logo

શિક્ષણમાં ગુણવત્તા

આજના જોબ ઓરિએન્ટેડ એજ્યુકેશનના જમાનામાં ગુણવત્તાનું ધોરણ સતત કથળતું જઈ રહ્યું છે તેવા સમયે શિક્ષણમાં ગુણવત્તાના સંદર્ભે દરેક અધ્યાપન કરાવનાર અધ્યાપકે તાકીદે વિચારવાની જરૂર છે. હું મારી વાત મારા જ ગુજરાતી વિષયના સ્નાતક અને અનુસ્નાતક સ્તરના સંદર્ભમાં કરીશ. જો કે આ જ વાત ઉચ્ચ શિક્ષણમાં સમાવિષ્ટ બધા જ વિષયોને પણ સ્પર્શી રહે છે.

સૌથી પહેલો પ્રશ્ન એ થાય કે ગુણવત્તાત્મક શિક્ષણ વિશે આજનો કોલેજીયન વિદ્યાર્થી ક્યારે સજાગ થાય? જવાબ એ છે કે “જ્યારે તેને ભણાવનાર અધ્યાપક સજાગ-જાગૃત હોય ત્યારે” શિક્ષણમાં ગુણવત્તા લાવવા માટે પહેલાં અધ્યાપકે ગુણવત્તા પામવી પડે. મહાપંડિત રાહુલ સાંકૃત્યાયન કહે છે “એક વ્યક્તિની બીજી વ્યક્તિ પર નિરંતર અસર થયા કરે છે” ૧. વક્રતા એ છે કે આજે માત્ર વિદ્યાર્થી જ ભૂલ કરતો નથી પણ શિક્ષણના વ્યવસાયને માત્ર પૈસા કમાવાનું સાધન ગણતો અધ્યાપક પણ ભૂલ કરે છે, ત્યારે પોતાના વિષય પ્રત્યેની બેદરકારી-લાપરવાહી અને અજ્ઞાનતાની સાબિતી મળે છે. દા.ત. મારે કોઈ નવલકથા ભણાવવાની હોય અને હું મને ફાવે એ રીતે એની ચર્ચા કરીને ટેક્સ્ટ કમ ગાઈડ વાંચવાની સૂચના આપી દઉ તો શું એ પૂરતું છે? આજે આવા અધ્યાપકોનો બહુ મોટો સમૂહ છે. વિદ્યાર્થી માત્ર પાસ થાય એટલું જ પૂરતું છે કે વિદ્યાર્થી ખરેખર કઈક નવીન વાત અધ્યાપક પાસેથી શીખીને – ભણીને પાસ થાય એ જરૂરી છે? એના વિશે વિચારવું પડશે. કેટલીક વાર એવું પણ જોવા મળે છે કે અધ્યાપકના અજ્ઞાનને લીધે વિદ્યાર્થી પોતાની પાસે હોય તે જ્ઞાન પણ ગુમાવે છે. ઉદાહરણ તરીકે બી.એ. સત્ર-૨ માં ક. મા. મુનશી કૃત “પૃથિવીવલ્લભ” નવલકથા ભણાવતો અધ્યાપક આ નવલકથા વિશેની આંતરીક મૂલ્યાંકન કસોટીના પ્રશ્નપત્રમાં બધા પ્રશ્નોમાં આ નવલકથાના શીર્ષક “પૃથિવીવલ્લભ” અને નાયિકાના નામની જોડણી ખોટી લખે તો? વિદ્યાર્થી જવાબ લખતી વખતે ખોટી જોડણી લખશે તો એને સાચી જ ગણીને માર્ક્સ આપવું કે કેમ? અહી માર્ક્સ કાપવાની જગ્યાએ માર્ક્સ આપવું પડે તેવી સ્થિતિનું નિર્માણ થાય છે. અને ત્યારબાદ આપણને ખબર પડે કે આ ભૂલ કરનાર અધ્યાપકે આ “પૃથિવીવલ્લભ” નવલકથાના સંદર્ભમાં Ph.D. ની પદવી મેળવી છે તો? પ્રશ્નો પૂછતી વખતે – વાક્યરચનામાં “નો”, “ની ”, “નું”, “ના” જેવા પ્રત્યયોનો ઉપયોગ ક્યાં અને ક્યારે કરવો તે અંગે જો તે ગુજરાતી ભાષાના અધ્યાપકને ભાન ના હોય તો? અને આવી આવી સ્થિતિ હોય તો ગુણવત્તાયુક્ત શિક્ષણની તો અપેક્ષા જ ક્યાં રાખવી? ડો. મોહનભાઇ પંચાલ નોંધે છે “શિક્ષકની પોતાની આગવી પ્રતિભા અને વ્યક્તિત્વ હોય તથા તેની પોતાની કેટલીક વિશિષ્ટ એવી વર્તન-તરાહો હોય તો તે માત્ર તેના માટે જ નહીં પણ તેના વિધ્યાર્થીઓ માટે એક સંપત્તિ બની રહે છે॰ પ્રત્યેક શિક્ષકે પોતે પોતાની નિસર્ગદત્ત શક્તિ અને જ્ઞાન પ્રમાણે નવો વિચાર, જુદો ખ્યાલ, અદ્વિતીય એવી પધ્ધતિ કે કૌશલ્ય દાખવવાં જરૂરી છે, કેમ કે તે દ્વારા તે વિદ્યાર્થીની અધ્યયન પ્રક્રિયામાં અને જીવનઘડતરમાં એક વિશિષ્ટ એવા ઉપયોગી તત્વનો ઉમેરો કરે છે. એટલું જ નહીં, તેની પોતાની પ્રતિભા અને સિધ્ધિ વધારે તેજસ્વી બને છે.” ૨

ગુણવત્તાયુક્ત અધ્યાપન માટે સૌથી પહેલા જરૂર પડે છે દાનતની-નિયતની. અને પૈસાને જ સર્વસ્વ માનનારાઓમાં આ ગુણવત્તાયુક્ત અધ્યાપન કરાવવાની નિયત હોતી જ નથી. તેઓ તો માત્ર સમય પસાર કરે છે. નિયત-દાનત હોય પછી નક્કર આયોજન દ્વારા જે તે વિષયના સંદર્ભમાં બહોળો અભ્યાસ કરવાના નિમિત્તે વાંચનસામગ્રીને એકઠી કરવાની પ્રક્રિયા કોઈ પણ ઈમાનદાર અધ્યાપકે આદરવી પડતી હોય છે. દા.ત. મારે બી.એ. સત્ર ૬ માં “એન્તન ચેખોવની વાર્તાઓ” ભણાવવું છે તો વાર્તાઓની ચર્ચા દરમિયાન ચેખોવના સમયના રશિયાના વાતાવરણ અને સ્થિતિનું જ્ઞાન આવશ્યક બની જાય છે. ચેખવના જીવન વિશે મારે શક્ય તેટલી માહિતી મેળવીને તેની વાર્તાઓની તેના જીવન અને તેના દેશના સંદર્ભમાં મૂલવણી કરીને આજે વિશ્વના કોઈ પણ દેશના સંદર્ભમાં એ વાર્તાઓ કઈ રીતે બંધબેસે છે તેની વિશદ રજૂઆત કરવામાં આવે તો વિદ્યાર્થીઓને કાંઈક નવીન પામ્યાની અને મને કાંઈક વિશેષ આપ્યાની અનુભૂતિ થયા વિના રહેશે નહીં. પ્રો. ધનવંત એમ. દેસાઇ લખે છે “શૈક્ષણિક ગુણવત્તાને ઘડનારા અનેક બળો રહેલાં છે***વર્કશોપ, ચર્ચા, સ્વાધ્યાય, પ્રોજેકટ અભિક્રમિત અધ્યયન, વિશેષ પ્રમાણમાં શિક્ષક-વિદ્યાર્થી આંતરપ્રક્રિયાઓ, ફિલ્મ, ટેલિવિઝન, વિડીયો ટેપ વગેરેનો ઉપયોગ, અભ્યાસક્રમનું આધુનિકીકરણ અને તેનું ક્ષમતાપૂર્વક એકમ-આયોજન-અધ્યાપન-અધ્યયનમાં નાવીન્યો અને પ્રયોગો, પરિવર્તનની આમૂલ પ્રક્રિયાનું ચલિતકરણ આ અને આવી બીજી બાબતો શિક્ષણના ગુણવત્તાના નિર્ણાયક ઘટકો છે. જેમ વિસ્તરણ માટે આયોજન થાય તેમ અભ્યાસક્રમો, શિક્ષણપધ્ધતિઓ, અભ્યાસપ્રક્રિયાઓ, શિક્ષણસાધનો, પરીક્ષાપધ્ધતિ વગેરેની સુધારણા માટે આયોજન થવું જોઈએ. તેમાં શિક્ષકોનું પ્રશિક્ષણ નિર્ણાયક ભાગ ભજવશે.” ૩

માત્ર પાસ થવું પૂરતું નથી. ગોલ્ડ મેડલ મેળવનાર પણ મૌલિક રીતે વિચારવાની-રજૂઆત કરવાની શક્તિ ન ધરાવતો હોય તો તેના સુધી ગુણવત્તાત્મક શિક્ષણ પહોંચ્યું નથી એમ સમજવું પડે. પ્રશ્ન એ પણ થાય કે ગુણવત્તાયુક્ત શિક્ષણ મેળવ્યા વિના માત્ર ભણવા પૂરતું ભણીને પદવી લઈને તે પદવીને આધારે નોકરી કરવામાં આવે તો એમાં શું ખોટું? આ પ્રશ્નના જવાબમાં આપણે આપણી સાંપ્રત સ્થિતિના વાતાવરણનો અભ્યાસ કરવો જોઈએ. કેટલાક શિક્ષકોને જોઈને લાગે કે એનામાં અને વેલ્ડર –ફીટરમાં કોઈ ફરક નથી, કેટલીક વાર દેખાશે કે કોઈ વ્યક્તિ ટપાલીને બદલે અધ્યાપક બની જાય છે. જે તે સ્થાન-હોદ્દાની સાથે તે સ્થાનને અનુરૂપ વ્યવહાર-વર્તન કરવું પણ જરૂરી બની જાય છે. એ વ્યવહાર-વર્તન-કાર્યદક્ષતા ખરીદી શકાતી નથી. તેના માટે તો જરૂરી છે ગુણવત્તાત્મક શિક્ષણ, જે એ વ્યક્તિને મળ્યું નથી અને એટલે જ કદાચ એ બીજાને પણ તે આપી શકતો નથી. આજના જમાનામાં ભણેલા ગણેલા લોકોમાંથી પણ માનવતાની મોટે પાયે બાદબાકી થતી જાય છે તેના કારણરૂપે પણ ગુણવત્તાયુક્ત શિક્ષણના અભાવને ગણાવી શકાય.

ડો. મોહનભાઇ પંચાલ નોંધે છે કે “શિક્ષક સતત વ્યાવસાયિક સજ્જતા (Professional Equipment) તથા શૈક્ષણિક સભાનતા(Educational consciousness) સહિત સ્વવ્યક્તિત્વનો વિકાસ સાધવાની એક સુટેવ પાડે તો ખચિત એક સારો શિક્ષક બની શકે. નિયમિતતા,સચ્ચાઈ, નમ્રતા, નિખાલસતા, સ્વાર્પણની ભાવના, ખેલદિલી, વિષયજ્ઞાન, અધ્યાપનકળા, પ્રશ્ન પૂછવાની ટેકનિક, ચારિત્ર્યની નિર્મળતા, ઉત્સાહ, રસ, સૌંદર્યભાવના (Aesthetic Sense) વગેરે વ્યક્તિત્વના લક્ષણો વિકસાવવા શિક્ષકે સભાન પ્રયત્ન કરવો જોઈએ.” ૪ ગુણવત્તાયુક્ત અધ્યાપન દરમિયાન વિદ્યાર્થીઓની સાથે સાથે ખુદ અધ્યાપકને પણ જોરદાર ફાયદો થતો હોવાનો મારો પોતાનો અનુભવ છે. પ્રત્યેક વાર્તા-કવિતા-નવલકથા-નિબંધ દ્વારા જીવન અને સૃષ્ટિના અનેક રહસ્યો વર્ગમાં લાધી જાય છે અને વિદ્યાર્થીઓની આંખોમાં ચમક આવી જાય છે... એક ખરેખરા અધ્યાપકને આનાથી વિશેષ બીજું શું જોઈએ?

પાદટિપ-સંદર્ભસૂચિ ::

  1. “માનવસમાજ”, મહાપંડીત રાહુલ સાંકૃત્યાયન, અનુવાદ-ચંદુલાલ ભટ્ટ, પ્રકાશક-એ.યુ. વ્હોરા, પીપલ્સ બૂક હાઉસ-અમદાવાદ, બીજી આવૃત્તિ-માર્ચ ૧૯૮૮, પૃ. નં.-૨૧
  2. “અધ્યયન-અધ્યાપનની પ્રક્રિયા”, ડો. મોહનભાઇ પંચાલ, પ્રકાશક-બાલગોવિંદ પ્રકાશન-અમદાવાદ, પ્રથમ આવૃત્તિ-૧૯૭૭, પૃ. નં.-૧૫-૧૬
  3. “શૈક્ષણિક આયોજન” પ્રો. ધનવંત એમ. દેસાઇ, પ્રકાશક-યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડ-અમદાવાદ, પ્રથમ આવૃત્તિ-૧૯૭૩, પૃ.નં. ૬૪
  4. “અધ્યયન-અધ્યાપનની પ્રક્રિયા”,ડો. મોહનભાઇ પંચાલ, પ્રકાશક-બાલગોવિંદ પ્રકાશન-અમદાવાદ, પ્રથમ આવૃત્તિ-૧૯૭૭, પૃ. નં.-૨૦-૨૧


*************************************************** 

AUTHOR INFORMATION:

ડો. મનોજ માહ્યાવંશી
સિલવાસા ઈન્સ્ટીટયુટ ઓફ હાયર લર્નિંગ ( સિલવાસા કોલેજ ),
નરોલી

નોંધ- તા. ૨૩/૦૨/૨૦૧૪ ના રોજ કોલેજ ઓફ એજ્યુકેશન-દમણ ખાતે યોજાયેલ “એજ્યુકેશન એટ ક્રોસરોડ” નેશનલ સેમિનારમાં રજૂ કરેલ પેપર વિસ્તારથી.

Previous index next
Copyright © 2012 - 2025 KCG. All Rights Reserved.   |   Powered By : Knowledge Consortium of Gujarat

Home  |   Archive  |   Advisory Committee  |   Contact us