logo

છઠું બ્રિકસ સંમેલન અને નવી વિકાસ બેંક(NDB)રચના

પ્રસ્તાવના :

તાજેતરમાં જુલાઈ મહિનામાં છઠું બ્રિકસ સંમેલન બ્રાઝિલ યોજાયું હતું. ભારત પણ આ બ્રિકસ સંગઠન સભ્યદેશ હોવાથી આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને પ્રતિનિધિમંડળ એ સંમેલનમાં હાજરી આપી હતી. આ સંમેલનમાં બ્રિકસ દેશો દ્વારા બેંક રચના અંગેનો એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે જેની આજે સમગ્ર વિશ્વમાં આજે ચર્ચા છે. આ બેંકની રચનાએ ભારત અને ભારત જેવા બીજા વિકાસશીલ દેશોને માટે વિકાસ કાર્યો માટે આર્થિકસહાય અંગે એક નવી આશા જન્માવી છે.

બ્રિકસ સંગઠનની સ્થાપના :

સપ્ટેમ્બર,૨૦૦૬માં સયુંકત રાષ્ટ્ર(ન્યુયોર્ક)ની મહાસભાની બેઠક દરમિયાન બ્રાઝિલ, રશિયા, ભારત અને ચીનના વિદેશમંત્રીઓની બેઠકમાં આ દેશોના સંગઠન બનાવવા માટે માન્યતા આપવામાં આવી હતી. આ દેશોના બનેલા આ સંગઠનને વિખ્યાત અર્થશાસ્ત્રી શ્રી જીમઓ નીલ દ્વારા આ દેશો નામના પ્રથમ અક્ષરના આધારે તેમણે ‘બ્રિક’(BRIC) સંગઠન એવું નામ આપ્યું. આ બ્રિક દેશોનું પ્રથમ સંમેલન ૨૦૦૯ માં રશિયાના યેકાતેરિનબર્ગ શહેરમાં યોજાયું હતું અને ત્યારબાદ બીજું સંમેલન ૨૦૧૦ બ્રાઝિલની રાજધાની બ્રાઝિલિયામાં થયું હતું, જે સંમેલનમાં દક્ષિણ આફ્રિકા દેશને બ્રિક સંગઠનમાં સદસ્યતા આપવામાં આવી હતી, આથી ‘બ્રિક’(BRIC) સંગઠનને વર્ષ ૨૦૧૦ બાદ ‘બ્રિકસ’(BRICS) સંમેલન નામે ઓળખાવાય છે. આ બ્રિકસ દેશનું ‘બ્રિકસ સંમેલન’ દરવર્ષે અગાઉ નક્કી કરેલ સભ્ય દેશના શહેરમાં યોજાય છે. બ્રિકસ દેશોનું અધ્યક્ષપદ હાલમાં દક્ષિણ આફ્રિકા સંભાળે છે.

બ્રિકસ દેશોનું અર્થતંત્ર :

બ્રિકસદેશો વિકાશસીલ અને નવા ઔદ્યોગિક દેશ છે, જેમની અર્થવ્યવસ્થા ઝડપથી વધી રહી છે. બ્રિકસ દેશો વિશ્વની ૪૩% વસ્તી ધરાવે છે અને ૧૮% વિશ્વ વેપારનું પ્રતિનિધિત્વ કરે છે. બ્રિકસના બે દેશો ચીન અને ભારત વસ્તીના ક્રમે દુનિયામાં ક્રમિક પ્રથમ અને બીજા સ્થાને છે. વિશ્વના કુલ જીડીપીમાં બ્રિકસ દેશોની ભાગીદારી ૩૦% જેટલી છે અને તેઓ લગભગ ૪૪ અબજ ડોલરનું વિદેશી નાણાંભંડોળ ધરાવે છે. બ્રિકસ દેશો વચ્ચે ૩૦૦ અબજ ડોલરનો વાર્ષિક વ્યાપાર થાય છે, જેને ૨૦૧૫ સુધીમાં ૫૦૦ ડોલર સુધી પહોંચાડવાનો લક્ષ્યાંક છે.

છઠું બ્રિકસ સંમેલન(૨૦૧૪) :

તા.૧૪-૧૬,જુલાઈ,૨૦૧૪ના રોજ બ્રાઝીલના ફોટાલેઝા શહેરમાં બ્રિકસ દેશોનું છઠું સંમેલન યોજાયું હતું. આ સંમેલનમાં યજમાન દેશ બ્રાઝીલના રાષ્ટ્રપતિ ડીલ્મા રોસેફ, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રશિયાના રાષ્ટ્રપતિ વ્હાદિમીર પુતિન, ચીનના રાષ્ટ્રપતિ શી.જીનપીંગ અને દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ જેકોબ ઝૂમા વગેરે રાજનેતાઓએ હાજર રહ્યા હતા અને સાથે યજમાન દેશ બ્રાઝિલ દ્વારા લેટીન-અમેરિકાના દેશોના રાષ્ટ્રપતિઓને પણ મહેમાન તરીકે આમંત્રિત કરવામાં આવ્યા હતા. આ સંમેલનમાં ‘ફોટાલેઝા યોજના’ અંતર્ગત સભ્ય દેશો દ્વારા સાથે મળીને સર્વાનુમતેથી ‘નવી વિકાસ બેંક’(New Development Bank) ની રચના કરવાનો ક્રાંતિકારી નિર્ણય લેવામાં આવ્યો અને સાથે બ્રિકસ દેશોની આકસ્મિક નાણાકીય કટોકટીને પહોંચી વળવા માટે પણ ‘આકસ્મિક અનામત વ્યસ્થા’(Contingent Reserve Arrangement) નામે ભંડોળ બનાવવા માટે વ્યવસ્થા કરવા અંગે યોજના જાહેર કરવામાં આવી છે. જે વિશેની માહિતી નીચે મુજબ છે.

નવી વિકાસ બેંક(NDB)ની રચના :

બ્રિકસ દ્વારા બેન્કની રચનામાં આપણા પૂર્વ વડાપ્રધાન ડો.મનમોહન સિંહનો વિચાર કેન્દ્રમાં રહેલો છે, તેમણે ૨૦૧૨માં દિલ્હીમાં યોજાયેલ બ્રિકસ સંમેલનમાં બ્રિકસબેંક રચનાનો વિચાર સૌપ્રથમ વખત રજૂ કર્યો હતો,ત્યારબાદ વર્ષ ૨૦૧૩ માં દક્ષિણ આફ્રિકામાં યોજાયેલ પાંચમાં બ્રિકસ સંમેલનમાં બ્રિકસ બેંક રચના અંગે સંમતિ થઇ હતી પણ બેંક રચના થઇ શકી નહતી, જેને તાજેતરમાં ૧૫,જુલાઈ,૨૦૧૪ના રોજ યોજાયેલ છઠ્ઠા બ્રિકસ સંમેલન આ બ્રિકસબેંક રચનાને અંતિમ મંજૂરી અપાયી છે. આ સંમેલનમાં બ્રિકસબેંકનું નામ આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના સૂચનથી ‘નવી વિકાસ બેંક’(NDB) રાખવામાં આવ્યું છે. આ બેંકનું વડુંમથક ચીનના ‘શાંઘાઈ’ શહેરમાં રહેશે, જયારે તેનું ક્ષેત્રીય કાર્યાલય દક્ષિણ આફ્રિકામાં સ્થપાશે. ભારત માટે ગૌરવની બાબત એ છે કે આ બેંકના પ્રથમ અધ્યક્ષ ભારતીય હશે, આ અધ્યક્ષતા પાંચ વર્ષ સુધી ભારત પાસે રહેશે અને ત્યારબાદ બ્રાઝીલ અને રશિયા ૫-૫ વર્ષ માટે બેન્કનું અધ્યક્ષપદ સંભાળશે. આ બેંકમાં બધાજ સભ્ય દેશોનું વર્ચસ્વ એક સમાન રહેશે.

બેંકની સ્થાપનાનો પાછળનો ઉદ્દેશ્ય બ્રિકસ દેશોના ઉભરતા બજારને માટે નાણાંકીય સહાય અને વિકાસ માટે સહકાર આપવા, તેમની વચ્ચે સહયોગીતા વધારવા અને પશ્ચિમી વર્ચસ્વવાળી વિશ્વબેંક અને આઈ.એમ.એફ જેવી સંસ્થાઓને હરીફ તરીકે ટક્કર આપવા માટે રચના કરવામાં આવેલ છે. આ બેંકની શરૂઆતની મૂડી ૫૦ અબજ ડોલર રહેશે. જેમાં પાંચેય બ્રિકસ દેશો સરખે ભાગે એટલેકે ૧૦-૧૦ અબજ ડોલર આપશે. આ મૂડીને ૫૦ અબજ ડોલર વધારીને ૧૦૦ અબજ ડોલર કરવાનો લક્ષ્યાંક છે. આ બેંક દ્વારા ધિરાણ માટેનું પ્રાથમિક લક્ષ્ય કોઈપણ દેશોના નિર્માણકાર્ય કાર્યક્રમો માટે ધિરાણ કરવાનું છે, જેની માટે અધિકૃત રાશિ વાર્ષિક ધોરણે ૩૪ અબજ ડોલર સુધી રહેશે.

‘આકસ્મિક અનામત વ્યસ્થા’(Contingent Reserve Arrangement) :

આ બ્રિકસ સંમેલનમાં બ્રિકસ દેશોની આકસ્મિક નાણાકીય કટોકટી સમસ્યાને પહોંચી વળવા માટે અને કેન્દ્રિય-બેંકો વચ્ચે બહુપક્ષીય મુદ્રા વિનિમય માટે ‘આકસ્મિક અનામત વ્યસ્થા’(C.R.A) વ્યવસ્થાને મંજૂરી અપાયી છે. જેની માટે પણ સભ્ય દેશો દ્વારા ૧૦૦ અબજ ડોલરનું ભંડોળ એકઠું કરાશે. જેનો ફાળો ચીન દ્વારા ૪૧ અબજ ડોલર તથા રશિયા દ્વારા ૧૮ અબજ ડોલર, ભારત દ્વારા ૧૮ અબજ ડોલર અને બ્રાઝીલ દ્વારા ૧૮ અબજ ડોલર અને દક્ષિણ આફ્રિકા દ્વારા ૫ અબજ ડોલર એમ મળીને કુલ ૧૦૦ અબજ ડોલર એકઠા કરાશે.

ઉપસંહાર :

આ બ્રિકસ બેંકની જરૂરીયાત એટલે ઉભી થઇ છે કારણકે આઈ.એમ.એફ અને વિશ્વબેંક જેવી નાણાંકીય સંસ્થાઓ વિકાસશીલ દેશોને તેમની જરૂરીયાત પ્રમાણે આર્થિક સહાય દેવામાં નાકામ રહી છે. આ ઉપરાંત બ્રિકસ દેશોની ફરિયાદ પ્રમાણે આ સંસ્થાઓમાં અમેરિકા અને યુરોપના દેશોનું વધારે પ્રભુત્વ છે, એવું લાગે છે કે અનૌપચારિકરીતે વિકસિતદેશોએ નક્કી કરી લીધેલ છે કે વિશ્વબેંકમાં અધ્યક્ષ અમેરિકાનો હશે જયારે આઈ.એમ.એફ નો અધ્યક્ષ યુરોપથી હશે.

નોબેલ પુરસ્કાર વિજેતા અર્થશાસ્ત્રી જોજેફ સ્ટિંગ્લિટ્જના મતે બ્રિકસબેંક એક એવો વિચાર છે કે જેનો સાકાર થવાનો સમય આવી ગયો છે અને તેમના મતે બ્રિકસ બેંક જરૂરિયાત એટલે છે કે વિકાસશીલ દેશો હવે આ બેંક દ્વારા નાણાંકીય સહાય લઇ શકશે અને તે ઉપરાંત અમેરિકા અને યુરોપને બદલે વિકસતા બજારમાં નિવેશ કરી શકે છે, જેનાથી વિકસિત દેશોના વિત્તીય અનિશ્ચિતભર્યા વાતાવરણમાંથી બચી શકાય છે.

સંદર્ભ સૂચિ :

    1. http://en.wikipedia.org./wiki/New Development Bank
    2. http://en.wikipedia.org/wiki/6th_BRICS_summit
    3. http://pib.nic.in/newsite/PrintHindiRelease.aspx?relid=28923
    4. http://www.bbc.co.uk/hindi/international/2014/07/140717_brics_bank_declaration_tk.shtml

    *************************************************** 

    સોલંકી દિપેશ કિશોરભાઈ
    વીઝીટીંગ લેકચરર,
    શ્રી સ્વામિનારાયણ આર્ટસ કોલેજ,અમદાવાદ
    મોબાઈલ નં- ૯૯૦૪૯ ૩૧૯૯૧

Previousindexnext
Copyright © 2012 - 2024 KCG. All Rights Reserved.   |   Powered By : Prof. Hasmukh Patel

Home  |  Archive  |  Advisory Committee  |  Contact us