logo

ત્રણ વાર્તાઓ – એક અભ્યાસ

સાંપ્રત સમયમાં જુદા જુદા સર્જકો દ્વારા લખાયેલી અને સમાન લાગતી વાર્તાઓને સામસામે રાખી તપાસવાથી સર્જકે સર્જકે બદલાતા વાર્તાકળા અંગેના ખ્યાલોનો પરિચય સાંપડે છે. જોસેફ મેકવાનની ‘આદર્શ સોસાયટી’, દલપત ચૌહાણની ‘બા વાળું આલજો’ અને મોહન પરમારની ‘ઉચાટ’ આ ત્રણે વાર્તાઓમાં આ સર્જકો એક જ વિચારને વ્યક્ત કરવા નોખી રચનાપ્રયુક્તિ વડે વાર્તા નિરૂપે છે. આવી દેખીતી ભિન્નતા જ એમને જુદાં વાર્તાકાર તરીકે સિદ્ધ કરે છે. આ ત્રણે વાર્તાઓ નાયિકા પ્રધાન છે. ‘આદર્શ સોસાયટી’ વાર્તામાં ગજરા દલિત કોમની સફાઈ કામદાર છે. દારૂડિયા પતિને કારણે ઘરની જવાબદારી વહન કરતી ગજરા પર તનસુખરાય જેવા કહેવાતા આદર્શ સોસાયટીના વહીવટદાર બળાત્કાર કરવા સુધી પહોંચી જાય ત્યારે સવર્ણ સમાજની દલિતો પ્રત્યેની માનસિકતા પ્રગટ થયા વિના રહેતી નથી. ‘બા વાળું આલજો’ વાર્તાની નાયિકા શાંતુ રોજ સવારે ઝાડુ લગાવવા જાય અને એના બદલામાં રાત્રે વાળું માગવા આવે છે. જ્યાં રાત્રિના અંધકારમાં કહેવાતા ભદ્રવર્ગની વૃત્તિઓ, વિકૃતિઓ, ખાસિયતો, નબળાઈઓ અને વિચિત્રતાનું નિરૂપણ થયું છે. મોહન પરમારની ‘ઉચાટ’ વાર્તામાં ભદ્રસમાજની ગ્રીનપાર્ક સોસાયટીમાં નિયમિત સફાઈ કામ કરતી મોંઘી રાત્રિના સમયે પોતાના દીકરા કનિયા સાથે વાળું લેવા આવે છે. જ્યાં સવર્ણોના ખોખલાં સંબંધો વ્યક્ત થવા પામ્યાં છે. આમ, આ ત્રણે વાર્તાઓમાં સવર્ણ સમાજ દ્વારા દલિત સ્ત્રી પર કરાતાં અત્યાચારો દયનીય છે.

જોસેફ મેકવાન દલિત સાહિત્યના ખમતીધર વાર્તાકાર છે. એમણે પોતાના કથાસાહિત્યમાં દલિત સમાજનાં અંતરંગનો પરિચય કરાવ્યો છે. એમની ‘ઘરનું ઘર’, ‘રામરાજ’, ‘આઝાદીના લાડવા’ વગેરે વાર્તાઓ ‘આદર્શ સોસાયટી’ વાર્તાના કુળની છે. જેમાં દલિત સમાજની પીડા, વ્યથા, વ્યસનો, સમસ્યાઓનુ નિરૂપણ થયુ છે.

વાર્તાના પ્રારંભમાં જ સર્જકે ભદ્રસમાજની આદર્શ સોસાયટીમાં સફાઈકામ કરી પેટિયું રળતી ગજરાને દર્શાવી છે. જેનો પતિ રેલ્વેમાં સફાઈ કામદાર છે. આદર્શ સોસાયટીના વહીવટદાર તનસુખરાયના મનમાં ગજરા માટે જન્મેલું શારીરિક આકર્ષણ વાર્તાનો દેખીતો દોર છે. પછીતે જે ઘટના ઘટવાની તેના બીજ વાર્તાના આરંભથી જ રોપાય છે.વાર્તામા જે ઘટતી ઘટનાઓ છે તે પણ કશો મોટો બનાવ હોય એવી ભૌતિક નથી, બલ્કે ખાસ્સી ચૈતસિક છે. ગજરા અને તનસુખરાય વચ્ચેના સંબંધોને ઉપસાવવાની કેટલીક સૂચક વિગતો સાંપડે છે. તનસુખરાય શારીરિક રીતે ગજરાને ભોગવવામાં સફળ થતાં નથી, પરંતુ એને બદનામ કરવામાં સફળ થાય છે. જેમાં દલિત સ્ત્રી પ્રત્યે રહેલી સવર્ણ પુરુષની કુદૃષ્ટિનો પરિચય સાંપડે છે.

રાત્રિના સમયે બધાં જમીલે પછી વાળુ માગવા આવતી ગજરા આમ તો સરળ અને પરગજુ સ્વભાવની, પતિની ખરાબ ટેવોથી જાણકાર એટલે નવી તૈયાર થઈ રહેલી સોસાયટીમાં સફાઈકામ મેળવી કુટુંબનું ભરણપોષણ કરી શકાય એવી મનની ઈચ્છા ખરી, પરંતુ કામ મેળવીને પણ ગજરા વેદના સિવાય કશું જ પ્રાપ્ત કરી શકતી નથી. રોજની સવાર-સાંજ એના મનને ટાઢક આપી શકતી નથી. શોષિત સમાજ તો તેની ગરીબીનેજ વલૂરતો રહે છે. અહીં ગજરાનું જાતીય અને આર્થિક શોષણ થાય છે. આટલેથી ન અટકતા તનસુખરાય દલિત સમાજ પ્રત્યેનો આક્રોશ ઠાલવતાં બોલી રહ્યા હતાં., “આ જાત માટે ગમે તેટલું કરો તો પણ એ સુધરવાની નથી... સરકારેય કેટલું બધું કરે છે એને માટે..” તનસુખરાય જેવા વહીવટદારને દલિત પાસેથી કામ કઢાવી લેવું હોય ત્યારે જાતિવાદ આડે આવતો નથી પરંતુ શોષિત દલિત સ્ત્રી જ્યારે વિદ્રોહ કરે, તેની આગવી અસ્મિતા જાગે ત્યારે અન્યાય કરનારે કેવી પીછેહઠ કરવી પડે છે તેનું કલાત્મક આલેખન અહીં જોવા મળે છે. વાર્તાકારે સંવાદો દ્વારા દલિતો પ્રત્યે રહેલી જાતિવાદની બદીને પ્રગટ કરી છે. સંજોગો પ્રમાણે સામાન્ય જીવન જીવતાં દલિત સમાજના આ નીચલા સ્તરની મૂંગી-મૌન વેદનામાં છૂપાયેલા રહસ્યો પ્રગટાવવામાં લેખકને ધારી સફળતા મળી છે. સોસાયટીનું નામ અને વાર્તાનું શીર્ષક- ‘આદર્શ સોસાયટી’ સમાજ ના કહેવાતા સવર્ણોની દંભી માનસિકતા ઉપર કરેલો ધાર્યો વ્યંગ વાર્તાકારે અભિવ્યક્ત કર્યો છે.

દલપત ચૌહાણ વિષયવસ્તુ અને શોષણની ભૂમિકા લઈને દલિત વાર્તાઓ લખે છે. છતાં વાર્તામાં કળાત્મકતા જોખમાતી નથી. ‘બા વાળુ આલજો’ વાર્તામાં દલિત સમાજની વાળુ માંગી જીવન જીવતી નારીની સમસ્યા આલેખાઈ છે. શહેરની સોસાયટીમાં, ગલીમાં, પોળમાં, મહોલ્લામાં ભીખ માંગી પેટનો ખાડો પૂરતી આવી અનેક દલિત સ્ત્રીઓ આપણને જોવા મળે જેનું જીવન આ પોળ અને સાંજ સાથે નિત્ય ક્રમે જોડાયેલું છે.

વાર્તાની નાયિકા શાંતુ રોજ સવારે સોસાયટીમાં ઝાડુ લગાવવા જાય અને એના બદલામાં રાત્રે દીકરા સમુડા જોડે વાળુ માંગવા જતી. આ એનો રોજિંદો ક્રમ હતો. પેટનો ખાડો પૂરાય અને કુટુંબનું જીવન ચાલતું રહે એટલા માટે દરેક ઘરે ‘બા વાળુ આલજો’ કહી ઉભી રહેતી. શાંતુ કહેવાતા ભદ્રવર્ગના લોકોની વાણી અને વર્તનમાં પ્રગટતી દામ્પત્યવિષયક સમસ્યાઓને નિહાળતી રહે છે. દલિત સમાજની વરવી વાસ્તવિકતા અને ભદ્રસમાજના લોકોના કહેવાતા દંભનું કલાત્મક નિરૂપણ વાર્તામાં થવા પામ્યું છે. પોળના સ્ત્રી-પુરુષોના સંબંધોને વાર્તાકારે શાંતુના આંતરમન દ્વારા પ્રગટ કરી દલિત અને સવર્ણ સમાજના દામ્પત્યજીવનને સંનિધિકૃત કર્યા છે. જેમાં દલિત તરફની ધૃણા, તિરસ્કાર ભાવ વ્યક્ત થવા પામ્યો છે.
“વધારે સમય બગાડતી નહીં, ઢેડાંને મોઢે ચઢાવવા બહુ સારાં નઈ, સમજી?”

વાર્તાના પ્રારંભથી જ કથાનાયિકાની મનોદશા ચિત્રિત થતી રહી છે. અહીં આવતાં પાત્રોની રેખાઓ શાંતુની આંતરએકોક્તિથી બંધાય છે. વાર્તામાં લેખકે કૌંસ રચનાનો ઉપયોગ કર્યો છે. વાર્તાકારને જયાં અટકવું છે ત્યાં અટકે છે. એમણે સંકેતો દ્વારા કામ લીધુ છે. પ્રત્યક્ષ કથનરીતિથી દૂર રહી શાંતુની આંતરિક એકોક્તિ દ્વારા એમણે સવર્ણ સમાજના દંભ, જાતીય સ્ખલનો, વ્યભિચાર ઉઘાડા પાડ્યા છે.

વાર્તાનું શીર્ષક ‘બા વાળુ આલજો’ ધ્રુવપંક્તિની જેમ એની પુનરુક્તિ થતી જાય છે.એના થકી સવર્ણ સમાજના સ્ત્રી-પુરુષોના ખોખલાં સંબંધો અભિવ્યક્ત થયાં છે. એમાં નવા નવા પરિમાણો ઉમેરાતા જાય છે. આ વાર્તા એક સરસ નાટ્યાત્મક એકોક્તિ બની શકે એ પ્રકારે પ્રારંભ થી અંત સુધી તળપદી બાનીમાં કહેવાઈ છે.

વર્ષોથી ચાલી આવેલી આપણી વર્ણવ્યવસ્થાને કારણે સવર્ણોને દલિત પાસેથી કામ કઢાવી લેવું હોય ત્યારે અસ્પૃશ્યતા આડે આવતી નથી. ત્યારે બાથમાં ઘાલી ને અડપલાં કરી સ્ત્રીની સતામણી કરી થોડાંક રૂપિયા આપીને પોતાનું કામ પાર પાડે છે એનું વર્ણન લેખકે બખૂબી કર્યું છે. ઝાડુવાળાની વાળુની ભૂખ, સાંજ અને પોળ સાથે જોડાયેલું એનું જીવન, એમાં દલિત સ્ત્રીઓની સતામણી આ બધું વાર્તામાં સુપેરે ગૂંથાયું છે. સમાજમાં અસમાન દરજ્જાને કારણે એક માણસ બીજા માણસને કઈ હદે દુઃખી કરી શકે તેનું ભયાવહ આલેખન થયું છે. નારીજીવનનાં મૂલ્યોને ઉજાગર કરતી આ વાર્તામાં એક નારીની સંવેદના, વેદના અને પીડાને તેમજ પત્ની તરીકેની તેની ફરજો અને કુટુંબ પ્રત્યેની ભાવનાને લેખકે ચાક્ષુષ કરી છે.

મોહન પરમારની ‘ઉચાટ’ વાર્તા દલિત નારીની સમૃદ્ધ ચેતનાને વ્યક્ત કરે છે. દલિત સમાજના અંતરંગનો પરિચય કરાવતી આ વાર્તામાંથી પસાર થતાં વાર્તાકારનો વાર્તાકાર તરીકેની પ્રતિબદ્ધતાનો પરિચય સાંપડે છે. ગ્રીનપાર્ક સોસાયટીની બે સ્ત્રીઓની વચ્ચે સફાઈ કામદાર મોંઘીને કેન્દ્રસ્થાને લેખકે મૂકી છે. ત્રીજો પુરુષ એકવચન કથનશૈલી દ્વારા પ્રયોજાતી આ કથાનો પ્રવાહ ધીમી ગતિએ ભાવકને પાત્રો, પ્રસંગો અને વૃત્તિઓનો પરિચય કરાવી આગળ વધે છે. જેમાં મોંઘીનો સરળ અને પરગજુ સ્વભાવ, સોસાયટીમાંથી વાળું માંગી કુટુંબનું ભરણપોષણ કરવું, સોસાયટીમાં નવા વસ્ત્રો પહેરી વાળવા જવું, સોસાયટીની સ્ત્રીઓ મા રહેલો ઇર્ષયાભાવ વગેરે વર્ણન દ્વારા લેખકે પાત્રોના મનોગતને પ્રગટ કર્યું છે.

બંને વાર્તાની નાયિકાની જેમ અહીં મોંઘીનો પણ દીકરા કનિયા સાથે વાળુ માગવા આવવાનો નિત્ય ક્રમ હતો, એના આવવા ન આવવાની સોસાયટીના રહીશો નોંધ લેતાં. દીકરો હાથમાં ડોલચું લઈ સાથે ચાલતો રહેતો. કયારેક ડોલચાને અડી જાય તો સોસાયટીની સ્ત્રીઓ અણગમો વ્યક્ત કરતી અને કહી દેતી “જરા ડોલચું નીચું રાખતો હોય તો?” અહીં કહેવાતા ભદ્રવર્ગની દલિતો પ્રત્યેની અસ્પૃશ્યતાભરી માનસિકતા પ્રગટ થાય છે. દલિતો પાસેથી પોતાનું કામ કરાવી લેવું હોય ત્યારે ત્યાં દલિતપણું નડતું નથી. જેનું વર્ણન પણ વાર્તાકારે અહીં કર્યું છે-
“કનકલતાએ એને અંદર બોલાવી, મોંઘી વિચારમાં પડી ગઈ. કહેવું પડે, આમ તો, મને કદી દરવાજેથી ઢૂંકવા દેતા નથી, કદી ભૂલેચૂકે દરવાજાને ટેકો દઈને ઉભી હોય તોય ટોક્યા કરે સે, આજ વળી એવું તો શું કામ સે કે મને અંદર બોલાવે સે ? એવું વિચાર્યા પછીયે ખચકાતા પગલે આગળ વધી, કનકલતાના મોં પર હાસ્ય ભાળીને એને થોડી હિંમત આવી, દરવાજો ખોલીને એ કોટમાં પેઠી.”

મોંઘીને હેતુપૂર્વક બોલાવીને લઈ ગયેલી કનકલતાનો સ્વાર્થ એ છે કે ઘરના સંડાસની ગટરલાઈન ઉભરાઈ ગઈ છે. એને સાફ કરાવવું છે. પરંતુ કનકલતાના સ્વાર્થવૃત્તિને પારખી ગયેલી મોંઘીએ તરત કહી દીધું “પણ બેન, મને આ કામ ફાવતું નથી.” કનકલતાએ કહ્યું “તું ય ખરી છે ? આ તો તમારું કામ, તમે ન કરો તો કોણ કરે ?” ભારતને આઝાદી મળ્યાને આટલા વર્ષો પછી પણ દલિત સમાજ સ્વતંત્ર થયો નથી, વર્ષોથી ચાલી આવેલી આ વ્યક્તિની રૂઢિગ્રસ્ત માનસિક સ્થિતિમાં કોઈ બદલાવ આવવાનો નથી. એણે આ કહેવાતા સવર્ણ સમાજની ગટરોજ સાફ કરવાની છે. એની પીડા, અવહેલના, હજુ પણ સમાજમાં અકબંધ છે. જેનું નિરૂપણ વાર્તાકારે કનકલતાના મુખે કરાવ્યું છે. જે સવર્ણ સમાજ થી થઈ ન શકે તે દલિત વર્ગ જ કરી શકે તેવી જડ માનસિકતાને તોડી જાગૃતિ આણવાનું વલણ અહીં વાર્તામાં જોવા મળે છે.

બીજી તરફ કનકલતા અને હસુમતીના સ્ત્રી સહજ ઈર્ષ્યાભાવમાં મોંઘી અટવાતી રહે છે. બંને મોંઘીને પોતાની પાસે રાખવા મથામણ કરે છે પરંતુ મોંઘી કહેવાતા સંસ્કારી વર્ગના ગમા-અણગમાને સમજે છે. પરિણામે પોતાની કુનેહથી બંને વચ્ચેના સંબંધોને અકબંધ રાખે છે. કનકલતા સાથે અબોલા લઈ ચૂકેલી મોંઘીને કનકલતા હાથ પકડીને લઈ ગઈ ત્યારે મોંઘી પોતાના મનનો ઉચાટ વ્યક્ત ન કરી શકી. પરંતુ હસુમતી અંગે કહે છે “હવે આ હસુમતીને મનાવવામાં કેટલો ટેમ જશે, દઈ જાણે” મોંઘીનો મનોમનનો આ ઉચાટ એને મહાન બનાવે છે. બંને સ્ત્રીઓમાં રહેલી વૃત્તિઓને તોડવા માટે મોંઘીએ વાપરેલી યુક્તિમાં લેખકની સબળ સર્જકતાના અણસાર વરતાય છે. દિવાળીના દહાડે સોસાયટીમાં ઝઘડો જોવા જતાં હસુમતીના વરને મોંઘી કહે છે “સપરમાં દહાડે લોકોમાં સુમેળ રે એવું કાંક કરો” મોંઘીના મનનું આ વલણ સામાજિક જાગૃતિનું સૂચક બની રહે છે. આજે તૂટતા જતાં સમાજ અને યુગોથી ઘર કરી ગયેલી આભડછેટની ગ્રંથિઓને તોડવાનું કામ સર્જકે કુશળતાપૂર્વક કર્યું છે.

આ ત્રણે વાર્તાકારોની વાર્તાઓમાંથી પસાર થતાં એમનો સર્જક ઉદ્દેશ સૂચિત થાય છે કે દલિતોએ ગુલામીની સાથે મુક્તિ માટે પણ સહન કરવું પડશે. આ ત્રણે વાર્તાના પાત્રો દલિત હોવા છતાં લાચાર નથી. એમનામાં આત્મસમ્માનની ભાવના છે. આ પાત્રો પોતાના જ સમાજની રૂઢ માનસિકતાને અતિક્રમી જવામાં સફળ થાય છે. આ ત્રણે વાર્તામાં દલિત નાયિકાની ક્રિયાત્મક સ્થિતિ એકસાથે સમાંતરે વહે છે. દલિત-પીડિત-શોષિત સમાજને કરવી પડતી સોસાયટીની સફાઈ ભારતીય સામાજિક વર્ણવ્યવસ્થાના ભાગરૂપે રચાયેલી એક પ્રથા છે. આવી પ્રથાનો વિરોધ વાર્તાનો કેન્દ્રવર્તી વિચાર બની રહે છે. ત્રણે વાર્તાકારો ભાવકને પાત્રો, પ્રસંગો, ઘટનાઓ અને વૃત્તિઓને ક્રમશઃ અવગત કરાવે છે.

*************************************************** 

ડૉ.નરેશ આર.વાઘેલા
૧૧૧, મહાવીરનગર,
અંકલેશ્વર, જિ.ભરૂચ

Previousindexnext
Copyright © 2012 - 2025 KCG. All Rights Reserved.   |   Powered By : Knowledge Consortium of Gujarat

Home  |  Archive  |  Advisory Committee  |  Contact us