અને વનનાં આંદોલનમાં વ્યાપી જતું.) (પૃ.૫૩)
એટલું જ નહીં પોતાની જેમ સદાય બંદીવાન રહેલું તળાવ અચાનક ચોમાસાનાં દિવસોમાં છલકાઇ જતાં ગાંડાની જેમ ગમે તે દિશામાં ચાલવાં માંડ્યું છે તે જોઇ કવિ બોલી ઊઠે છે.
“કાલ પર્યત પુકુરટા છિલ આમારિ મત બાઁધા
એ બેલા ઓ બેલા તાર ઉપરે પડત ગાછેર છાયા,
ઉડો મેધ જલે બુલિયે જેત ક્ષણિકેર છાયા તુલિ,
વટેર ડાલેર ભિતર દિયે, જેન સોનાર પિચકારિતે
છિટકે પડત તાર ઉપરે આલો,
પુકુરટા ચેયે થાકત આકાશે છલછલ દૃષ્ટિતે.
આજ તાર છુટિ, કોથાય સે ચલલ ખૅપા
ગેરુયા પરા બાઉલ જેન.”
(કાલ સુધી તળાવ મારી જેમ જ બંધિવાન હતું. સવારે અને સાંજે તેના ઉપર ઝાડનો પડછાયો પડતો. ઊડતાં વાદળાં પાણી ઉપર ક્ષણિક છાયાની પીંછી ફેરવી જતાં. વડની ડાળોમાં થઇને જાણે સોનાની પિચકારીથી તેનાં ઉપર પ્રકાશની ધારા પડતી. તળાવ છલકાતી આંખે આકાશ તરફ જોઇ રહેતું. આજે તેને છુટ્ટી મળી ગઇ, ભગવા પહેરેલા ગાંડા બાઉલની જેમ એણે પણ કોણ જાણે કયાં ચાલવા માંડ્યું) (પૃ.૫૩-૫૪)
પોતાના બાળપણની સ્મૃતિઓને તેમણે ઉત્તરવયમા લખેલા ‘પુનશ્ચ’ પુસ્તકમાં સંગ્રહિત ‘ખોવાઇ’ નામની કવિતા દ્વારા તાજી કરી છે. એમણે લખ્યું છે,
“એસેછિનુ બાલકકાલે. ઓખાને ગુહાગહવરે,
ઝિરઝિર ઝરનાર ધારાય, રચના કરેછિ મન-ગઢા રહસ્યકથા,
ખેલેછિ નુડિ સાજાયે નિર્જન દુપુરબેલાય આપનમને એકલા.”
(બાળપણમા હું આવ્યો હતો પણે ગુહાગહવરમાં,ઝરઝર ઝરતી ઝરણાની ધારામાં, મેં કપોલ કલ્પિત રહસ્યકથા રચી છે. નિર્જન બપોરની વેળાએ એકલો એકલો કાંકરા ગોઠવીને રમ્યો છું.) (પૃ.૩૩-૩૪)
રવીન્દ્રનાથને બાળપણથી જ પુસ્તકો પ્રત્યે લગાવ હતો. સમજે કે ન સમજે પણ જે પુસ્તક હાથે ચડે તેને વાંચી નાખતા. તેઓ ‘યાત્રાપથ’ નામની કવિતામાં લખે છે,-
“મને પડે, છેલેબેલાય જે બઇ પેતુમ હાતે,
ઝુકે પ’ડે જેતુમ પ’ડે તાહાર પાતે પાતે.
કિછુ બુઝિ, નાઇ વા કિછુ બુઝિ,
કિછુ ના હોક્ પુંજિ.”
(મને યાદ છે કે બાળપણમાં જે ચોપડી હાથમાં આવતી તેના ઉપર ઝૂકી પડીને પાને પાનું વાંચી જતો, કંઇક સમજું કંઇક ન સમજું, ભલે કશી પૂંજી ભેગી ન થાય.) (પૃ.૪૬)
રવીન્દ્રનાથે બાળપણમાં જ રામાયણ, મહાભારત અને ચાણક્યના નીતિસૂત્રોના બંગાળી અનુવાદ વાંચી લીધા હતા. આ ગ્રંથોની તેમના બાળમાનસ ઉપર ઊંડી અસર પડી છે. એકવાર એમની માતાનાં ઘરડા કાકીનું જૂનું રામાયણ એમના હાથમાં આવી ગયું. તેને વાંચતી વેળા એમા આવતા એક કરુણ પ્રસંગને કારણે એમની આંખમાં આંસુ આવી ગયા જે દાદીમાએ જોઇ લીધા અને બાળ રવીન્દ્રના હાથમાંથી પુસ્તક આંચકી લીધું. આ પ્રસંગને યાદ કરતાં તેઓ ‘યાત્રાપથ’માં લખે છે.
“કૃત્તિવાસી રામાયણ એ વટતલાતે છાપા,
દિદિમાયેર બાલિશ-તલાય ચાપા.
આલગા મલિન પાતાગુલિ, દાગી તાહાર મલાટ
દિદિમાયેર મતોઇ જૅન બલિ-પડા લલાટ.
માયેર ઘરેર ચૌકાઠેતે બારાંદાર એક કોણે
દિન-ફુરાનો ક્ષીણ આલોતે પડેછિ એક મને.”
(વટતલામાં છાપેલું કૃત્તિવાસી રામાયણ દાદીમાના ઓશિંકા નીચે દાબેલું રહેતું. પાના તૂટી ગયેલા, મેલા અને ડાઘાડાઘાવાળા હતા. દાદીમાની જેમ એનું પણ જાણે કરચલીઓવાળુ કપાળ હતું. માના ઓરડાનાં બારણાની સામે વરંડાનાં એક ખૂણામાં બેસીને ઢળતા દિવસનાં આછા પ્રકાશમાં એક મને વાંચ્યું હતું.) (પૃ.૪૯)
રવીન્દ્રનાથના જન્મ સમયે પિતાનો વૈભવવિલાસ કે જાહોજલાલી વિશેષ ટક્યા નહોતા છતાં એના ઠાઠ, ખાનદાની અને રીત રિવાજોએ એની પરંપરા જાળવી રાખી હતી. રવીન્દ્રનાથનું બાળપણ ખૂબ સાદાઇમાં વીત્યું હતું. માતાપિતાનો જે પ્રેમ બાળ રવીન્દ્રને મળવો જોઇએ તેટલો મળ્યો ન હતો. પિતા તો કારભારમાં અને જમીનદારીમાં વ્યસ્ત રહેવાને કારણે બાળકોને જરૂરી સમય ન ફાળવી શકે તે સ્વાભાવિક હતું. પરંતું માતાનો સંસર્ગ પણ ઓછો મળ્યો હતો. એનું એક કારણ એ હોઇ શકે કે તેઓ સાત પુત્રો અને પાંચ પુત્રીઓની માતા હોઇ બધા બાળકોની પૂરતી સંભાળ ન લઇ શકે. બીજું કારણ એ હોઇ શકે કે, એમનાં શિરે મોટા ઠાકુર કુટુંબની કેટલીક જવાબદારીઓ પણ હતી. જવાબદારીઓમાંથી ક્યારેક નવરા પડે તો કાકી સાથે ગંજીફો રમ્યા કરતા. અને ત્રીજું કારણ એ પણ આપી શકાય કે, બાળ રવીન્દ્ર અન્ય ભાઇ-બહેનોના ગૌરવર્ણની તુલનામાં વધારે શ્યામવર્ણના હતા. બાળ રવીન્દ્રનો શ્યામવર્ણ પણ માતાજીને બહુ પસંદ ન હતો. આવા કેટલાક કારણોને લીધે ઠાકુર કુટુંબના બાળકો મોટાભાગે દાસ-દાસીઓને હાથે જ મોટા થતાં. ‘જીવનસ્મૃતિ’માં એમણે લખ્યું છે કે, “માને અમે ઓળખતા ન હતા. અમને મા કદી મળ્યા જ ન હતા. તેઓ તેમના ઓરડામાં પાટ ઉપર બેસી રહેતા અને કાકી સાથે ગંજીફો રમ્યા કરતાં. અમે આકસ્મિક ત્યાં જઇ ચડતા તો નોકરો એકદમ અમને ખેંચીને લઇ જતાં. જાણે કે અમે એમના માટે એક પ્રકારનો ઉપદ્રવ હોય એમ એમને લાગતું. મા એ શી વસ્તું છે એ હું જાણી શક્યો ન હતો. એટલે જ તેમને મારા સાહિત્યમાં સ્થાન નથી મળ્યું. મારા મોટા બહેને જ મને મોટો કર્યો છે. તેઓ મારા ઉપર ખૂબ હેત રાખતા. માનું વ્હાલ તો જ્યોતિદા અને બડદા ઉપર જ વિશેષ હતું. હું તો તેમનો કાળો છોકરો હતો.” (પૃ.૧)
માનો પ્રેમ પામવા માટે બાળ રવીન્દ્ર સદાય તલસતા રહ્યા છે. મા પ્રત્યે એમને કેટલો લગાવ હતો તેનો ખ્યાલ તો આપણને એમના ઉત્તરવયમાં લખાયેલા ‘મનેપેડા’ કાવ્ય દ્વારા આવે છે. તેઓએ લખ્યું છે કે,
“માકે આમાર પડે ના મને.
શુઘુ કખન ખેલતે ગિયે હઠાત્ અકારણે
એકટા કી સુર ગુનગુનિયે કાને આમાર બાજે,
માયેર કથા મિલાય જૅન આમાર ખેલાર માઝે.
મા બુઝિ ગાન ગાઇત, આમાર દોલના ઠેલેઠેલે,
મા ગિયે છે, જેતે જેતે ગાનટિ ગૅછે ફેલે.”
(મા મને યાદ આવતી નથી. માત્ર કોઇક વાર રમવા જતાં અચાનક અકારણ કોઇ એક સૂર ગણ ગણ કરતો મારે કાને અથડાય છે, કેમ જાણે મારી માતાના શબ્દો મારી રમતમાં ભળી ન જતા હોય. મા મને હીંચોળા નાખતી નાખતી ગીત ગાતી હશે, મા તો ચાલી ગઇ છે, પણ જતાં જતાં ગીત મૂકતી ગઇ છે.) (પૃ.૪૧)
તેમજ
“માકે આમાર પડે ના મને.
શુઘુ જખન બસિ ગિયે શોબાર ઘરેર કોણે,
જાનલા થેકે તાકાઇ દૂરે નીલ આકાશેર દિકે.
મને હય, મા આમાર પાને ચાઇ છે અનિમિખે.
કોલેર પરે ઘરે કબે દેખત આમાય ચેયે,
સેઇ ચાઉનિ રેખએ ગૅછે સારા આકાશ છેયે.”
(મા મને યાદ આવતી નથી. કેવળ જ્યારે સૂવાના ખંડમાં એક ખૂણામાં જઇને બેસું છું, અને બારીમાંથી દૂર નીલ આકાશ તરફ જોઉં છું ત્યારે એમ થાય છે કે, મા મારા તરફ અનિમેષ નયને જોઇ રહી છે. કોઇ સમયે મા મને ખોળામાં લઇને જોતી હશે, તે દ્દષ્ટિ સારા આકાશ ભરમાં તે મૂકતી ગઇ છે.)(પૃ.૪૧-૪૨)
આમ, રવીન્દ્રનાથના બાળસ્મૃતિ કાવ્યો એમની અંગત અનુભૂતિની સરવાણીમાંથી પ્રગટેલી લાગણીસભરતાનાં કાવ્યો છે. એમા તલસાટ છે તો તરવરાટ પણ છે. એમાં ઊર્મિશીલતા છે તો જિજ્ઞાસાવૃત્તિ પણ છે. એમાં કંઇક પામવાની કે મેળવવાની ચાહ છે તો આત્માને દઝાડે તેવો દાહ પણ છે. એમાં વ્યગ્રતા, વ્યથિતતા કે વિષાદતા છે તો તેમાં ઉત્સાહ, ઉત્કંઠતા અને આનંદ પણ છે.
(નોંધ - ઉપરોકત કાવ્યપંકિતઓ અને એના અનુવાદો નગીનદાસ પારેખ લિખિત ‘રવીન્દ્ર પૂર્વચરિત’માંથી લીધેલ છે.)
સંદર્ભ :::
1. રવીન્દ્ર પૂર્વચરિત - નગીનદાસ પારેખ - પ્ર.આ. ૧૯૯૭
2. રવીન્દ્રસંચય – ભોળાભાઇ પટેલ અને અનિલા દલાલ – પ્ર.આ. 2003
***************************************************
ડૉ.હિમ્મત ભાલોડિયા
આસી. પ્રોફેસર, ગુજરાતી વિભાગ,
સરકારી વિનયન કૉલેજ,
ગાંધીનગર. |