logo

“લીલુડી ધરતી”:ગ્રામીણ મનોભાવો-સંવેદનાઓનું ચિત્તસ્પર્શી નિરૂપણ

વ્યવસાયે પત્રકાર રહેલા મડિયાએ વર્તમાનપત્રોમાં ધારાવાહી સ્વરૂપે લેખનકાર્ય કરતાં ગુજરાતી સાહિત્યમાં તેર જેટલી નવલકથાઓ આપી છે.મુખ્યત્વેપ્રાદેશિક નવલકથાકાર તરીકે જાણીતા આ સર્જકે શહેરીજીવનને નિરૂપતી તેમજ હાસ્ય-કટાક્ષને કેન્દ્રમાં રાખી પણ નવલ સર્જન કર્યુ છે. “કુમકુમ અને આશકા”જેવી એકાદ ઐતિહાસિક નવલકથા પણ તેમના સર્જનભાથામાં ખરી.પરંતુ આ સર્વે વિષય અને કૃતિઓમાં માનવચિત્તને ખુબ નજીકથી મડિયા સ્પર્શ્યા હોયતો તે “લીલુડી ધરતી”માં.માનવભાવો અને માનવીય સંવેદનાનું વાસ્તવદર્શી બળવત્તર આલેખન એટલુ વિસ્તારથી અને ગહનતાથી થયું છે કે તે વારંવાર અભ્યાસીઓને આકર્ષે છે.આ કૃતિની શરૂઆતમાં એક અવેતન પ્રયોગ’ નામે પ્રસ્તાવનામાં મડિયા“લીલુડી ધરતી” અંગે નોંધે છે કે “આ નવલકથામાં મને જે ‘પ્રયોગ’નું તત્વ અભિપ્રેત છે એના આલેખન કરતાં કથાવસ્તુ અંગેનું વિશેષ છે.... મારી દ્રષ્ટિએ આ કથામાં જે જોખમી પ્રયોગ છે તે એના કથાવસ્તુનો છે.”આ પ્રસ્તાવનામાં આપણે ઝીણવટથી અભ્યાસ કરીએ તો સમજાય છે કે કથાવસ્તુના પ્રયોગ દ્વારા મડિયા કથાબીજને લક્ષે છે.તેમના મતે પ્રસ્તુત નવલકથાનું કથાબીજ આ છે:“એક સગર્ભા પરિણીતા પર પતિના અવસાન પછી આળ આવે તો તેનું નિર્દોષપણું સાબિત કરનારું કોણ?કોઇ જ નહીં !અથવા એની નિયતિ જ.” આ નાનકડા કથાબીજને વિકસાવી સંતુ-ગોબર-માંડણની આસપાસ આ કથા ગોઠવે છે.એ નિમિત્તે સમગ્ર જનપદને આલેખવા અનેક ગૌણ કથાઓ ગોઠવે છે.પરંતુ આ નવલકથામાં લેખક જેને કથાબીજ કહે છે તે સંતુ પર આળની ઘટના છેક બીજા ભાગમાં આવે છે,જેવું સામાન્ય રીતે અન્ય નવલકથામાં બનતું નથી.જોકે વિધવા સગર્ભા પર કલંકારોપણનું આ કથાબીજ પૂર્વે કોઇ નવલકથામાં જોવા મળતું નથી એટલા અર્થમાં આ નવલકથા પ્રયોગત્મક ખરી.કથાબીજ પરત્વે લેખકનું પ્રયોગાત્મક દ્રષ્ટિબિંદુપુરોગામી સર્જકો કરતાં મડિયાની અનોખી સર્જકપ્રતિભાનો પુરાવો છે.

સંતુ-ગોબર-માંડણના મુળ કથાતંતુ પર લેખક કથાની શરૂઆત કરે છે પણ ધીમે ધીમે એમાં બીજા પાત્રો ઉમેરતા જાય છે અને એ પાત્રો નિમિત્તે બીજી વડવાઇઓ જેવી નવી આડકથાઓ પણ ઉમેરાતી જાય છે.કથામાં પાત્રો લેખકને ઘેરે છે.કથાનો દોર અહીં સર્જકના હાથમાંથી છટકીને પાત્રોના હાથમાં આવી જાય.પરિણામે અનેક ઘટનાઓ ઉમેરાતાં કથાનો અકલ્પિત વિસ્તાર સધાયો છે.આથી“લીલુડી ધરતી” વિરાટ કથાવૃક્ષ બની રહી.જોકે આ વિરાટતામાં પણ ભવ્ય સૌંદર્ય ઊભું થાય છે જેનો ઇનકાર થઇ શકે તેમ નથી.જોકે મડિયાએ કથાબીજ અંગે અને નવલકથાના ક્રોનિકલ સ્વરૂપ અંગેજે અભિપ્રાયો આપ્યા છે તે કૃતિમાંથી પસાર થતાં અનેક ગૂંચ ઊભી કરે છે તે હકીકત પણ એટલી જ અગત્યની છે.

પરંતુ કૃતિમાંથી ઊભા થતા આ બધા પ્રશ્નોને બાજુ પર રાખીએ અને માત્ર વાસ્તવદર્શી ગ્રામીણ પરિવેશમાં પ્રગટેલ માનવીય સંવેદનાઓનું જે સ્વરૂપ આમાંથી ઊભું થાય છે તે ખરેખર આસ્વાદમય છે.ગિરનારની તળેટીમાં આવેલ ગુંદાસર ગામમાં હાદા પટેલના ઘેર પરબતના મૃત્યુથી શરૂ થયેલ અને એજ હાદા પટેલના સૌથી મોટા પુત્ર દેવશીના પુનરાગમન સાથે પૂરી થતી આ નવલકથા અને તેની તમામ આડકથામાંથી પસાર થતા માનવીય ભાવો અને સંવેદનાઓનું એક રમ્ય ચિત્ર આપણી સમક્ષ ઊભું થાય છે.અહીં પાત્રોને નજર સમક્ષ રાખી તેમના માધ્યમથી માનવીય સંવેદનાઓને મડિયા કેવી રીતે સ્પર્શ્યા છે તે તપાસને અભિપ્રેત છે.

આ નવલકથાની શરૂઆતમાં જ હાદા પટેલના વચેટ પુત્ર પરતાપનું મૃત્યુ થાય છે.શરૂઆતમાં જ આ ઘટના મૂકી હોવાથી સહેજે સુચિત થઇ જાય છે કે આ કથા માણસની વ્યથા-વેદના-કરુણતા સભર હશે.અહીં ગિરનારની તળેટીની આસપાસના ગ્રામીણ સમુદાયનું આલેખન કરેલ છે.મડિયા આદર્શવાદી સર્જક નથી.ગામડાની નક્કર વાસ્તવિકતાનું આલેખન કરવાવાળા સર્જક ગણાય છે.ગ્રામીણ સમુદાયમાં કચરાનો ઢગ પણ સારો હોય અને શહેરી સમાજનું સર્વસ્વ ખરાબ જ હોય તેવી આંત્યંતિક ભાવનાના મડિયા હંમેશા વિરોધી રહ્યા છે.ગુંદાસરનો આ ગ્રામીણસમાજ પરંપરાઓ-રૂઢિઓ-અંધશ્રદ્ધાઓ-શ્રદ્ધાઓના મણકાથી જોડાયેલો સમાજ છે અને એથી જ તો નવલકથાની શરૂઆતમાં હાદા પટેલના પુત્રની લાશ ઘરમાં ઢંકાયેલી પડી હોવા છતાં વાવણીને શુભાતિશુભ માનવાવાળો સમાજ ખેતરમાં વાવણી કરી આવે છે.ત્યારભાદ અગ્નિસંસ્કાર કરવા જાય છે.જેના પરથી સમાજમાં પ્રવર્તમાન અંધશ્રદ્ધાઓએ માનવચિત્ત પર કેટલી પકડ જમાવેલ છે તે દેખાય છે.જો કે અહીં સર્જકનો હકીકત દોષ હોય તેવું બની શકે.કારણ કે સમગ્ર ભારતમાં મડદુઢાંકી વાવણી કરવાનો કોઇ રિવાજ નથી.ઘરનો મોભ તુટી પડ્યો હોવા છતાં હાદો પટેલ ઘરના સભ્યો ભાંગી ન પડે તે માટે ગજબની સ્વસ્થતાનો ભાવ એમના ચહેરા રાખતા જોવા મળે છે.તો એજ હાદા પટેલમાં એકાંતમાં સતી માતાને થાનકે જઇપોતાના બંને દીકરાઓ ગુમાવ્યાની વેદના ચોધાર આંસુઓનો મેઘ બની તૂટી પડતી દર્શાવી છે.

અહીં પાત્રો ગજબના સંમિશ્રિત ભાવો સાથે જીવવા માટે ટેવાયેલા છે.હાદા પટેલના ઘરમાં એક બાજુ દીકરા પરબતના મૃત્યુનોશોક તો બીજી બાજુ ઘરની આબરૂ બચાવવા સંતુનું આણું તેડવાનો મંગલપ્રસંગ કરવાની પણ જરૂર પડે છે અને કરે પણ છે.એક બાજુ લોકલાજ અને બીજી બાજુ ઘરની વહુંનું શીલ સાચવવાની આવશ્યકતા આવી વિચિત્ર દ્વિધામાં ફસાયેલા અને સતીમાતા પરની અસીમ શ્રધ્ધામાંથી રસ્તો કાઢવા મથતા વૃધ્ધ કણબીની દ્વિધાઅને મનોમંથનનું નિરૂપણ ધ્યાનાકર્ષક છે.આ શુભાશુભ પરંપરાઓ અને ભાવોને સાથે લઇ જીવી જવાની ત્રેવડવાળો સમાજ છે.એટલે હાદો પટેલ પરબતના મૃત્યુ ટાણે વાવણીનું શુભ કાર્ય પણ કરે છે.એક બાજુ શોકનો ભાવ અને બીજી બાજુ ઉત્સાહ.એક બાજુ સંતુની આબરૂઅને શીલ સાચવવાની ચિંતાનો ભાવ અને બીજી બાજુબાર વર્ષ પહેલા ગુમ થયેલ દેવશીની ઉત્તરક્રિયા કરવાની વ્યગ્રતા અને વેદના જેવા સંમિશ્રિતભાવો સાથે સંઘર્ષ કરી જીવતા જોવા મળે છે.હાદા પટેલના મુખમાં મડિયાએ મૂકેલ શબ્દો તેમની જીવનશૈલીને વધુ સ્પષ્ટ કરે છે.

“આતો સંસાર છે જેમાં હરખશોખ મગચોખાની જેમ ભેગા મળી ગયા છે”સર્જક અહીં સંતુના આણાના દિવસે એકબાજુ પિતૃગૃહ છોડવાનો વિષાદનો ભાવ અને બીજી બાજુ શ્વસુર ગૃહે જવાના ઉત્સાહ અને આનંદની લાગણી બખૂબી આલેખી શક્યા છે.આજ સંતુ આણાની પ્રથમ રાત્રે ગોબર સમક્ષ માંડણ અને શાદૂળ જેવાઓની કૃદ્રષ્ટિ પોતાના પર મંડાયેલી છે માટે તેમનાથી ગોબરને દૂર રહેવા અને વિશ્વાસ નકરવા કહેતી સંતુની સ્ત્રી હોવાથી પતિની સલામતી વાંચ્છના અને શીલ જાળવવાની સભાનતા અહીં વ્યક્ત થઇ શકી છે.પોતાના શીલની સલામતીમાટે આટલી સભાન હોવા છતાં એના જ ચરીત્ર અંગે કથાના બીજા ભાગમાં જ્યારે પ્રશ્નઊઠાવવામાં આવે છે જે સંતુના જીવનની સૌથી મોટી કરુણતા છે.સમગ્ર કથામાં સંતુની આસપાસ કરુણની સૃષ્ટિ રચાય છે.જે માંડણ ગોબરનો આડો ઘા જીલનાર હતો તે જ નશાંધ અવસ્થામાંકૂવામાં શાદૂળ છે એમ સમજી ટોટો ફોડે છે અને ગોબરની હત્યા થઇ જાય છે.વિધવા સંતુની સગર્ભા અવસ્થા કે જેના વિશે માત્ર એનો પતિ ગોબર જ જાણે છે,આ વસ્તુ કથામાં અનેક વમળો પેદા કરે છે. સમાજનું શંકિતમાનસ સંતુ પર પતિની હત્યા અને “તેને કોનાથી ગર્ભ રહ્યો?” એવા પ્રશ્નો ઊઠાવી તેને બદચલન સ્ત્રી તરીકે સ્થાપે છે.સંતુના જીવનમાં રહેલી કરુણતા,અસહાયતામાં મડિયાએ સમાજ વ્યવહારની સંત્રસ્ત ચિત્તની મનોદશાનું ભારે કુશળતાથી આલેખન કર્યું છે. સમાજ તરફથી જ્યારે સહાનુભૂતિની અપેક્ષા હોય ત્યારે તે જ સમાજ તેના ગર્ભમાં રહેલા બાળક બાબતે સંશયોની હાળમાળા સર્જીસંતુના જીવનને પારાવાર વેદનાથી ભરી દે છે.એટલું જ નહીં સચ્ચાઇ સાબિત કરવા ઉકળતા તેલમાં હાથ બોળવાની તાકીદ કરે છે.સાચી હોવા છતાં તેલ તેનો વૈજ્ઞાનિક ગુણધર્મ બજાવે છે અને સંતુના હાથ બળીને ભડથું થઇ જાય છે ગામડાનો પામર અને ક્રુર સમાજ તેના સત્યનિષ્ઠાજન્ય વ્યક્તિત્વને આવરી ગયો.આરંભમાં શાદૂળનો વિરાંગનાની જેમ સામનો કરતી સંતુ ધીમેધીમે સમાજની ક્રુરતા હેઠળ વિલાઇ ગઇ.જાણે રીબાવા માટે જ ન સર્જાઇ હોય.આ બાબતે નલીન રાવળ યોગ્ય જ લખે છે કે “અનેક પ્રસંગોએ લેખક એને ગામના હાથમાં રમતું મૂકી દેછે.ગામ એને રિબાવી રિબાવીને છોડે છે.માનસિક ત્રાસ અને રિબામળી સહન કરતી સંતુ કથાનું દયાજનક પાત્ર બની જાય છે”

સમાજની અસર તળે જ્યાંથી આશ્વાસન અને હૈયાધારણ મળી શકે તેમ હતાં તે પોતાની જેઠાણી પણ તેના પર શક કરી મહેણા ટોણા મારે છે.જેઠાણી પણ ભર યુવાનીમાં તેનો પતિ બાવાની જમાતમાં જતો રહેતા પતિ વિરહના કડવા ઘૂંટડા પીને જીવન વ્યતીત કરતી રહે છે.સંતુ દરબારની ડેલીએ લાદ લેવા ગઇ હતી અને મોડું થયું હતું એ ઘટનાને ઉજમ વિધવા સંતુની સગર્ભા સ્થિતિ સાથે જોડે છે.ત્યારે સંતુમાં રહેલ સહનશીલતાનો દોર તુટી જતાં તેની કરુણપરવશ સ્થિતિતેને આત્મહત્યા કરવાની સ્થિતિએ લઇ જાય છે.આમ, આરંભમાં અડગ આત્મશ્રદ્ધા ધરાવતી સંતુ સંજોગોને આધિનસમાજના સાણસામાં સપડાય છેઅને સનેપાત કે ગાંડપણની સ્થિતિએ પહોંચી જાય છે.”સંજોગોની ચુંગાલમાં ફસાયેલી વ્યક્તિ વિના વાંકે કેવી રીતે બેહાલ થઇ જાય છે તેનું નિરૂપણ કરવા ઇચ્છતા મડિયાએસંતુની વેદના-વ્યથા-કરુણતાના ભાવો નિષ્ઠુર ગ્રામીણ સમુદાયની ત્રાસદી,તેની સામે સંતુનો ફફડાટ વગેરેનું આલેખન ઉચ્ચ કક્ષાના સર્જકને ઝેબ આપે તેવી રીતે કર્યું છે.”

આ નવલકથામાં સંતુ-ગોબર-માંડણના મુખ્ય કથાતંતુની આસપાસરઘા-અમથીની વાત, સમજુબા-તખુભા-શાદૂળની વાત,અજવાળીકાકી-જડીની વાત,ઝમકુ-ગીધાની વાતવગેરે કથાપ્રસંગો કથાપ્રવાહમાં સમર્થક બને છે.જેથી મુખ્ય પાત્રો પણ આ કથાપ્રવાહની આસપાસ ફર્યા કરે છે.આવી આડઘટનાઓ પણ માનવીયભાવોનું રસયુક્ત ચિત્ર આપણી સમક્ષ રજૂ કરે છે.જિંદગી આખી ગોરખધંધામાં વીતી હોતી તેવો રઘો જે શાદૂળ-માંડણ જેવાઓને ગામની વહુ-દીકરીઓને છેડતી કરવામાં સાથ આપતો, તે રઘામાં અચાનક માનવભાવોનું વહેણ બદલાય છે .તેની અંદર અચાનક વાત્સલ્યભાવનું ઝરણું ફૂટે છે અને દુ:ખીજનો પ્રત્યેઅનુકંપાના ભાવથી જોવાની એક નવી જ દ્રષ્ટિનો ઉદય થાય છે.”દાવ આવે ત્યારે સોગઠી મારવી” એ જેના પૂર્વાશ્રમનો મંત્ર હતો તે જ્યારે“ગામની વહુ-દીકરીઓ પર ખોટાઆળ ચડતા હોય તંયે મારા હોઠ સીવી રાખું તો મને પાતક ચડે”એમ કહે ત્યારે તેનામાં બ્રહ્મતેજનોનો ઉદય સ્પષ્ટ જોઇ શકાય છે. સમજુબા આણી મંડળી સામેજુસ્સા સાથે અડગતાથી ઊભો રહે છે.ઘાટઘાટના પાણી પીધેલ રઘો ધમકીઓને પણ પી જઇ કોર્ટમાં જુબાની આપે છે.આ વખતે રઘાની અંદર ઉદભવેલો હર્ષોન્માદ ભાવોદ્રેકની કક્ષાએ પહોંચી ગયાનુંમડિયા નિરૂપે છે.મડિયા આ રીતે રઘાના પૂર્વકર્મોના પ્રાયશ્ચિતને કારણે આવેલ આંતરશોધન અને આત્મસુદ્ધિની સ્થિતિને સર્જનાત્મક બનાવી નિરૂપે છે.

માનવભાવોના નિરૂપણની દ્રટિએ જોઇએ તો સમજુબાના પાત્રમાં નિરૂપાયેલ વ્યથા-વેદના અને શાદૂળ અંગેની મન:સ્થિતિ નોંધનિય છે.પોતે તખુભાને પરણી પણ માતૃત્વ પ્રાપ્ત ન કરી શકે તેવી સ્થિતિમાં હોવું,રઘાના સહકારથી અમથી સુથારણ મારફતે ગરાસને બચાવવા વારસ મેળવવો,ઉછેરવો,પિતા પર શક જતાં શાદૂળ રૂપા રબારણ ની હત્યા કરે,આળ પતિ પર આવે,ત્યારે પારકાં લોહીને પૈસેથી ખરીદી પોતાના કરવાની જે કુચેષ્ટા કરી હતી તેના પ્રાયશ્ચિતની લાગણીનુંમડિયાએ કરેલ નિરૂપણ ધ્યાનાકર્ષક છે.શાદૂળના જેલમાં ગયા પછી પોતાના નસીબમાં સંતાન સુખ છે કે નહીં,તે માટે હાદા પટેલને દાણા જોવાનું કહેતા સમજુબાના અતૃપ્ત માતૃહ્રદયના ભાવો,અતૃપ્ત સંતાન સુખની વંચિત રહ્યાની વેદનાનીસાથેસાથે ગરાસ સાચવવા માટે ચિત્તમાંઊઠેલ ધમાસણ સારી પેઠે મડિયા વાચક સમક્ષ ખડુ કરી આપે છે.ભાંગેલી ઠકરાતના આ ઠકરાણાં ઇર્ષાગ્નિની મૂર્તિ લાગે છે.છલ કરી પારકા સંતાનને પોતાનું કરી સ્થાપ્યું પણ નસીબમાં ન સમાતાંસંતાનસુખ ધરાવતી માતાઓ પ્રત્યે પણ સ્ત્રીસહજ ઇર્ષાનો ભાવભારોભાર પ્રગટ્યો છે.ડંખીલા સમજુબા સ્વાર્થી અને લોભી છે.જીવા ખવાસ અને અમથી સુથારણ સાથે સુધરેલા સંબંધ તેમની એવી વૃતિનું પરિણામ છે.“ગ્રામીણ સમાજની ગરીબાઇ ,કામવાસના,વેરઝેર,અસૂયા અને ખટપટથી ખદબદતા લોકોના માનસને, બળકટ પ્રસંગોને અનુસંગે અભિવ્યક્તિ સાંપડી છે.અહીં કોઇ સુખી નથી,કોઇ પ્રસન્ન નથી,”

અહી ક્યાંક ક્યાંક અલપઝલપ દેખાતી મધુરપને બાદ કરતાં સર્વત્રમાનવીમાં રહેલા નકારાત્મક માનવભાવોનું પ્રાબલ્ય વધારે જોવા મળે છે.અહી ધીરગંભીર અને ધર્મી પ્રકૃતિના હાદા પટેલનું પાત્ર છે પણ જીવનના અનેક કડવા ઘૂંટડા પી જવાવાળો આ સત્યનિષ્ટ માણસ પણ પોતાની પુત્રવધુને બચાવવા લાચારીની સ્થિતિમાં આવી જતો નિરૂપાયો છે.પારકી એબને માનવતાર્થે પોતાના પર લઇ લેતા સામત આયરનું પાત્ર કે કૃતિના ઉત્તરાર્ધમાં બદલાયેલી માનવવૃતિઓ સાથે આવતા માંડણ-રઘામહારાજના પાત્રોને બાદ કરતા મોટાભાગના પાત્રો લોભ-ઇર્ષા-પરપીડનવૃતિ જેવા માનવીયભાવોના પ્રતીકસમાં બની રહે છે.અન્યના જીવનની કરુણતા-વ્યથા પર ટીખળ કરીહાસ્યનો આનંદ લેવાની વિકૃત માનસિક વૃતિ અહીં ઠાંસીઠાંસી ભરેલી છે.અજવાળી કાકી,સમજુબા જેવા પેટના દાઝેલા ગામ બાળવા તૈયાર થયેલા છે.આ સામાજિકોને પારકાંસંતુ,માંડણ જેવાના દુ:ખ ગૉળ જેવા ગળ્યા લાગે છે.

આ નવલકથામાં નથુ સોની જેવાનું સ્વપુત્રી ગમન, ગિધા-ઝમકુ-તખુભા-માંડણને નિમિત્ત બનાવી મડિયાએ અનેક પ્રકારના જાતીય આવેગો-સંબંધોનું ,જાતીય સ્ખલનોઅને છિન્ન દામ્પત્યજીવનની અનેક તાસીરો પ્રગટાવી છે.માતા અને સંતાનો વચ્ચેના અલગ જ પ્રકારના ચિત્રો ઉપસ્યા છે.સમજુબા-શાદૂળ,અમથી-શાદૂળ,રઘો-અમથી-ગિરિજાપ્રસાદ,સંતુ અને તેનું મૃત બાળ,સંતુ અને જડી,એમ મમતા અને વાત્સલ્યભાવનું નોખું ચિત્ર મડિયાએ ઊભું કર્યું છે.લેખકને ગ્રામીણ સમુદાયની નક્કર નરવી વાસ્તવિકતાનું આલેખન અભિપ્રેત છે.આદર્શવાદ-ભાવનાવાદને બાજુ પર મૂકી ગામડાનું કઠોર-નઠોર વાસ્તવદર્શન વાચકને બીભત્સના અનુભવમાં મૂકી આપે છે. “ગ્રામસમાજ સરળતા,માયા,નિષ્કપટતા,ભોળપણ અને પરગજુ લોકોનો બનેલો હોવાનો ભાવનાવાદી ખ્યાલ અહીં ભાંગી પડે છે.” અહી આનંદ-ઉલ્લાસના ભાવો નથી.સર્વત્ર દુખ-વેદના-વ્યથા જેવી ભાવનાઓનું ચિત્ર ઉપસે છે.દરેક પાત્ર ક્યાંક નિયતિ સામે તો કયાંક ગ્રામીણ સમુદાયની નિષ્ઠુરતાથી વેદનામય બની જીવવા સંઘર્ષ કરતું જોવા મળે છે.હાદા પટેલ .ઉજમ,સમજુબા જેવા નિયતિ પ્રેરીત તો સંતુ,જડકી,તખુભા, જેવાંસમાજ પ્રેરીત લોહીઉકાળા પીને વેદનાસભર જીવન વ્યતીત કરે છે.”માનવ સ્વભાવની રુગ્ણતા,નિરોગીપણું,સૌજન્યશીલતા,દૃષ્ટતા,સમભાવ-વિરોધ એવાં બે મુખ્ય વલણો કથાની પાત્રસૃષ્ટીને બે ભાગમાં વહેચી લે છે.અને પાત્રો પણ આબે વલણોની વચ્ચે સતત આવ-જા કરે છે” આ પ્રમાણે પાત્રોના મનોવલણો બદલાતા સંજોગો બદલાય છે.જે માનવભાવો અને સંવેદનાઓને જુદી-જુદી રીતે પ્રગટ કરવામાં મહત્વનો ભાગ ભજવે છે. નવલકથામાં અલગ જ માહોલ ઊભો કરી તેનેએક અલગ જ દીશા આપે છે.

માનવભાવોની દ્રષ્ટિએ મહત્વની લાગતી આ કૃતિ તેની સાથે સંકરાયેલી અન્ય બાબતોથી પણ ધ્યાનાકર્ષક છે.’લીલુડી ધરતી’ને મડિયાcronical કહે છે.પરંતુ વસ્તુત: ક્રોનિકલના બધા જ લક્ષણો સ્ફૂટ થતા નથી.લેખક પાસે ક્રોનિકલની વિભાવના છે પણ વિભાવના મુજબ તેને અભિપ્રેત આકારમાં ઢાળી શક્યા નથી.માત્ર ક્રોનિકલનો આભાસ ઊભો કરી અટકી જાય છે.એટલે જ નરેશવેદ તેને ‘પિરિયડ નોવેલ’ તરીકે ઓળખાવે છે.કારણકે આ કથામાં મડિયા ચોક્કસ કાલખંડમાં(બે વર્ષના) ગિરનારની તળેટીમાં વસતા ગુંદાસરના માનવીઓ,તેમના વિશિષ્ટ માનસ,જીવન વહેણો અનતેમના સાંસ્કૃતિક પાસાઓનુંઆલેખન સભાન સર્જકની હેસિયતથી કર્યું છે.બીજો પ્રશ્ન કૃતિના શીર્ષક અંગે પણ ખરો.”અસ્ત્રીનો અવતાર લીલુડી ધરતી જેવો”રઘા મહારાજની આ ઉક્તિ સ્ત્રીને સહનશીલતાની બાબતમાં લીલુડી ધરતી સાથે સરખાવે છે.જીવનમાં આવે પડેલ દુ:ખ રિબાઇ,પીસાઇ અને હસીને સહન કરતી સ્ત્રી દુ:ખના ઓછાયા દૂર થતાં પાછી કોળી ઊઠે છે.અહીં શીર્ષક સાથે સંતુના પાત્રને સાંકળીએ તો પણ તેના જીવનમાં પણ દૂર સુધી સુખની આશા દેખાતી નથી.જડી આવતા જીવનમાં વ્યાપેલ કરુણતા ,વેદના ઓછી જરૂર થઇ પણ પતિ ગુમાવતાં નસીબમાં જે ખાલીપો આવ્યો તે કેમે ય કરી ભરાય તેવો નથી.કૃતિના મોટાભાગના પાત્રોના જીવન અને તેમના હૈયાભાવોમાં ક્યાંય લીલાશ નથી દેખાતી.ગુંદાસર ગામની રળીયાત ધરતી માટે ભલે શીર્ષક બંધબેસતુ હોયપણ સર્વત્ર લોહી ઉકાળા,દુ:ખો,વેદના અને અતૃપ્તિઓથી ઊભી થતી માનવહૈયાઓની શુષ્કતાનું જ ચિત્ર ઊપસે છે.

જો કે cronical ની મડિયાની અપેક્ષાઓને બાજુ પર મૂકી જોઇએ તો આમાં ઘણી બધી વિશેષતાઓ છે. અનેક આડકથાઓ હોવા છતાં તેની સંકલના કરવામાં ગજબની કુનેહ દાખવી છે. ઘટનાસુત્રો અને અનેક પાત્રોને એકસુત્રે બાંધવામાં મડિયા જરૂર સફળ થયા છે.લોકબોલીની નજાકત અને બળછટતાખોબેખોબે ઠલવાય છે. તળપદા શબ્દો,રૂઢિપ્રયોગો,કહેવતો, તળપદા ઉપમાનવાળાં અલંકારો,લોકબોલીનું લક્ષણાનું તત્વ ઠેર-ઠેર જોવા મળે છે. આ બધા પરની મડિયાની પકડ માનવીય સંવેદનાઓ-ભાવોની અભિવ્યક્તિમાં સહાયરૂપ બને છે.પાત્રોના આંતરિક વ્યક્તિત્વ,તેમના ભાવો એ જ પ્રદેશમાંથી ઊઠેલી ભાષામાં વાસ્તવિક લાગે તે રીતે કૃતિમાં આલેખાયા છે.લેખકે લોકચર્ચાનો સમર્થ વિનિયોગ પાત્રગત સંવેદનાના નિરૂપણમાં પ્રયોગાત્મક ઢબે કર્યો છે.સોરઠનો સમસ્ત માનવસમાજ તેની તમામ લાક્ષણિકતાઓ અને સંવેદનાઓ સાથે આલેખાયો છે. તેનો કથાપ્રવાહ “શેવાળના શતદલ”નવલકથામાં આગળ વધે છે.મડિયાએ સંતુ-ગોબર કે દેવશી-ઉજમનું મિલન યોજી શક્યા નથી.નવલકથાનો કથાતંતુ સંક્રાંત થઇ દેવશી-ઉજમ પર સ્થિર કર્યો છે.કેન્દ્રસંક્રાંતિ પણ તેની આગવી વિશેષતા છે.આમ,પ્રાદેશિક નવલકથાના સ્વરૂપ લક્ષણોની દ્રષ્ટિએ સક્ષમ કહી શકાય તેવી આ નવલકથા માનવભાવોના નિરૂપણમાં પણ સક્ષમ સિદ્ધથાય છે.ગ્રામીણ સમાજમાં જ માનવતા,માનવભાવો,માનવસંસ્કારોનું સૌંદર્યભરેલું છે એવી માન્યતાઓએ જ્યારે સાહિત્યાવકાશમાં પકડ જમાવી હતી તે જ સમયે આવી માન્ય્તાઓને આઘાત આપે તેવું કથાવસ્તું લઇમડિયાએ લખેલ “લીલુડી ધરતી”સ્વતંત્ર રીતે છઠ્ઠા દાયકાની મહત્વની સીમાસિહ્નરૂપ કૃતિ તરીકે સ્થાન મેળવેલ તે ઉચિત છે.ભાવન પૂર્ણ થાય પછી પણ માનવીય સંવેદનાઓનું તેમાં થયેલ આલેખન ભાવકના ચિત્તતારને ઝંકૃત કરી ગોકુરીયા ગ્રામની સંકલ્પનાઓ વિશે પુન:વિચારના માહોલમાં મૂકી દેવા સક્ષમ બને છે જે તેની સાહિત્યરસ અંગેની સમર્થતા દર્શાવે છે.

સંદર્ભ :::

૧.લીલુડી ધરતી : ચુનીલાલ મડિયા
૨.મડિયાનું મનોરાજ્ય: ઉમાશંકર જોશી
૩.ચુનીલાલ મડિયા: બળવંત જાની
૪.નવલકથા: રઘુવીર ચૌધરી
૫.મડિયાનું અક્ષરકાર્ય :નવીનચંદ્ર મોદી
૬.નવલકથાકર મડિયા:અમૃતલાલ રાણીંગા

*************************************************** 

ડૉ.પંકજ પટેલ 
ગુજરાતી વિભાગ, 
સરકારી વિનયન કોલેજ,
બાયડ (સાબરકાંઠા).

Previousindexnext
Copyright © 2012 - 2025 KCG. All Rights Reserved.   |   Powered By : Knowledge Consortium of Gujarat
Home  |  Archive  |  Advisory Committee  |  Contact us