logo

વૈયક્તિક અધ્યયન પદ્ધતિ

પ્રસ્તાવિકઃ-

સામાજિક સંશોધનમાં સામાન્ય રીતે બે પ્રકારની માહિતી એકત્રિત કરવામાં આવે છે. સંખ્યાત્ક અને ગુણાત્મક. ગુણાત્મક માહિતી એકઠી કરવાની એક મહત્વની અને અતિ પ્રાચિન પદ્ધતિ તરીકે વ્યક્તિ તપાસ પદ્ધતિની ગણના થાય છે. ગુડ્ અને હાડ્રેનો એવો અભિપ્રાય છે કે સમાજશાસ્ત્રીય સાહિત્યમાં આ પદ્ધતિનું મહત્વ ઘટી રહ્યું છે. પરંતુ ખરેખર તેવું નથી. અનેક નવા સંશોધન વિભાગોમાં તેનો ઉપયોગ થાય છે. વાણ્જિય સંચાલન, સમાજકાર્ય, આધુનિક ગુનાશાસ્ત્ર, ઇતિહાસ, મનોવિજ્ઞાન વગેરેમાં વ્યક્તિ તપાસ પદ્ધતિ નો ઉપયોગ થાય છે. આજે તો સમાજશાસ્ત્રમાં સામાજિક જીવનનો મહત્વની ઘટનાઓ જેવી કે વ્યક્તિ, સંસ્થા કે સમુદાયનો ગહન અભ્યાસ કરવા માટે વ્યક્તિ તપાસ પદ્ધતિનો બહોળો ઉપયોગ થાય છે. આથી એકમલક્ષી અભ્યાસ શબ્દ વધુ ઉચિત લેખ્યો છે. સંક્ષેપમાં કહીએ તો એકમ ને આધારે સમગ્રનો સંપૂર્ણ-સર્વાંગી અભ્યાસ કરવા તેનો ઉપયોગ થાય છે.

સમાજશાસ્ત્રમાં સર્વપ્રથમ વ્યક્તિ તપાસ પદ્દધતિનો ઉપયોગ હર્બર્ટ સ્પેન્સરે કરેલો પરંતુ તેનો વ્યવસ્થિત રીતે ઉપયોગ ફ્રેડરિક લીપ્લેએ કરેલો. ફ્રાન્સના મજૂરોની આવક-જાવકની માહિતી મેળવા માટે આ પદ્ધતિ તેમણે ઉપયોગમાં લીધી હતી.

ભારતમાં લગભગ ૫૦ વર્ષ પહેલાં તાતા સ્કૂલ ઓફ સોશ્યિલ વર્ક ધ્વારા વ્યક્તિ તપાસ પદ્ધતિની વધુ મદદ લેવાતી હતી.

વ્યક્તિ તપાસ પદ્ધતિ એટલે માત્ર કોઈ એક વ્યક્તિનો અભ્યાસ નહીં પણ સામાજિક એકમ તરીકે વ્યક્તિ, સંસ્થા કે સમુદાયનો અભ્યાસ.

જુદા-જુદા સમાજશાસ્ત્રીઓએ આપેલી વ્યાખ્યા નીચે મુજબ છે.

(1) “વ્યક્તિ તપાસ પદ્ધતિ એટલે વ્યક્તિ (એકમ)ની બધા જ પ્રકારની સવિસ્તર તપાસ પદ્ધતિ આમાં સંશોધક વ્યક્તિ (એકમ) ની એટલી વિગતે માહિતી મેળવે છે કે વ્યક્તિ સમાજનાં એક એકમ તરીકે કઈ રીતે વર્તે છે તે સમજી શકાય. - શીત પાઓ યાંગ

(2) વ્યક્તિતપાસ પદ્ધતિ ગુણાત્મક વિશ્લેષણનું સ્વરૂપ છે જેમાં વ્યક્તિ, પરિસ્થિતિ કે સંસ્થાનું ધ્યાનપૂર્વકનું સંપૂર્ણ નિરીક્ષણ સમાવેશ પામે છે. - બિસંજ અને બિસંજ

(3) વ્યક્તિ તપાસ પદ્ધતિ કોઈ સામાજિક એકમ, વ્યક્તિ, પરિવાર, સંસ્થા, સાંસ્કૃત્તિક વર્ગ અથવા સમગ્ર જાતિના જીવન વિષે સંશોધન તેમજ વિશ્લેષણ (વિવેચના) કરવાની પદ્ધતિ (a method of exploring and analyzing) છે. - શ્રીમતી પી.વી.યંગ

(4) વ્યક્તિ તપાસ પદ્ધતિ સામાજિક હકીકતો અથવા માહિતી એકઠી કરવાની રીતે છે જે ધ્વારા અભ્યાસ કરવામાં આવતા વિષયના એકાત્મક સ્વરૂપને સાચવી શકાય (એટલે કે તેમાં સામાજિક એકમને જ સ્વીકારવામાં આવે ) છે. - ગુડ અને હાટ્ર

ઉપર દર્શાવેલી વ્યાખ્યાઓને આધારે નીચે પ્રમાણે વિશેષતાઓ રજૂ કરી શકાય.

(અ) આ પદ્ધતિમાં અભ્યાસનું કેન્દ્ર સામાજિક એકમ છે. તેમાં વ્યક્તિથી માંડીને એક સમૂહ અથવા એક સમગ્ર કોમ પણ સમાવેશ પામી શકે.
(બ) તેમાં સામાજિક એકમ ઉપર અસર કરનારાં પરિબળો શોધી કાઢવામાં આવે છે. વ્યક્તિ એટલે કે તેની વ્યક્તિમત્તા પર અસર કરનારાં પરિબળો તેમજ સામાજિક એકમ અને સામાજિક વાતાવરણ વચ્ચે કાર્ય-કારણનો સંબંધ શોધી કાઢવામાં આવે છે.
(ક) આ પદ્ધતિમાં સામાજિક એકમનો સંપૂર્ણ અભ્યાસ કરવામાં આવે છે. સામાજિક એકમના કોઈ એક તત્વને આધારે જ તપાસ થતી નથી. પરંતુ સામાજિક એકમના (તમામ પાસાં) સમગ્ર જીવનને તપાસવામાં આવે છે. સમગ્ર જીવનને મનોવૈજ્ઞાનિક, સામાજિક, ભૌગોલિક, ધાર્મિક, રાજકીય, પ્રાણીશાસ્ત્રીય વગેરે તમામ દ્રષ્ટિબિંદુઓ ધ્વારા તપાસવામાં આવે અથવા આ બધી બાબતોની તેની પર શું અસર છે તે જાણવાનો પ્રયત્ન થાય છે.
(ડ) આ પદ્ધતિને સામાજિક ‘સૂક્ષ્મદર્શક યંત્ર’ (Social Microscope) તરીકે ઓળખવામાં આવે છે. તેમાં સામાજિક એકમનો ખૂબ જ ઝીણવટભર્યો અને ઉંડાણથી અભ્યાસ થાય છે.
(ઈ) આ પધ્ધતિ “ગુણાત્મક અભ્યાસ” કહેવાય છે નહીં કે સંખ્યાતમક. તેમાં આંકડા ઉપર ભાર નથી મૂકાતો.
(ઈ) આ પધ્ધતિમાં સંશોધનની મોટાભાગની પધ્ધતિઓ – ઐતિહાસિક પધ્ધતિ, ગ્રંથાલય પધ્ધતિ, નિરીક્ષણ પધ્ધતિ, મુલાકાત પધ્ધતિ, અનુસૂચિ, વગેરેનો સીધો ઉપયોગ થાય છે.

આ પધ્ધતિની આધારભૂત માન્યતાઓઃ-

(1) માનવીની મૌલિક સમાનતા
આ પધ્ધતિમાં સંશોધક એ બાબતનો સ્વીકાર કરીને આગળ વધે છે કે માનવીનો મૂળ સ્વભાવ તમામ સ્થિતિઓ કે ઘટનાઓમાં એક સમાન જ હોય છે. (પ્રકૃત્તિ) અર્થાત્ અમુક પરિસ્થિતિમાં દરેક વ્યક્તિ એક સરખું જ વર્તન કરે છે.

(2) સમય-તત્વનો પ્રભાવઃ-
કોઈપણ એક ઘટનાનો અભ્યાસ તે ઘટના બની હોય તે જ સમયને કેન્દ્રીય બનાવીને નહીં, પરંતુ તેના ભુતકાળ તેમજ ભવિષ્યકાળમાં પડનારા પ્રભાવ બંને બાબતો પણ ધ્યાનમાં રાખવામાં આવે છે.

(3) પરિસ્થિતિ માનવવર્તનનું ચાલકબળ છે.
માનવનું વર્તન પરિસ્થિતિ આધારિત હોય છે. તેથી કઈ કઈ પરિસ્થિતિઓમાં કેવા કેવા પ્રકારનું વર્તન માનવ કરે છે તેની નોંધ લેવાય છે, કારણ કે એક જ પરિસ્થિતિ અન્ય લોકોના જીવનમાં પણ વારંવાર આવી શકે છે. તેથી તેની અસર વિષેનું અનુમાન જે તે એકમનો ઊંડો અભ્યાસ કર્યા વિનના પણ અગાઉથી કરી શકાય છે.

વૈયક્તિક અધ્યનના પ્રકારઃ-

(અ) વ્યક્તિનું વૈયક્તિક અધ્યયનઃ-
આમાં કોઈ એક વ્યક્તિ કે જેના જીવનની ખાસ ઘટનાના વ્યક્તિગત અભ્યાસ કરવામાં આવે છે. તે માટે તે વ્યક્તિ, તેના કુટુંબના સભ્યો, મિત્રો, તેના પરિચિતો પાસેથી અનેક રીતે માહિતી મેળવાય છે. એટલું જ નહીં પણ તેના સંબંધી ડાયરી, પુસ્તક, લેખ, આત્મકથા, જીવનચરિત્ર, પત્ર, કવિતા વગેરેમાંથી પણ માહિતી મેળવાય છે.

(બ) સમુદાયનો વૈયક્તિક અભ્યાસઃ-
આમાં કોઈ પણ એકમ – એક વર્ગ, સમુહ અથવા સમુદાયનો વ્યક્તિગત અભ્યાસ થાય છે. તે માટે બુદ્ધિકૌશલ્ય, ચાતુર્ય, અનુભવ અને સાવધાનીમાં ખૂબ જરૂરી હોય છે.

વૈયક્તિક અધ્યયનની કાર્યપ્રણાલીઃ-

વૈયક્તિક અધ્યયન પદ્ધતિનો આધાર મુખ્યત્વે ભૂતકાળ અને વર્તમાનકાળ વિષે મેળવેલાં તથ્યો ઉપર છે. જે તે એકમના સંદર્ભમાં મુલાકાત, અવલોકન અથવા અન્ય કોઈપણ પ્રયુક્તિ દ્વારા અથવા વ્યક્તિગત કે સંસ્થાકીય લખાણોમાંથી માહિતી મેળવીને પણ સર્વાંગી અભ્યાસ કરવા પ્રયત્ન થાય છે. તેનો મુખ્ય ઉદ્દેશ પૂર્ણતા મેળવવાનો છે. કારણ કે પૂર્ણ અધ્યયન એટલે પૂર્ણતા. એકત્રિત માહિતીની સત્યતાની કસોટી કરવા સૂક્ષ્મ વિશ્લેષણ પણ જરૂરી બને છે.

વૈયક્તિક અધ્યયન પદ્ધતિમાં પૂર્ણતા મેળવવા માટે નીચે પ્રમાણેની કાર્યપ્રણાલી અપનાવવામાં આવે છે.

(1) સમસ્યાનું નિરૂપણઃ-
જેનો અભ્યાસ કરવાનો હોય તે સમસ્યાના સ્વરૂપનું નિરૂપણ કરવું જરૂરી છે. તેમાં તે સમસ્યાના તમામ પાસાંની સ્પષ્ટ રજૂઆત પણ કરવી જોઈએ. જેથી જરૂરી માહિતી એકઠી કરવાનું ચૂકી ન જવાય.

a. વૈયક્તિક એકમની પસંદગીઃ-
સંશોધનની સમસ્યાના સંદર્ભમાં કોઈપણ વૈયક્તિક એકમ સામાન્ય, અસાધારણ કે વિશિષ્ટની પસંદગી કરી શકાય છે.

b. એકમના પ્રકારનું વર્ણનઃ-
જે પ્રકારનાં એકમો નક્કી કર્યા હોય તેમનું વર્ણન કરવું જોઈએ. દા.ત. કોઈ એક વ્યક્તિ, સમુદાય, સંસ્થા

c. વૈયક્તિક એકમની સંખ્યાઃ-
કેટલાં વૈયક્તિક એકમોનો સંશોધનમાં સમાવેશ કરવાનો છે. તેની સંખ્યા માહિતીની જરૂરતના આધારે અગાઉથી નક્કી કરી લેવી જોઈએ. જો કે જેટલાં એકમો ઓછાં તેટલો વધુ ઊંડાણપૂર્વકનો અભ્યાસ શક્ય બની શકે.

(2) ઘટનાઓનું સમયક્રમમાં વર્ણનઃ-
જે તે સમસ્યા અને તેનું ક્ષેત્ર નક્કી થયા બાદ સમયક્રમના સંદર્ભમાં તેને સમજવી જોઈએ, તેથી નિશ્ચિત સમયમાં શું પરિવર્તન આવ્યું છે અને ભવિષ્યમાં પરિવર્તનની શું શક્યતા છે તે વર્ણવી શકાય છે.

(3) નિર્ણાયક પરિબળોઃ-
જે તે સમસ્યા કે ઘટના માટેના જવાબદાર પરિબળોનો અભ્યાસ પણ થવો જોઈએ.

(4) વિશ્લેષણ અને નિષ્કર્ષઃ-
એકત્રિત કરેલાં તથ્યોને આધારે વિશ્લેષણ કરીને ચોક્કસ નિષ્કર્ષ તારવવામાં આવે છે. તેનાંથી કયાં પરિબળોને કારણે વ્યક્તિગત પરિસ્થિતિમાં કયાં પરિવર્તનો આવ્યાં અને આવવાની શક્યતા છે તે જાણી શકાય છે.

વૈયક્તિક અધ્યયન પદ્ધતિના સ્ત્રોતઃ-

વૈયક્તિક અધ્યયન પદ્ધતિમાં જે તે એકમનો ઝીણવટભર્યો, વિસ્તૃત અને ઉંડાણથી અભ્યાસ કરવામાં આવે છે. તેમાં ઉપરછલ્લી વિગતો એકઠી કરાતી નથી પણ ખૂબજ કષ્ટ લઈને માહિતી એકઠી થાય છે. સામાન્ય રીતે નીચેના સ્ત્રોતનો ઉપયોગ કરવામાં આવે છે. (1) એકમની રૂબરૂ મુલાકાત (2) ડાયરી (3) પત્રો (4) સાહિત્યિક રચનાઓ, લેખો વગેરે (5) સામયિકોમાં આવેલાં લખાણો (6) એકમને ગમતાં / લગતાં પુસ્તકો (7) એકમ વિષેની સરકારી ફાઈલો (8) એકમની વંશાવલી (9) ફોટો આલ્બમ (10) મિત્રો, સંબંધીઓ, પરિચિતો, વગેરેનો તેનાં વિષેના અભિપ્રાય (11) એકમના જીવનમાં બનેલી ઘટનાઓની યાદી અથવા જીવનકથા (12) એકમ સંબંધી શાળા, જેલ, પોલીસ, કોર્ટ, વગેરેમાં સચવાયેલો રેકોર્ડ (13) એકમને મહત્વની વ્યક્તિઓ દ્વારા મળેલાં પ્રમાણપત્રો, ઈનામો વગેરે જો એકમ વ્યક્તિ હોય તો વધુ વિગતવાર માહિતી દૈનિકનોંધ, પત્રો અન્ જીવન ઇતિહાસ સંદર્ભમાં જોઈએ.

(1) નિત્યનોંધઃ-
તે વૈયક્તિક અધ્યયન પદ્ધતિનો મહત્વનો સ્ત્રોત ગણાય છે. તે વ્યક્તિએ પોતે લખી હોય છે. તેમાં અગત્યની ઘટનાઓ અ સંસ્મરણો હોય છે. તેમાં વ્યક્તિગત અને અત્યંત ગુપ્ત બાબતો લખેલી હોય છે. જે બાબતો રૂબરૂ મુલાકાતમાં પૂછી શકાતી નથી અથવા જે ઘણીખરી બાબતો વિસરી જવાય છે તે ડાયરીમાંથી સરળતાથી મળી શકે છે.

(2) પત્રોઃ-
વૈયક્તિક અધ્યયન પદ્ધતિમાં પત્રો દ્વારા માહિતી ક્રમબધ્ધ રીતે મળી શકતી ન હોવાં છતાં તેમાંથી ઘણી વિગતો જાણવા મળે છે. જેમ કે, અન્ય વ્યકતિઓ સાથેના સંબંધો, જીવન-દર્શન, વ્યક્તિની પોતાની ભાવનાઓ, ઘારણાઓ, જીવનપ્રત્યનો દ્રષ્ટિકોણ, વગેરે ટૂંકમાં જે તે વ્યક્તિનો મનોવૈજ્ઞાનિક અભ્યાસ સરળતાથી કરી શકાય છે.

(3) જીવન ઇતિહાસઃ-
વૈયક્તિક અધ્યયન પદ્ધતિનો મુખ્યસ્ત્રોત છે. જીવન-ઇતિહાસ જીવનનું મૂર્તિમંત સ્વરૂપ છે. તેમાં વ્યક્તિ વિશેષની કૌટુંબિક પૂર્વભુમિકા, તેના જીવનને પ્રભાવિત કરનારી ઘટનાઓ, અનુભવો, પરિસ્થિતિ – પરિવર્તનનો વ્યક્તિ ઉપર અસર વગેરે વિગતો હોય છે. તે વ્યક્તિએ પોતે લખેલ હોય છે અથવા સ્વેચ્છાએ અન્ય પાસે લખાવેલ હોય છે.

વૈયક્તિક અધ્યયન પદ્ધતિ અને આંકડાશાસ્ત્રીય પદ્ધતિઃ-

બંને વચ્ચે તફાવતઃ
(1) વૈયક્તિક અધ્યયન પદ્ધતિમાં ગુણાત્મક પાસા ઉપર ભાર મુકાય છે. જ્યારે આંકાડાશાસ્ત્રીય પદ્ધતિમાં સંખ્યાત્મક પાસા પર ભાર મુકાય છે.
(2) વૈયક્તિક અધ્યયન પદ્ધતિમાં વર્ણન વિસ્તૃત અ સ્વંતત્રતાપૂર્વક કરી શકાય છે. જયારે આંકાડાશાસ્ત્રીય પદ્ધતિમાં વર્ણન નિશ્ચિત અને ઔપચારિક સ્વરૂપનું જ હોય છે.
(3) વૈયક્તિક અધ્યયન પદ્ધતિમાં ફક્ત મર્યાદિત એકમોનો જ ઉંડો અભ્યાસ થઈ શકે છે, જ્યારે આંકડાશાસ્ત્રીય પદ્ધતિમાં એકમોની સંખ્યા ઘણી વધુ હોય છે.
(4) વૈયક્તિક અધ્યયન પદ્ધતિમાં ખૂબ ગહન રીતે અભ્યાસ હાથ ધરવામાં આવે છે. જયારે આંકડાશાસ્ત્રીય પદ્ધતિમાં ગહન અભ્યાસ કરવાને બદલે અમુક જ બાબતો વિષે આંકડા એકત્રિત થાય છે.
(5) વૈયક્તિક અધ્યયન પદ્ધતિમાં એકમોની પસંદગી કોઈ નિશ્ચિત પદ્ધતિ દ્વારા કરવાને બદલે સગવડ / અનુકૂળતા મુજબ થાય છે. જ્યારે આંકડાશાસ્ત્રીય પદ્ધતિમાં નમૂનાની પસંદગી નિશ્ચિત પદ્ધતિથી થાય છે.
(6) વૈયક્તિક અધ્યયન પદ્ધતિમાં મેળવેલાં પરિણામો સામાન્ય જ્ઞાન, તર્ક તથા વિષયના સૈધ્ધાંતિક જ્ઞાન પર આધારિત હોય છે. જ્યારે આંકડાશાસ્ત્રીય પદ્ધતિથી તારવેલો નિષ્કર્ષ આંકડાશાસ્ત્રીય નિયમોને આધારે હોય છે.
(7) વૈયક્તિક અધ્યયન પદ્ધતિમાં એમ માનવામાં આવે છે કે પરિસ્થિતિ તેમજ લાગણી પર અસર કરતી બાબતોનો માનવીય-વ્યવહાર પર ઘેરો પ્રભાવ હોય છે. ઉપરાંત એકમ તરીકે વ્યક્તિ અવિભાજ્ય હોય છે. તેનું ખંડોમાં વિભાજન કે ટુકડાઓ રૂપે અધ્યયન થઈ શકતું નથી, જ્યારે આંકડાશાસ્ત્રીય પદ્ધતિમાં એવું માનવામાં આવે છે કે જો વધુમાં વધુ એકમોમાં (સંખ્યામાં) કોઈ બાબત અભિવ્યક્ત થાય તો તેને સાચી માની લેવી જોઈએ.

બંને વચ્ચે આંતરસંબંધઃ-
બંને પદ્ધતિઓ વચ્ચે મોટો તફાવત હોવા છતાં બંને વચ્ચે ઘનિષ્ટ સંબંધ અને પરસ્પરાવલંબન પણ છે. આંકડાશાસ્ત્રીય વિગતોને આધારે વૈયક્તિક એકમ વિષે કેટલાંક અનુમાન તારવી શકાય છે. તમામ પ્રકારનાં વૈયક્તિક અધ્યયનોમાં મોટેભાગે “નમુના પદ્ધતિ” ની મદદ લેવાય છે. તેવું જ આંકડાશાસ્ત્રીય પદ્ધતિમાં પણ થાય છે.

વૈયક્તિક અધ્યયન પદ્ધતિમાં પણ સ્વીકૃત આદેશોથી વિચલન કેટલાં પ્રમાણમાં છે તે જાણવા કોશિષ થાય છે. આંકડાશાસ્ત્રીય પદ્ધતિમાં પણ પ્રસારમાનનો ઉપયોગ થાય છે. વૈયક્તિક અધ્યયન પદ્ધતિમાં પણ આંકડાશાસ્ત્રની માફક જ વિવિધ એકમો વચ્ચેનો સહસંબંધ અને સહ વિચલન જાણવા કોશિષ થાય છે.

આમ બંને પદ્ધતિઓ એકબીજાની પૂરક છે, એકબીજાની નિકટ છે.

વૈયક્તિક અધ્યયન પદ્ધતિનામ ગુણદોષઃ-

ગુણઃ-
(1) આ પદ્ધતિથી પ્રાપ્તમાહિતી સમૃધ્ધ કક્ષાની હોય છે. તેનાથી સામાજિક વલણો અ મૂલ્યો જાણી શકાય છે.
(2) આ પદ્ધતિથી મેળવેલી માહિતીમાંથી અન્ય પ્રકારના સંશોધન માટે પ્રેરણા મળે છે.
(3) વ્યક્તિએ પોતાની દ્રષ્ટિએ લખેલી વિગતોને પછીથી “અન્ય વ્યક્તિઓની દ્રષ્ટિએ” જોવાય છે.
(4) સંશોધકને તેમાં વિશાળ પાયા પર વ્યક્તિગત અનુભવો થાય છે.
(5) તેમાં સામાજિક એકમોનો ઝીણવટભર્યો અભ્યાસ થાય છે.
(6) સામાજિક એકમ સાથે સંકળાયેલી અન્ય બાબતોનો અભ્યાસ કરવાની તક મળે છે.
(7) તેમાં સંશોધનની મોટાભાગની પદ્ધતિઓનો ઉપયોગ શક્ય હોવાથી સંશોધકને અનેક પદ્ધતિઓનો ઉપયોગ કરવાનો અનુભવ મળે છે.
(8) આ પદ્ધતિથી સંશોધકનું જ્ઞાન ઉંડુ – સમૃધ્ધ બને છે.
(9) આ પદ્ધતિની મદદથી નવી ઉપકલ્પના કે નવો સિધ્ધાંત રચી શકે છે.
(10) આ પદ્ધતિના અભ્યાસમાં સામાજિક વાતાવરણને સમજવાની પણ કોશિષ થાય છે.

દોષ / મર્યાદાઓઃ-
નીચેની મર્યાદાઓ દૂર કરવામાં આવે તો આ પદ્ધતિનું અભ્યાસ મૂલ્ય ઘણું વધી જાય.
(1) આ પદ્ધતિમાં ઊંડો, ગહન, સર્વગ્રાહી અભ્યાસ કરવામાં ખૂબ જ સમય જાય છે અને સંશોધન ખર્ચ પણ વધારે થાય છે.
(2) મોટે ભાગે મર્યાદિત સ્વરૂપના સંશોધનમાં તે વધુ ઉપયોગી નીવડે છે.
(3) આ પદ્ધતિમાં સંશોધક થોડાંક ઉદાહરણો કે પ્રતિભાવો ઉપરથી સામાન્યીકરણ તારવવા લલચાય છે.
(4) કેટલીક વખત શક્ય હોય તેથી ઓછી માહિતી મેળવીને સંશોધક ખૂબ માહિતી મેળવી છે તેવા ખ્યાલમાં રાચે છે.
(5) ઉત્તરદાતાએ આપેલી માહિતીને સાચીમાની લેવામાં આવે છે. પરંતુ ઘણી વ્યક્તિઓ બેવડા વ્યક્તિત્વવાળી હોય છે. “હાથીના ચાવવાના અને દેખાડવાના જુદા” તેવું વ્યક્તિત્વ હોય છે.
(6) આ પદ્ધતિમાં ઉપલબ્ધ માહિતીની ચકાસણી મોટેભાગે ટાળવામાં આવે છે. આ અવૈજ્ઞાનિક તત્વ છે.
(7) સરકારી દસ્તાવેજોનો તેમાં ઉપયોગ થાય છે પરંતુ તેની સત્યતા કે આધારભૂતતા અંશ વિષે શંકા ઊભી કરી શકાય છે. તેમાં નિરીક્ષણની કે યાદશક્તિની ખામી અથવા પૂર્વગ્રહો પણ હોઈ શકે છે. બિનજરૂરી પ્રસંગો ઉપર વધુ પડતો ભાર પણ અપાયો હોય.
(8) તેમાં જીવન-ઈતિહાસનો ઉપયોગ થાય છે પરંતુ તે અવૈજ્ઞાનિક અને દોષપૂર્ણ હોય છે કારણ કે તેમાં ઘટનાઓની અતિશયોક્તિ થયેલી હોય છે. અથવા લેખ કે પોતાના અનુભવો પણ તેમાં ઉમેર્યા હોય છે. કયારેક એવી ઘટનાઓનો પણ ઉલ્લેખ કરાયો હોય છે. કે જે ખરેખર બની જ ના હોય.
(9) તેમાં આંકડા તુલનાત્મક હોતા નથી.
(10) વિભિન્ન સમૂહોની તુલના શક્ય નથી.

ઉપરોક્ત દોષને લીધે આ પદ્ધતિને સમાજશાસ્ત્રીઓએ અવૈજ્ઞાનિક અ બિનજરૂરીગણીને છોડી દીધી નથી પણ તેમાં કાર્લ રોજર્સ, એલ્ટન મેયો, આલ્ફ્રેડ કિન્સે જોહન ડોલાર્ડ વગેરેએ સુધારા-વધારા કરીને તેને શુધ્ધ અને વૈજ્ઞાનિક બનાવવા પ્રયત્ન કર્યો છે. તેમાં આંકડાઓના સંકલન, લેખન તથા સંપાદનમાં સુધારો, નમૂના પદ્ધતિનો ઉપયોગ, અનૂસુચિ, મુલાકત તેમજ વિવિધ નિમંત્રણો વગેરે દ્વારા શુધ્ધતા લાવવા કોશિષ થાય છે.

સંદર્ભ સૂચિ

    1. પ્રા. વિમળ પી. શાહ (1988): સંશોધન અહેવાલ લેખન, યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ, ગુજરાત રાજ્ય
    2. પ્રા. વિમળ પી. શાહ (1990): સંશોધન ડિઝાઈન, યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ, ગુજરાત રાજ્ય
    3. MOSER C.A.. (1958), Survey Methods in Social, Investigation London: Heinemann

    *************************************************** 

    પ્રા. ડૉ. હેતલ એચ. ઠક્કર
    આસીસ્ટન્ટ પ્રોફેસર
    સમાજશાસ્ત્ર વિભાગ
    ગુજરાત આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ (સાંજની),
    અમદાવાદ.

Previousindexnext
Copyright © 2012 - 2024 KCG. All Rights Reserved.   |   Powered By : Prof. Hasmukh Patel

Home  |  Archive  |  Advisory Committee  |  Contact us