logo

વૈશ્વિકીકરણની ભારત પર પડેલી અસરો

સામાજિક વિજ્ઞાન માં 1960 ના દસકાથી વૈશ્વિકીકરણ નામનો ઉપયોગ થતો આવ્યો છે. 1980 ના દસકાથી તેનો ઉપયોગ અર્થશાસ્ત્રીઓ કરતા થયા. 1990 ના દસકા સુધી આ વિચાર લોકપ્રિય બન્યો હતો. અમેરીકન ઉધોગપતી “ચાલ્સ ટેઝ રસેલ” એ 1987 માં “કોર્પોરેટ જાયન્ટસ” શબ્દ શોધ્યો હતો. વૈશ્વિકરણને સદીઓ લાંબી પ્રક્રિયા તરીકે જોવામાં આવે છે. વૈશ્વિકરણના પ્રારંભિક સ્વરૂપો રોમન સામ્રાજ્ય અને હાન વંશના સમયમાં અસ્તિત્વમાં હતા. ઇસ્લામિક સુવર્ણકાળમાં મુસ્લિમ વેપારીઓ અને શોધકર્તાઓએ તે સમયે વૈશ્વિક અર્થતંત્રની સ્થાપના કરી અને તેના પરિણામે તે સમયે કૃષિ પાકનું વ્યાપાર , જ્ઞાન તથા ટેકનોલોજીનું વૈશ્વિકરણ થયું તેનું ઉદાહરણ છે. 16મી સદીમાં પોર્ટુગલના દક્ષિણ અમેરિકા અને એશિયા સાથેનો વ્યાપાર અને સંશાધનોનો પાયો નાખવાની દિશામાં મોટું અને પહેલું પગલું ગણાય છે. બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપની 1600 અને ડચ ઇસ્ટ ઇન્ડિયા કંપની (1602) અને પોર્ટુગીઝ ઇસ્ટ ઇન્ડિયા કંપની (1928) પણ અસ્તિત્વમાં આવી. 1930 ના દસકાના પ્રારંભમાં મહામંદીના પગલે વૈશ્વિકારણના પ્રથમ યુગનો અંત આવ્યો.

બીજા વિશ્વયુધ્ધ બાદ થયેલી વૈશ્વિકરણની પ્રક્રિયા એ રાજકીય અને આયોજિત હતી. જેમાં વિશ્વના દેશોનું પરસ્પરનું અવલંબન વધારવા અને ભવિષ્યના યુધ્ધની શક્યતા ઘટાડવા, સરહદના સીમાડાઓ દૂર કરવા કરારો થયા. વૈશ્વિકરણ એક નિરંતર ચાલતી પ્રક્રિયાછે. જેના દ્વારા અર્થવ્યવસ્થા, સમાજ, સાંસ્કૃતિક, રાજકિય, ધાર્મિકક્ષેત્રનું જોડાણ વિનિમય ( આપ-લે ) વૈશ્વિક નેટવર્કથી થાય છે. વૈશ્વિક અર્થતંત્રમાં આવેલા વૈશ્વિકરણના પુરમાં ભારત પણ બાકાત રહ્યું નથી.

વૈશ્વિકરણનો અર્થ :

વૈશ્વિકરણનો ખ્યાલ તો મૂળભૂત રીતે ”દુનિયા એક ગામડું” ‘Word is small villege” સૂચવે છે. દેશની સરહદો અન્ય દેશો માટે ખોલી આર્થિક,સામાજિક, રાજકીય,ધાર્મિક, સાંસ્કૃતિક,શૈક્ષણિક, રમત- ગમત જેવા ક્ષેત્રોમાં પ્રવેશ કરવો.

વૈશ્વિકરણ શબ્દનો અર્થ થાય છે, સ્થાનિક અથવા પ્રાદેશિક સંજોગો, વસ્તુઓનું વિશ્વ સ્તરે રૂપાંતર થવાની પ્રક્રિયા, સમગ્ર વિશ્વના લોકોનો એક સમાજ બને અને તેઓ એક સાથે કામ કરે તેવા સંજોગોનું સર્જન કરતી પ્રક્રિયા તરીકે તેને ઓળખાવી શકાય.

ધી યુનાઇટેડ નેશન્સના ઇ.એસ.સી. ડબ્લ્યુએ લખ્યું છે કે સામાન, મૂડી-સેવા અને શ્રમના પ્રવાહમાં સરળતા અને દેશની સરહદો દુર કરવી. ટુંકમાં વૈશ્વિકરણ એ વ્યાપાર, સીધું વિદેશી મૂડીરોકાણ,મૂડીપ્રવાહનું સ્થળાંતર અને ફેલાવા દ્વારા રાષ્ટ્રીય અર્થતંત્રનું આંતર રાષ્ટ્રીય અર્થતંત્ર સાથે થતું એકીકરણ છે.

કેટો ઇન્સ્ટિટ્યુટના પેલ્મરે ના મત મુજબ “ સરહદોની પાર વિનિમય અંગે રાજ્ય દ્વારા લાદવામાં આવેલા નિયંત્રણો દૂર કરવા અથવા હળવા થવા અને તેના પરિણામે ઉત્પાદન તથા વિનિમયના એકીકરણની સંયુક્ત વૈશ્વિક પધ્ધતિનો વ્યાપ વધારવો.

ભારતમાં વૈશ્વિકરણની ઐતિહાસિક પૃષ્ઠભૂમિકા :

ભારતના સંર્દર્ભમાં વૈશ્વિકકરણની ઐતિહાસિક પૃષ્ઠભૂમિકા તપાસીએતો ભારતમાં સ્વતંત્રતા પછીં મિશ્ર અર્થતંત્રનો ખ્યાલ સ્વીકાર્યો પરંતુ ભારતમાં સમય જતાં અનેક કારણોસર જાહેરક્ષેત્ર પડી ભાંગ્યુ. ભારતમાં જાહેરક્ષેત્રનો ઉદ્દેશ સારો હતો પરંતુ આઝાદીબાદ માત્ર ચાર દાયકામાં તેમાં અનેક પ્રશ્નો ઉદભવ્યા અને તેની નિષ્ફળતાના પરિણામે ભારતીય અર્થતંત્ર પર તેની ગંભીર અસરો દેખાવા લાગી.

ભારતે તો હજુ વિકાસની યાત્રા શરૂસરી હતી અને 1991 માં ભારતને વિદેશી દેવાંના મામલે સંકટનો સામનો કરવો પડ્યો હતો. સરકાર વિદેશીદેવાંની ચુકવણી કરવામાં પાંગળી સાબિત થઇ હતી. તેમજ આવશ્યક ચીજવસ્તુઓની આયાત કરવામાટે નાણાંભંડોળ ગણતરીના દિવસો ચાલે તેટલું હતું. વધુમાં ભાવવધારો, બેરોજગારી અને ગરીબીના પ્રશ્નોતો ઉભા હતા.પરીણામ સ્વરૂપ અર્થતંત્રની સ્થિતિ ડામાડોળ હતી. આ સંકટની શરૂઆત 1980 માં શરૂ થઇ ગઇ હતી, સરકારની આવક કરતાં ખર્ચમાં અનેક ગણો વધારો થયો હતો.આ બધા પ્રશ્નોનો સામનો કરવા ભારતે વિશ્વબેંક અને આઇ.એમ.એફ. ની મદદ માગી. આ સંસ્થાઓએ ભારતની પરિસ્થિતીનો લાભ ઉઠાવી તેમણે આકરી શરતો દ્વારા પોતાની જાળમાં જકડી લીધો.

જેમકે ભારત સરકાર ઉદારીકરણ લાવશે, જહેરક્ષેત્રને તિલાંજલી આપી ખાનગીક્ષેત્રોપર મૂકેલ પ્રતિબંધો હટાવશે. આમ તત્કાલીન સરકારે L.P.G નો ખ્યાલ સ્વીકારી 1991માં નવી આર્થિકનિતી ઘડી ભારતે વિશ્વમાટે કાયદેસર દરવાજાઓ ખોલી નાખ્યા. ત્યારબાદ ભારતીય અર્થતંત્રમાં આમૂલ પરિવર્તનો આવ્યા. જેની ભારતીય અર્થતંત્ર પર સારી અને ખરાબ દુરોગામી અસરો પડી રહી છે.

વૈશ્વિકરણની અસરો :

વૈશ્વિકરણની ભારતમાં અનેક ક્ષેત્રો પર અસરો થઇ છે. જેમાં આર્થિક ક્ષેત્રે, સમાજિક ક્ષેત્રે, રાજકીય ક્ષેત્રે, કૃષિ ક્ષેત્રે, સાંસ્કૃતિક ક્ષેત્રે, શૈક્ષણિક ક્ષેત્રે, ધાર્મિક ક્ષેત્રે દ્વિપક્ષીય રીતે અસરો થયેલી જોવા મળે છે.

  1. વૈશ્વિકરણનો સૌથી મોટો પ્રભાવ આર્થિક ક્ષેત્રમાં જોઇ શકાય છે.આજે વિશ્વના દેશો સાથે ભારતનો વ્યાપાર ઉતરોત્તર વધ્યો છે.
  2. ભારતમાં વિદેશીરોકાણમાં અભૂતપૂર્વ વધારો થયો છે. વિશ્વની અનેક કંપનીઓએ જુદાજુદા ક્ષેત્રોમાં રોકાણો કર્યા છે.
  3. વિદેશી કંપનીઓ આવતાં ભારતની કંપનીઓ તેમની સામે સ્પર્ધા કરવા લાગી છે. ગળાકાપ સ્પર્ધામાં ટકી રહેવા ભારતીય કંપનીયો શોધ- સંશોધન પાછળ ખર્ચવધારતાં ગુણવત્તાવાળી વસ્તુઓ ગ્રાહકોને મળવા લાગી છે. તેમજ સ્પર્ધાથી ચીજ- વસ્તુઓ સસ્તી અને સરળતાથી મળવા લાગી છે.જેથી ઇજારાનું તત્વ ઓછું થયું છે.
  4. ભારતમાં મોટાપ્રમાણમાં વિદેશી કંપનીઓ આવવાથી ભારત ફરીથી આર્થિક ગુલામ બનશે તેવો ભય હતો પરંતુ અનુભવે હવે ભારતીય કંપનીઓ હવે વિશ્વબજારમાં પોતાની પ્રોડક્ટ વેચી રહી છે.એટલુંજ નહીં વિશ્વના અનેક દેશોની નાની - મોટી કંપનીઓ ટેકઓવર કરીછે.
  5. વિદેશી મૂડીરોકાણ વધતાં ભારતમાં શ્રમની ગતિશીલતા અને રોજગારીમાં વૃધ્ધિ થઇ છે. ભારતીય યુવાનો માટે વૈશ્વિક બજારમાં રોજગારીની તકો વધી છે.
  6. ભારતના નાગરીકની આવક વધતાં સરેરાશ ખરીદશક્તિમાં વધારો થયો છે, પરીણામ સ્વરૂપ લોકોના જીવનની ભૌતિક ગુણવત્તામાં વધારો થયો છે.
  7. ઉદારીકરણ અને ખાનગીકરણથી ભારતમાં રોડ-રેલ્વે, વિમાનીસેવા,પુલ, વિજળીઘરો, સંચારમાધ્યમો, શાળા-કોલેજો, આરોગ્યકેન્દ્રો, વાહનવ્યવહાર જેવા ઇંફ્રાસ્ટ્રકચરમાં રોકેટગતિએ વિકાસ થયો છે. પરિણામ સ્વરૂપ ઔધોગિક વિકાસદર ખુબ ઝડપથી વધવા લાગ્યો છે.
  8. ભારતમાં સંગઠિત નાણા ક્ષેત્રનો વિકાસ થયો છે. બેંકો અને વિમાકંપનીઓમાં વધારો થવાથી વસ્તીવધારાનો ઉંચો દર હોવા છતાં ભારતનો આર્થિક વિકાસ ઝડપી બન્યો છે.
  9. આજે ભારતની અર્થવ્યવસ્થા વિશ્વમાં ચીન પછીં બીજાનંબરની સૌથી વધુ વિકાસનો દર ધરાવે છે. તેમજ “પરચેંજિંગ પાવર પેરિટી (P.P.P.) ના મામલામાં વિશ્વમાં પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા ભારત છે.
  10. વૈશ્વિકરણની કૃષિ ક્ષેત્રપર મોટાપાયે અસરો થઇ છે તેના માટે વિશ્વના ધનિક દેશોની કેટલીક આકરી શરતો જવાબદાર છે. જેમકે ભારતીય ખેડૂતોને અને મજૂરોને સબસીડી આપવાનું બંધકરવું, વિદેશી ખેત-ઉત્પાદન પરનાં આયાત પરનાં નિયંત્રણો હટાવી લેવાં, ભારતમાંથી પેટન્ટ થયેલ વસ્તુ ઉપર ભારતમાં ઉત્પાદન પર પ્રતિબંધ વગેરે શરતો મુકવામાં આવી.
  11. વૈશ્વિકરણથી ભારતમાં “જીનેટીકલી મોડીફાઇ” બિયારણો આવ્યા જે ખુબજ મોંઘા અને આવા બિયારણોથી ઉત્પાદન કરવામાં પાણી, રાસાયણિક ખાતર, જંતુનાશક દવાઓનું પ્રમાણ દેશી બિયારણોની સરખામણીમાં વધારે જરૂર પડે છે. તેથી ઉત્પાદન ખર્ચ વધતાં ખેડુતો દેવાંના ડુંગર નીચે આવવાથી હૈદરાબાદ અને મહારાષ્ટ્રના વિદર્ભમાં અનેક ખેડૂતોએ આત્મહત્યાઓ કરીછે. દા.ત. – કપાસ, મકાઇ વગેરેના બિયારણ
  12. વિદેશી કંપનીઓ આવવાથી કૃષિ ઉત્પાદન આપતી જમીનમાં ઔધોગિક ઉત્પાદનો શરૂ થતાં મોટા ઔધોગિક વિસ્તારો દેશમાં ઉભા થવાથી વાવેતર હેંઠળનો વિસ્તાર ઘટવા લાગ્યો છે. બીજી બાજુ ખેતીની જમીન મોટા પ્રમાણમાં પ્રાઇવેટ કંપનીઓ ખેડૂતો પાસેથી નજીવી કિંમતે ખરીદી રહીછે. ખેડૂત જમીન વિહોણો થઇ રહ્યો છે.
  13. માત્ર ધનિક ખેડુતો વૈશ્વિક બજારમાં પોતાનું ઉત્પાદન ઉચી કિંમતે વેચી વધુ કમાણી કરતો થયો છે,નાના ખેડૂતો હજુપણ ઘણી સમસ્યાઓનો સામનો કરી રહ્યાછે તેથી આવકની અસમાનતામાં વધારો થયો છે.
  14. હાઇબ્રિડ બિયારણોનો ખેતીક્ષેત્રે ઉપયોગ વધતાં શાકભાજી, ફળોનું ઉત્પાદન મોટા પ્રમાણમાં થાવા લાગ્યું છે, સ્થાનિક બજારમાં ખેડૂતોને વ્યાજબી ભાવો મળતા નથી
  15. તેમજ વિદેશોમાં નિકાસ અને સ્ટોરેજની વ્યવસ્થાના અભાવે ખેડૂતનો માલના મોટાપ્રમાણમાં બગાડ થાયછે.પરિણામે ભારતીય ખેડૂતો પાયમાલ થયાછે.
  16. મેઇકીંગ પોવર્ટી એ હીસ્ટ્રી – (થોમસ લાઇન્સ) પુસ્તકના લેખક વૈશ્વિકરણની અત્યારની તરેહના વિરુધ્ધમાં છે તેમણે મુક્ત બજારની ફિલોસોફીને કારણે કોમોડીટી માર્કેટ પર ધનિક દેશો પ્રભુત્વ ભોગવેછે. વિશ્વબેંક અને આઇ.એમ.એફ.નો એજન્ડા જગતમાંથી ગરીબી દૂરકરવાનો નથી પરંતુ તેમનો પ્રભાવ ચાલુ રાખવાની નેમ છે.
  17. ભારતમાં વૈશ્વિકરણના પરિણામ સ્વરૂપ શહેરી ક્ષેત્રની સાથે-સાથે ગ્રામિણ ક્ષેત્રમાં પણ સાંસ્કૃતિક પરિવર્તન ઝડપથી આવી રહ્યું છે. પરંપરાઓ,રિતરીવજો,રૂઢિઓ વગેરે તુટવા લાગીછે. પહેરવેશ,ખાવાપીવાની રીત ભાતો વગેરેમાં બદલાવ જોવા મળે છે
આમ, ભારતમાં માત્ર વૈશ્વિકરણની આર્થિક ક્ષેત્ર પર અસર નથી થઇ અનેક ક્ષેત્રોપર અસરો થયેલી જોવા મળે છે. મુંબઇ આંતકવાદી હુમલા જેવી વૈશ્વિક સંઘર્ષની ઘટનાઓ અને વૈશ્વિકરણ પરસ્પર સંકળાયેલા છે. તેમજ હોલિવુડ અને બોલિવુડ ફિલ્મોની નિકાસ કેટલાક લોકો આવી ‘આયાતી’ સંસ્કૃતિને જોખમી ગણાવે છે, તેમનું માનવું છે કે આનાથી સ્થાનિક સંસ્કૃતિનું અસ્તિત્વ જોખમાશે તથા તેનાથી વિવિધતા ઘટશે.આમ ભારતીય અર્થતંત્ર પર વૈશ્વિકરણની અનેક હકારાત્મક અને નકારાત્મક અસરો પડી છે. પરંતુ અત્યારે કઇ અસરનું પ્રમાણ વધુ છે તે કહેવું અઘરું છે.જે આવનારો સમય જ બતાવશે.

*************************************************** 

પ્રો. એચ.વી. પટેલ
અર્થશાસ્ત્ર
સરકારી વિનયન કોલેજ, બાયડ, જિ- સાબરકાંઠા
મો- 9427059160

Previousindexnext
Copyright © 2012 - 2024 KCG. All Rights Reserved.   |   Powered By : Prof. Hasmukh Patel

Home  |  Archive  |  Advisory Committee  |  Contact us