logo

મહિલા અપરાધ-સાંપ્રત સમાજની વાસ્તવિકતા

પ્રસ્તાવના

આજે સમાજમાં ઘણા ખરા અપરાધો થતા જોવા મળે છે. આવા અપરાધોમાં જુદાં જુદાં ક્ષેત્રની જુદી જુદી વ્યકિતઓ સંકળાયેલી જોવા મળે છે. આજે અપરાધ કરવામાં પુરુષોની સાથોસાથ મહિલાઓ પણ સંકળાયેલી જોવા મળે છે. જો કે અપરાધ કરવામાં પુરુષો કરતાં મહિલાઓનું પ્રમાણ ઓછું જોવા મળે છે. મહિલા અપરાધનો અર્થ એવો થાય છે કે, મહિલા ધ્વારા કરવામાં આવતો અપરાધ. જે મહિલા અપરાધ કરે છે તેને મહિલા અપરાધી કહેવામાં આવે છે. મહિલા અપરાધની સમસ્યા ફકત ભારતમાં જોવા મળે છે તેવું નથી. પરંતુ, વિશ્વના જુદાં જુદાં દેશોમાં મહિલાઓ ધ્વારા વિવિધ અપરાધો થતા રહયા છે. દુનિયાના દરેક સમાજોમાં મહિલા અપરાધી જોવા મળે છે. કાયદા ધ્વારા પ્રતિબંધિત કાર્ય કરવા માટે દોષી સાબિત થયેલી મહિલા કે જેને રાજયધ્વારા શિક્ષા કરી શકાય તેવી મહિલાને મહિલા અપરાધી કહેવામાં આવે છે. મહિલા અપરાધીઓના અનેક ઉદાહરણો સમાજમાં જોવા મળે છે. આવી અપરાધી મહિલાઓમાં સિનેજગત, રાજકારણ વગેરે જેવા ક્ષેત્રોની મહિલાઓનો પણ સમાવેશ થાય છે. આમ, મહિલા અપરાધ એ દુનિયાના દરેક દેશોમાં અને દરેક સમાજમાં ઓછે વતે અંશે જોવા મળે છે.

મહિલા અપરાધ એટલે શું ?

મહિલા અપરાધ એ મહિલાઓ ધ્વારા થતા અપરાધ સાથે સંકળાયેલી બાબત છે. સમાજ અને કાયદા વિરુધ્ધ કાર્ય કરતી દરેક મહિલા એ મહિલા અપરાધી છે. પકડાતી મહિલા અપરાધીની સંખ્યા વાસ્તવિક મહિલા અપરાધી કરતાં અનેકગણી ઓછી જોવા મળે છે. કારણ કે, ઘણી મોટી સંખ્યાની મહિલા અપરાધીઓ કયારેય પણ પકડાતી નથી. એક બાબત એ પણ જોવા મળે છે કે, જાતીય સંબધી અપરાધોમાં પુરુષ અપરાધીઓની સરખામણીમાં મહિલા અપરાધીઓ પર તરત જ શંકા કરવામાં આવે છે. જાતીય અપરાધ સંબંધી અપરાધોમાં પકડાયેલ અપરાધીઓમાં મહિલા અપરાધીઓ મોટી સંખ્યામાં જોવા મળે છે. જયારે હત્યા, બળાત્કાર, ચોરી, ધાડ વગેરે જેવા અપરાધોમાં મહિલાઓ ઉપર શંકા કરવામાં આવતી નથી. જે તે દેશ અને સમાજના સાંસ્કૃતિક મુલ્યોની અસર મહિલા અપરાધીઓની સંખ્યા પર પડતી જોવા મળે છે. જે સમાજોમાં બાલ્યાવસ્થામાં ખરાબ સંસ્કાર મળવાની શકયતા હોય ત્યાં મહિલા અપરાધીઓની સંખ્યા વધુ રહેવાની સંભાવના રહેલી છે. પશ્ચિમી સમાજો કરતાં ભારતમાં મહિલા અપરાધીઓની સંખ્યા ઓછી છે. ભારતમાં પણ પછાત, નિમ્ન સમાજોની સરખામણીમાં સભ્ય સમાજોમાં મહિલા અપરાધીની સંખ્યા નોંધપાત્ર રીતે ઓછી જોવા મળે છે.

મહિલા અપરાધના કારણો.

મહિલા અપરાધ માટે કોઇ એક કારણ જવાબદાર નથી. પણ તે માટે અનેક જુદાં જુદાં કારણો જવાબદાર છે. જે આ પ્રમાણે જોવા મળે છે.

મહિલા અપરાધ માટે સૌથી જવાબદાર કારણ એ સામાજીક કુપ્રથાઓ છે. વિધવા પુનઃલગ્ન પ્રતિબંધને કારણે યુવાન,વિધવાઓ પુનઃ લગ્ન કરી શકતી નથી. તેમાંની કેટલીક મહિલાઓ તેમની જાતીયવૃત્તિને સંતોષવા માટે પરપુરુષ સાથે વ્યભિચાર કરે છે. દહેજ પ્રથાને કારણે ગરીબ કુટુંબની કન્યાઓ કુંવારી રહી જવાને લીધે તેઓ જાતીય અપરાધ કરે તેવી શકયતાઓ વધી જાય છે. આમ, સમાજની કુપ્રથાઓ મહિલા અપરાધ માટે જવાબદાર હોય છે.

માતાપિતા ધ્વારા જીવનસાથીની પસંદગી એ પણ મહિલા અપરાધ માટે જવાબદાર છે. ભારતમાં માતાપિતા તેમની દીકરી માટે જીવનસાથીની પસંદગી કરે છે. ત્યારે પરણનાર દીકરીની ઇચ્છા અનિચ્છાને ધ્યાનમાં લેતા નથી. દીકરી નિખાલસતાથી પોતાના વિચારો જણાવી શકતી નથી. આવી પરિસ્થિતિમાં યુવતી અનિચ્છાએ લગ્ન કરે છે તે અન્ય સાથે સ્નેહસંબંધથી બધાયેલી હોવાથી પતિ સાથે અનુકૂલન સાધી શક્તી નથી. લગ્નબાદ પણ પોતાના પ્રેમી સાથે ચોરીછુપીથી જાતીય સંબંધો ચાલુ રાખે છે. કયારેક તે પોતાના પ્રેમી સાથે મળીને પતિનું ખૂન કરી નાખે છે. આમ, આ રીતે આવી યુવતીઓ અપરાધ સાથે સંકળાઇ જતી હોય છે. આમ, માતાપિતા ધ્વારા જીવનસાથીની પસંદગી પણ કયારેક અપરાધ માટે જવાબદાર હોય છે.

કૌટુંબિક સંઘર્ષ પણ મહિલા અપરાધ માટેનું જવાબદાર કારણ છે. લગ્ન પછી સ્ત્રીના જીવનમાં કૌટુંબિક સંઘર્ષ વધે તેવી સંભાવના વધે છે. સાસુ,નણંદ, જેઠાણી વગેરે સાથે જુદી જુદી કૌટુંબિક બાબતો અંગે સંઘર્ષ થાય છે. સતત સંઘર્ષના કારણે મહિલા કયારેક ગાળાગાળી મારામારી કરે છે. હત્યા કરે છે. અને કયારેક આત્મહત્યા કરે છે. સતત વધતાં જતાં કૌટુંબિક સંઘર્ષની અસર દામ્પત્યજીવન પર થાય છે. પતિ-પત્ની વચ્ચેના સંબંધો વણસે છે. આ સ્થિતિમાં કયારેક પતિ પત્નીને હડધૂત કરે છે, કયારેક મારામારી કરે છે. તેઓ વચ્ચે તિરસ્કાર અને નફરતની ભાવના વધતી જાય છે. આ સ્થિતિમાં પ્રેમ અને સહાનુભૂતિ બતાવતા પતિના મિત્ર,દિયર કે પડોશી પુરુષ તરફ મહિલા ઢળે છે. અને તેની સાથે જાતીયસંબંધો બાંધે છે. આમ, મહિલા અપરાધ માટે કૌટુંબિક સંઘર્ષ પણ એક મહત્વનું કારણ બની રહે છે.

કૌટુંબિક વાતાવરણ પણ મહિલા અપરાધ માટે મહત્વનું કારણ છે. સમાજીકરણ બાળકોના વ્યકિતત્વના ઘડતરમાં મહત્વનો ભાગ ભજવે છે. જે કુંટુબમાં પતિ-પત્ની બંને કે બનેમાંથી કોઇ એક અન્ય વ્યકિતઓ સાથે અનૈતિક સંબંધો રાખતા હોય ત્યાં કુંટુબના બાળકો પર તેની ખરાબ અસર પડે છે અને આગળ જતા તે કુટુબના બાળકો પણ આવા અનૈતિક સંબંધો રાખતા થઇ જાય છે. કુટુબમાં માતા અન્ય પુરુષ સાથે અનૈતિક સંબંધો ધરાવતી હોય તો આગળ જતાં પુત્રી પણ માતાના પગલે જ આગળ ધપતી હોય છે. કેટલીક મહિલાઓ સ્વમેળે પોતાની યુવાન પુત્રીને કલંકિત વ્યવસાયમાં લાવે છે. એક વખત આ વ્યવસાયમાં આવ્યા પછી તે તેમાંથી મુકત થઇ શકતી નથી અને આ રીતે તે અપરાધ કરતી થઇ જાય છે. આમ, કૌટુંબિક વાતાવરણ પણ મહિલા અપરાધ માટે જવાબદાર છે.

મિત્રસમુહ પણ મહિલા અપરાધ માટે જવાબદાર છે. કયારેક સારા ઘરની સંસ્કારી યુવતિઓ તેમના શાળા-કોલેજના અભ્યાસકાળ દરમ્યાન અન્ય કેટલીક યુવતીઓના સંપર્કમાં આવે છે. આવી યુવતિઓ જો ચારિત્ર્યભ્રષ્ટ, વ્યભિચારી, અનેક સાથે જાતીયસબંધો રાખનારી હોય તો તેના સતત સંપર્કમાં આવનારી યુવતીઓ પણ તે માર્ગે વળી જતી જોવા મળે છે.

મહિલા અપરાધ માટે ઉપેક્ષા અને અપમાન એ પણ જવાબદાર હોય છે. કેટલાક માતા-પિતા તેમની પુત્રીના બાળપણ થી જ તેની ઉપેક્ષા અને અપમાન કરતા હોય છે. પુત્રી જયારે યુવાવસ્થામા પ્રવેશે ત્યારે પણ માતા-પિતાના વર્તનમાં કોઇ ફેરફાર આવતો નથી. આવા વાતાવરણમાં રહેનાર યુવતીને કૌટુંબિક પ્રેમ અને હૂંફ મળતા નથી. આવી યુવતીઓ કયારેક અમુક બદમાશ,ગુંડા પુરુષોના પ્રેમના નાટકમાં ફસાઇ જાય છે અને તેની સાથે જાતીય સબંધો બાંધી બેસે છે અને આ રીતે તેના શોષણની પરંપરા શરુ થાય છે અને આવી મહિલા વધુને વધુ જાતીય અપરાધ કરતી જાય છે.

મહિલા અપરાધ માટે આંધળુ અનુકરણ પણ જવાબદાર છે. ઘણી વખતે યુવતીઓ આંધળું અનુકરણ કરે છે. પોષાક હેરસ્ટાઇલ, ફિલ્મો જોવી, સારી હોટલમાં વારંવાર જમવા માટે જવું જેવી બાબતોની તેને આદત પડે છે. આવી આદતોને કાયમ પોષી શકાય તેટલા પૈસા તેની પાસે કે તેના કુટુંબ પાસે હોતા નથી. આ પરિસ્થિતીમાં કેટલીક યુવતીઓ પૈસા મેળવવા માટે કેટલાક પુરુષો સાથે જાતીય સબંધ રાખે છે. લાંબા સમયે તેને અનેક પુરુષો સાથે જાતીય સબંધો રાખવાની ટેવ પડે છે જે વેશ્યાવૃત્તિમા ંપરિણમે છે.

મહિલા અપરાધ માટે વિવશતાજનક પરિસ્થિતીઓ પણ જવાબદાર છે. કેટલીક વિવશતાજનક પરિસ્થિતીઓ મહિલાઓને અપરાધ કરવા માટે મજબૂર કરે છે. દારુણ ગરીબી, પતિનું મૃત્યુ, પતિની બઢતી માટે અન્ય પુરૂષ સાથે જાતીયસબંધ રાખવા માટે પતિ ધ્વારા થતું દબાણ વગેરે પરિસ્થિતિમાં મહિલા જાતીય અપરાધ કરે છે. પતિ દ્વારા થતો ક્રૂર વ્યવહાર,બળાત્કાર પછી અસહાય બનતી સ્ત્રી પતિ દ્વારા અપરાધી પ્રવૃત્તિ કરવા માટે પ્રોત્સાહન વગેરે પરિસ્થિમા ંમહિલાઓ જુદા જુદા અનેક અપરાધો કરે છે.

ગરીબી મહિલા અપરાધ માટે જવાબદાર કારણ છે. ગરીબીના કારણે પણ કેટલીક મહિલાઓ જુદા જુદા અનેક અપરાધો કરતી જોવા મળે છે. ઉદાહરણ તરીકે ગરીબીને કારણે કેટલીક મહિલાઓ વેશ્યાવ્યવસાય કરે છે. દારૂની હેરાફેરી, નાની-મોટીચોરી, ભિક્ષા માંગવી વગેરે જેવા અપરાધો કરે છે. જુદા જુદા અપરાધો કરવાથી તેમને આર્થિક લાભ થાય છે. તેઓ આ લાભ મેળવવા માટે અપરાધ કરે છે. કેટલીક વખતે આવી મહિલાઓ તેમના કુટુંબના બીજા સભ્યોને પણ અપરાધી પ્રવૃત્તિમાં જોડાવા માટે પ્રોત્સાહન આપતી હોય છે.

બેરોજગારી પણ મહિલા અપરાધ માટેનું જવાબદાર કારણ છે. કેટલીયે મહિલાઓ સમાજ માન્ય વ્યવસાય કરીને નાણાં કમાવા માંગતી હોય છે અને આ માટે તેઓ પ્રયત્ન પણ કરતી હોય છે પણ વ્યાપક બેરોજગારીને કારણે તેમને યોગ્ય કામ મળતું નથી. કુટુંબની વિકટ અને દયનીય પરિસ્થિતિમાં તેઓ ગમે તે રીતે નાણાં કમાવા મજબૂર બને છે. આવી સ્થિતીમાં કેટલીક મહિલાઓ અનિચ્છાએ વેશ્યા વ્યવસાયમાં ધકેલાય છે.

યોગ્ય શિક્ષણનો અભાવ પણ મહિલા અપરાધ માટે જવાબદાર છે. મહિલા અપરાધીઓ મોટા ભાગે નિરક્ષર કે અલ્પ શિક્ષિત હોય છે. તેઓને કાયદા અંગેની યોગ્ય જાણકારી અને સમજ હોતી નથી. તેઓના જીવનમૂલ્યો નિમ્ન હોય છે. આવી મહિલાઓ આર્થિક રીતે બીજા પર આધારિત હોય છે. તેમને સામાજિક સન્માન મળતું હોતું નથી. તેમના વ્યકિતત્વનો વિકાસ યોગ્ય થતો નથી. તેઓ તેમના જીવનમાં આવતી મુશ્કેલ પરિસ્થિતીમાંથી બહાર નીકળવા માટે જુદા જુદા અપરાધ કરતી જોવા મળે છે.

મહિલા અપરાધ માટે અશ્લિલ સાહિત્ય અને ચલચિત્ર પણ જવાબદાર હોય છે. વર્તમાનમાં અશ્લિલ સાહિત્ય પુષ્કળપ્રમાણમાં વેચાય અને વંચાય છે. તેમાં જાતિયવૃત્તિનેઉત્તેજે તેવા ચિત્રો અને લખાણો હોય છે. કેટલાક ચલચિત્રોમાંઅર્ધનગ્ન ઓછા વસ્ત્રોવાળા, પાણીમાં ભીંજાયેલા પોશાકમાં અંગો, દેખાય તેવા દ્રશ્યો દર્શાવવામાં આવે છે જે કેટલીક જોનાર વ્યકિતઓની જાતીય વૃત્તિને ઉત્તેજે છે. બ્લ્યુફિલ્મોની પણ અસર થાય છે. યુવતીઓ પણ આ બધાથી દૂર રહી શક્તી નથી.આ બધાની અસર નીચે તેઓ પણ જાતીય અપરાધ કરી બેસે છે.

શહેરીકરણ પણ મહિલા અપરાધ માટે જવાબદાર હોય છે. શહેરીકરણના કારણે વ્યકિતઓ વચ્ચેના સબંધો ગાઢ ન રહેતા ઔપચારિક બની રહે છે. વ્યકિતને ઓળખાઇ જવાનો ભય રહેતો નથી. ઔપચારિકતાને લીધે સામાજીક નિયંત્રણનો અભાવ હોય છે જે તે વ્યકિત પોતાના જાતીય અપરાધો સહેલાઇથી છુપાવી શકે છે જેના લીધે કેટલીક મહિલાઓ બીજા પુરૂષો સાથે જાતીય સબંધો રાખવામાં શરમ, સંકોચ અનુભવતી નથી જેના લીધે શહેરી વાતાવરણમાં જુદા જુદા પ્રકારના મહિલા અપરાધોમાં વધારો જોવા મળે છે.

ઉધોગીકરણ પણ મહિલા અપરાધ માટે જવાબદાર બને છે. ઉધોગીકરણને લીધે પ્રાપ્ત દરજજાનું મહત્વ વધે છે. વ્યકિતને તેની કુશળતાને આધારે કામ મળે છે. કામના સ્થળે પુરુષો અને મહિલાઓ સાથે કામ કરે છે. જેથી તેઓ વચ્ચે સંર્પકો વધે છે. કયારેક નોકરીના સ્થળે થતી અવરજવરમાં પણ મહિલાઓ અને પુરુષો સાથે હોય છે. એક જ સ્થળે એક જ વિભાગમાં તેઓ સાથે કામ કરે છે. પરસ્પર સંપર્કના પ્રસંગો વધુ બને છે. ભોગવાદની તેમના જીવન મૂલ્યો પર ખરાબ અસર પડે છે. કયારેક પરસ્પર પ્રેમ થાય છે. જેનાથી પછી જાતીય અપરાધોની પરંપરા સર્જાય છે.

સમાજ વિરોધી વાતાવરણ પણ મહિલા અપરાધ માટેનું જવાબદાર કારણ છે. સમાજ વિરોધી વાતાવરણમાં લોકો યોગ્ય અને અયોગ્યની પરવા કરતાં હોતા નથી તેનાથી જીવનમુલ્યોનું અધપતન થાય છે. સામાજીક નિયંત્રણ ઓછું હોવાથી કોલગર્લ, વેશ્યા વ્યવસાય માટેનો માર્ગ સરળ બને છે. પરિણામે કેટલીક મહિલાઓ જાતીય અપરાધો કરે છે તેમજ કેટલીક મહિલાઓ ચોરી, દાણચોરી,નશીલા દ્રવ્યોની હેરાફેરી વગેરેમાં સંકળાતી હોય છે.

મહિલા અપરાધ માટે મનોવૈજ્ઞાનિક કારણ પણ જવાબદાર હોય છે. પુરુષોની તુલનામાં મહિલાઓ વધુ વિશ્વાસુ હોય છે. છોકરીઓનો વેપાર કરતી કેટલીક ટોળકીઓના સભ્યો છોકરીઓનો વિશ્વાસ, પ્રેમની ભૂખ વગેરેનો લાભ લઇને તેઓને ફસાવે છે તેમને ઘરેથી ભગાડે છે અને છેવટે વેશ્યાલયોમાં પહોંચાડે છે. મહિલાઓને પોતાની પ્રશંસા સાંભળવી વધુ ગમે છે. આનો લાભ ઉઠાવીને દુષ્ટ પુરુષો તેઓને પોતાના મોહપાશમા ંફસાવે છે અને તેમને અપરાધના માર્ગે લઇ જાય છે. ઘરેણા, સારા પોષાક મેળવવાની ઇચ્છાને કારણે પણ મહિલાઓ કેટલીક વખતે અનેક અપરાધો કરતી જોવા મળે છે. આમ મહિલા અપરાધ માટે મનોવૈજ્ઞાનિક કારણ પણ કેટલીક વખત જવાબદાર હોય છે.

મહિલા અપરાધ સુધાર સંબંધી સૂચનો.

મહિલા અપરાધ માટે ઉપર જણાવ્યા પ્રમાણેના અનેક કારણો જવાબદાર હોય છે. ઉપર જણાવ્યા પ્રમાણેના કારણોને લીધે મહિલા અપરાધ થતો જોવામળે છે. મહિલા અપરાધ દૂર કરવા માટે અથવા ઓછો કરવા માટે કેટલાંક પ્રયાસો કરવા જરુરી છે.

(૧) સામાજીક કુરિવાજો દૂર કરવા.
મહિલા અપરાધ માટે સામાજીક કુરિવાજો જવાબદાર હોય છે. આવા સામાજીક કુરિવાજો જેવાકે, વિધવા પુનઃલગ્ન પ્રતિબંધ, દહેજપ્રથા વગેરે જેવા કુરિવાજો દૂર કરવાથી મહિલા અપરાધો અટકાવી શકાય. તેનાથી મહિલાઓમાં થતાં જાતીય અપરાધ, આત્મહત્યા જેવા અપરાધો અટકાવી શકાય. સામાજીક કુરિવાજો દૂર કરવા માટે ફકત કાયદો બનાવી દેવો જ પુરતુ નથી. પરંતુ તે દૂર થાય તે માટે સમાજમાં સામાજીક જાગૃતિ લાવવીજરુરી છે. આવા સામાજીક કુરિવાજો દૂર કરવામાં સ્વૈચ્છિક સંસ્થાઓ,સમાજ સુધારકો, લેખકો,ફિલ્મકારો વગેરેની મદદ મળી રહે તો આવા કુરિવાજો દૂર કરવામાં ઝડપથી સફળતા મળે. આમ, સમાજમાં જે સામાજીક કુરિવાજો જોવા મળે છે તે દૂર કરવાથી મહિલા અપરાધમાં ઘટાડો થશે.

(ર) સરળ રીતે અને ઝડપથી સરકારી સહાય ચુકવવી.
કુંટુબમાં કમાનાર વ્યકિતનું મુત્યુ થાય,કમાનાર વ્યકિત કામ કરવા માટે અસમર્થ બને ત્યારે કુંટુબની જવાબદારી નિભાવવા અને કુટુંબના ભરણપોષણ માટે કેટલીક મહિલાઓ વિવિધ અપરાધો કરે છે. આમ,કુટુબની ગરીબી, બેરોજગારી, બિમારી,વૃધ્ધાવસ્થા, વગેરે જેવી પરિસ્થિતિમાં કેટલીક મહિલાઓ નાછૂટકે અપરાધના માર્ગે વળે છે. આવા અપરાધો થતાં અટકાવવા માટે મદદ ઇચ્છતી મહિલાઓને સરળ રીતે અને ઝડપથી સરકારી સહાય ચુકવવી જોઇએ.આમ, જો સરળ રીતે અને ઝડપથી સરકારી સહાય ચુકવવામાં આવે તો મહિલા અપરાધના પ્રમાણમાં ઘટાડો થશે.

(૩) સુધારણા માટેની સંસ્થાઓ.
યુવાન મહિલા અપરાધીઓને અપરાધથી મુકત કરવા માટે તેમને જેલમાં ન મોકલતાં સુધારણા માટેની સંસ્થામાં રાખવી જોઇએ તથા ત્યાંતેમને તેમના શિક્ષણ, અનુભવ, રસ,રુચિને ધ્યાનમાં લઇને જીવનનિર્વાહ માટે વિવિધ તાલીમ આપવી જોઇએ. દા.ત. સિલાઇની તાલીમ, બ્યુટીપાર્લર કોર્ષ્,મહેદી મુકવાની તાલીમ વગેરે જેવી તાલીમ આપવી અને તે રીતે તેઓ સ્વતંત્ર રીતે રોજગારી મેળવી શકે તે માટે તેમને સક્ષમ બનાવીને તેઓ સમાજમાં આત્મનિર્ભર રીતે જીવન જીવીશકે તે માટેના પ્રયાસો કરવા જોઇએ. આમ, મહિલા અપરાધીઓ માટે સુધારણા માટેની સંસ્થાઓ સ્થાપવાથી મહિલા અપરાધનાં પ્રમાણમાં ઘટાડો થશે.

(૪) લગ્નસંબંધી કાયદાઓમાં સુધારા કરવા.
લગ્નસંબંધી કાયદાઓમાં સુધારો કરવાથી પણ મહિલા અપરાધમાં ઘટાડો કરી શકાશે. હિંદુ કોડ બિલ પસાર થયા પછી હિંદુ મહિલાઓની સ્થિતિ પહેલાં કરતાં સારી થઇ છે. વર્તમાનમાં પણ મુસ્લિમ લગ્નસંબંધી કાયદાઓ ઘણા પાછળ છે. હિદુઓમાં દહેજપ્રથા સંબંધિત કાયદાઓમાં હજી મોટા પ્રમાણમાં સુધારા કરવા જરુરી છે. આમ, જુદાં જુદા લગ્નસંબંધી કાયદાઓમાં સુધારા કરવાથી મહિલા અપરાધમાં ઘટાડો કરી શકાશે.

(પ) મહિલા સંબંધિત વ્યવસાયોનું શિક્ષણ આપવું.
વ્યવસાયિક તાલીમ શાળાઓમાં મહિલા સંબંધિત વ્યવસાયોનું શિક્ષણ આપવું જરુરી છે. વ્યવસાયિક તાલીમ શાળાઓમાં પુરુષ સંબંધિત વ્યવસાયો જેવા કે,સુથારીકામ, કડિયાકામ,વગેરેની તાલીમ આપવામાં આવે છે. જે મહિલાઓને બહુ ઉપયોગી થતી નથી. મહિલા સંબંધિત વ્યવસાય અંગેનું શિક્ષણ મહિલાઓને મળી રહે તેવી વ્યવસ્થા કરવી જોઇએ. દાત. સિવણકામ, ભરતગૂંથણ, પાપડ, અથાણા, ખાખરા બનાવવાની તાલીમ મહિલાઓને આપવી જોઇએ. આવી તાલીમ પામેલી મહિલાઓ સ્વતંત્ર રીતે સહેલાઇથી આવા વ્યવસાય કરી પોતાનો અને પોતાના કુંટુબનો જીવનનિર્વાહ ચલાવી શકશે. જેથી કરીને મહિલા અપરાધનાં પ્રમાણમાં નોંધપાત્ર ઘટાડો થશે.

(૬) નૈતિક શિક્ષણની વ્યવસ્થા કરવી.
નૈતિક શિક્ષણ એ અપરાધ થતો અટકાવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. નૈતિક શિક્ષણથી નૈતિક મૂલ્યોનો વિકાસ થાય છે. તેમજ તેનાથી વ્યકિતને સારા-નરસાની સમજ વિકસે છે. વ્યકિતમાં નૈંતિક મૂલ્યોના પાલનની ભાવના ઉભી થવાથી વ્યકિત અપરાધના માર્ગે આગળ વધતાઅટકે છે. કેટલીક ધાર્મિક સંસ્થાઓ સ્વૈચ્છિક મહિલા મંડળોસ્ત્રીઓને નૈતિક શિક્ષણ આપતી હોય છે. આવી સંસ્થાઓ સદાચાર, નીતિ, પ્રમાણિકતાના પાઠ મહિલાઓને શીખવે છે. જેથી આવી મહિલાઓ ગુનાહિત પ્રવૃત્તિ ઓછી કરતી જોવામળે છે. આમ, નૈતિક શિક્ષણ આપવાથી પણ મહિલા અપરાધના પ્રમાણમાં ઘટાડો કરી શકાય.

(૭) અિશ્લ્લ સાહિત્ય અને ચલચિત્રો પર નિયંત્રણ
અશ્લિલ સાહિત્ય અને ચલચિત્રો લોકોને અપરાધી બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. કેટલીક ફિલ્મોમાં ઓછા વસ્ત્રો પહેરેલી યુવતીઓ દર્શાવવામાં આવે છે આનુ અનુકરણ બીજી યુવતીઓ કરે છે. ચલચિત્રમાં જોઇને યુવતીઓ આધુનિક વસ્ત્રો ભોગ, વિલાસ તરફ આકર્ષાય છે અને આ માટે જોઇતા નાણા મેળવવા માટે અપરાધ તરફ વળે છે. આમ,અશ્લિલ સાહિત્ય અને ચલચિત્રોની પણ સમાજ પર વિપરિત અસર થાય છે. તેથી આવા અશ્લિલ સાહિત્ય અને ચલચિત્રો પર નિયંત્રણ મુકાવાથી મહિલા અપરાધમાં ઘટાડો થશે.

(૮) શૈક્ષણિક સુવિધાઓ વધારવી.
મહિલાઓ માટેની શૈક્ષણિક સુવિધાઓમાં વધારો કરવાથી પણ મહિલા અપરાધના પ્રમાણમાં ઘટાડો થશે. સ્ત્રીઓ માટે મફત શિક્ષણ અને વ્યવસાયિક શિક્ષણની વ્યવસ્થા કરવાથી સ્ત્રીઓમા શિક્ષણનું પ્રમાણ વધતાતેઓમાંઆત્મસન્માનની ભાવના વધશે. તેઓ શિક્ષિત થવાથી જીવનમાં આવતી મુશ્કેલીઓનો સામનો કરવા વધારે સક્ષમ થશે. શિક્ષિત હોવાથી કુંટુબમાં પણ વધુ સારી રીતે અનુકૂલન સાધી શકાશે. શિક્ષણની સુવિધાઓ વધવાથી મહિલાઓને સ્વતંત્ર રીતે પગભર થવાની તાલીમ મળશે. જેથી તે આધુનિક વ્યવસાય ધ્વારા અર્થોપાર્જન કરી શકશે. જેથી તે અપરાધી માર્ગે જતા અટકશે. આમ, મહિલાઓ માટે જુદી જુદી અનેક શૈક્ષણિક સુવિધાઓ વધારવામાં આવે તો પણ મહિલા અપરાધના પ્રમાણમાં ઘટાડો થશે.

(૯) મહિલા સંબંધિત કાયદાઓમાં સુધારા કરવા
મહિલા સંબંધિત કાયદાઓમાં સુધારા કરવાથી પણ મહિલા અપરાધનું પ્રમાણ ઘટશે. ભારતમાં મહિલા શ્રમિકો, વેશ્યાઓ, મજૂરોવગેરેના સંદર્ભમાં વર્તમાનમાં જે કાયદાઓ અમલમાં છે તેમાં સુધારો કરવો જરુરી છે. આવા કાયદાઓમાં સુધારા કરવાથી મહિલા અપરાધમાં ઘટાડો થશે.

આમ, વર્તમાન સમયમાં સમાજમાં પુરુષોની સાથોસાથ મહિલાઓ પણ અપરાધ કરતી જોવા મળે છે. પણ મહિલાઓ શા માટે અપરાધ તરફ વળે છે જે બાબતે સમાજમાં કોઇ ચર્ચા થતી નથી. મહિલા અપરાધ માટે ફકત મહિલાઓ જ જવાબદાર છે. તે માટે શું સમાજ જવાબદાર નથી. મહિલાઓ અપરાધ તરફ વળે છે. તે માટે જે પરિબળો જવાબદાર છે તે પરિબળો દૂર કરવાની સમાજની જવાબદારી નથી ? મહિલા અપરાધ માટે કોઇ એક બાબત જવાબદાર ન હોતા અનેક બાબતો જવાબદાર છે. તે દૂર કરવાની જવાબદારી શું સમાજની નથી ? મહિલા અપરાધ દૂર કરવા માટે સમાજે અનેક પ્રકારના પ્રયાસો કરવા જરૂરી છે. આ માટે ફકત કાયદા ઘડવાથી જ કોઇ સુધારો લાવી શકાશે નહિં. પણ સમાજ સુધારકો, સ્વૈચ્છિક સંસ્થાઓ અને સમાજના વિવિધ વર્ગોના લોકો સાથે મળીને આ માટે પ્રયાસો કરે તો ચોકકસ મહિલા અપરાધ થતો અટકશે. અથવા મહિલા અપરાધના પ્રમાણમાં ઘટાડો કરી શકાશે. આમ,સમાજના બધા વર્ગોના સહીયારા પ્રયાસોથી ચોકકસથી મહિલા અપરાધના પ્રમાણમાં ઘટાડો કરી શકાશે તેમજ મહિલાઓએ પણ પોતાના અધિકારો અંગે જાગૃત્ત થવું પડશે. અને યોગ્ય માર્ગે યોગ્ય રીતે પોતાનો વિકાસ કરી શકાય તે માટેના પ્રયાસો કરવા પડશે. આમ, અનેક બાબતોમાં સુધારો કરવાથી તેમજ જુદાં જુદાં પ્રયાસોથી મહિલા અપરાધના પ્રમાણમાં ચોકકસથી ઘટાડો કરી શકાશે.

સંદર્ભસૂચિ

  1. ગુનો અને સમાજ. લે.એ.જી.શાહ. જે.કે.દવે.
  2. અપરાધવિજ્ઞાન. લે.ડો.બી.એમ.શુકલ.
  3. અપરાધનું સમાજશાસત્ર, લે.ડો.એચ.એન.પટેલ.
  4. અપરાધશાસ્ત્ર (હિંદી), લે.ડી.એચ.બંધેલ.
  5. વિવેચનાત્મક અપરાધશાસ્ત્ર (હિંદી), લે. રામ આહુજા, મુકેશ આહુજા.
  6. criminology, લે.રામ આહુજા.
  7. crime and society, લે.માઇક ફિટઝરાલ્ઙ
  8. Sociology and Deviant Behavior, લે.માર્શલ કિલનાર્ડ

*************************************************** 

રૂકસાના એ.નાગોરી
ગાંધીનગર.

Previousindexnext
Copyright © 2012 - 2024 KCG. All Rights Reserved.   |   Powered By : Prof. Hasmukh Patel

Home  |  Archive  |  Advisory Committee  |  Contact us