logo

સાંપ્રત સમયમાં આદીવાસી સમાજમાં કઝીન લગ્નો

ભારતમાં મામા-ફોઈના સંતાનો વચ્ચે લગ્ન કરવાની પ્રથા ઘણા પ્રાચિન સમયથી પ્રચલીત છે. બ્રાહ્મણોએ આ સ્વરુપના લગ્નોને અમાન્ય ગણ્યા હોવા છતાં વિશિષ્ટ સામાજિક પરિસ્થિતીમાં તેનો સ્વીકાર કર્યો છે. વૈદીક કાળ દરમિયાન બ્રાહ્મણ જ્ઞાતીમાં મામા-ફોઈના સંતાનો વચ્ચે લગ્ન થતા. મહાભારતકાળ દરમિયાન રાજપુત જ્ઞાતીમાં મામા-ફોઇના સંતાનો વચ્ચે લગ્ન થતા. અર્જુને મામા પુત્રી સુભદ્રા સાથે અને ક્રશ્નએ મામા અને ફોઇની પુત્રી અનુક્રમે રુકમણી અને મિત્રવિંદા સાથે લગ્ન કર્યા હતા[1]. પાંચાલના રાજા ભામ્ભાર્યાના પુત્ર બામ્ભાદત્તાએ મામાની પુત્રી સાથે લગ્ન કર્યા હતા. દશમી સદીમાં રાજા પહામજા અને બહેન બંધુસુંદરી અને બારમી સદીમાં સોમપ્રભાચાર્ય અને બહેન સત્યભામાએ તેમના સંતાનો પુખ્ત થઈ લગ્ન કરે તેવી ઈચ્છા રાખી હતી. ગુજરાતમાં સોરઠ પ્રદોશના લોકો પોતોને યાદવ કુળના વંશજો ગણતા હોવાથી સૌરાષ્ટ્રની ઘણી જ્ઞાતીઓમાં મામા-ફોઇના સંતાનો વચ્ચે લગ્ન થાય છે. દા.ત. કાઠી. આવા અપવાદરુપ કિસ્સાઓથી શરુ થયેલ મામા-ફોઇના સંતાનો વચ્ચે થતા લગ્નો ધીમે ધીમે ભારતીય સમાજમાં સ્વીકારાવા લાગ્યા, સમાજમાન્ય બન્યા. ભારતમાં મગધ, કાશી, કોશાલા, માળવા, વિદર્ભ અને મત્સય પ્રદેશમાં વસતા ઇન્ડો આર્યન લોકોમાં મામા-ફોઇના સંતાનો વચ્ચે લગ્ન થાય છે. વિશ્વના જુદા જુદા દેશો અને ભારતમાં વસતા મુસ્લીમ સમુહોમાં સગા મામા-ફોઇના સંતાનો વચ્ચે લગ્ન કરવાની પ્રથા અત્યંત પ્રચલિત છે.

વિશ્વ, ભારત અને ગુજરાતમાં વસતી અનેક આદિવાસી જાતિઓમાં મામા-ફોઇના સંતાનો વચ્ચે લગ્ન કરવાની પ્રથા પ્રચલિત છે. ઓસ્ટ્રેલીયામાં વસતી કરીએરા, કેન્ડોલ અને કેન્ડુ આદિવાસી જાતિમાં મામા-ફોઇના સંતાનો લગ્ન કરે છે. ભારતમાં વસતા આદીવાસીઓ પોતાને દ્રવિડોના વંશજ ગણતા હોવાથી દ્રવિડ લોકોમાં પ્રચલિત મામા-ફોઇના સંતાનો વચ્ચે લગ્ન કરવાની પ્રથા આદિવાસી સમાજે સ્વીકારી હશે. તેથી દક્ષિણ ભારતમાં મલબાર, કોચીન, ત્રાવણકોર અને તેલુગુ ભાષા બોલાતી હોય તેવા બધા જિલ્લાઓમાં વસવાટ કરતા આદિવાસીઓમાં મામા-ફોઇના સંતાનો વચ્ચે લગ્ન કરવાનો રીવાજ છે. ગુજરાતમાં વડોદરા જિલ્લાના નસવાડી તાલુકાના ધુમણા, અંત્રાસ અને છારબારા ગામોમાં વસતા ડુંગરી ભીલ આદિવાસીઓમાં સગા અને વર્ગીક્રુત ભાઇ-બહેનો લગ્ન કરે છે.[2] ભરુચ અને વલસાડમાં વસતા અનુક્રમે કોટવાળીયા અને વારલી આદીવાસીઓમાં પણ આ સ્વરુપના લગ્નો સમાજમાન્ય છે. ઉપરોકત જાતિઓમાં મામા-ફોઇના સંતાનો વચ્ચે થતા લગ્નો દ્વીપક્ષી છે. ઇગો મામા કે ફોઇ બન્નેમાંથી કોઇ એકની પુત્રી સાથે લગ્ન કરી શકે છે.

આદિવાસી સમાજમાં કન્યા શુલ્ક ચૂકવવાનો રિવાજ હોવાથી કન્યાશુલ્કની રકમ કુટુંબમાં કે નજીકના સંબંધીઓમાં રહે તેવી ઇચ્છા, વંશ પ્રત્યે ગર્વની લાગણી, વંશજુથની એકતા અને રક્તની શુધ્ધતા ટકાવી રાખવાનો ખ્યાલ, કુળો વચ્ચેની નિકટતાની માત્રા વિગેરે આર્થિક અને સામાજિક પરિબળો/પરિસ્થિતિઓને કારણે આદિવાસી સમાજમાં મામા-ફોઇના સંતાનો વચ્ચે લગ્નો કરવાની પ્રથા પ્રચલિત બની, સ્વીકારાઇ અને આ સ્વરુપના લગ્નો ફરજરુપ ગણાયા. સામાન્ય રીતે વધું નિકટતા ધરાવતા કુળના સ્ત્રી-પુરુષો પરસ્પર લગ્ન કરવાનો આગ્રહ રાખે છે. તે માટે સભ્યોને ફરજ પાડે છે. માતાના વંશજુથ સાથે તેના ભાઇનો વંશ વધું નિકટતા ધરાવતો હોવાથી ઓસ્ટ્રેલીયાની કેન્ડોલ આદિવાસી જાતિમાં ઇગો મામાની પુત્રી સાથે લગ્ન કરે તે ફરજરુપ ગણાય છે. એવીજ રીતે શિકાર કરી ગુજરાન ચલાવનાર કેન્ડયુ આદિવાસી જાતિમાં ભાઇ-બહેન સાથે શિકાર કરવા જતા હોવાથી ભાઇ-બહેનના કૂળની નિકટતા વધું હોય છે. તેને કારણે બહેન પોતાની ઓળખ ભાઇના વંશથી આપતા ગર્વ અને ખુશી અનુભવે છે. તેથીજ બહેન પોતાની પુત્રીના લગ્ન ભાઇના પુત્ર સાથે કરાવે છે.[3] વલસાડની વારલી જાતિમાં લગ્ન પછી નવદંપત્તીને આશીર્વાદ આપતી વખતે મામા પક્સ તરફથી કન્યા મળી હોવાનું યાદ કરાવી તેમના સંતાનના લગ્ન મામાના પુત્ર-પુત્રી સાથે કરવા અનુરોધ કરે છે.[4]

પ્રાચિન સમયમાં મામા-ફોઇના સંતાનો વચ્ચે લગ્ન કરવાના આવા ફરજરુપ બંધનો ખુબ મજબૂત હતા. બન્ને પક્ષો આ ફરજનું પાલન થાય તે માટે તકેદારી રાખતા, પ્રયત્ન કરતા. એટલુજ નહીં બન્ને પક્ષો વચ્ચે લગ્નનું આ બંધન જળવાઇ રહે તે માટે કડક સામાજિક નિયંત્રણ કરવામાં આવતું. કોઇ એક પક્ષ પોતાના સંતાનના લગ્ન સામા પક્ષ સાથે કરવાની ના પાડે, અસંમતી દર્શાવે તો તેને સજા કરવામાં આવતી. અસંમત થનાર પક્ષે સામા પક્ષને આર્થિક વળતર ચૂકવવું પડતું. પશ્ચિમ મંડલા અને બસ્તર પ્રદેશમાં વસતી ગોંડ જાતિમાં ભાઇએ બહેનના પુત્રને લગ્ન માટે પુત્રી આપી હોવાથી બહેન પોતાની પુત્રીના લગ્ન ભાઇના પુત્ર સાથે કરે તે ફરજરુપ ગણાય છે. જો બહેન આ ફરજ પ્રમાણે પોતાની પુત્રીના લગ્ન ભાઇના પુત્ર સાથે કરેતો તેણે દુધ પાછું વાળ્યું (Duth lautana/ bringing back the milk) તેમ ગણાય છે. જો તે પુત્રીના લગ્ન ભાઇના પુત્ર સાથે કરવાની ના પાડેતો તેણે ભાઇના કુટુંબને આર્થિક વળતર (nen) આપવું પડે છે.[5]

પ્રાચિન સમયની સામાજિક પરિસ્થિતીઓને કારણે જુદા જુદા સમાજોમાં પ્રચલિત મામા-ફોઇના સંતાનો વચ્ચે થતા લગ્નો ટકી રહ્યા હતા. તેમાંય આદિવાસી સમુદાયોની ભૌગોલિક- સામાજિક પરિસ્થિતીઓના કારણે આ લગ્નએ પ્રથા ઘણા લાંબા સમય સુધી પોતાનું અસ્તીત્વ ટકાવી રાખ્યું. પ્રાચિન સમયમાં જંગલો, ડુંગરાળ પ્રદેશો અને અંતરીયાળ વિસ્તારોમાં આદિવાસીઓ વસવાટ કરતા હોવાથી આ સમુદાયો ગ્રામીણ અને શહેરી વિસ્તારોથી અલગતા ધરાવતા હતા. તેથી મૂળ નિવાસી ગણાતા આદિવાસીઓ અન્ય સમાજના લોકોના સંપર્કમાં આવ્યા નહતા. અથવા તેમની સાથે ખૂબ ઓછો સંપર્ક ધરાવતા હતા. શિક્ષણ અને સહશિક્ષણનો અભાવ હતો. અથવા તેનું પ્રમાણ ખૂબ ઓછું હતું. તેને કારણે સંબંધીઓ વચ્ચેના સામાજિક બંધનો મજબૂત હોવાથી મામા-ફોઇના સંતાનો વચ્ચે થતા લગ્નની પ્રથા આદિવાસીઓમાં લાંબા સમય સુધી ટકી રહી. પરંતું વર્તમાન સમયમાં પરિસ્થિતીઓ બદલાઇ છે. આદિવાસી વિસ્તારોની અલગતા તુટી છે. રોડ-રસ્તા, વાહનવ્યવહાર, સંચારમાધ્યમો અને સહશિક્ષણની શોધ, સગવડતાઓ અને તકોને કારણે આ સમાજના લોકો બાહ્ય સમાજના સંપર્કમાં આવ્યા છે. શાળા/કોલેજ, બાગ-બગીચા, બજાર/હાટ, હોટલો/ભોજનાલયો અને આવા અન્ય જાહેર સ્થળોએ બીજા આદિવાસી જાતિના લોકો અને ગ્રામીણ- શહેરી સમુદાયમાં વસતા ભિન્ન જ્ઞાતિ અને ધર્મ પાળતા લોકો સાથે આદિવાસીઓનો સંપર્ક દીન-પ્રતિદિન વધતો જાય છે. કોલેજમાં યોજાતા સાંસ્ક્રુતિક કાર્યક્રમો અને રમતોત્સવોને કારણે આ સંપર્કો વધું વિસ્તૃત બન્યા છે. જીવન શાથી પસંદગીના ધોરણોમાં પરિવર્તન આવ્યું છે. પરિણામે જીવનશાથી પસંદગીનું પરંપરાગત અંત:લગ્નનું ધોરણ નબળું પડ્યું છે, તુટ્યું છે. પરિણામે આંતરજાતિય લગ્નો વધ્યા છે. પ્રેમ થવાથી, અશિક્ષિત કે વ્યસની હોવાથી આદિવાસી સમાજમાં ઇગો મામા-ફોઇના પુત્ર-પુત્રી સાથે લગ્ન કરવા તૈયાર થતો નથી, અસંમતી દર્શાવે છે. ભારતના મણિપુર રાજ્યમાં વસતા છોટે માત્રુવંશી આદિવાસીઓમાં શિક્ષણ, ખ્રિસ્તીકરણ, બજારના સ્થળોએ આ જાતિના લોકોના અન્ય આદિવાસી જાતિના લોકો સાથે વધેલા સામાજિક-આર્થિક સંપર્કો, વિદ્યાર્થી પરિષદ અને રમત-ગમતની મીટીંગો જેવા સામાજિક પરિબળોને કારણે પરંપરાગત મુલ્ય વ્યવસ્થા નબળી પડી છે. તેને કારણે મામા-ફોઇના સંતાનો વચ્ચે થતા લગ્નોનું પ્રમાણ ઘટ્યું છે.[6] અવીજ રીતે ગુજરાતમાં વસતા કોટવાળીયા જાતિમાં મામાની પુત્રી દારુ પીવાનું વ્યસન ધરાવતી હોવાથી મામાની પુત્રી સાથે લગ્ન કરવાની ના પાડી છે. દારુના વ્યસનને કારણે શરીર ક્ષીણ થવાથી મજુરીએ જઇ ન શકાય. પરીણામે કુટુંબની આવક ઘટે, કુટુંબની મર્યાદીત રકમ દારુ પાછળ ખર્ચાઇ જાય. પરીણામે કુટુંબનું જીવન નિર્વાહ મૂશ્કેલ બને. આવી સંભવીત અસરોથી કુટુંબને બચાવવા તેઓ મામાની પુત્રી સાથે લગ્ન કરવા સંમત થયા નથી. આ જાતિના માસાહાર ત્યજી દીધેલ કુટુંબના કેટલીક વ્યક્તિઓએ માસાહાર કરનાર મામાના પુત્ર-પુત્રી સાથે લગ્ન કરવાની ના પાડી છે. અન્ય કેટલીક વ્યક્તિઓએ મામાની પુત્રીની ઉંમર વધુ નાની કે મોટી હોવાથી લગ્ન કરવા અસંમત થયા છે. આમ દારુનું વ્યસન, માંસાહાર અને લગ્નવયના તફાવતોને કારણે કોટવાળીયા જાતિમાં મામા-ફોઇના સંતાનો વચ્ચે થતા લગ્નોનું પ્રમાણ ઘટ્યું છે.[7]

આમ વર્તમાન સમયમાં શિક્ષણ, ખ્રિસ્તીકરણ, બજારના સ્થળોએ આ જાતિના લોકોના અન્ય આદિવાસી જાતિના લોકો સાથે વધેલા સામાજિક-આર્થિક સંપર્કો, વિદ્યાર્થી પરિષદ અને રમત-ગમતની મીટીંગો, દારુનું વ્યસન, માંસાહાર અને લગ્નવયના તફાવતો જેવા સામાજિક પરિબળો/પરિસ્થિતીઓએ મામા-ફોઇના સંતાનો વચ્ચે થતા લગ્નોની વ્યવસ્થા નબળી પાડી છે. જોકે તેનો અર્થ એવો નથી કરવાનો અથવા એમ નથી સમજવાનું કે આદિવાસી સમાજમાં મામા-ફોઇના સંતાનો વચ્ચે થતા લગ્નો નાશ પામ્યા છે, લુપ્ત થયા છે. અહીં કહેવાનો હેતું માત્ર એટલો છે કે આ સમાજમાં ઉપર દર્શાવ્યા મુજબની નવી ઉદભવેલી સામાજીક પરિસ્થિતીઓને કારણે કઝીન લગ્નોની પ્રથામાં પરિવર્તન આવ્યું છે.

પાદનોંધ

    1. K.M Kapadia, Marriage and Family in India, Oxford University Press, Calcutta, 1966, PP- 130-133.
    2. વિદ્યુત જોષી, આ પણ ગુજરાત છે, દોસ્તો!, સેન્ટર ફોર સોસીયલ સ્ટડી, સુરત, 1983, પૃષ્ડ- 67.
    3. Claude Levi-Strauss, The Elementry Structures of Kinship, Social Science Paperbacks in Association with Eyre & Spottiswoode, Landon, 1970, PP-438-439.
    4. ગૌરીશંકર પંડ્યા, વારલી જાતિનો સમાજમાનવશાસ્ત્રીય અભ્યાસ, ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદ, 1992, પૃષ્ડ-263.
    5. Stephen Fuchs, The Gond and Bhumia of Estern Mandla, New Literature Publishing Company, Bombay, 1968, PP-172.
    6. Yuhlung Cheithou Charles, Matrilateral Cross-Cousin Marriage among the Chothe of Manipur, Jurnal of Indian Sociological Society, Sociological Bulletin, 56 (1), January-April, 46-64, 2007, PP-51-54.
    7. જીજ્ઞેશ પંડ્યા, ભરુચ જિલ્લામાં વસતી કોટવાળીયા જાતિમાં સગાઇ સંબંધો, ગુજરાત યુનિવર્સિટી (ગુરુ શોધનિબંધ હસ્તપ્રત), 2012, પૃષ્ડ-284-285.

    *************************************************** 

    ડૉ. જીજ્ઞેશ પંડયા
    (આસિસ્ટન્ટ પ્રોફેસર)
    સમાજશાસ્ત્ર વિભાગ
    ગુજરાત આટર્સ એન્ડ કોમર્સ કૉલેજ(સાંજની)
    અમદાવાદ

Previousindexnext
Copyright © 2012 - 2024 KCG. All Rights Reserved.   |   Powered By : Prof. Hasmukh Patel

Home  |  Archive  |  Advisory Committee  |  Contact us