logo

જમ્મુ – કાશ્મીર રાજ્યને ’’ વિશિષ્ટ દરજ્જો’’ અનુચ્છેદ – ૩૭૦

પ્રસ્તાવના

ભારતના ઇતિહાસની ઝાંખી કરતાં અચુક યાદ આવે એવો કાળ એટલે રાજ્યોના વિલીનીકરણનો તબક્કો ઇ.સ. – ૧૯૪૭ બાદ ભારતના ૫૬૨ દેશી રાજારજવાડાઓના એક રાષ્ટ્રમાં વિલીનીકરણની પ્રક્રિયા સમયની અનેક ધટનાઓમાંથની એક સમસ્યા એટલે જમ્મુ કાશ્મીરનો વિવાદિત મુદ્દો અને તેના અન્વયે આકાર પામેલ અનુચ્છેદ – ૩૭૦

આપણે જાણીએ છીએ તેમ કાશ્મીર સ્મસ્યા ભારત માટે આજે પણ ગંભીર સમસ્યા છે અને એશિયાખંડનો સૌથી વિવાદસ્પદ મુદ્દો છે. તેનાજ લીધે ભારત પાકિસ્તાન વચ્ચે ત્રણ યુધ્ધો થઇ ચૂકયા છે. આઝાદીના ૬ દાયકાઓ બાદ પણ એ ગુંચવણ પ્રવર્તે છે કે આખરે શા માટે આ સમસ્યાનો ઉકેલ નથી આવતો ? શું અનુચ્છેદ ૩૭૦ કાશ્મીરના વિકાસ માટે અડચણરૂપ સાબિત થઇ રહ્યો છે? કાશ્મીર ભારતનો અવિભાજ્ય ભાગ છે. કાશ્મીરના હિમાચ્છાદિત ખીણ પ્રદેશની ઠંડીગાર ધરતી ભલે શાંત લાગતી હોય પંરતુ ભીતર તેના ભડકાઓ ઉઠે છે. લાગણીઓના લાવા ખદબદે છે. શું તેના માટે અનુચ્છેદ ૩૭૦ જવાબદાર છે.? પ્રવર્તમાન સમયમાં રાષ્ટ્રીયહિતની દ્રષ્ટ્રિએ અનુચ્છેદ ૩૭૦નું મહત્વ નકારી શકાય તેમ નથી કારણકે હાલમાં આપણા બંધારણમાં કાશ્મીર ભારતના અન્ય રાજ્યો કરતા વિશિષ્ટ સ્થાન ધરાવે છે. એટલું જ નહીં પરંતુ આ રાજ્યની અંદરના કેટલાક તત્વો જોડાણનો તથા ભારત સાથેના સંબંધના સ્વરૂપના અનેક પ્રશ્નો સતત ઉખેળ્યાજ કરે છે. કાશ્મીરની સમસ્યા માત્ર સંરક્ષણ કે સત્તાની નથી માત્ર કાયદો અને વ્યવસ્થાનો એકલો જ પ્રશ્ન નથી. પરંતુ તેના આર્થિક, સાંસ્કૃતિક અને ઐતિહાસિક પાસાંઓને તપાસવા પણ જરૂરી છે.

અનુચ્છેદ – ૩૭૦ અન્વયે જમ્મુ કાશ્મીર રાજ્યને વિશેષ દરજ્જો

ભારત સ્વતંત્ર થયુ તે પછી ભારત માટે જો કોઇ મોટી સમસ્યા હતી તે નાના – નાના રાજા રજવાડાઓમાં વહેંચાયેલા ભારતનું એકીકરણ કરવાની હતી. જે રાષ્ટ્રીય એકીકરણની પ્રક્રિયા દ્રારા સરદાર પટેલ આ દેશી રાજા-રજવાડાઓને ભારતના એક ભાગ તરીકે ભારતમાં તેમનું વિલિનીકરણ કરાવ્યું, જ્યારે ભારત અને પાકિસ્તાનના ભાગલા થયા, (૧૪મી ઓગસ્ટ, ૧૯૪૭ના રોજ) તે સમયે ભારત અને પાકિસ્તાન વચ્ચે જમ્મુ – કાશ્મીર રાજ્યને પોતાની સાથે જોડી દેવાની સમસ્યા હતી.

અંતે ભારત જમ્મુ – કાશ્મીર રાજ્યને પોતાની સાથે જોડવામાં સફળ રહ્યુ. પરંતુ જમ્મુ કશ્મીર રાજ્ય આજે ભારત સાથે ભૌગોલિક રીતે જોડાયેલ છે. પણ માનસિક રીતે તેના જોડાણમાં ખામી છે અને તેના પાયામાં બંધારણનો અનુચ્છેદ – ૩૭૦ છે.

બંધારણનો અનુચ્છેદ – ૩૭૦ અન્વયે જમ્મુ – કાશ્મીર રાજ્યને વિશેષ દરજ્જો પ્રાપ્ત થયો છે. આ અનુચ્છેદથી માત્ર બંધારણીય, રાજકીય, સમાજિક તથા આર્થિક જ નહી પરંતુ અન્ય સમસ્યાઓ પણ ઉપસ્થિત થઇ છે. આ અનુચ્છેદ પોતે જ વિવાદસ્પદ છે. અને તે અંગે ધણા મતભેદો પ્રવર્તે છે. આ બધા વિવાદો વિશે સમજવા માટે આપણે પ્રથમ અનુચ્છેદ – ૩૭૦ની આવશ્યકતા તથા તેના ઉદ્દભવ સમયની પરિસ્થિતિનો અભ્યાસ કરવો જરૂરી છે.

અનુચ્છેદ – ૩૭૦નો ઉદ્દભવ (જન્મ)

ભારતનું વિભાજન થયુ કે તરત જ જમ્મુ – કાશ્મીરના મહારાજ હરિસિંહએ પાકિસ્તાન સાથે ’’ સ્ટેન્ડ સ્ટીલ એગ્રીમેન્ટ’’ કરી લીધુ (કારણ કે કાશ્મીર ખીણ તરફ જનારો એક માર્ગ રાવલપિંડીથી હતો) જમ્મુ – કાશ્મીરના મહારાજા સાથેની આ સમજુતીને તોડીને પાકિસ્તાને જમ્મુ – કાશ્મીર પર કબજો મેળવવા માટે ૨૨મી ઓક્ટોબર- ૧૯૪૭ના રોજ કાશ્મીર ખીણ ઉપર આક્રમણ કરી દીધુ.આવી કટોકટી ભરી સ્થિતીમાં મહારાજ હરિસિંહએ સરદાર પટેલનો સંપર્ક સાધ્યો અને સરદાર પટેલ તુરત જ શ્રી વી.પી. મેનનને મહારાજ પાસે જમ્મુ મોકલ્યા. મહારાજ હરિસિંહએ ૨૬ ઓક્ટોબર ૧૯૪૭ના રોજ જમ્મુ કાશ્મીર રાજ્ય ભારતમાં વિલિનીકરણ કરી, જોડાણખત ઉપર સહી કરી ત્યાર બાદ ભારતની સેના કાશ્મીર ખીણમાં પહોચીં ગઇ. આ હુમલમાં પાકિસ્તાનની સૈન્યએ જમ્મુ – કાશ્મીરના ૮૩ હજાર ચોરસ કિલોમીટર વિસ્તાર પર કબ્જો કરી લીધો હતો. ભારતીય સૈન્યએ પાકિસ્તાન સેના દ્વારા કબ્જો કરાયેલા વિસ્તારોને મુક્ત કરવા માટે આગળ કાર્યવાહી કરી કે તરત જ તે સમયના પ્રધાનમંત્રી પંડિત જવાહરલાલ નહેરૂએ એક તરફી યુધ્ધ વિરામ જાહેર કરી પાકિસ્તાનના આક્રમણનો મુદ્દો યુ.એન.ઓ.ની સુરક્ષા પરિક્ષદમાં લઇ ગયા. અને તે સાથે જમ્મુ – કાશ્મીરમાં જનમત સંગ્રહ જેવું ગેરબંધારણીય આશ્વાસન જોડી દીધુ. જમ્મુ – કાશ્મીરનો જે ભાગ પાકિસ્તાન અધિગ્રહિત (અધિકૃત) કાશ્મીર વિસ્તાર ગણાય છે.

આમ, આવી કપરી પરિસ્થિતીઓમાં જમ્મુ – કાશ્મીર રાજ્યનું ભારતમાં સંપૂર્ણ રીતે વિલીનીકરણ કરવામાં આવ્યુ હતું જોડાણ માટેના દસ્તાવેજનું માળખુ અને અન્ય રજવાડાઓના રાજવીઓએ અમલ કર્યો હતો. તે પ્રકરાનું જ હતું. પરંતુ ભારત સરકારે કબુલ્યુ હતું કે, જોડાણ સંબંધે અંતિમ નિર્ણય જમ્મુ – કાશ્મીરની બંધારણીય વિધાનસભા દ્વારા લેવામાં આવશે. અને એ વચગાળાના સમય દરમ્યાન કામચલાઉ જોગવાઇ ભારતના બંધારણમાં કરવી પડી.આમ, આ રીતે અનુચ્છેદ – ૩૭૦નો જન્મ જમ્મુ –કાશ્મીર રાજ્યની વિશેષ પરિસ્થિતિને લીધે થયો અને ભારતના બંધારણમાં અનુચ્છેદ -૩૭૦ દ્વારા જમ્મુ –કાશ્મીર રાજયની વિશેષ પરિસ્થિતિને લીધે થયો અને ભારતના બંધારણની અનુચ્છેદ – ૩૭૦ દવરા જમ્મુ – કાશ્મીર રાજયનો વિશેષ દરજ્જો આપવામાં આવ્યો.

ઇ.સ.૧૯૫૧ માં જમ્મુ - કાશ્મીરની બંધારણ સભાની ચૂંટણી થઇ આ બંધારણ સભાએ ૬ ફેબ્રુઆરી – ૧૯૫૪ના રોજ જમ્મુ – કાશ્મીર રાજયની ભારત સાથેની વિલીનીકરણની પુષ્ટી કરી દીધી. ઇ.સ ૧૯૫૬માં આ બંધારણસભાએ ભારતના બંધારણની અનુચ્છેદ – ૩૭૦ અંતર્ગત જમ્મુ – કાશ્મીરનું પોતાનું અલગ બંધારણ બનાવવાની પ્રક્રિયા પૂર્ણ કરી. ૨૬ જાન્યુઆરી ૧૯૫૭થી આ બંધારણ અમલમાં આવ્યું. આમ, ભારતના બીજા રાજ્યો પાસે એક સામાન્ય બંધારણ છે જ્યારે જમ્મુ – કાશ્મીર રાજ્યના સંચાલન માટે એક અલગ બંધારણ છે.

જમ્મુ – કાશ્મીર રાજ્યની વિશિષ્ટ પરિસ્થિતી અને જોડાણના સંજોગોને ધ્યાનમાં રાખી અનુચ્છેદ – ૩૭૦ દાખલ આવી હતી. અનુચ્છેદ – ૩૭૦ને ભારતીય બંધારણના ૨૧માં ભાગમાં સ્થાન મળ્યુ છે અને આ અનુચ્છેદનું શીર્ષક જ અસ્થાથી અને સંક્રમણકાલીન અને વિશેષ દરજ્જો છે. પરંતુ આ વિશિષ્ટ જોગવાઇ ’’કામચલાઉ અને સંક્રમણકાલીન’’ હોવા છતાં આ જોગવાઇ લગભગ કાયમી જેવી થઇ જવાથી, વિવાદાસ્પદ બની છે.

અનુચ્છેદ – ૩૭૦

જમ્મુ અને કાશ્મીર રાજ્ય સંબંધમાં કામચલાઉ જોગવાઇઓ

(૧) આ બંધારણમાં કોઇ પણ જોગવાઇ હોવા છતાં,
(અ) અનુચ્છેદ ૨૩૮ની જોગવાઇઓ જમ્મુ અને કાશ્મીર રાજ્યને લાગુ પડશે નહી.
(બ) તે રાજય માટે કાયદો ઘડવાની સંસદની સતા

(૧) સંઘયાદી અને સહવર્તી યાદીની એવી બાબતો પૂરતી મર્યાદિત રહેશે કે જે રાજ્ય સરકારની સાથે મસલત કરીને રાષ્ટ્રપ્રમુખે ભારતસંઘ સાથેના જોડાણનું નિયમન કરતા જોડાણ દસ્તાવેજમાં નિર્દિષ્ટ કરાયેલ એવી બાબતો સાથે અનુરૂપ હોય, કે જેના સંબંધમાં તે સમયની ડોમીનીયન વિધાનસભા તે રાજ્ય માટે કાયદાઓ ઘડી શકે તેમ હોય અને
(૨) રાજય સરકાર સાથે મસલત કરીને, રાષ્ટ્રપ્રમુખ હુકમ કરીને નિર્દિષ્ટ કરે તેવી ઉપર્યુકત યાદીઓ માંથી અન્ય બાબતો.

ખુલાસો : આ અનુચ્છેદના હેતુ માટે, રાજય સરકાર એટલે એવી વ્યકિત કે જે ૫ માર્ચ – ૧૯૪૮ના રોજના મહારાજા જાહેરનામા હેઠળ, હોદ્દો ધરાવતા મંત્રીમંડળની સલાહ પ્રમાણે જમ્મુ અને કાશ્મીર રાજ્યના મહારાજા તરીકે રાષ્ટ્રપ્રમુખે તત્કાલીન સમય માટે માન્ય કરેલ હોય.

(ક) અનુચ્છેદ ૧ અને આ અનુચ્છેદની જોગવાઇઓ તે રાજ્યના સંબંધમાં લાગુ પડશે.
(ડ) તે રાજ્યના સંબંધમાં, રાષ્ટ્રપ્રમુખ હુકમ કરીને નિર્દિષ્ટ કરે તેવા અપવાદો અને સુધારાઓને આધિન, આ બંધારણની જોગવાઇઓ લાગુ પડશે.
પરંતુ જોગવાઇ એવી કરવામાં આવે છે કે પેટા કલોઝ (બ)ના ફકરા (૧) માં ઉલ્લેખીત જોડાણ દસ્તાવેજમાં નિર્દિષ્ટ કર્યા સિવાય, હુકમ બહાર પાડવામાં આવશે નહી.
વધુમાં એવી જોગવાઇ કરવામાં આવે છે કે છેલ્લા પ્રબંધકમાં ઉલ્લેખ કરાયો હોય તે સિવાયની બાબતો અંગેનો હુકમ સરકારની સંમંતિ સિવાય પ્રગટ કરી શકાશે નહી.
(૨) કલોઝ (૧)ની પેટા કલોઝ (બ) (૨)માં અથવા કલોઝના પેટા અનુચ્છેદ (ડ)ના બીજા પ્રબંધમાં ઉલ્લેખીત રાજ્ય સરકારની સમંતિ રાજ્યનું બંધારણ ધડવા માટેની સભા સમક્ષ મુકાશે અને તે તેના પર નિર્ણય લેશે.
(૩) આ અનુચ્છેદ આગળની જોગવાઇઓમાં ગમે તે કહેવાયુ હોવા છતાં, રાષ્ટ્રપ્રમુખ, જાહેરનામાંથી જાહેર કરી શકે કે આ અનુચ્છેદનો અમલ બંધ થશે અથવા તેનો અમલ તેવો હુકમથી નિર્દિષ્ડ કરે તેવા અપવાદો અને સુધારાઓને આાધીન થશે.

વધુમાં એવી જોગવાઇ કરવામાં આવે છે કે કલોઝ (૨) માં ઉલ્લેખીત બંધારણ સભાની ભલામણ રાષ્ટ્રપ્રમુખ આવુ જાહેરનામું પ્રસિધ્ધ કરે તે જરૂરી રહેશે.

સમજુતી

જમ્મુ અને કાશ્મીર રાજ્યનું બંધારણ અલગ છે. તેથી ભારતીય બંધારણ જમ્મુ - કાશ્મીર રાજ્યને લાગુ પડતુ નથી, સિવાય કે રાષ્ટ્રપ્રમુખ તે મતલબનો હુકમ કરે જમ્મુ અને કાશ્મીર રાજ્યનું બંધારણ અમલમાં આવ્યા પછી પણ અનુચ્છેદ – ૩૭૦નો અમલ ચાલુ રહેલ છે. રાષ્ટ્રપ્રમુખ રાજ્ય સરકાર સાથે મસલત કરીને જોડાણ દસ્તાવેજમાં નિર્દિષ્ટ કરાયેલ બાબતો પૂરતુ આ બંધારણ લાગુ પાડી શકે છે.

આ અનુચ્છેદની જોગવાઇઓ કામચલાઉ છે. એ.આઇ.આર. ૧૯૭૧ જમ્મુ એન્ડ કાશ્મીર પેજ ૧૨૦ માં ઠરાવાયુછે કે જોડાણ દસ્તાવેજમાં નિર્દિષ્ટ ન કરાયેલ બાબત અંગે પણ કેન્દ્ર સરકાર જમ્મુ કાશ્મીર રાજય માટે કાયદો ધડી શકે છે આ અનુચ્છેદ દૂર કરવાની માંગ ધણા વર્ષોથી ઉઠતી આવી છે.

વિશિષ્ટ દરજ્જો બંધારણમાં

જમ્મુ અને કાશ્મીર રાજ્યને લાગુ પડે ત્યારે બંધારણના આરંભના ઉલ્લેખો, બંધારણ (જમ્મુ અને કાશ્મીર રાજ્યને લાગુ પાડવા બાબતના) હુકમ, ૧૯૫૪ના આરંભના એટલે કે સન ૧૯૫૪ના મે મહિનાની ૧૪મી તારીખના ઉલ્લખો છે એવો અર્થ કરવામાં આવશે.

અનુચ્છેદ – ૩૭૦ જમ્મુ – કાશ્મીર રાજયને લાગુ પડાય ત્યારે એમાંથી અનુસુચિત આદિજાતિના ઉલ્લેખને બાકાત રખાશે.
અનુચ્છેદ – ૩૨૫ જમ્મુ – કાશ્મીર રાજયને લાગુ પડે ત્યારે રાજ્યના ઉલ્લેખમાં જમ્મુ – કાશ્મીર રાજ્યના ઉલ્લેખનો સમાવેશ થતો નથી એવો અર્થે કરવમાં આવે છે. એવી જ રીતે અનુચ્છેદ ૩૨૬ અને ૩૨૭ જમ્મુ – કાશ્મીર રાજ્યને લાગુ પડે ત્યારે રાજ્યના ઉલ્લેખમાં જમ્મુ – કાશ્મીર રાજ્યના ઉલ્લેખનો સમાવેશ થતો નથી એવો અર્થ કરવામાં આવે છે.
અનુચ્છેદ ૩૨૮, ૩૩૧ અને ૩૩૨ તેમજ ૩૬૯ જમ્મુ – કાશ્મીર રાજ્યને લાગુ પડશે નહી.
અનુચ્છેદ ૩૨૯ જમ્મુ – કાશ્મીર રાજ્યને લાગુ પડે ત્યારે રાજ્યોને લગતા ઉલ્લેખમાં જમ્મુ – કાશ્મીર રાજ્યના ઉલ્લેખનો સમાવેશ થતો નથી એવો અર્થ કરવામાં આવશે અને અથવા અનુ્ચ્છેદ ૩૨૮ એ શબ્દો તથા આંકડાઓ કમી કરવમાં આવશે.
અનુચ્છેદ ૩૨૪ના ખંડ (૧)માં જમ્મુ – કાશ્મીર રાજ્યના વિધાનમંડળમાં બે માંથી કોઇ ગૃહની ચૂંટણીના સબંધમાં બંધારણનો ઉલ્લેખ, જમ્મુ – કાશ્મીરના બંધારણનો ઉલ્લેખ છે એવો અર્થ કરવમાં આવશે.
અનુચ્છેદ ૩૭૦ની વિશેષતાઓ (જમ્મુ – કાશ્મીરના સંદર્ભમાં)

 જમ્મુ – કાશ્મીર રાજ્યને પોતાનું અલગ બંધારણ છે.
 જમ્મુ – કાશ્મીર રાજ્યના સંરક્ષણ, વિદેશનીતિ તથા સંદેશા વ્યવહારને લગતી બાબતો ભારત સરકાર હસ્તક છે. બાકીના તમામ કાયદાઓ ધડવા માટે ભારત સરકારે જમ્મુ – કાશ્મીર રાજ્યની મંજુરી લેવી જોઇએ.
 કેન્દ્ર અને રાજ્ય વચ્ચે થયેલ સત્તાની વહેચણીની બાબતમાં શરૂઆતમાં કેન્દ્રની સત્તા આ રાજ્યને માત્ર ત્રણ વિષયો પૂરતી જ લાગુ પડતી હતી. પાછળથી કેન્દ્રની સત્તા વધી છે. આમ છતાં સંધિય સુચિમાં ક્રમાંક ૮, ૯, ૩૪ જમ્મુ – કાશ્મીરને લાગુ પાડવામાં આવી નથી.
 ઇ.સ.૧૯૩૬૩ સુધી સંયુકત સુચિ જમ્મુ – કાશ્મીર રાજ્યમાં લાગુ પાડવમાં આવી ન હતી. આજે પણ દેશની સંસદ, રાજ્યો માટેના વધુમાં વધુ ૪૭ વિષયો માંથી ૧૭ વિષયો અંગે જ જમ્મુ – કાશ્મીર રાજ્યને લાગુ પાડતા કાયદા બનાવી શકે છે. આ ઉપરાંત શેષ સત્તા બીજા રાજ્યોની બાબતમાં કેન્દ્ર સરકાર પાસે છે. જ્યારે જમ્મુ – કાશ્મીરની સત્તા રાજ્ય પોતાની પાસે જ છે.
 જમ્મુ – કાશ્મીરના સ્થાયી નિવાસીઓને બેવડું નાગરિકત્વ મળે છે. તેઓ જમ્મુ – કાશ્મીર રાજ્યના નાગરિકત્વની સાથે ભારત દેશનું પણ નાગરિકત્વ પણ ધરાવે છે.
 જમ્મુ – કાશ્મીરના નાગરિકોને કેટલાક વિશેષ અધિકારો પણ મળે છે. જેમકે રાજ્ય સરકારની નોકરી તથા કાયમી મિલકતની માલિકીન હક્ક, તેમજ જમ્મુ – કાશ્મીરના લોકોને સંધિય સેવામાં ભરતીની તક મળે છે. પણ બીજા રાજયના નાગરિકોને જમ્મુ – કાશ્મીર રાજ્યની વહીવટી સેવામાં ભરતી માટેની તક મળતી નથી.
 જમ્મુ – કાશ્મીરના નાગરિકો દેશના કોઇ પણ સંસદીય મત વિસ્તારમાંથી ચૂંટણી લડી શકે છે. પરંતુ અન્ય રાજ્યની કોઇ પણ વ્યકિત જમ્મુ – કાશ્મીરના કોઇ પણ વિસ્તારમાંથી ચુંટણી લડી શકતી નથી.
 કટોકટીના સમયે ભારતના અન્ય રાજ્યોમાં અનુચ્છેદ – ૩૫૬ ’’રાષ્ટ્રપતિ શાસન’’ લાગુ પડે છે.
 જ્યારે જમ્મુ – કાશ્મીરમાં ’’રાજયપાલ શાસન’’ અનુચ્છેદ – ૩૭૦ના કારણે લાગુ પાડવામાં આવે છે.
 જમ્મુ – કાશ્મીર રાજ્યમાં અંદાજપત્ર સંસદ નહી પણ રાજયપાલ જ તૈયાર કરે છે.
 આંતરિક વિદ્રોહ કે વિદેશી આક્રમણ વખતે કટોકટીની જાહેરાત કરવામાં આવે છે તે જમ્મુ – કાશ્મીર સિવાય ભારતના અન્ય રાજ્યોને આપો આપ લાગુ પડી જાય છે. પરંતુ અનુચ્છેદ - ૩૭૦ના કારણે (વિશિષ્ટ રાજયના દરજજાને કારણે) કોઇપણ પ્રકારની કટોકટી જમ્મુ – કાશ્મીર આપો આપ લાગુ પાડી શકાતી નથી. કેન્દ્ર સરકારે રાજય સરકારની મંજુરી લઇને જ કટોકટી લાદી શકે છે. તેમજ જમ્મુ – કાશ્મીર રાજ્યમાં આર્થિક કટોકટીની જાહેરાત લાગુ પાડી શકાતી નથી.
 જમ્મુ – કાશ્મીરના બંધારણને કેન્દ્ર સરકાર સ્થગિત કરી શકતી નથી તેમજ જમ્મુ કશ્મીર રાજ્યના બંધારણમાં સુધારા કરવાની વિધિ જણાવવામાં આવી છે. પરંતુ બંધારણીય સુધારાની પ્રક્રિયા દર્શાવનાર અનુચ્છેદ ૧૪૭ માં ફેરફાર થઇ શકતો નથી.

આમ, આ બંધારણીય જોગવાઇઓને ધ્યાનમાં લેતા એ બાબત સ્પષ્ટ થાય છે કે ભારતના બીજા રાજ્યોની તુલનામાં જમ્મુ – કાશ્મીર રાજ્ય ઘણી વધુ સત્તા ધરાવે છે. તેમજ જમ્મુ – કાશ્મીર રાજ્યનું અલગ બંધારણ અને તેની જોગવાઇઓ એ સ્પષ્ટ કરે છે કે જમ્મુ – કાશ્મીર રાજ્યનું વિલિનીકરણ એ વિશિષ્ટ પ્રકારની પરિસ્થિતિઓના કારણે જુદી રીતે કરવામાં આવેલ છે. તે અંગે (જમ્મુ – કાશ્મીરના) બંધારણના ઘડવૈયાઓનો મહત્વનો ફાળો રહેલો જોવા મળે છે.

અનુચ્છેદ- ૩૭૦ કાશ્મીર અને ભારત વચ્ચેની વિભાજક રેખા

ભારતીય બંધારણમાં દર્શાવેલ અનુચ્છેદ – ૩૭૦નું વ્યાપક અને વિસ્તુત વર્ણન જોવા મળતું નથી. એમાં જે કંઇ લેખિત સ્વરૂપે કહેવામાં આવ્યુ છે એનો સાર એવો છે કે, ભારતીય બંધારણની અનુચ્છેદ – ૩૭૦ જમ્મુ – કાશ્મીર પર સીધી રીતે લાગુ થશે. બંધારણની અનુચ્છેદ – ૩૭૦ મુજબ (જે પહેલા બંધારણનો અનુચ્છેદ ૩૦૬ – એ હતો) તેનું સંચાલન થાય છે. બંધારણના ઘડતર સમયે આ મુજબ કેન્દ્ર સરકારને માત્ર સંરક્ષણ, વિદેશ નીતિ અને પરિવહન એમ ત્રણ વિષયો પર જ કાનૂન ધડવાની અને તેના અમલ તેમજ વહીવટની જવાબદારીઓ સોંપવામાં આવી હતી. આ સિવાયના વિષયો અંગે કાનૂની અને વહીવટી સત્તા રાજ્યને સોંપવામાં આવી હતી. જોકે ભારતના બંધારણની બીજી જોગવાઇઓ રાષ્ટ્રપ્રમુખ પોતાને યોગ્ય લાગે તો ફેરફારો કે અપવાદો સાથે જમ્મુ અને કાશ્મીરમાં લાગુ પાડી શકે છે. પરંતુ તેમાં જમ્મુ અને કાશ્મીર રાજ્યની સરકારની સંમતિ આવશ્યક છે. આને ઉપયોગ કરીને જમ્મુ – કાશ્મીર રાજ્યને ભારતના બંધારણની બીજી અનુચ્છેદો પણ લાગુ પાડવમાં આવે છે.

જમ્મુ અને કાશ્મીરની વિશિષ્ટ પરિસ્થિતિ અને જોડાણના સંજોગો જોતા અનુચ્છેદ – ૩૭૦ દાખલ કરવામાં આવી હતી. પરંતુ અનુચ્છેદ – ૩૭૦ થી જમ્મુ – કાશ્મીરના લોકોને લાભ થયો નથી. પણ તેનાથી રાજ્યના સ્થાપિત હિતોને અને રાજકારણીઓને જ લાભ થયો હોય તેવુ તેવું દેખાઇ આવે છે.

પરિણામે જમ્મુ - કાશ્મીરમાં અનુચ્છેદ – ૩૭૦ને કારણે નીચે બતાવેલા પરિણામો છેલ્લા ૬૩ વર્ષોથી પ્રિતફલિત થઇ રહેલ છે.

 ભારતનું સંપૂર્ણ બંધારણ જમ્મુ – કાશ્મીર પર લાગુ થતું નથી. આમ છતાં પણ અનેક કારણોથી બંધારણના અનુચ્છેદ – ૧ અને અનુચ્છેદ – ૩૭૦ને બાદ કરતાં ત્યાંની રાજ્ય સરકાર મંજુરી મેળવી ત્યાં આગળ ભારતીય બંધારણને અનુચ્છેદ ૩૫૬ સર્વોચ્ચ ન્યાયાલય, ચૂંટણીપંચ અને ભારતનાં નિયંત્રક તથા મહાલેખા પરિક્ષકના અધિકાર ક્ષેત્ર વગેરેથી સંબંધિત બંધારણીય ઉપબંધ ત્યા લાગુ કરવામાં આવેલ છે. પરંતુ આમ હોવા છતાં પણ જમ્મુ – કાશ્મીર બંધારણીય દ્રષ્ટિથી ભારતનાં અન્ય રાજ્યોની સ્થિતી ભિન્ન પ્રકારની છે. ઉદાહરણાર્થે જમ્મુ – કાશ્મીર રાજ્યમાં પરિવાર કલ્યાંણ કાર્યક્રમને લાગુ કરી વધતી જતી જનસંખ્યાને રોકવાનો પ્રયાસ આજના દિવસ સુધી પણ કરવામાં આવ્યો નથી. રાજ્યના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ગુલામ મહમંદ શારે, પરિવાર કલ્યાંણ કાર્યક્રમને ઇસ્લામ વિરોધી અને હિંદુ ભારત પ્રપંચ તરીકે ધોષિત કર્યો હતો.
 અનુચ્છેદ – ૩૭૦નું અસ્તિત્વ કાશ્મીરની સાંસ્કૃતિક અસ્મિતાને જાળવી રાખવા માટેના ઉદ્દેશ્યથી સ્વીકારવામાં આવે છે. આ અંગે ભૂતપૂર્વ રાજ્યપાલ જગમોહનનું કહેવું છે કે શું બંગાળ, ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાન, કેરલ, કર્ણાટક વગેરે રાજ્યોને પોતાની સાંસ્કૃતિક અસ્મિતા જાળવી રાખવાની આવશ્યકતા નથી? આમ છતાં પણ જો ભારતીય બંધારણની અંતર્ગત આ બધા અથવા ભારતીય સંધના બધા રાજ્યોની પોતાની સાંસ્કૃતીક ઓળખાણ સુરક્ષિત રહી શકે છે તો પછી જમ્મુ – કાશ્મીર રાજ્યને માટે જ આ ભિન્ન વ્યવસ્થા શા માટે ?
સત્ય તો એ છે કે આ અનુચ્છેદની આડે કાશ્મીર ઘાટીની મુસ્લીમ જગતના મનમાં મનોવૈજ્ઞાનિક રૂપમાં એને રાષ્ટ્રની મુખ્ય ધારાથી અલગ કરવાનું દૃષ્ટ કૃત્ય ચાલી રહ્યુ છે અને કાશ્મીરમાં શેખ – રાજ, શેખ - સલ્તન ઉભી કરવાનો આજ દિન સુધી પ્રયાસ કરવામાં આવે છે.
 અનુચ્છેદ – ૩૭૦નું પરિણામ એ પણ આવ્યુ કે, આખા જમ્મુ –કશ્મીર રાજયને મુસ્લીમ બહુમતિવાળો પ્રદેશ બનાવવાની સુનિયોજીત યોજના ત્યાં ચલાવવામાં આવી રહી છે. તિબેટ માંથી જમ્મુ – કાશ્મીરમાં આવતા મુસલમાનોને નાગરિકતા પ્રદાન કરવામાં આવી છે. પરંતુ પશ્ચિમ પાકિસ્તાનથી ઇ.સ. ૧૯૪૭માં નિર્વાસીત આવેલા હિંદુ આજે ૬૦ વર્ષ પછી પણ રાજ્યની નાગરિકતાથી વંચિત છે. એટલે કે તેઓને કોઇપણ પ્રકારના સામાજિક, રાજનૈતિક, શૈક્ષણિક અધિકારો પ્રાપ્ત થયા નથી.
 આ આનુચ્છેદનો મુખ્ય ઉદ્દેશ જમ્મુ – કાશ્મીર રાજ્યને વધારે સ્વાયતા આપી સત્તાનું વિકેન્દ્રીકરણ કરવાનો નથી. પરંતુ રાજ્યની જનતાને રાષ્ટ્રીય મુખ્ય ધારાથી વિચ્છેદી નાંખવાનું છે માટે જ તો એમને એનું અલગ બંધારણ, ધ્વજ અને નિશાન છે.
આમ થવાથી પંજાબ, તામિલનાડુ, આસામ અને અન્ય પૂર્વોત્તર રાજ્યોમાં પણ અલગતાવાદ ફુલી ફાલી રહ્યો છે. જેના લીધે રાષ્ટ્રની એકતા – અખંડતા માટે ગંભીર ખતરો ઉભો થઇ રહ્યો છે.

 અનુચ્છેદ – ૩૭૦ને કારણે ભારતના તમામ નાગરિકો માટે લાગુ થનાર અગિયાર મૌલિક કર્તવ્યો જમ્મુ – કાશ્મીરને લાગુ નથી પડતા. આથી ઘાટીમાં રાષ્ટ્રધ્વજ ત્રિરંગાનું અપમાન થાય છે અને તેને સળગાવી નાંખવો તો હવે સમાન્ય વાત બની ગઇ છે.
 અનુચ્છેદ – ૩૭૦ ને કારણે ભારતીય બંધારણના આનુચ્છેદ ૨૫૩ જમ્મુ કશ્મીર રાજ્ય પર લાગુ નથી. આના પરિણામે રાષ્ટ્રના વ્યાપક હિત માટે કરવામાં આવેલ કોઇ આંતરરાષ્ટ્રીય સમજુતી અથવા સંધિ જમ્મુ – કાશ્મીર રાજ્ય પર એની મંજુરી વગર લાગુ થઇ શકતી નથી.
 ભારતીય બંધારણે સંસદને રાજ્યની સીમાઓમાં પરિવર્તન કરવા માટે, એનું પુનર્ગઠન કરવા માટેનાં અધિકારો અને શક્તિ આપેલ છે. પરંતુ જમ્મુ – કાશ્મીર રાજ્ય પર આ અધિકાર કે શક્તિ ચાલી શકતી નથી. આ દ્રારા પણ પાકિસ્તાનની સમર્થક તત્વોને ધાટીમાં અલગતાવાદ ફેલાવવામાં મદદ મળી રહી છે.
 વિદેશી આક્રમણ અથવા આંતરિક સશસ્ત્ર વિદ્રોહની પરિસ્થિતિમાં રાષ્ટ્રપતિને બંધારણની અનુચ્છેદ ૩૫૨ દ્રારા આખા રાષ્ટ્રમાં કટોકટીની સ્થિતી લાગુ કરવાની શક્તિ પ્રદાન કરવામાં આવેલ છે. પરંતુ જમ્મુ – કાશ્મીરમાં એને અત્યંત સીમિત રૂપમાં લાગુ કરાય છે. આ માટે રાજય સરકારની અનુમતિ આવશ્યક છે.
 જો ભારત સરકાર પ્રતિરક્ષાની દ્રષ્ટ્રીથી રાજ્યની અંદર સૈનિક - છાવણી બનાવવા માટે જગ્યા ઇચ્છે તો એ ભુમિ અધિગ્રહણ કરવાનો અધિકાર રાજ્ય – સરકારને જ છે કેન્દ્રને નથી.
રાજ્ય સરકાર દ્રારા ભુમિ અધિગ્રહણ ન કરવાથી છાવણીને સ્થાયી સ્વરૂપે રાખી ન શકાય. આ અનુચ્છેદ – ૩૭૦ ને કારણે રાજ્ય સરકાર પોતાના પ્રશાસનિક મામલાઓ પર કેન્દ્રના આદેશો માનવા માટે બાંધ્ય નથી. આથી એક માત્ર વિકલ્પ અનુચ્છેદ ૩૫૬ની અંતર્ગત ત્યાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવાથી જ સ્થિતિ પર અંકુશ રાખી શકાય એમ છે.
 અન્ય રાજ્યો અથવા સંપૂર્ણ ભારતીય સંધ પર અનુચ્છેદ ૩૬૦ની અંતર્ગત નાણાકીય કટોકટીની સ્થિતી લાગુ કરવાનો અધિકાર રાષ્ટ્રપતિને છે પરંતુ જમ્મુ – કાશ્મીર પર આ અનુચ્છેદનો અમલ રાષ્ટ્રપતિ લાગુ કરી શકતા નથી.
 સંવર્તી યાદી અને અવિશિષ્ટ શક્તિઓને લાગુ કરવાની અંતિમ શક્તિ બંધારણે કેન્દ્ર સરકારને આપેલ છે, પરંતુ આ સંબંધિત અધિકાંશ બાબતોમાં જમ્મુ – કાશ્મીરને એના કાર્યક્ષેત્રથી આજે પણ બાકાત રાખવામાં આવેલ છે.
 ભારતીય બંધારણની અનુચ્છેદ ૨૪૯ રાજ્ય યાદીમાં અંકિત કોઇ વિષય રાષ્ટ્રીય રીતે મહત્વનો બની જાય તો આ અંગે કાયદો ધડવાની સત્તા ભારતીય સંસદને આ અધિનિયમથી મળી રહે છે. પરંતુ અનુચ્છદે – ૩૭૦ને કારણે જમ્મુ - કાશ્મીર રાજ્યમાં એનો અમલ થઇ શકતો નથી.
 અનુચ્છેદ – ૩૭૦ને કારણે જ જમ્મુ – કાશ્મીર રાજ્યમાં પ્રશાસનીક ભ્રષ્ટાચાર ફુલ્યો-ફાલ્યો છે. ભારત સરકારની અબજો રૂપિયાની નાણાંકીય સહાયતા વિવિધ પક્ષોના નેતાઓની તિજોરીમાં પહોંચી જાય છે. અને આ ધનની સહાયતા ગરીબ લોકો સુધી પહોચતી નથી. દા.ત. નદોસ હોટલના મામલામાં વચોટીયાએ રૂ. અઢાર કરોડ, વીસ લાખના ખાડામાં સરકારને ઉતારી દિધેલ. અનુચ્છેદ – ૩૭૦ ને કારણે કેન્દ્ર સરકાર એક મુક પ્રેક્ષક બની રહે છે. જો અનુચ્છેદ – ૩૭૦ ના હોત તો આટલી મોટી ભષ્ટ્રાચારની ઘટના બની ન હોત અને અન્ય રાજ્યોના બહારના ઉધોગપતિઓને જમ્મુ – કાશ્મીરમાં મુડી રોકાણ કરવાનો અવસર અને અધિકાર પ્રાપ્ત થયો હોત, અને તેથી જમ્મુ – કાશ્મીરનો વિધૃત વેગથી વિકાસ થયો હોત. પરંતુ અનુચ્છેદ – ૩૭૦ ને કારણે જમ્મુ – કાશ્મીરમાં મુડી રોકાણ કરી શકતો નથી.
 ઇ.સ. ૧૯૪૭માં પાકિસ્તાનથી નિર્વાસિત બનીને એંશી હજાર વ્યકિતઓ આવ્યા હતા. તેઓ તથા એમની ત્રીજી પેઢીને પણ આજે જમ્મુ – કાશ્મીરમાં નાગરિત્વ પ્રાપ્ત થઇ શક્યુ નથી. તેઓ રાજ્ય, વિધાનસભા, નગરપાલિકા તથા પંચાયતોની ચુંટણીમાં ભાગ થઇ શકતા નથી. તથા તેઓના યુવાનોને રાજ્યની એન્જીનીયરીંગ, મેડીકલ કે કૃષિ કોલેજોમાં પ્રવેશ મળતો નથી. ટુંકમાં એમને માનવીય અધિકારો પણ પ્રાપ્ત થયેલ નથી.
 જમ્મુનું ક્ષેત્રફળ કાશ્મીરથી ૭૦% વધારે છે અને જનસંખ્યા રાજ્યની વસ્તીના ૪૫% છે. રાજ્યની વિધાન સભામાં કાશ્મીર ઘાટીના ૭૩ હજારની વસ્તી પર એક સભ્ય ચુંટાઇ આવે છે જ્યારે જમ્મુ ક્ષેત્રમાંથી ૧૦ હજારની વસ્તી પર ૧ સભ્ય ચુંટાઇ આવે છે. આ રીતે કાશ્મીર ધાટીની દસ લાખની જનસંખ્યા પર લોકસભામાં એક સભ્ય મોકલે છે. જ્યારે જમ્મુ માંથી ૧૪ લાખની જનસંખ્યા પર ૧ સભ્ય મોકલવામાં આવે છે. આ એક ગંભીર બાબત છે અને રાષ્ટ્ર માટે ખતરનાક છે. પરિણામે રાજ્યવિધાન સભામાં કાશ્મીર ધાટીની ૪૨ બેઠકો છે જ્યારે જમ્મુ પોતાની ન્યાય પૂર્ણ ૩૬ બેઠકો થી પણ વંચિત રહેલ છે.
 અનુચ્છેદ ૩૭૦ને કારણે રાજ્યની જો કોઇ મહિલા નાગરિક ભારતીય નાગરિક સાથે લગ્ન કરી લેતો એવી મહિલા પોતાના તમામ નાગરિક અધિકારો ગુમાવી દે છે. અને એના પિતાની સંપતિનો ભાગ પણ નથી મળી શકતો.
 અનુચ્છેદ – ૩૭૦ને કારણે રાજ્યથી બહાર રહેનારા ભારતીય નાગરિકો જમ્મુ – કાશ્મીરમાં સ્થાવર મિલકત નથી ખરીદી શકતા. પરંતુ વ્યવહારમાં સ્થિતિ એવી છે કે રાજ્યમાં જમ્મુ અને લદ્દાખ જેવા પ્રદેશોમાં લોકોને પણ કાશ્મીર ધાટીમાં સ્થાવર મિલકત ખરીદવા માટે પરવાનગી આપવામાં આવતી નથી.
 અનુચ્છેદ – ૩૭૦ વિષે વધારે તો શુ કહેવું? આ અનુચ્છેદને કારણે જમ્મુ – કાશ્મીર સરકારના બંધારણીય પ્રમુખ અથવા રાજ્યપાલ પણ ત્યાંના નાગરિક ન હોવાને કારણે મતદાનમાં ભાગ લઇ શકતા નથી. આ એક ઘોર વિડંબના છે.
જમ્મુ – કાશ્મીર રાજ્યની રક્ષા ભારત સરકારે ત્યાં સૈનિક છાવણીઓ રાખેલ છે. જેમાં હજારો ભારતીય સૈનિકો રહે છે. પરંતુ તેઓ બહારના માણસો હોવાને કારણે આ સૈનિકો પણ મતદાન કરવાનો અધિકાર મળતો નથી. કેન્દ્રીય કાર્યાલયોના કર્મચારીઓની સ્થિતિ પણ આવી જ છે. આવા કર્મચારીઓ અને સૈનિકોની સંખ્યા હજારો – લાખોની છે. પરંતુ તેઓ માનવ અધિકારોથી વંચિત છે.
 આખા દેશમાં એક સમાન દંડ સહિતા લાગુ પડે છે. પરંતુ જમ્મુ – કાશ્મીરમાં એ લાગુ થઇ શકતી નથી.
 કેન્દ્ર સરકાર આખા દેશમાંથી આવકવેરો વસુલ કરે છે. કાયદાકીય રીતે આવકવેરો જમ્મુ – કાશ્મીરને પણ લાગુ પડે છે. પરંતુ ત્યાંની જનતા આવકવેરો ભરતી નથી. રાજ્ય સરકારના કર્મચારીઓ આવકવેરો વસુલ કરવા માટે જરા પણ રસ બતાવતા નથી. આવી કાશ્મીર ધાટીમાં ભારત સરકારનો આવકવેરો અંગેનો કાયદો એક નામ માત્રનો છે.
 ભારતીય બંધારણના અનુચ્છેદ ૩૬૫ રાષ્ટ્રના તમામ રાજ્યોને લાગુ પડે છે. જ્યારે જમ્મુ – કાશ્મીર રાજ્યને લાગુ પડતા નથી. આ અનુચ્છેદ પ્રમાણે જ્યારે બંધારણની કોઇપણી જોગવાઇઓ હેઠળ સંધની કારોબારી સત્તાનો અમલ કરતા દરમ્યાન આપવામાં આવેલ કોઇ આદેશો મુજબ વર્તવામાં અથવા અમલ કરવામાં કોઇ રાજ્ય નિષ્ફળ નીવડયુ હોય ત્યારે રાષ્ટ્રપતિ માટે એમ માનવાનું કાયદેસર ગણાશે કે એવી પરિસ્થિતિ ઉભી થઇ છે કે જેમાં આ બંધારણની જોગવાઇઓ અનુસાર રાજ્યોની સરકાર ચલાવી શકાય તેમ નથી.
 કાશ્મીર ઘાટીમાંથી પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં ભારત વિરોધી પ્રશિક્ષણ માટે યુવાનો ત્યાં જાય છે. એ વાત હવે સાવ ખુલ્લી પડી ગઇ છે. આ બધુ છેલ્લા કેટલાક વર્ષોથી કાશ્મીર ધાટીમાં ચાલતુ આવ્યુ છે. આવા યુવાનો ગર્વભેર પ્રશિક્ષણ લેવા જાય છે. પરંતુ અનુચ્છેદ – ૩૭૦ને કારણે કેન્દ્ર સરકાર ચુપ છે. ભારતીય સેનાના યુવાનો આ વાત જાણે છે. પરંતુ કશુ કરી શકતા નથી કારણે કે એમને સૈનિક કાર્યવહી કરવામાં માટેનો કોઇ આદેશ ભારત સરકાર તરફથી મળતો નથી.
આ બધા ઉદારણો પરથી જોઇ શકાય છે કે ભારતીય બંધારણની અનુચ્છેદ – ૩૭૦ને કારણે જમ્મુ – કાશ્મીર રાજ્ય અને ભારત વચ્ચે અનુચ્છેદ – ૩૭૦ વિભાજક રેખા બની ગઇ છે.

અનુચ્છેદ – ૩૭૦ને દુર કરવા સામેના પડકાર

ભારતીય બંધારણની અનુચ્છેદ ૩૭૦ કે જેમાં સંક્રમણકાલીન વિશિષ્ટ જોગવાઇઓ જમ્મુ – કાશ્મીર રાજ્ય માટે કરવામાં આવી છે. તેને નામશેષ કરવા માટેની આખરી નિર્ણયનો અધિકાર જમ્મુ – કાશ્મીર રાજ્યની બંધારણ સભાને આપવામાં આવ્યો હતો. પ્રશ્ન એ ઉભો થાય છે કે અનુચ્છેદ કામચલાઉ હતો તો અને સમાપ્ત કરવાની ભલામણ ત્યાંની બંધારણ સભાએ કેમ કરી નહી? કે પછી ભારત સરકારે બંધારણ સભાને આવી દરખાસ્ત પસાર કરવાનો પ્રયાસ કે કર્યો નહી? આ પ્રશ્નોના જવાબને સમયની રાજનૈતિક પરિસ્થિતિઓ માંથી શોધી શકાય તેમ છે. ઇ.સ. ૧૯૪૭માં કાશ્મીર પર પાકિસ્તાનની આક્રમણના સમયની સ્થિતિને લઇને ત્યાની બંધારણ સભાના સર્જન સુધી એકલે કે ઇ.સ. ૧૯૫૧ સુધીના ચાર વર્ષોના સમયગાળમાં રાજ્યની રાજનૈતિક સ્થિતિ અને ત્યાંના નેતાઓ તથા ત્યાંની જનતાની મનોવૈજ્ઞાનિક સ્થિતિમાં ધણો બદલાવ આવી ગયો હતો, ૫ નવેમ્બર ૧૯૫૧ના દિવસે ત્યાની બંધારણ સભાએ આ અનુચ્છેદને ચાલુ રાખવાની દરખાસ્ત કરી એનો મતલબ એવો પણ થઇ શકે કે અનુચ્છેદ ૩૭૦ અમલમાં આવ્યા પછી રાજ્ય અને ત્યાંના લોકોને જે વિશેષાધિકાર મળ્યા હતા. તેઓ તેનાથી ટેવાઇ ગયા હતા. આ અધિકારો પ્રત્યે તેઓને લગાવ થઇ ગયો હતો અને ભારતના અન્ય લોકોની તુલનામાં તેઓમાં શ્રેષ્ઠતાની ભાવના ઘર કરી ગઇ હતી.

બીજુ કે પાકિસ્તાનની સાથે મળીને ભારત વિરૂધ્ધ ષડયંત્ર રચવાના આરોપમાં જ્યારે શેખ અબ્દુલ્લા અને તેમના સમર્થકોને જેલમાં બંધ કરવામાં આવ્યા ત્યારે શેખ અબ્દુલ્લા અને એમના સમર્થકોએ જેલમા જ જનમત સંગ્રહ મોરચાની રચના કરી હતી. ત્યાંના લોકો પણ ગુમરાહ થઇ ચુકયા હતા. રાજ્યમાં રાજનૈતિક અસ્થિરતા જેવી સ્થિતિ પેદા થઇ ચુકી હતી. કદાચ આ સ્થિતિને ધ્યાનમાં લેતા ત્યાંના લોકોને રાજનૈતિક રૂપમાં સંતુષ્ટ કરવાના ઉદ્દેશ્યની જ અનુચ્છેદ – ૩૭૦ને સમાપ્ત કરાયો નહી

ત્રીજુ કારણ એ પણ કોઇ શકે કે આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર જમ્મુ – કાશ્મીરની વિવાદાસ્પદ સ્થિતિને જોતા પણ આમ કરવામાં આવ્યુ હશે.

અહીંયા એ ઉલ્લેખ કરવો પડશે કે ૧૯૫૧માં કરાવવામાં આવેલ રાજ્ય બંધારણસભાની ચૂંટણી એક રીતે જનમત સંગ્રહ પણ હતી. જેના દ્રારા રાજ્યના ભારતમાં વિલય પર જનતાની સહમતીની છાપ પણ લગાવવામાં આવી હતી. આ રીતે જનમત સંગ્રહનું વચન પણ પુરૂ થઇ ગયું હતું. આ પ્રકારે વિવાદાસ્પદ સ્થિતિ પૂર્ણ થઇ ગઇ હતી સ્વાભાવિક રીતે આ રાજ્ય પર પ્રભાવી કામચલાઉ અનુંચ્છેદ ૩૭૦ ને પણ સમાપ્ત કરવાની દિશામાં આપણા નેતાઓ દ્રારા આદર્શવાદી નીતિથી ફરી યથાર્થતાની દ્રષ્ટિ અપનાવી જોઇતી હતી પણ દુર્ભાગ્ય વશ આમ બન્યું નહી આ કારણથી અનુચ્છેદ – ૩૭૦ને પણ એક સમસ્યાનું રૂપ ધારણ કરી લીધુ છે.

અનુ્છેદ – ૩૭૦ને સમાપ્ત કરવાનો ઉપાય

આ રાજ્યના ભુતપૂર્વ રાજ્યપાલ જગમોહને આ અનુચ્છેદને સમાપ્ત કરવાનો તો નહી પણ એક હદ સુધી નાબુદ કરવાનો ઉપાય બતાવ્યો છે. કે જો અનુચ્છેદ ૩૫(ક) ને રદ કરવામાં આવે તો અનુચ્છેદ ૩૭૦નો પ્રભાવ ઘણા અંશે ઓછો કરી શકાય તેમ છે.

જમ્મુ – કાશ્મીર રાજ્યનો વિશેષ દરજ્જો - વર્તમાન પરિસ્થિતિ

જમ્મુ – કાશ્મીર રાજ્યને મેળવવા માટે પાકિસ્તાને ભારત સાથે ત્રણ વખત યુધ્ધ કર્યા પરંતુ પાકિસ્તાન તેમાં સફળ ન થયુ, તેથી પાકિસ્તાનને જમ્મુ – કાશ્મીર રાજ્યમાં આંતકવાદી પ્રવૃતિ દ્રારા તેને મેળવવા માટેના પ્રયત્નો ધણા વર્ષો પહેલાથી શરૂ કરી દીધા હતા.

આંતકીઓના નિશાના પર ભારતીય સેના, હિન્દુઓ અને રાષ્ટ્રાવીદી મુસલમાનો પણ છે. ભારતીય સુરક્ષાદળોના પ્રયત્નોથી આંતકવાદ કંઇક અંશે અટકયો તો છે. પરંતુ પાકિસ્તાન તરફથી જમ્મુ – કાશ્મીરની સીમાઓમાં સશસ્ત્ર ધુષણખોરી ચાલુ જ છે.

કાશ્મીર ખીણમાં જે સક્રિય આંતકવાદી સંગઠનો છે, જે આઝાદ કાશ્મીર તેમજ કાશ્મીર પાકિસ્તાન તરફથી બધા જ પ્રકારની મદદ મળે છે. જેમકે શસ્ત્રો, નાણા, તાલીમ વગેરે. આ બધી જ મદદ પાકિસ્તાનમાં રહેલા સંગઠનો તેમજ પાકિસ્તાનનું લશ્કર અને અન્ય સંસ્થાઓ દ્રારા પુરી પાડવામાં આવે છે.

છેલ્લા કેટલાક વર્ષોમાં કેન્દ્ર સરકારની કોઇ નિશ્ચિત અને દીર્ધકાલીન હોવાના કારણે સુરક્ષા સેના પાસેથી જ સફળતાની આશા રાખવામાં આવી રહી છે તે પૂરી થણઇ શકતી નથી. આટલા બધા અભિયાનો પછી પણ મુશ્કેલીથી પાંચ ટકા આંતકવાદી અને દસ ટકા હથિયારો પકડી શકાયા છે. સીમાબંધી બાબતમાં મોટા માર્ગો બંધ કરવામાં આવ્યા છે. પરંતુ નાના નાના રસ્તાઓના માધ્યમથી આંતકવાદીઓ સીમાવર્તી ગામોમાં પહોંચીને નવા નવા યુવકોને શસ્ત્રોનું પ્રશિક્ષણ આપવાના કામમાં લાગેલા છે. એ ગામો સુધી પહોચવાના પુલોને ઉડાવી દેવાથી ત્યાં સુરક્ષા સૈનાઓને પહોચવુ મુશ્કેલ બન્યુ છે. સુરક્ષા સેના ઉપર હુમલાઓ અને એમની સુધીના ક્ષેત્રને બાદ કરતાં ભાગ્યે જ કોઇ જ્યાએ પ્રશાસન જેવી ચીજ બચી છે. ભ્રષ્ટ અને સ્વાર્થી નેતાઓએ કાશ્મીરને બદબાદ કરી મૂક્યુ છે. આજે આ પ્રદેશ પાકિસ્તાનના અધોષિત યુધ્ધ રક્ષણક્ષેત્ર બની ગયો છે. દિલ્હી સરકારની કોઇ કાશ્મીર નિતિ જ નથી. પરિણામે આજે કાશ્મીરમાં આંતકવાદી રાજ જ દેખાઇ રહ્યુ છે. કોઇ ગેરમુસ્લિમ ભારતીયને શ્રીનગરની સડકો પર નીકળવુ થોડુક મુશ્કેલ છે. આંતકવાદી સંગઠનો કાશ્મીર ધાટીના સમગ્ર પ્રદેશમાં તેઓ જે ધારે તે તેઓ કરી શકે છે. પ્રશાસન તેમાં કંઇ કરી શકતુ નથી. ત્યાં બજારો ખોલવા કે બંધ કરવા, સડક ઉપરના વાહનોને ચલાવવા કે રોકવા સરકારી દફતરોમાં નવી ભરતીનું કામકાજ કરવુ એ બાબતમાં ખબરો છપાવવી કે ન છપાવવી આ બધુ જ આંતકવાદીઓની મરજી ઉપર નિર્ભર છે. રાજ્યમાં કેટલાય ભાગોમાં ત્રાસવાદીઓના જ હુકમો ચાલે છે. સરકારની તિજોરી આવતાં નાણાં એ લોકો ખાઇ જાય છે. સરકારમાં નિમણુંક અને બઢતીઓ તેમજ શિક્ષણ આપતી કોલેજોમાં પ્રવેશ આપવાની બાબતમાં તથા સંસ્થાઓ અને વ્યક્તિઓને મળતી લોન તથા ગ્રાન્ટ ઇત્યાદીમાં ત્રાસવાદીઓ ધાર્યુ કરાવી જાય છે.

વર્તમાન સમયમાં જમ્મુ –કાશ્મીરની પરિસ્થિતિ જોતાં જણાય છે કે ભારતના રાષ્ટ્રીય ધ્વજ, બંધારણ અને સુરક્ષા બળોનું જાહેરમાં અપમાન કરવામાં આવે છે. જેમ જેમ સમય વીતી રહ્યો છે. તેમ તેમ કાશ્મીર ખીણમાં પણ પ્રસરી બઠેલા પાકિસ્તાની તત્વોનો આતંક વધી રહ્યો છે.

વાસ્તવમાં કાશ્મીરની સમસ્યાઓ આધાર રાજનીતિક નહી પણ મજહબી કટ્ટરવાદ અને સીમાપારનો આંતકવાદ છે. એથી કટ્ટરપંથીઓ દ્વારા આઝાદ કાશ્મીરની માંગણી કરવામાં આવી રહે છે. આજ કારણ છે કે છેલ્લા ૬૩ વર્ષોમાં જમ્મુ – કાશ્મીરને અબજો રૂપિયાની આર્થિક મદદ કરવામાં આવી હોવા છતાં ત્યાં અલગતાવાદ સતત વધતો રહ્યો છે.

ઉપસંહાર

અનુચ્છેદ – ૩૭૦ના કારણે જમ્મુ- કાશ્મીર રાજયને મળેલા વિશિષ્ટ દરજ્જાને કારણે ભારતમાં રાજ્યનો રાજકારણમાં ઘણી બધી સમસ્યાઓ ઉભી થતી જોવા મળી છે. કારણ કે કાશ્મીરની વિશિષ્ટ પરિસ્થિતિના કારણે કાશ્મીર સુપર સ્ટેટ તરીકે લેવાય છે. જયારે ભારત એ રાજયનો બનેલો સંધ છે. તેથી આ વિશિષ્ટ બાબત બંધારણમાં સૂચક મનાય છે.

આ કલમના કારણે જમ્મુ - કાશ્મીરના લોકોની અંદર સુપર સીટીઝનનો ખ્યાલ ઉભો થતો જોવા મળે છે. જેના કારણે અન્ય રાજ્યોની વચ્ચે અસમાનતા ઉભી થાય છે. જે ભારત જેવા લોકશાહી દેશ માટે આવકારદાયક નથી. તેમજ જે રાજયો આગળ પડતા છે અને વિકસીત છે તેવા રાજયોમાં પણ વિશિષ્ટતા મેળવવા માટેની માંગ શરૂ થવા લાગી છે. એટલું જ નહી આ રાજ્યોમાંથી સ્વાયતાની માંગ પણ ઉભી થવા લાગી છે. સાથો સાથ અનુચ્છેદ – ૩૭૦ના કારણે કેન્દ્ર અને રાજ્યો વચ્ચે ભેદભાવ ભર્યા વર્તન કરવાના આક્ષેપો થતા જોવા મળે છે. તેથી અનુચ્છેદ – ૩૭૦ એ રાજ્યોની વચ્ચે ભેદભાવ ઉભુ કરે છે. તેવું જણાય છે. જેના કારણે કેન્દ્ર રાજ્ય સંબંધોમાં કડવાશ જોવા મળે છે. અનુચ્છેદ – ૩૭૦ ના કારણે વિશિષ્ટ દરજ્જો મળવાના કારણે કાશ્મીરના લોકોમા ભારતીય અથવા રાષ્ટ્રીયતાની ભાવનામાં ઉણપ જોવા મળે છે. જે ખરેખર બહુ જ દુ:ખ અને ચિંતાજન બાબત છે. કારણ કે જે દેશમાં તમે છો તે તમારી ઓળખ છે. તે માટેની નીરસતા એ ગંભીર સમસ્યા છે.

જમ્મુ કાશ્મીરને વિશિષ્ટ પરિસ્થિતી આવ્યા પછી પણ જમ્મુ – કાશ્મીરએ ભારતનું છે તે કહેવું પણ શરમ નથી તેમજ ત્યાંના લોકોનો વિશ્વાસ ભારતમાં છે. તે પણ સ્પષ્ટ કહી શકાય તેમ નથી. વિશેષ દરજ્જો આપવા છતાં કાશ્મીર પ્રજાનો વિશ્વાસ જીતવામાં આપણે સફળ થયા નથી તે સુચવે છે કે અનુચ્છેદ – ૩૭૦ના કારણે ઘણી બધી સમસ્યાઓ ઉભી થઇ છે. રાષ્ટ્રીયતા, વફાદારી જેવા તત્વોની ગેરહાજરી વર્તાય છે. તેમજ આંતરિક ઝધડાઓ, આંતકવાદ જેવી સમસ્યાઓ ઉભી થઇ છે. રાષ્ટ્રીયતા, વફાદારી જેવા તત્વોની ગેરહાજરી વર્તાય છે. તેમજ આંતરિક ઝધડાઓ, આંતકવાદ જેવી સમસ્યાઓ વધુ ફુલતી ફાલતી દેખાય છે.

જમ્મુ – કાશ્મીરનું ભારત સાથેનું સંપૂર્ણ એકીકરણ થવું જોઇએ. કોઇ વિશિષ્ટતા હોવી જોઇએ નહી. કોઇ અલગ બંધારણ કે અલગ ધ્વજ નહીં, કોઇ સ્વાયતતા નહી, કોઇ સ્વશાસન નહી, અને કોઇ જુદી ઓળખ હોવી જોઇએ નહી. તેમજ જમ્મુ કાશ્મીર ભારતનો અભિન્ન અંગ છે. એ વાતનો જ્યા સુધી નિર્વિવાદ સ્વીકાર કરવામાં આવે નહી ત્યા સુધી કોઇ વાટાઘાટો કરવાની જરૂર નથી. તેમજ બંધારણીય સુધારા કરી કાશ્મીરને ભારતમાં જેમ અન્ય રાજયોની વિલીનીકરણ કરવામાં આવ્યુ સામાન્ય રીતે કોઇ વિશેષતા વગર તેમ કાશ્મીર માટે કરવું જોઇએ.

જમ્મુ કાશ્મીરની સમસ્યાનો ઉપાય એ વિશિષ્ટ દરજ્જાના અંતની સાથે જ શક્ય છે. કારણ કે જ્યાં સુધી વિશિષ્ટ પરિસ્થિતિનો અંત નહી આણવામાં આવે ત્યાં સુધી એકાત્મતા ઉભી નહી થાય.

*************************************************** 

કુમારી ધારિણી ઇશ્વરસિંહ વાધેલા
પી.એચ.ડી સંશોધક
સરદાર પટેલ જીવન-કાર્ય અધ્યયન-સંશોધન સંસ્થા (સેરલિપ),
સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભવિધાનગર

Previousindexnext
Copyright © 2012 - 2025 KCG. All Rights Reserved.   |   Powered By : Prof. Hasmukh Patel

Home  |  Archive  |  Advisory Committee  |  Contact us