logo

ભારતીય અર્થતંત્રમાં કૃષિક્ષેત્રે પ્રગતિ અને તેની અસર

પ્રસ્તાવના :::

1947માં ભારત જ્યારે આઝાદ થયું ત્યારે કૃષિક્ષેત્ર લગભગ સ્થગિત અવસ્થામાં હતું. સરકારે પ્રથમ પંચવર્ષીય યોજનામાં કૃષિક્ષેત્રનાં વિકાસ પર ભાર મૂક્યો હતો. હાલમાં દેશની કુલ વસ્તીનાં 64% વસ્તી, ઉત્પાદન, આવક અને રોજગારી માટે ખેતી પર આધાર રાખે છે. રાષ્ટ્રીય આવકમાં તેનો ફાળો 27% જેટલો છે. નિકાસની કમાણીમાં તેનો ફાળો 18% જેટલો છે. ઔદ્યોગિક કાચા માલની પ્રાપ્તિ ભાવસ્થિરતા, ગરીબી નાબૂદી તેમજ દેશનાં આર્થિક વિકાસનો મુખ્ય આધાર કૃષિક્ષેત્રનાં વિકાસ પર રહેલો છે. આથી ભારતીય અર્થતંત્રમાં કૃષિક્ષેત્ર કરોડરજ્જુ સમાન છે એલ અવશ્ય કહિ શકાય.

આમ છતાં ભારતમાં કૃષિક્ષેત્રે નીચી ઉત્પાદકતા, અનાજની વધતી જતી માંગના સંજોગો, અવાર-નવાર પડતા દુષ્કાળને કારણે કૃષિક્ષેત્રે ઉત્પાદન અને ઉત્પાદકતા વધારવા અત્યંત આવશ્યક હતું. આના પ્રયાસરૂપે ભારત સરકારે નિમંત્રલી “ફોર્ડફાઉન્ડેશન”ની નિષ્ણાક ટીમે આપેલ અહેવાલનાં આધારે બીજી પંચવર્ષીય યોજનાનાં છેલ્લા વર્ષે (1960)માં દેશના સાત પસંદગીના જિલ્લાઓમાં એક નવી કૃષિ વ્યૂહરચના અમલમાં આવી. જેને ખેતીવાડી સઘન યોજના, પેકેજ પ્લાન કે I.A.D.P.(Intensive Agricultural Development Programme) તરીકે ઓળખવામાં આવે છે. ત્રીજી યોજનાથી પેકેજ પ્લાનનો વિસ્તાર કરવામાં આવ્યો તેના પરિણામે 1966-67ના વર્ષથી કૃષિક્ષેત્રે ઉત્પાદન અને ઉત્પાદકતામાં વધારો થયો છે. કૃષિક્ષેત્રે થયેલ આ ફેરફારને હરિયાળી ક્રાંતિ તરીકે ઓળખવામાં આવે છે. બિયારણની સુધારેલી જાતો, ખાતરોનો વધેલો ઉપયોગ, સિંચાઈની સવલતોમાં થયેલ સુધારો અને ઉચ્ચતર ખેત-પ્રક્રિયા આ પરિબળોએ સંયુક્ત રીતે કૃષિક્ષેત્રે ટેકનોલોજી વિકાસની જે હરણફાળ ભરી છે. તેને હરિયાળી ક્રાંતિ (Green Revolution) તરીકે ઓળખવામાં આવે છે. શ્રી ડી.એન. ધારગેરેના મતે, “આધુનિત વિજ્ઞાન અને ટેકનોલોજીનો કૃષિક્ષેત્ર વિશાળ પાયા પર અમલ એટલે ક્રાંતિકારી ક્રાંતિ.”

ભારતમાં કૃષિક્ષેત્રે આધુનિકરણ (ડૉ.નોર્મન બોલોગેનું યોગદાન) :

ભારતમાં કૃષિક્ષેત્રનાં આધુનિકરણમાં ડૉ. નોર્મન બોલોગએ મહત્વનું યોગદાન આપેલ છે. જે સમજવા માટે હરિયાળી ક્રાંતિ પૂર્વે ભારતની કૃષિક્ષેત્રની સ્થિતિનો ખ્યાલ મેળવવો જરૂરી બને છે. આપણા દેશમાં કૃષિક્ષેત્રે હરિયાળા ક્રાંતિ સર્જાઈ તે પહેલા એવો સમયગાળો હતો કે જ્યારે દેશમાં અનાજની તીવ્ર અછત પ્રવર્તતી હતી. એક વિરાટ કૃષિ પ્રધાન દેશની સરકારને ભિક્ષાપાત્ર લઈને જગતનાં સમૃદ્ધ દેશોમાંથી અનાજની આયાત કરવી પડતી હતી. આવી દયનીય અને લાચાર પરિસ્થિતિ સામે આ દેશ ઝઝૂમતો હતો. ત્યારે ડૉ. બાર્લોગનું ભારતમાં આગમન થયું અને ભારતમાં હરિયાળી ક્રાંતિના પગરણ મંડાયા.

ડૉ.બોર્લોગે કૃષિ વૈજ્ઞાનિક અને પાદ્યવિકૃત વૈજ્ઞાનિક એટલે પાદ્યરોગ (ચિકિત્સક પ્લાન્ય પેથોલિસ્ટ) હતા. તેઓ 1966માં ભારત આવ્યા તે પહેલાં 1960થી તેમનો સંબંધ ભારત સાથે હતો. અમેરિકન સરકારની નારાજગી વહોરીને તેમણે કહ્યું હતું કે “ભારતે પી.એલ. 480 ની સહાયથી મુક્તિ થવું જોઈએ. અને તે માટે તેમે કહ્યું કે મે અને મારા સાથીઓએ ઘઉંના બિયારણની જે જાતો વિકસાવી છે. અને તે પદ્ધતિથી તેનું વાવેતર અને ઉછેર કરવાના છે તે પ્રમાણે કરો.” તે વખતે તેઓશ્રી ભારત સરકારની મંજૂરીથી દિલ્લી નજીક ગામડામાં ગયા હતા. તેમણે ત્યાંના ખેડૂતોને કહ્યું કે આજે તમારી જમીનમાં જે ઘઉં પાકે છે તે તમારા કુટુંબના પેટ ભરવા પણ પૂરતા નથી. આમ વધારે ઉત્પાદન કરવા માટે તમે અમારી પદ્ધતિ અપનાવી જુઓ જે મેક્સિકોમાં અત્યંત સફળ થયેલ છે. જે ખેડૂતોના મનમાં આ વાત ઉતરી ગઈ પરિણામે ત્યાંના ખેતરોમાં ઘઉંનો ચાર ઘણો મબલખ પાક ઉતર્યો. જે હરિયાળી ક્રાંતિના સર્જનમાં જેનો ફાળો મહત્વનો છે.

આમ કૃષિક્ષેત્રમાં આધુનિકરણમાં ઉંચી ઉત્પાદકતા આપતી જાતો (High yielding varieties-HYV) અસ્તિત્વમાં આવી. જેના જન્મદાતા ડૉ. નોર્મલ બોલોંગ હતા. તેમજ સુધારેલા બિયારણ રાસાયણિક ખાતર, જંતુનાશક દવાઓ અને યાંત્રિકિ કરવાને પરિણામે પંજાબ, હરિયાણા, મધ્યપ્રદેશ, ગુજરાત અને અન્ય સ્થળોએ કૃષિક્ષેત્રેનાં ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો.

ભારતમાં ખેતીક્ષેત્રમાં ઉત્પાદન :

ભારતમાં ખેતીક્ષેત્રમાં આધુનિકરણથી અનાજનાં હેક્ટરદીઠ ઉત્પાદનમાં વધારો નોંધાયો છે. તે માટે સિંચાઈની સગવડમાં વધારો, રાસાયણિક ખાતર, જંતુનાશક દવાઓ અને યાંત્રિકીકરણને આભારી છે.

ભારતમાં ખેત ઉત્પાદન (કિ.ગ્રામ)

પાક 1960-61 1980-81 2000-01 2006-07
ઘઉં 936 1407 2486 2671
ચોખા 821 1223 1921 2127
જુવાર 367 509 681 876
બાજરો 523 781 834 906

સ્ત્રોત : Government of Gujarat (2001), Gujarat (2010)

ભારતમાં દર વર્ષે 1 કરોડ ઘઉં આયાત કરતો હતો. તે જોતજોતામાં નિકાસ કરતો દેશ થઈ ગયો. ભારતમાં 1950-51માં ઘઉંનું ઉત્પાદન અને હેક્ટરદીઠ ઉત્પાદકતા અનુક્રમે 61 લાખ મેટ્રિક ટન અને 655 કિ.ગ્રામ હતા. તે વધીને 1992-93માં 570 લાખે મેટ્રિક ટન અને 2322 કિ.ગ્રામ થયેલ છે. આમ આજે ભારતે ઘઉંના ઉત્પાદનમાં સ્વાવલંબન પ્રાપ્ત કર્યું છે. ભારતમાં ઘઉંના ઉત્પાદનમાં મળેવી આવી. અનન્ન સિદ્ધિ સંદર્ભે યુનોના અન્ન અને કૃષિ સંગઠને જણાવેલું કે વર્ષ 1951 થી 2001 સુધીનાં 50 વર્ષમાં ભારતની વસ્તી 45 કરોડથી બમણી થઈ એક અબજનાં આંકને પાર કરી ગઈ હતી. આજ સમયગાળા દરમિયાન અનાજનું ઉત્પાદન 8.7 કરોડ ટનથી ત્રણ ઘણું વધીને 23.1 કરોડ ટન થયું. આ સમયગાળા દરમિયાન ખેતી હેઠળની જમીનના વિસ્તારમાં માત્ર (આઠ) 8% નો જ વધારો થયેલો હોવા છતાં ભારતે આ સિદ્ધિ હાંસલ કરેલી છે. જે ખેતીક્ષેત્રમાં આધુનિકરણને આભારી છે. પરંતુ જેની સામે પર્યાવરણીય ક્ષેત્રમાં પણ વિપરીત અસર જોવા મળે છે.

ભારતમાં કૃષિક્ષેત્રે પર્યાવરણીય અસર :

સમગ્ર વિશ્વ સમક્ષ આજે વસ્તી વધારાનો પ્રશ્ન વિકટ બનવાની સાથે સાથે ગ્લોબલ વોર્મિગ, ખેતીક્ષેત્રમાં વધુ પડતું આધુનિકરણ અને ખેતીની જમીનનાં બિનકૃષિક્ષેત્રે ઉપયોગના વધારાથી ખેત-ઉત્પાદકતાનાં ક્ષેત્રમાં ફરી એક વખત મુશ્કેલી સર્જાવાની સંભાવના ઉભી થવા પામી છે કે વધુ ઉપજ ખેત પેદાશો માટે વધુ રાસાયણિક ખાતર, સુધારેલા બિયારણ, જંતુનાશક દવાઓ અને યાંત્રિકીકરણના ઉપયોગ કરવો પડે છે. આથી આવા રસાયણો પાક મારફતે માનવશરીરમાં પ્રવેશે છે અને અનેક જાતનાં નવા રોગને જન્મ આપે છે. વળી દિવસે દિવસે જમીન પોતાની પ્રકૃતિક ફળદ્રુપતા ગુમાવતી જાય છે. આવા સંજોગોમાં ફરી એકવાર ભારતીય પ્રાચીન પરંપરાગત અનુસારતી ઓર્ગેનિક ખેતી (સજીવ ખેતી) નું મહત્વ વધતું જાય છે.

 

સંદર્ભ સૂચિ :::

  1. ડૉ. બી.કે.ભટ્ટ, “ગુજરાતનું અર્થતંત્ર” (2005) પોપ્યુલર પ્રકાશન
  2. જોષી મહેશ પી. (2007) “કૃષિ અર્થશાસ્ત્ર” ક્રિએટીવ પ્રકાશન એમ.જી.રોડ વેરાવળ
  3. સામાજિક-આર્થિક સમીક્ષા, ગુજરાત રાજ્ય 2011-12
  4. અર્થ સંકલન (ફેબ્રુઆરી, ડિસેમ્બર-2011)
  5. Government of Gujarat (2001), Gujarat (2010)
  6. www.vibrantgujarat.com.

*************************************************** 

પ્રા.લાલજીભાઈ પી.પરમાર
અર્થશાસ્ત્ર વિભાગ
સરકારી વિનમય અને વાણિજ્ય, કૉલેજ
કડોલી તા. હિંમતનગર, જિ.સાબરકાંઠા
LALJIPARMAR35@GMAIL.COM.
MON. 9558403221

Previousindexnext
Copyright © 2012 - 2025 KCG. All Rights Reserved.   |   Powered By : Prof. Hasmukh Patel

Home  |  Archive  |  Advisory Committee  |  Contact us