અસ્પૃશ્યતા નિવારણ ક્ષેત્રે ગાંધીજીનું પ્રદાન
હિંદુ સમાજ અને અસ્પૃશ્યતા :-
હિંદુ વર્ણવ્યવસ્થા અને તેની સાથે સંકળાયેલા ઊંચનીચના જન્મજાત ભેદભાવો મુખ્યત્વે કરીને આભડછેટ અને શુદ્ધિના સિદ્ધાંતો ઉપર રચાયા છે. શુદ્રોનું પ્રયોજન હુન્નરઉદ્યોગ અને શારીરિક શ્રમ દ્વારા ઉપલા ત્રણ વર્ણોની સેવા કરવાનું હોઈ કારીગરો અને ખાસ કરીને અવર્ણો હલકો સામાજિક દરજ્જો ધરાવતા આવ્યા છે.[1] ‘અશુદ્ધ’ જાતિઓ અથવા અસ્પૃશ્યોનું નિશ્ચિત સ્વરૂપ ઈશુની પ્રારંભિક સદીઓમાં બંધાયું. છતાં સંખ્યાની દૃષ્ટિએ તે નાનું હતું. લગભગ ત્રીજી સદીથી અસ્પૃશ્યતાની પ્રથા સખત બની હોવાનું જણાય છે. અને અસ્પૃશ્યોની સંખ્યામાં પણ વધારો નોંધાયો. 19મી સદીમાં ગુજરાતના સુધારક આંદોલન શરૂ થયા નહોતા ત્યાં સુધી સમાજ ઉપર જ્ઞાતિ વ્યવસ્થા હાવી રહેલી. સમાજ અનેક જ્ઞાતિઓ અને પેટાજ્ઞાતિઓમાં વહેંચાયેલો હતો. જેમાં બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર મુખ્ય હતાં. બ્રાહ્મણોનું સ્થાન સર્વોચ્ચ અને શુદ્રોનું સ્થાન સૌથી નિમ્નકક્ષાનું માનવામાં આવતું. સમાજના વહેણ સાથે દરેક જ્ઞાતિઓમાં કેટલાક કુરિવાજોના કે લગ્નસંબંધોમાં નિષેદને કારણે જ્ઞાતિઓ પેટાજ્ઞાતિઓમાં વિભાજિત થતી ચાલી.
અંત્યજોની સ્થિતિ સેંકડો વર્ષોથી સમાજમાં ખૂબ જ તિરસ્કૃત રહી છે. ગામની બહાર વસવાટ, ગામનાં કૂવાઓમાંથી કે તળાવોમાંથી પાણી ભરવા પર પ્રતિબંધ, સારા પોશાક ન પહેરી શકે, શિક્ષણ પર સંપૂર્ણ પ્રતિબંધ, બીજાઓ માટે અસ્પૃશ્ય (Untouchable) આમ તેમનું સ્થાન સમાજમાં 20માં સૈકાના પૂર્વાધમાં પણ ખૂબ જ કષ્ટમય રહ્યું હતું. ખુદ હરિજનોમાં પણ હિંદુ સામાજિક સ્તરરચાનાનાં મૂળિયાં ઊંડાં ગયાં હોઈ તેમનામાં પણ ઊંચનીચના ભેદભાવો વ્યાપક હતા. આમ, ક્રમશ: અસ્પૃશ્યોન સ્થિતિ કાળક્રમે ખૂબ જ નિમ્નસ્તરે પહોંચી ગઈ હતી.
ભારતીય હિંદુ સમાજવ્યવસ્થામાં આઝાદી પહેલાં અસ્પૃશ્યતા સ્પષ્ટ રીતે જોઈ શકાય અને અનુભવી શકાય તેવી રીતે પાળવામાં આવતી હતી. અસ્પૃશ્યતા પાળવા માટે ધાર્મિક માન્યતાઓ અને મૂલ્યો જવાબદાર હતા. તો તેને ટકાવી રાખવામાં સામાજિક અને રાજકીય ધોરણોની મહત્વની ભૂમિકા રહેલી હતી.[2]
1915માં મહાત્મા ગાંધી દક્ષિણ આફ્રિકાથી પાછા ફર્યા તે પહેલાં આજના દલિતો અસ્પૃશ્ય, અંત્યજ, મેતર, ચાંડાળ, ઢેડ, ભંગી અને ચમાર જેવાં નામોથી ઓળખાતા હતા. ગાંધીજીએ તેમના ઉદ્ધાર માટે ઝુંબેશ શરૂ કરી અને તેઓ ‘હરિજન’ તરીકે ઓળખાવા લાગ્યા.[3]
અસ્પૃશ્યતા વિશે ગાંધીજીનો દૃષ્ટિકોણ :-
ગાંધીજીનો જન્મ 2 ઓક્ટોબર, 1869ના રોજ સુદામાપુરીમાં થયો હતો. તેમની માતા પ્રણામી સંપ્રદાયમાં માનતા હતા અને તેઓ વૈષ્ણવ હતા. તેમનું કુટુંબ ઉદાર વિચારસરણીવાળું હતું. તેમનામાં બાળપણથી જ અસ્પૃશ્યતા વિરોધી વિચારો વિકસ્યાં હતા.
તેઓ માનતા હતા કે અસ્પૃશ્યતાએ હિંદુ ધર્મનું અંગ નથી, પણ એમાં પેસી ગયેલો સડો છે, વહેમ છે, પાપ છે, અને તેનું નિવારણ કરવુંએ પ્રત્યેક હિંદુનો ધર્મ છે. તેનું પરમ કર્તવ્ય છે. આ અસપૃશ્યતા વેળાસર નાબુદ ન કરવામાં આવે તો હિંદુ સમાજ અને ધર્મની હસ્તી જોખમમાં છે. જન્મના કારણથી મનાયેલી આ અસ્પૃશ્યતામાં અહિંસા ધર્મનો અને સર્વભૂતાત્મભાવનો નિષેધ થઈ જાય છે. અને મૂળમાં સંયમ નથી, પણ ઊંચપણાની ઉદ્ધત ભાવના જ રહેલી છે. આથી એ સ્પષ્ટ અધર્મ જ છે. એણે ધર્મને બહાને લાખો કે કરોડોની સ્થિતિ ગુલામ જેવી કરી મુકી છે.[4]
અસ્પૃશ્યોની સ્થિતિ સુધારવા માટે એમની પાસે એમના પરંપરાગત ધંધાઓ છોડવાની કે એ પ્રત્યે એમનામાં અણગમો ઉત્પન્ન કરવાની જરૂર નથી. એવું પરિણામ આવે એવી રીતે એમનામાં કરેલી પ્રવૃતિ એમની સેવા નહીં, પણ અસેવા કરશે. વણકર વણાટ કરતો રહે અને ચમાર ચામડું કેળવતો રહે, છતા અસપૃશ્ય ન ગણાય ત્યારે જ અસ્પૃશ્યતાનું નિવારણ કર્યું ગણાય. એ ધંધામાં સુધારા કરવાની અને ખીલવણી કરવાની બહુ જરૂર છે. જો કે વણકરને અથવા ચમારને તેમના બાપીકા ધંધા કરવાની ફરજ પાડી શકાય નહીં. આજે કેટલાક ગામોમાં મરેલા ઢોર લઈ જવાની અથવા એવા કોઈ કામ કરવાની ના પાડવા માટે એ લોકોનું ગામલોક તરફથી બહિષ્કાર કરવામાં આવે છે અથવા બીજી રીતે એમની કનડગત કરવામાં આવે છે. તે ભારે અન્યાય અને ત્રાસ છે.
સમાજની ગંદકીને દૂર કરી તેને રોજ રોજ સાફ રાખવાનું કાર્ય પવિત્ર છે એ કાર્ય નિયમીત રીતે ન થાય તો આખો સમાજ મરણતોલ દશામાં આવી પડે. સફાઈના કામનો દરજ્જો સમાજને આવશ્યક બીજા કામોના જેટલો જ ઊંચો સમજવો ઘટે છે. એ કામમાં અનેક સુધારાઓને અવકાશ છે. સંસ્કારી લોકોએ કામ કરતા થઈને ઘણા સુધારા કરી શકે.[5]
અસ્પૃશ્યતા નિવારણ માટે ગાંધીજીના પ્રયત્નો :-
સત્યાગ્રહ આશ્રમની સ્થાથપના 1915ના મે ની 25મીએ અમદાવાદમાં થઈ. આશ્રમની સ્થાપનાને થોડો જ સમય થયો હતો અને ગાંધીજીની અસ્પૃશ્યતા બાબતે કસોટી થઈ. અમૃતલાલ ઠક્કરે દૂધાભાઈ અને તેમનું કુંટુંબ (પત્ની દાનીબહેન અને ધાવણી દિકરી લક્ષ્મી)ને આશ્રમમાં મોકલ્યા.
આનાથી સહાયક મિત્રમંડળમાં ખળભળાટ થયો. કૂવામાંથી પાણી ભરવામાં અડચણ થઈ. આશ્રમને પૈસાની મદદ બંધ થઈ. પરંતુ દૂધાભાઈમાં ભણતર સહજ હતું. અને તેમની સમજણ સારી હતી, તેથી સ્થિતિ સુધરી. આ કુટુંબને આશ્રમમાં રાખીને આશ્રમને ઘણા પાઠ મળ્યા છે. તેમ ગાંધીજી તેમની આત્મકથામાં જણાવે છે. આશ્રમનું ખર્ચ હિંદુઓ તરફથી મળતું આવ્યું છે એ કદાચ સ્પષ્ટ રીતે સૂચવે છે કે અસ્પૃશ્યતાની જડ સારી પેઠે હલી ગઈ છે. તેમ ગાંધીજી લખે છે.[6]
અસ્પૃશ્યતાએ હિંદુ સમાજનું એક કલંક છે. અસહકારના ઠરાવે હિંદના લોકોને મોટાપાયા પર હાથ કાંતણ અને હાથવણાટ પુનર્જીવિત કરવાની સલાહ આપી. કારણ કે તેનાથી ભારતીય સમાજના લાખો વણકરોને (અસ્પૃશ્યોને) ફાયદો થાય તેમ હતો. ગાંધીજીએ કહ્યું કે અસહકારએ માત્ર અંગ્રેજો પ્રત્યેના વલણમાં જ નહીં, પરંતુ આપણા વલણમાં હદયપરિવર્તન માટેની એક દલીલ છે. કોંગ્રેસના નાગપુર અધિવેશનમાં તેમને લોકોને હિંદુસમાજમાંથી અસ્પૃશ્યતાના કલંકને નાબુદ કરવા વિશેષ પ્રયત્નો કરવા અપીલ કરી. દલિતોના ઉત્કર્ષની બાબત પર કોંગ્રેસના નેતાઓએ ખાસ લક્ષ્ય કેન્દ્રિત કર્યું. ગાંધીજીના આ પરત્વેના વિચારો સાથે સ્વરાજ પક્ષના નેતાઓ પૂરેપૂરા સંમત હતા. 1924માં બેલગામ મુકામેના કોંગ્રેસ અધિવેશનમાં આ વિશે થયેલ ઠરાવનો તેમને સંપૂર્ણ સ્વીકાર કર્યો હતો. તેઓ દૃઢપણે માનતા હતા કે હિંદુસમાજ પરનો અસ્પૃશ્યતાનો શાપ વહેલી તકે દૂર થવો જોઈએ.
ઓગસ્ટ 1932માં ઈંગ્લેન્ડના વડાપ્રધાન રોમ્સે મેકડોનાલ્ડે ‘કોમી ચુકાદો’ જાહેર કર્યો. તે મુજબ દલિતોની પણ હિંદુઓથી અલગ ગણીને મતદાર મંડળો આપવામાં આવ્યા. તેના વિરોધમાં પૂના નજીક યરવડા જેલમાં ગાંધીજીએ આમરણાંત ઉપવાસ આદર્યા. કોંગ્રેસના અગ્રણીઓ અને ડો.આંબેડકર વચ્ચેની મંત્રણાઓથી ગાંધીજી અને આંબેડકરજી વચ્ચે ‘પૂના કરાર’ થયા. તે મુજબ કોમી ચુકાદામાં આપવામાં આવી હતી તેના કરતા ઘણી વધારે બેઠકો દલિતોને આપવા ગાંધીજી સહમત થયા. પૂના કરારનો એક સુધારા તરીકે સરકારે સ્વીકાર કર્યો. દલિતો માટેના અલગ મતદાર મંડળો રદ કરવામાં આવ્યા. ગાંધીજીએ ઉપવાસ છોડ્યા, ઉપવાસ છોડ્યા પછી ગાંધીજીએ તેમનું ધ્યાન અસ્પૃશ્યતા નિવારણ તરફ કેન્દ્રિત કર્યું. ગાંધીજીની વિનંતીને માન આપીને દેશભરમાં અનેક સ્થળોએ મંદિરો અને જાહેર કૂવા દલિતોના ઉપયોગ માટે ખુલ્લા મુકવામાં આવ્યા. ‘હરિજન સેવકસંઘ’ (1932) ની સ્થાપના કરવામાં આવી. જેની અસ્પૃશ્યતા નિવારણ ક્ષેત્રે મહત્વની કામગિરી બજાવી.
આમ, ગાંધાજીએ પોતાના રચનત્મક કાર્યક્રમમાં અસ્પૃશ્યતા નિવારણનો આગળ પડતું સ્થાન આપ્યું અને તેને માટે આખી કાર્યકરોની ફોજ ઊભી કરી, જે રાતદિવસ અસ્પૃશ્યતા નિવારણ માટે કાર્ય કરતા હતા. આ કાર્યકરોમાં મામા ફડકે, ઠક્કર બાપા, પરિક્ષિત મજમુદાર, શંકરલાલ બેંકર, અનસૂયાબેન સારાભાઈ, કાકા કાલેલકરને ગણાવી શકાય. હરિજન સેવા ગાંધીજીના જીવનમાં કેટલી અનિવાર્ય હતી તેનું ઉદાહરણ જોઈએ તો તેઓ કહેતા કે “હું જેલમાં હોઉ કે જેલની બહાર હરિજનોની સેવા એજ મારી પ્રિયમાં પ્રિય વસ્તુ હશે. અન્ન વિના હું થોડાક દિવસ તો જીવી શકું પણ હરિજન સેવા વિના માટે ક્ષણ પણ જીવવું અશક્ય છે. મારી પરમાત્માને અખંડ પ્રાર્થના છે કે હિંદુ ધર્મમાંથી અસ્પૃશ્યતાનું કલંક ભુંસાઈ જાઓ અને સત્યસૂર્યનું દર્શન થાઓ. ”[7]
ગાંધીજી તેરવિધ રચનાત્મક પ્રવૃતિઓ દ્વારા રાષ્ટ્રની આઝાદી અને નવનિર્માણને ઝંખતા હતા. જેમાં અસ્પૃશ્યતા નિવારણને તો તેઓએ ધાર્મિક પ્રવૃતિ લેખી વિશ્વબંધુત્વની દિશામાં મોટું પગલું ગણાવ્યું હતું. અસ્પૃશ્યતા નિવારણના તેમના વિચારો જાહેર જીવનના પ્રારંભથી જ રહ્યા હતા. ભારતીય સમાજ ઊંચનીચના બંધનો ત્યાગે અને સામાજિક સમરચના થાય એ ગાંધીજીનું સ્વપ્ન હતું. હિંદુ સમાજમાં સદીઓથી જડ નાખી ચુકેલા અસ્પૃશ્યતાના દૂષણને નાથવા સમયે સમયે પોતાની વૈચારીક મક્કમતા દર્શાવી હતી. તેમણે લખ્યું છે કે “હું માનું છું કે અસ્પૃશ્યતા કેવળ મનુષ્યએ જ પેદા કરેલી છે, અને લોકોના નૈતિક કે બૌદ્ધિક વિકાસ સાથે કશો સંબંધ નથી. તેનું કારણ એટલું જ કે હિંદુસમાજમાં એવા માણસો અસ્પૃશ્ય ગણેલા દેખાય છે જે નીતિને બુદ્ધિના વિકાસમાં ઊંચામાં ઊંચા સવર્ણ હિંદુની બરાબરી કરી શકે તેવા હોય ને છતા તેમને અસ્પૃશ્ય ગણવામાં આવે છે. અસ્પૃશ્યતાથી મુક્ત એવા સમાજનું મારું ચિત્ર એ છે કે, એમાં કોઈ માણસ પોતાને બીજાથી ઊંચો નહીં ગણે.”[8]
પાદનોંધ :-
- મહેતા મકરન્દ, હિંદુ વર્ણવ્યવસ્થા, સમાજ પરિવર્તન અને ગુજરાતનાં અસ્પૃશ્યો, અમી પબ્લિકેશન, અમદાવાદ, 1995, પૃ.2.
- મકવાણા મનુભાઈ એચ., સામાજિક બહિષ્કાર અને સામાજિક સમાવેશનું સમાજશાસ્ત્ર, ગર્ગ પબ્લિકેશન, અમદાવાદ, પૃ. 44.
- મહેતા મકરન્દ, પૂર્વોક્ત, પૃ. 87.
- મશરૂવાળા કિશોરલાલ, ગાંધીવિચાર દોહન, નવજીવન, અમદાવાદ, ચોથી આવૃતિ, બીજુ પુર્નમુદ્રણ, 2010, પૃ. 39.
- એજન, પૃ. 40.
- ગાંધી મોહનદાસ ક., સત્યના પ્રયોગો અથવા આત્મકથા, નવજીવન, અમદાવાદ, પુર્નમુદ્રણ, એપ્રિલ 2012, પૃ. 345.
- વાઘેલા અરૂણ, પંચમહાલ જિલ્લામાં ગાંધીવાદી રચનાત્મક પ્રવૃતિઓ અને સ્વાતંત્ર્ય સૈનિકો, અમદાવાદ, 2007, પૃ.43.
- એજન, પૃ. 43.
***************************************************
મહેશકુમાર એચ. વાણિયા
વ્યાખ્યાતા સહાયક,
ઈતિહાસ વિભાગ,
સરકારી વિનયન કોલેજ,
સેક્ટર-15, ગાંધીનગર.
MAHESHVANIYA@YMAIL.COM
|