logo

આદિવાસી સમાજમાં પરીવર્તનની લહેર

ભારતીય સમાજ અને સંસ્કૃતિના નિર્માણમાં આદિવાસી સંસ્કૃતિનું મહત્વપૂર્ણ યોગદાન છે. આદિવાસીઓને ભારતીય સમાજમાં વિવિધ નામોથી નવાજવામાં આવ્યા છે. અનેક માનવશાસ્ત્રીઓ એ તેમને વાન્યજાતી, વનવાસી કે ગિરિજન તરીકે ઓળખાવ્યા છે. રીઝલે, માર્ટિન, અમૃતલાલ ઠક્કર વગેરેએ આદિવાસી નામથી ઓળખાવ્યા છે. કારણકે આ લોકોનો સમૂહ રાષ્ટ્રમાં સર્વ પ્રથમ વસ્યો હતો. શ્રી જે.એચ. હટ્ટનએ તેમને આદિમજૂથો કહ્યા છે. જી.એસ. ધુર્યેએ તેમને કથિત આદિવાસી અને પછાત હિંદુ નામ આપ્યું છે. ભારતના બંધારણમાં ‘અનુસુચિત જનજાતિ’ શબ્દ વપરાયો છે. ભારત વર્ષમાં વિભિન્ન સમયે આદિવાસીઓ અલગ-અલગ નામોથી ઓળખાયા છે. જેમકે અરણ્યક, રાનીપરજ, કાળી પરજ વગેરે.

ગુજરાતમાં અરવલ્લી પર્વતમાળા થી શરૂ કરી પૂર્વમાં વિંધ્યાચલ અને સાતપુડાની પર્વતમાળા આવેલી છે. ત્યાંથી આગળ દક્ષિણે સહ્યાન્દ્રીની પર્વતમાળા સુધીનો વિસ્તાર થાય છે. આ વિસ્તારમાં મોટાભાગના આદિવાસીઓ વસવાટ કરે છે. ભૌગોલિક રીતે જોઇએતો બનાસથી મહી, મહીથી નર્મદા, નર્મદાથી તાપી, તાપીથી વાપી સુધી વિભાગો પડે છે. આદિવાસીઓ જાતિગત રીતે આ વિસ્તારોમાં વહેચાયેલા છે. ગુજરાતના આદિવાસીઓ ઉત્તર-ઈશાન, પૂર્વ, પૂર્વ-દક્ષિણ એવી સરહદોમાં વસવાટ કરે છે.

આદિવાસી શબ્દ સંભાળીએ છીએ ત્યારે આપણા મનમાં એક અલગ છાપ ઊભી થાય છે. જેમાં આદિવાસીનું ઝુપડું, ડુંગરો કે ઝંગલોમાં રહેઠાણ, મજુરી કરતો પરિવાર, વગેરે..પરંતુ આજે વર્તમાન સમયમાં આદિવાસીઓની જૂની ઓળખ બદલાતી જાય છે. છેલ્લા બે દયાકાથી તો આ છાપ વધુ પ્રમાણમાં બદલાઈ છે અને હજુ વધું બદલાતી જાય છે. અત્યારના આદિવાસી સમાજમાં ઘણું પરિવર્તન જોવા મળે છે. આ પરિવર્તન તેમની માનસિકતા, વ્યક્તિત્વ અને વલણોના સંદર્ભમાં પણ જોઈ શકાય છે.

આજના આદિવાસીને મૂળ પોતાના ગામડામાં રહેવું નથી, તેને પણ બીજાના જેમ નજીકના મોટા ગામડામાં કે શહેરોમાં સ્થાયી થવું છે. પોતાના બાળકોને સારું શિક્ષણ અપાવું છે, સારી સુવિધાઓ અપાવી છે. ઊચું જીવનધોરણ જીવવું છે. માટે આદિવાસીઓ સ્થળાંતરિત થતા જાય છે. આજના આદિવાસીનું સ્થળાંતર માત્ર મજુરી માટે નથી. પરંતુ સરા જીવનધોરણ, શિક્ષણ, વ્યવસાય કે સ્વાસ્થ્યની સુવિધાઓ માટેનું છે. જે માટે તેઓ વતનથી મોટુ ગામ કે મહાનગરોમાં સ્થળાંતર કરે છે. જેથી આપણા શહેરોમાં આદિવાસીઓનો નોધપાત્ર વર્ગ કાયમી રહેવાસી થયો છે. ૨૦૧૧ ના આંકડા મુજબ ભારતની કુલ વસ્તીના ૧,૦૪,૬૧,૮૭૨ આદિવાસીઓ શહેરોમાં રહે છે. જયારે ગુજરાતમાં ૮,૯૫,૩૨૬ આદિવાસી વસ્તી શહેરોમાં રહે છે. એટલેકે ગુજરાતમાં આદિવાસીઓની ૯ લાખ જેટલી વસ્તી શહેરોમાં છે.

આજનો આદિવાસી સમાજ શિક્ષણના મહત્વને સમજ્યો છે. તેઓં જાણે છે કે જ્ઞાનનો મહત્વનો સ્ત્રોત શિક્ષણ છે. અને આધુનિક યુગ શિક્ષણનો યુગ છે. તેથી તેઓ વધુ ને વધુ શિક્ષણ લેવામાં સક્ષમ થયા છે. આદિવાસી સમાજમાં શિક્ષણનું પ્રમાણ સતત વધતું જોવા મળે છે. ૨૦૦૧ માં ભારતમાં આદિવાસી સમાજમાં શિક્ષણનું પ્રમાણ ૪૭.૭૪ ટકા જે ૨૦૦૯-૧૦ માં ૬૩ ટકા થયું છે. ગુજરાતમાં પણ આદિવાસી સાક્ષરતાનું પ્રમાણ ૧૯૯૧ માં ૨૯.૧૯ટકા હતું જે ૨૦૦૧માં ૫૯.૦૨ ટકા થયું. જેમાં પણ આજે સતત વધારો થયો છે. અંતરિયાળ ગ્રામીણ વિસ્તારમાં પણ આદિવાસીઓ પોતાના બાળકોને નજીકની શાળા અને આશ્રમશાળાઓમાં શિક્ષણ માટે મોકલે છે. આદિવાસી વિસ્તારમાં આદિવાસીઓ માટે ખાસ શૈક્ષણિક વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. જેમકે શ્રમશાળાઓ, ઉત્તર-બુનીયાદી શાળાઓ, કુમાર-કાન્યા છાત્રાલયો, આદર્શ નિવાસી શાળાઓ, સરસ્વતી સાઇકલ યોજના, બુક્બેંક યોજના વગેરે.. ઉપરાંત આદિવાસી શિક્ષણ ઉત્કર્ષ માટે રાજ્ય સરકાર દ્વારા બાલવાડી, આશ્રમશાળાઓ, એકલવ્ય વિદ્યાલય, સરકારી છાત્રાલયો અને ડ્રાય હોસ્ટેલ શરૂ કાર્યા છે. જેનો પુરતો લાભ આદિવાસીઓએ મેળવ્યો છે.

આદિવાસીઓના શૈક્ષણિક વિકાસમાં આશ્રમશાળાઓ અને છાત્રલાયોની મહત્વની ભૂમિકા રહી છે. આજે પણ તેઓ તેનો પુરતો લાભ મેળવીને આગળ આવે છે. રાજ્યની સ્વૈચ્છિક સંસ્થાઓમાં પંચમહાલમાં ભીલ સેવા મંડળ, બનાસકાંઠાની લોક નિકેતન સંસ્થા, સાબરકાંઠામાં આદિવાસી સેવા સમિતિ, વડોદરામાં શ્રી વડોદરા જીલ્લા પછાત સેવા મંડળ, ભરૂચમાં આદિજાતિ સેવા સમિતિ, સુરતમાં રાનીપરજ સેવા સમિતિ, વેડછી આશ્રમ અને હળપતિ સેવા સંઘ, વલસાડમાં દક્ષિણ ગુજરાત પછાત સેવા મંડળ અને ડાંગમાં સ્વરાજ આશ્રમની કામગીરી મહત્વની છે.

આશ્રમ શાળાઓમાં પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ મેળવ્યા પછી ઉચ્ચ અભ્યાસ માટે રાજ્યની બધીજ યુનીવર્સીટીઓમાં આદિવાસીઓનું નોધપાત્ર પ્રમાણ જોઈ શકાય છે. હવેના સમયમાં ટેકનીકલ, આઈ.ટી.આઈ, પોલીટેકનીક, ડેન્ટલ, મેડીકલ, ફીઝીઓથેરાપી, નર્સિંગ, કોમ્પ્યુટર, આઈ.ટી, બી.બી,એ, એમ.બી.એ, બી.સી.એ, એમ.સી.એ, ફાઈન આર્ટસ વગેરે શૈક્ષણિક ક્ષેત્રમાં આદિવાસીઓ ઉચ્ચ શિક્ષણ મેળવે છે. અને પોતાની કારકિર્દી બનાવે છે. જે માટે તેઓ પોતાના વતનથી દુર શહેરોમાં હોસ્ટેલોમાં રહીને ઉચ્ચ અભ્યાસ કરે છે.

અત્યાર સુધી આદિવાસી સમાજ પરંપરાગત ખેતી, પશુપાલન, શિકાર કરવો, હસ્ત ઉદ્યોગ-ગૃહઉદ્યોગ અને મજુરી જેવા વ્યવસાયો સાથે સંકળાયેલો હતો. પરંતુ વર્તમાન સમયમાં તેઓ પોતાની રીતે આગળ આવી, સારું શિક્ષણ મેળવીને સરકારી નોકરીઓ તરફ વળ્યા છે. જેમાં તેમને સરકારની અનામતની નીતિ ખુબજ સહાયક બની છે. સભ્ય સમાજ સમકક્ષ તેઓ સરકારી ઓફિસોમાં વર્ગ-૧ અને વર્ગ-૨ ના ઘણા સ્થાનો પર અસરકારક કાર્ય કરતા જોવા મળે છે. ટેકનીકલ શિક્ષણ મેળવેલ આદિવાસીઓએ ઔધોગિક ક્ષેત્રમાં પોતાના કાર્યનો પ્રારંભ કર્યો છે. રિલાયન્સ, એલ એન્ડ ટી,જી. એસ.એફ.સી, જેવા પ્રતિષ્ઠિત ઔધોગિક સંગઠનોમાં ખુબજ કાર્યક્ષમ રીતે તેઓ કાર્ય કરી રહ્યા છે. જેના પરિણામે અનેક આદિવાસીઓને કંપની તરફથી વિદેશમાં જવાની પણ તક મળી છે. એટલેકે આજે આદિવાસી સમાજનો એક સાપેક્ષ રીતે નાનો વર્ગ વિદેશ સાથે પણ જોડાયેલો જોવા મળે છે.

પોતાની શૈક્ષણિક યોગ્યતા પ્રમાણે આદિવાસીઓનો અન્ય વ્યવસાયો અને બજારો સાથેનો સંપર્ક પણ વધ્યો છે. શહેરમાં અને નાના ગામોમાં પણ આદિવાસી ભાઈઓએ જરૂરિયાત મુજબ પોતાના ધંધાઓ શરુ કર્યા છે. જેમકે દુકાન, બ્યુટી પાર્લર, વીમાએજન્ટ, કોન્ટ્રાકટર, ઝેરોક્ષ, મોબાઈલ શોપ, વગેરે.. ગામડામાંથી શહેરમાં મજુરી માટે આવેલો આદિવાસી થોડા સમયમાં કારીગર અને થોડા વર્ષોમાં કોન્ટ્રાક્ટર થઇ જતો જોવા મળે છે.

ગામડામાં ખેડૂત આદિવાસીઓ પણ પોતાની ખેતીમાં ફર્ટિલાઇઝર, જંતુનાશક દવાઓ, સારા બિયારણો વગેરેના નવીન પ્રયોગો કરે છે. તેઓ ખેતીમાં વિવિધતા અપનાવવા લાગ્યા છે. અત્યારે આદિવાસી વિસ્તારમાં ફળ અને રોકડિયા પાકોની ખેતી વધુ પ્રમાણમાં જોવા મળે છે. હળની જગ્યાએ ટ્રેક્ટર અને થ્રેસર મશીનો આદિવાસી ગામોમાં જોવા મળે છે. એટલે કે નવી ટેકનોલોજીનો ઉપયોગ તેઓ ખેતીમાં કરતી થયા છે. તેથી ઉત્પાદન વધ્યું છે. અને તેમની આર્થિક સ્થિતિમાં સુધારો જોવા મળે છે.

આધુનિક શિક્ષણ, વ્યવસાય અને સ્થળાંતર, ઉધોગીકરણ–શહેરીકરણ, વાહન વ્યવહાર અને સંદેશા –વ્યવહાર, સંચાર માધ્યમો વગેરે પરીબળોના લીધે આજના આદિવાસીની જીવનશૈલીમાં બદલાવ જોઈ શકાય છે. શહેરના આદિવાસી સમાજે તો સભ્ય સમાજની જીવનશૈલી અપનાવી છે. ગામડાના આદિવાસીઓના જીવન પણ બદલાયા છે. રહેઠાણની ઢબ બદલાય છે. નવા બનતા મકાનની રચના બદલાઈ છે, ઘરનું ફર્નીચર બદલાયું છે. આદિવાસીઓના માધ્યમ કક્ષાના ગામોમાં સોસાયટીઓ બની છે, જેમાં આદિવાસી કુટુંબો રહે છે. એટલેકે તેઓ ફળિયામાં રહેતા હતા ત્યાંથી સોસાયટીઓમાં રહેવા ગયા છે. તેમના ઘરમાં ટી.વી, ફ્રીઝ, ટુ-વ્હીલર એ સામાન્ય જરૂરિયાત બન્યા છે. વધુ આવક અને જરૂરિયાત મુજબ તેઓમાં કોમ્યુટર, ફોર-વ્હીલર વગેરેનું પ્રમાણ પણ વધતું જાય છે. મકાઈના રોટલાની જગ્યાએ પીઝાના રોટલા તેમના જમણમાં આવ્યા છે. પાણીપુરી, સેન્ડવીચ, પફ, બર્ગર વગેરે આદિવાસીઓના મોટા ગામોમાં પણ મળતા થયા છે. શહેરોમાં સ્થળાંતરિત થયેલો આદિવાસી માધ્યમ વર્ગ તો પ્રસંગોપાત પોતાના કુટુંબ સાથે હોટલમાં જતો થયો છે. અને વર્ષમાં એક-બે વાર પ્રવાસે જતો થયો છે. શિક્ષિત આદિવાસી સ્ત્રીઓમાં સૌદર્ય પ્રસાધનોનો ઉપયોગ સહજ રીતે થાય છે. આજના આદિવાસીઓ પોતાના પરંપરાગત સંગીત અને નૃત્ય કરતા હોલીવુડ અને બોલીવુડના ગીતો, સંગીત અને નૃત્ય તરફ વધુ અભિમુખ થયેલા છે. જે આપણને આદિવાસીઓના લગ્ન સમયે બેન્ડ કે ડી.જે. પર વાગતા ગીતો પર આદિવાસીઓ દ્વારા થતા ડાન્સ પરથી જોઈ શકાય છે. આદિવાસીઓની સામાજિક વિધિઓમાં પણ આધુનિકતા જોવા મળે છે. જેમકે લગ્ન સમયે પહેલા બડવો કે ભગત વિધિ કરતો હતો.આજે વિધિ માટે બ્રાહ્મણ ને પણ બોલાવે છે. તેમજ મોટા પાર્ટીપ્લોટમાં લગ્ન સમારંભ યોજાય છે. ગામડાઓમાં ખેતરોમાં મોટા મંડપ અને જમણવાર થાય છે. આદિવાસીઓમાં આ પ્રમાણ દેખાદેખીથી વધતું જાય છે. આ માટે તેમના સમાજ [પંચ] તરફથી ઘણા પ્રતિબંધો મુકવામાં આવ્યા છે, નિયમો બનાવવામાં આવ્યા છે. પરંતુ અધુનીકતાની અસર હેઠળ અવ પ્રતિબંધો ઓછા સફળ થયા છે.

આદિવાસીઓ મૂળ પ્રકૃતિ પૂજક હતા.આદિવાસી ધર્મ પ્રકૃતિના તત્વોને પૂજે છે. ધીમે ધીમે હિંદુ ધર્મ અને આદિવાસી ધર્મ વચ્ચે સામ્યતા વધવા લાગી. આદિવાસી વિસ્તારોમાં ખ્રિસ્તી મિશનરીઓની અસર હેઠળ ઘણા આદિવાસીઓનું ખ્રીસ્તીકરણ થયું. વર્તમાન સમયમાં આદિવાસીઓ જૈન ધર્મ સાથે પણ જોડાયેલા છે. વડોદરા જીલ્લાના રાઠવા આદિવાસીઓમાં જૈન દિક્ષા લેવાના બનાવો જોવા મળ્યા છે. આદિવાસી વિસ્તારમાં જૈન મંદિરો બંધાયા છે. સાથોસાથ વર્તમાન આદિવાસીઓ હિંદુ ધર્મના અનેક સંપ્રદાયો સાથે જોડતા ગયા છે. જેમકે સ્વામીનારાયણ, બીજ સનાતન,કબીર સાહેબ, રાધાસ્વામી, વગેરે..આવા સંપ્રદાયો સાથે જોડાઈને ગુરૂ બનાવવાનું પ્રચલન પણ વર્તમાન આદિવાસી સમાજમાં જોવા મળે છે. ગુરૂના ઉપદેશથી તેઓના જીવન પવિત્ર થયા છે, તેઓમાં દારૂ-માંસ છૂટતાં જાય છે. તેઓ જીવનનું મહત્વ સમજ્યા છે. નિયમિત રીતે ન્હાઈ-ધોઈને પૂજા અર્ચના તેમજ રાત્રે સત્સંગ કરતા થયા છે. ગુરૂના ઉપદેશ મુજબ કુરિવાજો અને અંધશ્રદ્ધાઓ માંથી દુર થતા જાય છે,અને શ્રદ્ધા પૂર્વક પ્રભુ ભક્તિમાં વળ્યા છે.

આદિવાસીઓમાં આધુનિક વહીવટી ઢબની સરકાર ન હતી ત્યારે વહીવટ આદિવાસી પંચ દ્વારા કરવામાં આવતો હતો,નેતૃત્વ પરંપરાગત હતું.પરંતુ આઝાદી પછી પંચાયતીરાજ અને સત્તાનું વિકેન્દ્રીકરણ થતા લોકશાહીમાં રાજકીય સત્તા પ્રાપ્ત કરવાની તેમને તક મળી. છેલ્લા બે દાયકામાં રાજકીય ક્ષેત્રે સત્તા પ્રાપ્ત કરવા આદિવાસીઓ વધુ સક્રિય બન્યા છે. આજે કોઈ પણ રાજકીય પક્ષ સાથે જોડાઈને તેઓ સત્તા હાંસલ કરવા પુરતા પ્રયત્નો કરે છે. અખો આદિવાસી સમુદાય રાજકીય પક્ષોમાં વહેચાઈ ગયેલો જોવા મળે છે. એક ગામમાં બે-ત્રણ રાજકીય પક્ષોના તડ જોવા મળે છે. દરેકને કોઈ ને કોઈ પક્ષ સાથે જોડાઈને કોઈ પણ ભોગે રાજકીય સત્તા હાંસલ કરવાનો જુસ્સો આજના આદિવાસી સમાજમાં જોવા મળે છે. પંચાયતીરાજમાં મહિલા અનામતનો પણ પૂરો લાભ આદિવાસી મહિલાઓ લે છે. તેથી હવે દરેક સરકારે પોતાની જીત માટે આદિવાસી વિસ્તારો પર ફરજીયાત રીતે ધ્યાન અપાવું પડે છે.

વહીવટી અધિકારીઓ અને સ્વૈચ્છિક સંગઠનોના કાર્યકરો પહેલા આદિવાસી પ્રજાને ગમેતે સમજાવી શકતાં હતા. પરંતુ હવે ગામડાઓમાં આદિવાસીઓ પણ જાગૃત થયા છે. તેઓ અધિકારીઓ અને સંસ્થાના કાર્યકર્તાઓ પાસે વિકાસના કર્યો વિશે વિગતે જવાબ માંગે છે. કામ ન થાયતો વિરોધ પણ કરે છે. ભ્રષ્ટાચાર અંગેની ફરિયાદો અને વિરોધો તેઓ સામુહિક રીતે બહાર આવીને કરતા થયા છે.

આમ, વર્તમાન સમયમાં આદિવાસીઓમાં શિક્ષણ, વ્યવસાય, વાહન-વ્યવહાર, સંદેશા-વ્યવહાર, કાયદા-કાનુન વગેરે પરીબળોના લીધે ઝડપથી જાગૃતિ વધતી જાય છે. તેઓનું આંતરિક સબંધોનું નેટવર્ક ખુબજ મજબુત અને અસરકારક રીતે કામ કરે છે. તેઓ પોતાના અલગ મંડળો રચે છે, નવા સેલ ઉભા કરે છે. પોતાના હકો વિશે એકબીજાને જાણકારી આપે છે, માહિતગાર કરે છે. અને સરકારી લાભો લે છે અને અપાવે છે. આમ તેઓ સમાજ જીવનના દરેક ક્ષેત્રમાં આગળ આવ્યા છે અને તેમનો સર્વાંગી વિકાસ થયો છે.

સંદર્ભ

    1. માનવશાસ્ત્ર – ડૉ.હર્ષિદા દવે, યુનીવર્સીટી ગ્રંથ નિર્માણ બોર્ડ, અમદાવાદ.
    2. આદિવાસી વિકાસ અને વન – ડૉ.મીનાક્ષી ઠાકર, યુનીવર્સીટી ગ્રંથ નિર્માણ બોર્ડ, અમદાવાદ.
    3. સામાજિક માનવશાસ્ત્ર – ડૉ.જયેશ બારોટ અને પ્રો.સંગીતા પટેલ, પશ્વ પ્રકાશન, અમદાવાદ.
    4. આદિવાસી પરંપરા અને પરિવર્તન – ડૉ.ચંદ્રકાંત ઉપાધ્યાય,નવ ગુજરાત સાહિત્ય મંદિર, અમદાવાદ.

    *************************************************** 

    ડો.મનોજ એન. પંડ્યા,
    સમાજશાસ્ત્ર વિભાગ,
    ભવન્સ શેઠ આર.એ.કૉલેજ
    ઓંફ આર્ટ્સ એન્ડ કોમર્સ,અમદાવાદ.

Previousindexnext
Copyright © 2012 - 2024 KCG. All Rights Reserved.   |   Powered By : Prof. Hasmukh Patel

Home  |  Archive  |  Advisory Committee  |  Contact us