વડનગરના સોલંકીકાલીન શિલ્પો
સોલંકીકાલીન શિલ્પો ::
વડનગરનો ઇતિહાસ અને સાંસ્કૃતિક સીમાઓ ઇ.સ.ના બીજા સૈકા સુધી વિસ્તરેલ છે. તેથી તે ઇતિહાસ ક્ષત્રપ, મૈત્રક, સોલંકી અને મોગલ કાલીન સંસ્કૃતિના વિવિધ રંગોથી રંગાયેલો છે. આજે પણ વડનગરની શેરીઓમાં ફરતાં કે ત્યાંના મંદિરો ભવ્ય સ્મારકોની મુલાકાત લેતા ગુજરાતની આ વિભિન્ન કાળની સંસ્કૃતિઓના પ્રતીક સમા શિલ્પ- સ્થાપત્યના અનેક અવશેષો ત્યાંથી મળી આવે છે. ગુજરાતની કલા તેના સમગ્ર ઐતિહાસિક યુગમાં કેટલી સુવિકસીત અને કેટલી શ્રેષ્ઠ કોટીની હતી તેની ઝાંખી વડનગરના શિલ્પો કરાવે છે. ઐતિહાસિક દ્રષ્ટિએ વડનગરની આ શિલ્પ સમૃધ્ધિને ચાર વિભાગમાં વહેંચી શકાય.
- ક્ષત્રપ અને ગુપ્તકાલના શિલ્પો.
- મૈત્રક અને અનુમૈત્રક કાલીન શિલ્પો.
- ચાલુક્યો અને મધ્યકાલીન શિલ્પો.
- મધ્યોત્તર કાળના શિલ્પો.
વડનગરમાં ઉપલબ્ધ થતાં બીજા વિભાગના મૈત્રક અને અનુમૈત્રક કાલીન મુખ્ય શિલ્પોની વિગત આપવા અહી પ્રયાસ કર્યા છે. આ સમયના વિદ્વાનો પ્રાકસોલંકીકાળ તરીકે ઓળખાવે છે. આ યુગના શિલ્પોના મહત્વના લક્ષણો તરફ ધ્યાન દોરતા ડૉ. આર.એન. મહેતા જણાવે છે કે, “સુંદર કારીગરીવાળા સુડોળ, કંઇક લંબગોળ કે ગોળ મુખાકૃતિ અને ઘાટિલું શરીર ધરાવતાં મોટા કેશભાર અને ઓછા પણ સુરેખ આભુષણોથી યુક્ત આ શિલ્પો મનોહર લાગે છે. આ શિલ્પોનું સૌંદર્ય એના કુશળ વિધાન સપ્રમાણ તંદુરસ્ત અને સૌંદર્યવાન શરીર તથા સુરેખ નકશીકામમાં છે.” વડનગરના આ સમયના શિલ્પોમાં આ લક્ષણોનું દ્ર્શન થાય છે. આવા અનેક શિલ્પો વડવગરમાંથી મળી આવ્યા છે. તે દરેકની વિગતો અહીં આપવી શક્ય નથી, છતાં મુખ્ય વિગતો આપવામાં આવી છે.
ગૌરીકુંડના શિલ્પો ::
ગૌરીકુંડ પાસે હિંગળાજ માતા, અજયપાળ મહાદેવ તથા નરસિંહજી વગેરે મંદિરોનો સમૂહ આવેલો છે. તેના મેદાનમાં એક છત્રી બાંધેલી છે, પીઠીકામાં બે તરફ મૈત્રક કાલીન શિલ્પોની પટ્ટીકામાં અર્ધપર્યકાસનમાં બેઠેલા ચતુર્ભુજ હળધર(બલરામ), બે અન્ય દેવતાઓ અને બે પરિચારિકાઓના શિલ્પોનો સમાવેશ થાય છે. બલરામના જમણા હાથમાં મુશળ અને મદિરાપાત્ર છે. ડાબા હાથમાં હળ અને છુરિકા ધારણ કરેલી છે. બીજી પટ્ટીકામાં અર્ધપર્યકાસને બેઠેલ ચતુર્ભુજ વિષ્ણુની સુંદર મૂર્તિ છે. બંને પટ્ટીકાઓના શિલ્પો કલાત્મક અને સુરેખ કોતરવામાં આવ્યા છે.
નરસિંહજીના મંદીર બહાર ‘કૌમારી દેવી’ નું એક લલિતાસને બેઠેલું શિલ્પ પડેલું છે. સાદું પ્રભામંડળ, કરંડમુકુટ પણ સાદો, કાનમાં સૂર્ય વૃત્તકુંડળ, ત્રેવળહાર, હાથ પર એકાવેલી બાજુબંધ અને વલય, પગરખાં, પાદવલય, શરીરે યક્ષોપવિત વગેરે ધારણ કરેલા છે. મુખમુદ્રા શાંત, શરીર સુડોળ, કલુંગ્રીવા, ત્રીવલી ઉદર છતાં પગ પ્રમાણમાં ટુંકા અને જડ જણાય છે. આ શિલ્પ્ને આઠમી-નવમી સદીમાં મુકી શકાય. અહીં એક ચંદ્રનું પણ લઘુ શિલ્પ છે. એક હાથમાં અમૃતકુંભ બિજો હાથ વરમુદ્રામાં પાછળ અર્ધચંદ્ર શોભી રહ્યો છે.[1]
શર્મીષ્ઠા તળાવની પાળ પરના શિલ્પ ::
શર્મિષ્ઠા તળાવની પાળીપર ઝરૂખામાં લલીતાસને ગોળ બેઠક પર બેઠેલા યુગલના શિલ્પો અંગે ડૉ. આર.એન. મહેતાએ અભ્યાસપૂર્ણ વિગતોનો ઉલ્લેખ કર્યો છે. પુરૂષો મુકુટ, કુંડળ. એકાવલી હાર, બાજુબંધ અને કટીવસ્ત્ર પહેર્યા છે. સ્ત્રીએ પણ કાનમાં કુંડળ, છતી પરથી પેટ સુધી લટકતો એકાવલી હાર, હાથમાં બાજુબંધ, કમર પર કટીમેખલા અને પગમાં સાંકળા પહેર્યા છે. જેનું ઉત્તરીય જમણા હાથ પર સ્પષ્ટ દેખાય છે. તેના વાળ ઉંચા લઇ રત્નજડિત પારાથી બાંધેલા છે. આ કેશગુંફન કળા ગુજરાતની આકરો શિલ્પ શૈલી જેવી જણાય છે. સ્ત્રી-પુરૂષ બંનેની મુખાકૃતિ ઘણી ખંડિત છે. શિલ્પ્ના ઝરૂખાના સ્તંભો, કુંભિ અને શીર્ષ ગોળ છે. તેની પસે મલ્લવ દેખાય છે. તે સર્વ મૈત્રક કાલીન મંદિરોના ગવાક્ષ સ્તંભોને મળતા આવે છે.ઝરૂખાની કમાન મૈત્યાકૃતિથી અલંક્રુત છે.
સોલંકી અને સલ્તનત કાળના શિલ્પો આ સમયના શિલ્પો કરતાં વધુ સંખ્યામાં ઉપલબ્ધ થાય છે. કોઇપણ કલાકૃતિઓ હંમેશા પોતાના યુગની કલા-શૈલીનું પ્રતિબિંબ તો પડે જ પરંતુ સાથે સાથે ગુજરાતમાં આવી રહેલ સંસ્કૃતિ અને કળાના સુવર્ણયુગ સમા સોલંકીકાળની શિલ્પ શૈલીને પણ તેઓ ઇતિંગ કરતાં હોય તેમ જણાય છે. આમ સોલંકીકાલની કળાનો પ્રેરણાસ્ત્રોત આ નગરના દરવાજાઓની દિવાલોમાં પણ મૈત્રકકાળની પરંપરાના મહાપ્રવાહમાં એકરૂપ થઇને પણ ગુજરાત ને પોતાનું આગવું અને ગતિશીલ કલાનિર્ઝર જમાવી રાખ્યું છે. કલાના પ્રત્યેક ક્ષેત્રે પ્રત્યેક યુગમાં અભિનવ પ્રયોગ કરી સિધ્ધિના સર્વોચ્ચ શિખરો સર કર્યા છે. તેની અનુભુતિ પણ વડનગરના પ્રાક સોલંકીકાલીન શિલ્પોના પ્રાયોગિક અભ્યાસ પરથી જણાય છે. ગુજરાતના વિભિન્ન સ્થળોએ પણ આ યુગના વિપુલ શિલ્પો પડેલા છે. તેનો પધ્ધતિસરનો અભ્યાસ અને સંશોધન થવા બાકી છે.
નગરના દરવાજાઓની દિવાલોમાં પણ મૈત્રકકાલીન શિલ્પોની પટ્ટીકાઓ જડવામાં આવી છે. નદીઓળ દરવાજાની બહાર જમણી તરફના છેડા પર ઉંચે ત્રિમૂર્તિ તથા અન્ય દેવ-દેવીઓની સુરેખ કલામય પટ્ટીકાઓ તથા અમથેર દરવાજા પર ગણેશ ઇત્યાદિ દેવોના લઘુશિલ્પો જડવામાં આવ્ય છે. અર્જુનબારી દરવાજા પરની શિલ્પ પટ્ટીકા સૌથી વધુ નયનરમ્ય ગણાય છે. તેમં નૃત્ય કરતા યુગલો અને એકાકી સ્ત્રી-પુરુષોની નયનરમ્ય લઘુપ્રતિમાઓ કલાત્મક રીતે કંડારવામાં આવી છે. આ શિલ્પોમાંની સ્ત્રીઓ પણ વસ્ત્રાભુષણ અને દેહની દ્રષ્ટિએ વડોદરાની ચામરધારિણી સાથે ખુબ સામ્ય ધરાવે છે.[2]
તોરણો-કીર્તિ સ્તંભોના શિલ્પો ::
આ તોરણો રાતા અને પીળા પથ્થરના છે. તેમાં ઉત્તમ પ્રકારનું કોતરણી કામ કરવામાં આવ્યું છે. તેના ઉપર સુંદર કારીગરીવાળું તોરણ કોતરેલું છે. કીર્તિસ્તંભની કુંભીઓમાં કુંભ સ્વસ્તિક સ્તંભ, ભરુણુ, ઉચ્ચાલક, સ્તંભ, છાદ્ય અને બે સ્તંભોની મધ્યમાં તોરણોની રચના છે. સ્તંભના કુંભના સ્તરો અને મંદિરની પીઠના સ્તરો સાથે સામ્ય ધરાવે છે. જેમાં ગજધર, પીટ્ટ, જાંડબો, કણી, ગ્રાસપટ્ટી, નરથર આવેલા છે. કુંભીની ઉપરના કુંભથરના મધ્યમાં અલંકૃત ગવાક્ષ, મધ્ય આસનસ્થ દેવ દેવીઓની પ્રતિમાઓની બંને બાજુએ વિવિધ મુદ્રા અને ક્રિયાઓમાં માનવ શિલ્પના આલેખન છે. કુંભની ઉપર આંતરપટ્ટી, ગ્રાસપટ્ટી અને તેની ઉપર મુખ્ય દિશાઓને અભીમુખ કરતા ગણપતિ અને વિવિધ દેવ દેવીઓના શિલ્પો કોતરેલા છે.
વડનગરના તોરણોની બાંધણીની શૈલી ઉપરથી આ તોરણો બારમા સૈકાની આસપાસ બંધાયા હશે એમ જણાય છે. આ કીર્તિસ્તંભોનું કોતરકામ સિધ્ધપુરના રૂદ્રમહાલયના કોતરકામને મળતું આવે છે. જેમ્સ ફર્ગ્યુસન પોતાના પ્રાચીન કલા નામના પુસ્તકમાં લખે છે કે, “ગુજરાતની શિલ્પકળા કેવી સુંદર હતી તેનો પુરાવો વડનગરમાં આવેલ બે પ્રાચીન કીર્તિસ્તંભ ઉપરથી જાણી શકાય છે. આ કીર્તિસ્તંભો કોઇ તોરણ દરવાજાના હશે, એમ અનુમાન થાય છે.[3]
સંદર્ભસૂચિ::
- ભટ્ટ પનુભાઈ, “વડનગરનું આયોજન” વડનગર જેસીઝ સુપેતિયર,૧૯૯૩,પૃષ્ઠ-૨૮
- હજરનીસ રવિ, “વડનગરના કેટલાક શિલ્પો”, સ્મૃતિઆંક,૧૯૭૫-૭૬, પૃષ્ઠ-૩,૬
- પરીખ પ્રવિણચંદ્ર ચિ., “ભારતિય પ્રાચીન શિલ્પકલા”, પૃષ્ઠ-૧૦૨
***************************************************
પ્રા. મનોજ.એલ.ચૌધરી
|