logo

ભાસની નાટયકૃતિઓમાં દાશૅનિક વિચાર

ભાસની નાટયકૃતિઓમાં દાશૅનિક વિચારોને શોધવાનો અહી પ્રયાસ થયો છે. ઋગ્વેદનાં દાશૅનિક સૂકતો, ઉપનિષદો કે વેદાન્ત કે અન્ય દશૅનનાં તત્વોનું સીધું નિરુપણ ભાસના રૂપકોમાં જોવા મળતું નથી. પરંતુ ભાસના સમયમાં પ્રચલિત કેટલાંક દશૅનો, વેદિક પરંપરાઓ વગેરેના પરોક્ષ નિદેશો આપણને ભાસની કૃતિઓમાં જોવા મળે છે. તેથી, ભાસે પોતાની કૃતિઓમાં જોવા મળતું જીવન દશૅન એવા અથૅમાં આપણે “દાશૅનિક વિચારો” શોધવા પ્રયત્ન કરીશું.

ભાસના રૂઢિગત વિચારોમાં અને મંગલપધોમાં કાલિદાસ જેવું ઉડાણ નથી. છતા ભાસ વૈદિક દશૅનના સિધ્ધાંતોને મહત્વ આપવા પ્રયત્ન કરે છે. એસ.પી.ઐયર કહે છે કે “He is not a Philosopher,but a theologian,his dogmatic asserations and prayers have not the depth of kalidas” 1 જયારે તૈતિરીય ઉપનિષદના પ્રારંભે मातृदेवो भव અથૉત માતા છે દેવ જેની તેવો તું બન (તૈતિરીય ઉપનિષદ 1-10-2) ના ઉપદેશને ચરિતાથૅ કરવા ધટોત્કચને ભાસે માતૃભકત બનાવ્યો છે.

ભાસના સમયમાં વેદ સંપ્રદાય,જૈન સંપ્રદાય, બોધ્ધ સંપ્રદાય પણ પ્રચલિત હશે. પરંતુઆ સંપ્રદાયમાં પણ દંભ પ્રવેશી ચૂકયો હતો. માત્ર જનોઇ ધારણ કરવાથી બ્રાહ્મણ સંજ્ઞા મળે. લાલ વસ્ત્ર પહેરવાથી બોધ્ધ બની શકાય. અને વસ્ત્ર ન ધારણ કરવાથી જૈન સંજ્ઞા મળતી હતી. (यॼो पवीतेन बाह्मण चीवऱेण ऱकतपट । यदि वस्त्रम अवऩयामि श्रमणको भवामि । (અવિમારક,અંક 5-5 )પછી જનોઇના દિવસે બ્રહ્મસૂત્ર (યજ્ઞોપવીત) નું કામ સાદ્ગી આપે, રાત્રે ચોરી કરતી વખતે ,ભીંતમાં બખોલ કરવા માટે જનોઇ માપવાના કામમાં ઉપયોગી થાય એટલે કમૅસૂત્ર બની જાય.? (ચારૂદત,ક્ષ્લોક 10 ની ઉપર) “ ચારૂદતનો વિદૂષક કહે છે કે – દાસી સ્ત્રી દ્રારા જેને મિલન સંકેત મળેલ છે તેવા બોધ્ધ સાધુને જેમ નિદ્રા ન આવે તેમ મને નિદ્રા આવતી નથી.

ભાસના સમયમાં પાંચરાત્ર સંપ્રદાય વધારે પ્રચલિત હશે. નાટયકાર ભાસ પોતે આ સંપ્રદાયના હોવાનુ જણાય છે. “The panchtantra system of phseems to have been the creed of the author of the pla2 ભાસે પોતાની તેર કૃતિમાંથી એક કૃતિનુ નામ પંચરાત્ર રાખેલ છે.પાંચરાત્રિઓમાં ગુપ્તવાસમાં રહેતા પાંડવો જણાઇ જાય તો દુયોધન તેમને અધૃ રાજય આપી દેવા તૈયાર થાય છે. નાટકમાં તેમ બને છે. પાચરાત્ર સંપ્રદાયમાં વાસુદેવ મુખ્ય ગણાય છે.સંકષૅ,પ્રધુમ્ન અને અનિરુધ્ધ તેના જ સ્વરૂપો ગણાય છે.આ ચારને અનુક્ર્મે પરમાત્મા,જીવ,મન, અને અંહકારના સ્વરૂપો માનવામાં આવે છે.

ભાસે પોતાના નાટકોમાં દશૅનશાસ્ત્રના વિચારોનો પણ વિનિયોગ કરેલો છે. જેમકે, દૂતવાકયમાં દુયોધન દૂતરૂપે આવેલા શ્રીકૃષ્ણને ઉદેશીને કહે છે કે – અરે બહુ માયાવી આ દૂત છે.(દૂતવાકય,પઘ 17 પછી) “ચારૂદતમાં સજ્જલક કોઇક્ના શરીરમાં પ્રવેશવાની વિઘાવાળા પોતાને માયારૂપ ગણીવે છે. (પઘ-11 ચારૂદત) બાલચરિતમાં વસુદેવના તમસના વણૅનમાં માયાનું સૂચન જણાય છે તમસથી આવૃત આ લોકમાંથી નિકળવાના માગૅને નહી જોઇ શકનારને શ્રીકૃષ્ણ પ્રકાશ આપે છે. (બાલચરિત 1-17) છાન્દોગ્ય ઉપનિષદમાં સનત્કુમાર નારદને પેલી પાર પહોચાડે છે (છાન્દોગ્ય ઉપનિષદ 7-26) છાન્દોગ્ય ઉપનિષદ અને બાલચરિતના વિચારોમાં સામ્ય જોવા મળે છે.

ભાસે વૈદિક દશૅનને અનુસરીને માત્ર બે જ પરિબળોને મહાન ગણાવે છે- તપ અને ઘનુષ્ય અથૅાત બ્રાહ્મણ અને ક્ષત્રિય, પ્રતિમાનાટ્કમાં રામ કહે છે કે પિતૃને પિડંદાન આપવાના સમયે જે પદાથૅોથી પિતૃઓ તૃપ્ત થાય તે પદાથૅને કાં તો તપથી અથવા તો ઘનુષ્યથી પ્રાપ્ત કરવાનુ રામ કહે છે. જાણે કે આ,તપ અને ઘનુષ્ય બે દ્રારા ન મેળવી શકાય તેવો કોઇ પદાથૅ નથી.(પ્રતિમાનાટક. 5-9) જે શુકલ યજૅુવેદની માઘ્યાંદિસંહિતા અઘ્યાય 32 ના શ્ર્લોક 16 પણ આ જ વિચાર જોવા મળે છે.

આ ઉપરાંત પ્રતિમાનાટકમાં પણ વિવિઘ શાસ્ત્રો વિષયક જ્ઞાન જોવા મળે છે જેમકે પ્રતિમાનાટકમાં બ્રાહ્મણ તરીકે આવેલો રાવણ પોતે ભણેલા શાસ્ત્રો ગણાવે છે તેના પરથી ભાસના સમયમાં પ્રચલિત શાસ્ત્રો વિશે અનુમાન કરી શકાય છે. બ્રાહ્મણનો આચાર પ્રગટ કરતા રાવણ પોતાનો પરિચય આપતા કહે છે. કે – હું કાશ્યપ ગોત્રનો બ્રાહ્મણ છું શિક્ષાદિ છ અંગો અને મીમાંસાદિ ઉપાંગો સાથે મેં વેદનુ અઘ્યયન કરેલ છે માનવીય ધમૅશાસ્ત્ર, માહેશ્ર્વર યોગશાસ્ત્ર,બૃહસ્પતિનું અથૅશાસ્ત્ર, મેઘાતિથિનું ન્યાયશાસ્ત્ર, પ્રચેતસનું શ્રાધ્ધકલ્પ આ શાસ્ત્રોનું મેં અધ્યયન કયૅું છે. रावण याववदहमहि .....च। (પ્રતિમાનાટક 5/8 પછી) ભારતીય દશૅનમાં જન્મ અને મૃત્યુને અનિવાયૅ ગણવામાં આવેલા છે. દોરડું કપાઇ ગયા પછી ઘટને કોઇ ઘારણ કરી શકતું નથી. તેમ મૃત્યુકાલ આવે ત્યારે કોઇ તેને અટકાવી શકતું નથી. મૃતજનની પાછળ માત્ર આસું સારીને તેના પ્રત્યેનું ઋણ ચૂકવાય છે. ઋણ ચૂકવાયા પછી જ બુધ્ધિ નિમૅલ બને છે. ભારતીય પરંપરાના આ વિચારો ભાસે નાટકના સંવાદમાં ગૂંથી લીઘા છે.

ભાસે સ્વપ્નવાસવદતા નાટકમાં વત્સપ્રદેશના લાવાણક ગામને વેદના વિશિષ્ટ અભ્યાસના કેન્દ્ર તરીકે ગણાવેલ છે. જે આજના સમયમાં પણ વિધાલયો કે યુનિવસિૅટીઓ ગ્રામ કે પ્રદેશમાં સ્થપાય તે આજે પણ અપેક્ષિત છે. (સ્વપ્નવાસવદતમ્ નાટક અંક 1-12) “અવિમારક” નાટકમાં આભૂષણરહિત કૂરંગીને હેતુ કે તકૅના સમથૅન વગરની વેદશ્રુતિ સાથે સરખાવેલ છે. (અવિમારક અંક- 5-1) દશૅન પરંપરામાં વેદશ્રુતિને સ્વત: પ્રમાણ માની છે. વદને અનુસરનારા કે વેદમાં શ્રધ્ધા કે વેદમાં કહેલા વિષયનું સમથૅન કરનારા તકૅને જ વૈદિક પરંપરા સ્વીકારે છે. ત્યાં ભાસ (तदथॅग़हणदायॉय अनुमानमपि.......... બ્રહ્મસૂત્ર શાંકર ભાષ્ય 1-1-2) આ પરંપરા પ્રત્યે ભાસનો ઇશારો લાગે છે. લોભ એક મોટો દુગુણ છે. તે દોષ માનવીનું અઘ:પતન કરાવે છે. ઊરૂભંગમાં દુયૉધનના ઉદગારમાં આ દાશૅનિક વિચાર સ્પષટ થાય છે. રાજય કે સંપતિના મોહથી મનુષ્ય યુધ્ધ કરે છે. પરંતુ બઘું જ વિનાશની ગતૉમાં હોમાઇ રહ્યું છે. એવુ ભાન દુયૉધનને અંતિમ ક્ષણોમાં થાય છે. તે કહે છે કે – હવે યુધ્ધ કરવાથી શો લાભ? (ઊરૂભંગ 1-33) દુયૉધન અશ્ર્વત્થામાને શસ્ત્રત્યાગ કરવાનું કહે છે. (ઊરૂભંગ 1-61) આમ ભાસના નાટકોમાં યુધ્ધને ટાળવાનો પ્રયાસ સ્પષ્ટ દેખાય છે. પંચરાત્ર નાટકમાં પણ સંગ્રામને ટાળવા ભાસે એક નવી જ કલ્પના આપી છે.

ચારૂદતમાં સજ્જલક કહે છે કે મનુષ્યના શંકા કે ભય થવાનું કારણ તેના પોતાના જ દોષો છે. (ચારૂદત પૃ-276) વળી, કોઇકના પ્રત્યે બહુમાનની લાગણી થાય કે બીજા પ્રત્યે દ્રેષનો ભાવ થાય તેનુ કારણ મનુષ્યના પોતાના સંકલ્પ અથવા પોતાનું મન જ છે. (સ્વપ્નવાસવદતમ્ નાટક અંક 1-7) ભાસની કૃતિઓમાં પ્રારબ્ધ અને પુરૂષાથૅ બન્નેનો મહિમા વણૅવાયો છે. રથચક્રના આરઓની પંકતિ પણ મનુષ્યને ઉપર-નીચે જેમ જાય તેમ ભાગ્યની પંકતિ પણ મનુષ્યને ઉપર-નીચે વારાફરતી લઇ જાય છે. (સ્વપ્નવાસવદતમ્ નાટક અંક 1-4) ભારતીય ષડ્દશૅનમાં ક્રિયમાણ (હાલ કરાતા) કમૅ, સંચિત (ભેગા થયેલા) કમૅ, અને પ્રારબ્ધ (ફ્ળ આપવાનુ જે સંચિત કમૅ શરૂ કયૅુ છે તે) કમૅ-એમ ત્રણ પ્રકારના કમૅો મનાય છે. તેમાથી ક્રિયમાણ અને સંચત કમૅને જ્ઞાનરૂપી અગ્નિ બાળી નાખે. પરંતુ, પ્રારબ્ધ તો ભોગવવું જ પડે.तस्य़ तावदेव चिर या वत् न विमोष्ये ।(છાંદોગ્ય ઉપનિષદ 6-142) જે (બ્રહ્મસૂત્ર 4-1-15) अनारब्घकाये ऐव तु पूवॅ तदवघे ।। અપ્રારબ્ધ એટલે કે પૂવૅનાં બે ક્રિયમાણ અને સંચિત,જ્ઞાનથી નાશ પામે.કારણકે છાંન્દોગ્ય ઉપનિષદ પ્રારબ્ધ ભોગ સુધીની અવધિ બતાવી છે. 3

ભાસે પુરૂષાથૅનું મહત્વ પણ એટલું જ દશાવ્યું છે. કાષ્ઠના સતત ઘષૅણથી અગ્નિ પ્રગટે,સતત ખોદવાથી ભૂમિના પેટાળમાંથી જલ મળે તેમ ઉત્સાહવાળા મનુષ્યને માટે કોઇ વસ્તુ અસાધ્ય નથી.4 ભાસ વેદની,યજ્ઞ અને તપોવનની સંસ્કૃતિનો મહિમા વણૅવે છે. “પંચરાત્ર” ના પ્રથમ અંકમાં યજ્ઞ વિષેનું નિરૂપણ છે. યજ્ઞમાં રાજા દુયોધને દીક્ષા લીધી,તેથી જાણે કે આખુ જગત યજ્ઞની દીક્ષા પામી ગયું (પંચરાત્ર 1-3) अहो कुरूरजस्य यजसमृघ्घि ॥ नृपे दीषा प्राप्ते जगदपि सम दिषीतमिव ॥ યજ્ઞમાં, સ્વાધ્યાય કરવામાં શૂરાં મુખ મુખરિત થયા છે? શિષ્યને ખભે હાથ મૂકીને વૃધ્ધ ગુરૂઓ યજ્ઞભૂમિમાં પ્રવેશ કરી રહ્યા છે.(પંચરાત્ર 1-5)

આમ ભાસની કૃતિઓમાં દાશૅનિક વિચારો અર્થાત ભારતીય પરંપરાના વિચારો આપણને જોવા મળે છે. વળી, મહાભારતના પ્રઘાન રસ તરીકે જેમ શાન્તરસ મનાયો છે. તેમ ભાસનાં વિશેષત: મહાભારતા આઘારિત રૂપકોમાં શાન્તરસ પ્રધાન જણાય છે. 5

સંદર્ભ :::

1.A.s.p.Ayyar,madras,1957,Second revised and enlarged Edition.p-531.
2.A.D.Pusalker,Delhi,Second revised edition 1968.
3.Bhasas Charudatam, sardaranjan Ray,culcutta
4.काष्ठादग्निजायॅते मथ्यमानाद.......પ્રતિજ્ઞાયોગન્ધરાયણ 1-18
5.महाभारतेडपि शास्त्ररूपे......પૃ.1336,ધ્વન્યાલોક,આચાયૅ આનન્દવધૅન,(સલોચન),ઉતરાધૅ ઉદઘોત 3-4, રામસાગર ત્રિપાઠીની ટીકાસહિત, મોતીલાલ બના.દિલ્હી આવૃતિ પ્રથમ 1963

*************************************************** 

પ્રજાપતિ સુનિલકુમાર હષૅદભાઇ
સંસ્કૃત વ્યાખ્યાતા સહાયક  
સરકારી આટૅસ એન્ડ કોમસૅ કોલેજ, કડોલી
તા:હિંમતનગર, જિલ્લો: સાબરકાંઠા

Previousindexnext
Copyright © 2012 - 2025 KCG. All Rights Reserved.   |   Powered By : Knowledge Consortium of Gujarat
Home  |  Archive  |  Advisory Committee  |  Contact us