ગુજરાતનો સ્વાતંત્ર્ય સંગ્રામમાં ફાળો (ઈ.સ. ૧૮૫૭ થી ઈ.સ. ૧૯૪૭)
ભારતમાં આઝાદી મેળવવા માટે જે સ્વાતંત્ર્ય સંગ્રામો થયા તેમાં દેશના મોટા ભાગના રાજ્યોએ ભાગ ભજવ્યો હતો. દેશને આઝાદી અપાવવા માટે અન્ય રાજ્યની જેમ ગુજરાત રાજ્યે પણ સ્વાતંત્ર્ય સંગ્રામમાં જંપલાવ્યું હતું.
ગુજરાતા રાજ્યની સ્વાતંત્ર્ય સંગ્રામમાં શરૂઆત અમદાવાદમાં રહેલી લશ્કરની સાતમી ટુકડીએ જૂન,૧૮૫૭માં કરી હતી. ગુજરાતમાં થયેલ સ્વાતંત્ર્ય સંગ્રામમાં પુરૂષો ઉપરાંત સ્ત્રીઓ અને વિદ્યાર્થીઓએ પણ મહત્વનો ભાગ ભજવ્યો હતો. તેમજ આ સંગ્રામમાં ગુજરાતના લોકોએ આર્થિક મદદ પણ કરી હતી. ગુજરાતમાં થયેલ સ્વાતંત્ર્ય સંગ્રામમાં મુખ્યત્વે મહાત્મા ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ, વિનોદ કિનોરીવાલા, મોરારજી દેસાઈ, મગનભાઈ ચતુરભાઈ પટેલ, ડૉ. ચંદુલાલ દેસાઈ, કનૈયાલાલ દેસાઈ, બળવંતરાય મહેતા, ઉછંગરાય ઢેબર વગેરેએ મહત્વનો ભાગ ભજવ્યો હતો. આ સ્વાતંત્ર્ય સંગ્રામમાં ગુજરાતના અમદાવાદ, વડોદરા, સુરત, નડિયાદ, સૌરાષ્ટ્ર વગેરે વિસ્તારના લોકોએ મહત્વનો ભાગ ભજવ્યો હતો. હવે આપણે “ગુજરાતનો સ્વાતંત્ર્ય સંગ્રામમાં ફાળો” વિશે માહિતી મેળવીએ.
અમદાવાદમાં રહેલી લશ્કરની સાતમી ટુકડીએ ગુજરાતમાં વિપ્લવની શરૂઆત જૂન,૧૮૫૭માં કરી હતી. જુલાઈમાં ગોધરા, દાહોદ અને ઝાલોદમાં સરકારી કચેરીઓ કબજે કરવામાં આવી. આ સમય દરમિયાન ખેરાલુ, પાટણ, ભિલોડા, વિજાપુર વગેરે સ્થળોએ જાગીરદારોએ બળવા કર્યા. આણંદના મુખી ગરબડદાસે ખેડા જિલ્લામાં અંગ્રેજો સામે વિરોધ કરીને તેમનીસામે લડત આપી. ઓખાના વાઘેરોએ જોધા માણેકની આગેવાની હેઠળ અંગ્રેજો સામે બળવો કર્યો. તાત્યા ટોપેએ ગુજરાતમાં પ્રવેશી છોટા ઉદેપુર અંગ્રેજો પાસેથી કબજે કર્યુ. જૂન,૧૮૫૮ સુધીમાં ગુજરાતની પ્રજાને સંપૂર્ણ નિ:શસ્ત્ર કરી દેવામાં આવી. ઈ.સ. ૧૮૫૮માં બ્રિટિશ તાજે ભારતનો વહિવટ સંભાળી લીધો. ગુજરાતના પાંચ જિલ્લાનો વહિવટ મુંબઈ વિસ્તારના ગવર્નર મારફતે કરવામાં આવતો હતો. બ્રિટિશ સરકારે ઈ.સ. ૧૮૬૦માં આવકવેરો શરૂ કરતા સુરતના વેપારીઓએ આંદોલન ચલાવ્યુ હતું. ઈ.સ. ૧૮૭૮માં લાઈસન્સ ટેક્ષના વિરોધમાં પણ સુરતમાં આંદોલન થયું હતું.
ઈ.સ.૧૮૭૧માં સુરત તથા ભરૂચમાં અને ઈ.સ. ૧૮૭૨માં અમદાવાદમાં ‘પ્રજાસમાજ’ નામની રાજકીય સંસ્થા સ્થપાઈ. ઈ.સ.૧૮૮૪માં અમદાવાદમાં ‘ગુજરાત સભા’ની સ્થાપના થઈ. ઈ.સ. ૧૮૮૫માં મુંબઈ ખાતે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું પ્રથમ અધિવેશન ગોકળદાસ તેજપાલ પાઠશાળા નામની ગુજરાતી સંસ્થાના મકાનમાં મળ્યું હતું. ત્યારપછી કોંગ્રેસના અધિવેશનો ઈ.સ.૧૯૦૨માં અમદાવાદમાં અને ઈ.સ. ૧૯૦૭માં સુરતમાં થયાં હતાં. ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિની પ્રેરણા અરવિંદ ઘોષ પાસેથી મળી હતી. ૧૩ નવેમ્બર,૧૯૦૯ના રોજ અમદાવાદમાં રાયપુર દરવાજા પાસે વાઈસરોય લૉર્ડ મિન્ટો ઉપર બૉમ્બ નાખવામાં આવ્યો હતો. ઈ.સ.૧૯૧૬માં મગનભાઈ ચતુરભાઈ પટેલે અમદાવાદમાં હોમરૂલ લીગની શાખા સ્થાપી હતી. માર્ચ,૧૯૧૮માં એનીબેસન્ટે ભાવનગર, અમદાવાદ અને ભરૂચમાં સભાઓ યોજી હતી.
ગાંધીજીએ દક્ષિણ આફ્રિકાથી આવી, ૨૫મે,૧૯૧૫ના રોજ અમદાવાદના કોચરબ ગામમાં ‘સત્યાગ્રહ આશ્રમ’ની સ્થાપના કરી. ગાંધીજીએ જકાતબારી વીશે વિરમગામની પ્રજાની હાડમારી રજૂ કરતાં સરકારે એ જકાત રદ કરી હતી. અમદાવાદના મિલ મજૂરોએ ૩૫ ટકા પગાર વધારાની માંગ કરતાં ગાંધીજીએ તેમને હડતાલ પાડવાની સલાહ આપી. હડતાલ સફળ થઈ હતી અને મજૂરોને ૩૫ ટકાનો પગારવાધારો મળ્યો હતો. ઈ.સ. ૧૯૧૭માં ખેડા જિલ્લામાં અતિવૃષ્ટિના કારણે પાક નિષ્ફળ જવા છતાં અધિકારીઓએ ખેડૂતોનું મહેસૂલ માફ ન કર્યુ. ગાંધીજીની નેતાગીરી હેઠળ ખેડાના ખેડૂતોએ સત્યાગ્રહ શરૂ કર્યો. ઈ.સ.૧૯૧૮માં ગાંધીજીનો વિજય થયો. ઈ.સ.૧૯૧૯માં પસાર થયેલા ‘રોલેક્ટ એક્ટ’ વિરૂદ્ધ ગુજરાતમાં ૬, એપ્રિલના રોજ અમદાવાદ અને નડિયાદમાં હડતાલ પડી. અમદાવાદમાં લશ્કર બોલાવવા છતાં આગના બનાવો ચાલું રહ્યા. ૧૩, એપ્રિલે આણંદમાં હડતાલ પડી. હિંસાના પ્રાયશ્ચિત રૂપે ગાંધીજીએ અમદાવાદમાં ત્રણ દિવસના ઉપવાસ કરી શાંતિ સ્થાપી.
અસહકારના આંદોલનના રચનાત્મક પાસામાં ૧૮ ઓક્ટોમ્બર,૧૯૦૨ના રોજ અમદાવાદમાં ‘ગુજરાત વિદ્યાપીઠ’ની સ્થાપના કરવામાં આવી. સરકારી કેળવણીનો બહિષ્કાર કરી અમદાવાદ, સુરત અને વડોદરાની કૉલેજના અધ્યાપકોએ રાજીનામાં આપ્યાં. વિદ્યાર્થીઓએ હાઈસ્કુલો છોડી, વકીલોએ વકીલાતનો ત્યાગ કર્યો. વિદેશી કાપડોની દુકાનો પર કાપનો વિરોધ કરીને વિદેશી કાપડની હોળી કરવામાં આવી. ટિળક સ્વરાજ ફાળામાં ગુજરાતે રૂ.૧૫ લાખનો ફાળો આપ્યો. ચૌરીચૌરામાં થયેલી હિંસાને કારણે આ ચળવળ બંધ કરવામાં આવી. બોરસદ તાલુકામાં નાખવામાં આવેલા પોલિસ ખર્ચના વધારાના કરનો પ્રજાએ વિરોધ કર્યો. આ સત્યાગ્રહમાં દરબાર ગોપાળદાસના પ્રમુખ પદે રચાયેલી ‘સંગ્રામ સમિતિ’નો વિજય થયો. ઈ.સ. ૧૯૨૮માં સુરત જિલ્લાના બારડોલી તાલુકામાં જમીન મહેસુલમાં ૨૨ ટકાનો વધારો કરવામાં આવ્યો લોકોએ આ વધારાનો વિરોધ કર્યો. ગાંધીજીએ વલ્લભભાઈ પટેલને આ સત્યાગ્રહની જવાબદારી સોંપી. સરકારે દમનનીતિ શરૂ કરી. બારડોલી સત્યાગ્રહની સહાનુભૂતિમાં સમગ્ર ભારતે ‘બારડોલી દિન’ ઉજવ્યો. આ લડતમાં સત્યાગ્રહીઓનો વિજય થયો અને વલ્લભભાઈ પટેલ ‘સરદાર’ કહેવાયા.
૧૨ ઓક્ટોમ્બર,૧૯૨૮ના રોજ અમદાવાદની ગુજરાત કૉલેજના કેટલાક વિદ્યાર્થીઓએ સાઈમન કમિશનના વિરોધમાં હડતાળ પાડી, સત્રના અંતે પરીક્ષા ન આપી. કૉલેજના આચાર્ય શિરઝે તેમની સામે વેર-વૃત્તિ રાખી તેથી વિદ્યાર્થીઓએ ૩૯ દિવસની હડતાળ પાડી. ૩૦ જાન્યુઆરી,૧૯૨૯ના રોજ દેશભરની કૉલેજોએ હડતાળ પાડી. ‘અખિલ ભારત ગુજરાત કૉલેજ દિન’ ઊજવ્યો અને શિરાઝના પગલાને ધિક્કાર્યુ. ૧૨ માર્ચ, ૧૯૩૦ના રોજ ગાંધીજીએ પોતાના ૭૮ સાથીઓ સાથે અમદાવાદના સાબરમતી આશ્રમથી દાંડીકૂચ શરૂ કરી. ૬, એપ્રિલે દાંડી મુકામે પહોંચી, ચપટી મીઠું ઉપાડ્યું. આ રીતે ગાંધીજીએ મીઠાના કાયદાનો ભંગ કર્યો. સુરત જિલ્લાના ધરાસણામાં સત્યાગ્રહીઓ ઉપર નિર્દયતાથી લાઠીમાર કરવામાં આવ્યો. બારડોલી અને બોરસદ તાલુકામાં ના-કરની લડત ચાલી. ધોલેરા અને વીરમગામ પણ મીઠાના કાયદા ભંગના કેન્દ્રો બન્યાં.
ગુજરાતમાં સરદાર પટેલ, મોરારજી દેસાઈ, ડૉ. ચંદુલાલ દેસાઈ અને કનૈયાલાલ દેસાઈ તેઓ વ્યક્તિગત સત્યાગ્રહ કરે તે પહેલાં જ ધરપકડ કરવામાં આવી. ૩ માર્ચ, ૧૯૪૧ સુધીમાં ગુજરાતમાંથી ૨૯૬ સત્યાગ્રહીઓની ધરપકડ થઈ. આ લડત દરમિયાન નેતાઓની ધરપકડના વિરોધમાં લોકોએ હડતાળો પાડી. ૮ ઑગષ્ટ,૧૯૪૨ના રોજ મુંબઈમાં મળેલી મહાસમિતિની બેઠકમાં ‘હિંદ છોડો’નો ઠરાવ પસાર કરવામાં આવ્યો. ૯ ઑગષ્ટની વહેલી સવારે અમદાવાદમાંથી ગણેશ માવળંકર અને ભોગીલાલ લાલા, સુરતમાંથી ચંપકલાલ ધીયા અને છોટુભાઈ મારફતીયા, વડોદરામાંથી છોટુભાઈ સુતરિયા અને પ્રાણલાલ મુનશી, સૌરાષ્ટ્રમાંથી માણેકલાલ ગાંધી, દિનકરરાય દેસાઈ, બળવંતરાય મહેતા અને ઉછંગરાય ઢેબર જેવા કોંગ્રેસી નેતાઓની ધરપકડ કરવામાં આવી. ૮ ઑગષ્ટથી અમદાવાદની મિલો, બજારો, શાળાઓ તથા કૉલેજોમાં ૧૦૫ દિવસની હડતાળ પડી. ૯મી એ અમદાવાદના ખાડિયામાં થયેલા ગોળીબારમાં ઉમાકાંત કડિયા શહીદ થયો. લો કૉલેજથી નીકળેલું વિદ્યાર્થીઓનું સરઘસ ગુજરાતા કૉલેજમાં પ્રવેશતાં ગોળીબારથી વિનોદ કિનારીવાલા શહીદ થયો જે ગુજરાતનો પ્રથમ શહીદ હતો. ૧૮ ઑગષ્ટની સાંજે અડાસ સ્ટેશન પાસે વડોદરાના પાંચ યુવાનો પોલિસ ગોળીબારથી શહીદ થયા.
ગુજરાતમાં અનેક સ્થળોથી પ્રગટ થતી ગુપ્ત પત્રિકાઓમાં ચળવળના સમાચાર તથા કાર્યક્રમો આપવામાં આવતા હતા. અમદાવાદમાંથી બી.કે.મજમુદાર, જયંતી ઠાકોર, કાંતિલાલ ધીયા, ભરૂચ જિલ્લામાંથી છોટુભાઈ પુરાણી, સૌરાષ્ટ્રમાંથી રતુભાઈ અદાણી ભાંગફોડની પ્રવુત્તિઓનું સંચાલન કરતા હતા. કિશોરલાલ મશરૂવાળાએ ૨૩ ઑગષ્ટના ‘હરિજન’ અંકમાં ભાંગફોડની પરવાનગી આપતું લખાણ પ્રગટ કર્યુ. તે મુજબ ગુજરાતમા6 અનેક સ્થળોએ તાર-ટેલીફોનના દોરડાં કાપવામાં આવ્યાં, પોલીસ પાર્ટી, પોલીસ વાન,પોલીસ ચોકીઓ, પોસ્ટ-ઓફીસો અને હડતાળ ન પાડતી દુકાનો પર પથ્થરમારો કરવામાં આવ્યો. પોળોમાં ઘૂસીને મારતા પોલીસો પર એસિડ ભરેલા બલ્બ નાંખી, તેમને પોળમાં પ્રવેશતા અટકાવવામાં આવ્યા. અમદાવાદમાં વિવિધ જૂથોએ બોમ્બ બનાવીને પોલીસ ચોકીઓ, પોસ્ટ-ઓફિસો તથા સરકારી કચેરીઓ પર નાખ્યા અને અરાજકતા ફેલાવી. આ રીતે ‘હિંદ છોડો’ ચળવળ દરમિયાન ગુજરાતમાં વ્યાપક પ્રમાણમાં અરાજકતા ફેલાઈ.
દ્વિતિય વિશ્વયુદ્ધ પુરુ થતાં ૧૫ ઑગષ્ટ, ૧૯૪૭ના રોજ ભારત સ્વતંત્ર થયું. ૧ નવેમ્બર, ૧૯૫૬ના રોજ મુંબઈ રાજ્યની રચના થતાં ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છનું એકીકરણ થયું. મહાગુજરાતની અલગ રચના કરવા માટે ઈંદુલાલ યાજ્ઞિક્ની આગેવાની હેઠળ લડત શરૂ થઈ. ઈ.સ.૧૯૬૦માં કેન્દ્ર સરકારે દ્વિભાષી મુંબઈ રાજ્યનાવિભાજનનો ખરડો પસાર કર્યો અને ૧મે,૧૯૬૦થી સૌરાષ્ટ્ર અને કચ્છ સહિતના ગુજરાતના અલગા રાજ્યની રચના કરવામાં આવી. આમ આ પ્રમાણે ગુજરાતની જનતાએ સ્વાતંત્ર્ય સંગ્રામમાં જંપલાયું હતું તેમજ તેમનાથી દેશને આઝાદી અપાવવા માટે બનતી તમામ પ્રકારની મદદઓ આપીને દેશને સ્વતંત્ર કરવામાં ગુજરાતે મહત્વનો ભાગ ભજવ્યો હતો.
સંદર્ભસૂચિ
- જમીનદાર ડૉ. રસેશ, “સ્વાધીનતાના સંગ્રામમાં ગુજરાત”, ઈતિહાસ અને સંસ્કૃતિ વિભાગ ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ, એપ્રિલ ૧૯૮૯.
- દેસાઈ ડૉ. શાંતિલાલ મ., “રાષ્ટ્રનો સ્વાતંત્ર્ય સંગ્રામ અને ગુજરાત”, યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બૉર્ડ-ગુજરાત રાજ્ય, ૧૯૭૨.
- ધારૈયા ડો. રમણલાલ કે., “આધુનિકભારતનો ઈતિહાસ અને ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામો: ભાગ-૧”, યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બૉર્ડ-ગુજરાત રાજ્ય, અમદાવાદ, ૧૯૭૩.
- ધારૈયા ડો. રમણલાલ કે., “આધુનિકભારતનો ઈતિહાસ અને ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામો: ભાગ-૨”, યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બૉર્ડ-ગુજરાત રાજ્ય, અમદાવાદ, ૧૯૭૬.
- બાવીસી ડૉ. મુગટલાલ પી., “અસહકારની ચળવળ”, યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બૉર્ડ-ગુજરાત રાજ્ય, અમદાવાદ-૬, ૧૯૮૮.
- રાજગોર ડૉ. શિવપ્રસાદ, “અર્વાચીન ગુજરાતનો રાજકિય અને સાંસ્કૃતિક ઈતિહાસ”, યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બૉર્ડ-ગુજરાત રાજ્ય, અમદાવાદ, ૧૯૭૪.
- શુકલ ડૉ. જયકુમાર ર., “હિંદ છોડો ચળવળ (૧૯૪૨)”, યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બૉર્ડ-ગુજરાત રાજ્ય, અમદાવાદ-૬, ૧૯૮૮.
***************************************************
પ્રા. મનોજકુમાર લાલજીભાઇ ચૌધરી
સરકારી વિનયન કૉલેજ,
અમીરગઢ.
|