સાબરકાંઠા વિસ્તારના આદિવાસી લોકમેળા
આદિવાસી પ્રજા એટલે વનમાં કે પર્વતપ્રદેશમાં રહેનારી, તે ભૂમિની મૂળ પ્રજા એવી એક સામાન્ય સમજણ છે. ભારતમાં આર્યોના આગમન પૂર્વે આવી કેટલીક પ્રાગ્ આર્ય અને ઓસ્ટ્રોલાઇડ પ્રજાઓ વસતી હતી. સમગ્ર ભારતની આદિવાસી વસતિનો ખ્યાલ કરીએ તો આદિવાસી વસતિની સંખ્યાની દ્રષ્ટિએ ગુજરાતનો ચોથો ક્રમ આવે છે. જે કુલ વસતિના 15 ટકા છે. એમની પરંપરામાં ભીલ, ડુંગરી, ગરાસિયા, દૂબળા, ઘોડિયા, ગામીત, ચૌધરી, રાઠવા, કોંકણા, નાયકડા અને વારલી જેવી અનેક જાતિઓ વિકસી છે.
આદિવાસી પ્રજા કલા અને સંસ્કૃતિની દ્રષ્ટિએ ખૂબ સમૃદ્ધ પ્રજા છે. મેળો એટલે હળવું-મળવું, સમુહના કોઇક હેતુ માટે એકઠા થવું. પરંપરાગત રિવાજ મુજબ અમુક નક્કી કરેલા સ્થળે ભેગા થવું. માનવીઓના આવા મેળાની પરંપરા ગુજરાત કે ભારતમાં જ નહિં, આખા વિશ્વમાં વ્યાપેલી છે. એટલું જ નહિ આજે આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક કે ધાર્મિક હેતુથી રાષ્ટ્રીય સ્તરે જ નહીં પણ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ મેળાઓ ભરાય છે. એનો મુખ્ય હેતુ આદાન-પ્રદાનનો હોય છે. મેળો પ્રજાજીવનમાં હંમેશા લોકપ્રિયતા ધરાવતો આવ્યો છે. મેળાનો મુખ્ય ઉદ્દેશ જીવનનો આનંદ માણવાનો છે. જીવનને ઉન્નત ને પરિપૂર્ણ ભાવનાઓનો સાક્ષાત્કાર કરાવવાનો છે. માત્ર ગુજરાતમાં જ પંદરસોથી બે હજાર જેટલી વિવિધ જ્ઞાતિઓના ધર્મ સંપ્રદાયો અને ધંધાદારીઓના મેળાઓ ભરાય છે. રાષ્ટ્રીય કાર્યક્રમના ભાગરૂપે ગાંધીજ્યંતિને દિને “ગાંધીમેળો” તથા “સર્વોદય મેળો” પણ ભરાય છે.
ગુજરાતના અન્ય લોકમેળાની જેમ આદિવાસી મેળાઓના સ્થળ અને સમય નિશ્ચિત હોય છે. કેટલાક એક દિવસ માટે વર્ષે એક જ વાર આવે, કેટલાક અઠવાડિયું કે વધારે દિવસ પણ આવે. કેટલાક 3, 7, 12 કે 18 વર્ષે પણ આવે. જેમ કે “કુંભમેળો” અથવા ભરૂચ જિલ્લામાં દર 18 વર્ષે આવતો “ભાડભૂત”નો મેળો.
મેળાની મોસમ આવતાં, અંતરમાં આનંદનો અબીલ-ગુલાલ ઉડવા માંડે છે. મેળો આ માનવ હૃદયના ઉલ્લાસનું મોંઘેરું પર્વ છે. ધાર્મિક સ્થળોએ, નદીકિનારે કે નદીઓના સંગમ સ્થાન પર યોજાતાં મેળાઓમાં દેવદર્શનની સાથે-સાથે સગાંસંબંધીઓનું મિલન થાય છે. પિતૃઓનું તર્પણ કરાય છે. બાધા-આખડીઓની શ્રદ્ધાને બળ મળે છે. લોકનૃત્યોની રમઝટ જામે છે. કુંવારા યુવાન હૈયાઓને જોડીદાર અને હટાણા માટેના હાટ મળી જાય છે. મેળામાં આદિવાસી સંસ્કૃતિનો જાણે કે બગીચો ખીલી ઉઠે છે. નૃત્યની સાથે ગીતના સૂર અને લોકવાદ્યોના તાલ ભળે છે. પછી આદિવાસી યુવા હૈયાં હેલે ન ચઢે તો જ નવાઇ !
સાબરકાંઠા જિલ્લામાં 112 જેટલા લોકમેળાઓ ભરાય છે. દેવદિવાળી (કાળી કાત્યેય)નો મેળો શામળાજીમાં ભરાય છે. ખેડબ્રહ્માનો કાર્તિક, ચૈત્ર અને ભાદરવી પૂમનમો મેળો તથા હોળી પછીના ચૌદમા દિવસે ખેડબ્રહ્મા તાલુકાના ગુણભાખરી ગામે યોજાતો ચિત્રવિચિત્રનો મેળો. ગોરનો મેળો વિજયનગર તાલુકાના અદ્રોખા ગામે માગસર સુદ પૂનમના દિવસે ભરાય છે. ચિઠોડામાં આમળીનો મેળો ફાગણ સુદ અગિયારસનો ભરાય છે. કોડિયાવાડામાં ફાગણ પૂનમનો ગેરમેળો, વિજયનગરમાં ગેરમેળો ફાગણ વદ-પડવે ના રોજ ભરાય છે. વિશ્વેશ્વરમાં મહાદેવીનો મેળો વૈશાખ સુદ પૂનમ અને કણાદરમાં ગૌરબાઇનો મેળો જેઠ વદ અગિયારસને દિવસે ભરાય છે અને વિજયનગરમાં ભાદરવી પૂનમના દિવસે આદિવાસી માનવ મહેરામણ ઉમટે છે. ચૈત્ર માસમાં એક-એક દિવસના અંતરે દાણમહૂડીમાં વાસલિયાનો મેળો, ચીખલીમાં અંઠાનો મેળો અને પાટડિયામાં લખાનો મેળો ભરાય છે.
“કાર્તિકી પૂર્ણિમાનો મહામેળો”
શામળાજીમાં ભરાતો ખૂબ પ્રાચીન મેળો ગણાય છે. કારતક માસમાં અગિયારસથી શામળાજીના મેળાનો પ્રારંભ થાય છે. ત્રણ અઠવાડિયા સુધી ચાલતો અને એક હજાર વર્ષ જુનો મનાતો આ મેળો સમયગાળાની દ્રષ્ટિએ અને લોકસમૂહની રીતે ગુજરાતના સૌથી મોટા મેળા પૈકીનો એક ગણાય છે. શામળાજીના મેળાની કેટલીક વિશિષ્ટતામાં કારતકી અગિયારસના દિવસથી ડુંગરી ભીલો કાળિયા ઠાકરને મળવા નાચતા-ગાતા-વાજીંત્રો વગાડતા નીકળે છે.
“હાલ કટૂરી હાલ રે..... રણઝણિયું રે પીંજણિયું વાગે,
શામળાજીના મેળે ...... રણઝણિયું રે પીંજણિયું વાગે,
ડોસા દોટો કાઢે .......... રણઝણિયું રે પીંજણિયું વાગે,
માટિયાર મૂછો મરડે.... રણઝણિયું રે પીંજણિયું વાગે,
ડોશીઓ ડોળા કાઢે...... રણઝણિયું રે પીંજણિયું વાગે,”
આ રીતે ગાતા-નાચતાં અને “શામળા બાવીસી”ની જયજયકાર કરતા માનવ મહેરામણ મેળો મહાલવા માટે ઉમટી પડે છે. આ પવિત્ર જગ્યામાં નાગધરાના જળનું સ્નાન અને શામળિયાના દર્શનનું ખૂબ જ મહત્વ છે. શામળીયાની ધોળી ધજાઓ લઇ અનેક મંડળીઓ ભજનની રમઝટ બોલાવતી નદીના પટમાં રાવટી નાખે છે. અહીં ચગડોળ-ચકરડી, હાટ-બાટ ભરાય છે અને લોકો આનંદ ઉલ્લાસથી મેળો મહાલે છે.
“અંબાજી માતાનો મેળો”
ખેડબ્રહ્મામાં ચૈત્રી પૂર્ણિમાનો મોટો મેળો ભરાય છે. શક્તિ-ભક્તિના સંઘો, ભજન મંડળીઓ અને આદિવાસી ગીત-સંગીત અને નૃત્યથી મેળો ગૂંજી ઉઠે છે. માતાજી જાગતા દેવી છે અને ભક્તોની માનતા પૂરી કરે છે. તેવી વ્યાપક લોકમાન્યતા છે. પંદર દિવસ ચાલતા આ લોકમેળામાં પહેલાના સમયમાં તો હીરામાણેક, ઝવેરાત, ઘોડા અને ઊંચા પ્રકારના વસ્ત્રોનો મોટો વેપાર થતો. જેમાં લોકો મારવાડ, વાગડ, કચ્છ, શિહોરી, કાઠિયાવાડ એમ દૂરદૂરથી લાખો યાત્રાળુઓ ગામડાઓમાંથી ગાડા જોડીને, સંઘ કાઢીને આ મેળામાં ઉમટી પડતા. સામાન્ય ચીજોથી માંડીને વિશિષ્ટ તથા કિંમતી ચીજવસ્તુઓના હટાણા માટેના હાટ મળી જાય છે. ભાવિકો દેવીના દર્શન કરે, બાધા-માનતા છોડે, ઘણી માતાઓ બાળકોના બાળ-મોવાળા/બાબરી અહીં જ ઉતરાવે. કેટલાક વળી પોતાના છોરુની બાધા પૂર્ણ કરી માઁ ના આશીર્વાદ મેળવે. પૂનમની યાત્રાના દિવસો દરમ્યાન તો અહીં રાસલીલા અને રામલીલા કે ભવાઇ રમવાના કાર્યક્રમો પણ થાય છે કે જે હવે ક્યાંક-ક્યાંક આ કળા જળવાઇ રહી છે.
“ચિત્રવિચિત્રનો મેળો”
સાબરકાંઠા જિલ્લામાં હોળી પછી બરાબર ચૌદમા દિવસે યોજાય છે. ખેડબ્રહ્માથી લગભગ 57 કિ.મી. દૂર ગુજરાત-રાજસ્થાનની સરહદ નજીક ગુણભાંખરી ગામ પાસે ભરાય છે. આ જંગલ વિસ્તારમાં ત્રિવેણીસંગમ (સાબરમતી, આકૂલ અને વ્યાકુલ નદીઓના સંગમ) સ્થાને ચિત્રવિચિત્રેશ્વર મહાદેવનું પ્રાચીન મંદિર આવેલું છે. અહીં આદિવાસી લોકોના સામાજિક સંબંધોનું અદભૂત દર્શન જોવા મળે છે. થોડા સમય પહેલા સ્નેહી સ્વજનનું મૃત્યુ થયું હોય તો તેને સંભારી, સ્વજનો-સંબંધીઓ તેના કુટુંબીજનોને આશ્વાસન આપે છે. આ મેળામાં સ્ત્રી-પુરુષોના મોટા જૂથોમાં નૃત્યો થાય છે. લગભગ 200-200 જેટલા ઢોલ સામટા વાગે છે. એક મોટા વર્તુળની અંરના ભાગમાં પુરુષ ઢોલીઓ ઢોલ વગાડે છે અને બહારના વર્તુળમાં સ્ત્રીઓ માથે જવારા મૂકીને નૃત્ય કરે છે. જે યુવાઓનો મનમેળ થઇ જાય છે તે યુવાન યુગલ મેળામાંથી જ ભાગી જાય છે. પછીથી સમાધાન થઇ જતાં સમાજમાં સ્વીકારી લેવામાં આવે છે. નવા જીવનની શરૃઆત સૌની સાથે થાય છે.
“રાવણીઘેરનો મેળો”
ખેડબ્રહ્માથી આશરે 30 કિ.મી. દૂર આવેલા લાંબડિયા ગામમાં, ડુંગરી ભીલ આદિવાસીઓનો પ્રથમ મેળો ધૂળેટીના આગલા દિવસે ભરાય છે. રાજા-રજવાડાના સમયમાં હોળીના દિવસોમાં રાજદરબારમાં આદિવાસીઓ “ગોઠ” માગવા જતા. આદિવાસી સ્ત્રી-પુરુષો રાજદરબારમાં નૃત્ય કરતા અને ગીતો ગાતા. ખુશ થયેલા રાજા તેમને ગોઠ આપતા. આ સમયથી રાવણીઘેર નો મેળો ભરાય છે. આ મેળામાં એક સાથે 80 થી 100 જેટલા ઢોલ એક સાથે ઢબૂકી ઉઠે છે. સ્ત્રીઓ મકાઇ અને ઘઉંના જવારા માથે મૂકીને નાચે છે. સાંજના સમયે કુંડાના જવારા અલગ કરી કાનમાં ભરાવી હોળી ગીતો ગાતા-ગાતા ઘેર જાય છે.
“મૂઘણેશ્વરનો મેળો”
જાદરમાં ડેભોલ નદીના કિનારે ભરાય છે. ભાદ્ર માહના બીજા સોમવારથી શરૂ થઇ ત્રણ દિવસ ચાલતા આ મેળામાં 40 થી 50 હજાર માણસોની મેદની ઉભરાય છે. આ મેળાની વિશેષતા એ છે કે ગ્રામયુવકો કાને ડમરો ખોસી, ગળે લાલ ચટ્ટક રૂમાલ બાંધી, લાલ સાફો વીંટી, જોડિયા પાવા વગાડીને ડોલતા-ડોલતા મેળો મહાલતા હોય છે. જ્યારે ગ્રામ યુવતીઓ સખીઓના હાથમાં હાથ નાખી, ગાતા-ગાતા મેળામાં ઝડપભેર ફરતી હોય છે. ભજન મંડળીઓમાં ખુલ્લી છત્રીઓ ફેરવી નૃત્ય કરતાં અને ગળે ભરાવેલ તબલાની જોડથી તાલ આપતાં ભજનીકોનું વૃંદ પણ મેળામાં આનંદથી ઝૂમે છે. લોકવાયકા એવી છે કે જાદરના મૂઘણેશ્વર મહાદેવજીની બાધા રાખવાથી સર્પદંશ ઉતરી જાય છે. સૌ પોતપોતાની માનતા પ્રમાણે શ્રીફળ પ્રસાદ ધરાવે છે.
સમયની સાથે સાથે ઘણું બધું બદલાય છે. આ મેળાઓમાં શહેરની અસરવાળા ગ્રામયુવકો કે જે આંખે સસ્તા કાચવાળા કાળા ગોગલ્સ લગાવેલ, એકદમ ભડક રંગ વાળા શર્ટ-જીન્સ પેન્ટથી સજ્જ, ગળે અને હાથે રેશમી રૂમાલ બાંધેલો ને કાને ડમરો ભરાવેલ વિલક્ષણ પોષાકવાળા યુવાનો જોવા મળે છે. એ મેળાની મસ્તી જ કંઇ ઓર હોય છે.
મેળા એ આજે પોતાના રંગરૂપ બદલવા માંડ્યા છે. એના હેતુઓ પણ બદલાવા માંડ્યા છે. તોય હજી લોકજીવનમાં મેળાનો મહિમા ઘટ્યો નથી. બલકે મેળાઓએ લોકજીવનને વધુ સમૃદ્ધ બનાવ્યું છે. વધુ જીવંત બનાવ્યું છે. લોક સંસ્કૃતિનું સંરક્ષણ અને સંવર્ધન કરવામાં એનો ફાળો અવિસ્મરણીય રહ્યો છે.
સંદર્ભ
- પટેલ ભગવાનભાઇ (1992), ડુંગરી ભીલ આદિવાસીઓ.
- પાંડર સુભાષ (2011), ડુંગરી ગરાસિયા જાતિ
- જાદવ જોરાવરસિંહ (2013), ગુજરાત સમાચાર-લોકજીવનનાં મોતી
- વ્યાસ દક્ષા અને મોદી નવીન (2001), આદિવાસી સમાજ.
***************************************************
હસમુખ પંચાલ
મદદનીશ પ્રાધ્યાપક(સમાજશાસ્ત્ર)
મ.દે.ગ્રામસેવા મહાવિદ્યાલય,
ગૂજરાત વિદ્યાપીઠ, રાંધેજા.
Mobile - 9429732401
Mail–hasmukhp13gmail.com
|