logo

વિકાસશીલ ભારતમાં ગરીબી અને બેરોજગારીની સ્થિતિ

ભારતમાં ગરીબી, બેરોજગારી અને વિકાસ વચ્ચેનો આંતરસંબંધ :-

ભારત એક વિકાસશીલ દેશ છે. ભારતીય અર્થકારણ વિશ્વના નકશામાં એક આગવી ઓળખ ધરાવે છે કારણકે બ્રિટીશરો પાસેથી મેળવેલી આઝાદી અને ત્યારબાદ અર્થતંત્રને અસ્થિરતામાંથી ઉગારવા જે સરાહનીય પ્રયાસો કરવામાં આવ્યા તે નોંધનીય છે. સ્વતંત્રતા બાદ અર્થતંત્રમાં ઉદભવેલી સમસ્યાઓને દૂર કરી વિકાસ કઈ રીતે સાધવો? તે પ્રશ્નના નિવારણ અર્થે આયોજનનો માર્ગ અપનાવવામાં આવ્યો. આયોજનની શરૂઆતથી વર્તમાન સમય સુધી વિવિધ પ્રયાસો હાથ ધરી દેશની સમસ્યાઓને નિવારવા અથાગ્ પ્રયાસો કરવામાં આવ્યા છે. તેમ છતાં દેશમાં બેરોજગારી અને તેના પરિણામે ગરીબીના ગંભીર પ્રશ્નો છે. ગરીબીની સમસ્યા એ માત્ર વ્યક્તિને જ ગરીબ બનાવતી નથી. પરંતુ દેશને પણ વિકાસના માર્ગે આગળ જતો અટકાવે છે. કારણ જે દેશનું માનવધન જ ગરીબ હોય તે દેશ સમૃદ્ધ કઈ રીતે બની શકે?

ભારતમાં ગરીબાઈના વિષચક્રો એટલા જોરદાર રીતે કામ કરે છે કે તે વિકાસની બધી અસરો ધોઈ નાખે છે અને દેશને ગરીબ રાખે છે. દેશમાં મૂડીની અછત, બજારની અપૂર્ણતા વગેરેને લીધે ઉત્પાદકતા નીચી જોવા મળે છે તેથી વાસ્તવિક આવક, બચત અને મૂડીરોકાણ નીચા રહે છે પરિણામે આર્થિક વિકાસ ઓછો રહે છે. આમ, પુરવઠાબાજુનું વિષચક્ર વિકાસને અવરોધે છે. આવક નીચી હોવાથી માગ ઓછી રહે છે. તેથી મૂડીરોકાણ નીચું રહે છે. રોજગારીની ઓછી તકો ઊભી થાય છે. પરિણામે વિકાસ દર નીચો રહે છે. આમ, માગબાજુનું વિષચક્ર વિકાસ દરને ઘટાડે છે. બધી જ આર્થિક-સામાજિક સમસ્યાઓનું મૂળ ગરીબી છે. હકીકતમાં ગરીબી બેરોજગારીનું પરિણામ છે અને કારણ પણ છે. ગરીબીને લીધે વ્યક્તિ સામાન્ય શિક્ષણ પણ મેળવી શકતી નથી. આથી એની કુશળતા અને કાર્યક્ષમતા નિમ્નક્ક્ષાની હોય છે અને પરિણામે અનેક વ્યવસાયોમાં તે રોજગારી મેળવવાની પાત્રતા ગુમાવે છે. વ્યક્તિની દ્રષ્ટિ એ જ નહીં, રાષ્ટ્રોની દ્રષ્ટીએ પણ બેરોજગારી અને ગરીબી વચ્ચે ગાઢ સંબંધ છે. ભારતમાં વર્તમાનમાં બેરોજગારીનું પ્રમાણ 400 લાખથી વધુ છે. આ સમસ્યાઓમાંથી જ અન્ય આર્થિક અને સામાજિક સમસ્યાઓ સર્જાય છે. આપણે વિકાસ કર્યો છે પણ તે રોજગારીવિહીન વિકાસ હોવાથી સમગ્ર વિકાસ ભયાવહ્ બનેલ છે. આથી આ સમસ્યાઓને હલ કરવાની તાતી જરૂર છે. જો રોજગારીપૂર્ણ વિકાસ થાય તો જ તે ભયવિહીન તેમજ યોગ્ય વિકાસ થયો કહેવાય.

ગરીબીનો ખ્યાલ :

ગરીબી એટલે જીવન માટે જરૂરી વસ્તુઓ જેમ કે, આહાર, રહેઠાણ, વસ્ત્ર પ્રાપ્ય ન હોય તેવી સ્થિતિ. સૌંદર્યની જેમ ગરીબીને ઓળખવી સહેલી છે પણ તેની વ્યાખ્યા કરવી અને તુલના કરવી ખૂબ અઘરી છે. ગરીબીના બે ખ્યાલો છે: સાપેક્ષ ગરીબી અને નિરપેક્ષ ગરીબી. સાપેક્ષ ગરીબીના ખ્યાલમાં વ્યક્તિઓ કે તેમના જૂથોની આવકની સરખામણી થાય છે અને ઓછી આવક ધરાવતી વ્યક્તિ કે જૂથને ગરીબ કહેવામાં આવે છે. નિરપેક્ષ ગરીબીના ખ્યાલમાં વ્યક્તિની આવકને જીવનધોરણનું ચોક્કસ સ્તર પ્રાપ્ત કરવા માટે લઘુત્તમ આવક સાથે સરખાવવામાં આવે છે અને તેની વાસ્તવિક આવક લઘુત્તમ જરૂરી આવકથી ઓછી હોય તો તેને ગરીબ કહેવામાં આવે છે. નિરપેક્ષ ગરીબીનો અંદાજ મેળવવા માટે ‘ગરીબીરેખા’ નક્કી કરવામાં આવે છે.

વિકાસશીલ ભારતમાં નિરપેક્ષ ગરીબીની સમસ્યા છે. આ નિરપેક્ષ ગરીબી અંગેનો ખ્યાલ પાયાની જીવન જરૂરિયાતની વસ્તુઓ સાથે સંકળાયેલો છે. જેમાં આહાર, રહેઠાણ, પોષાક, વગેરે પાયાની જરૂરીયાતોને લક્ષમાં રાખીને એક ન્યૂનતમ જીવન ધોરણની કસોટી તૈયાર કરવામાં આવે છે જેને ‘ગરીબીરેખા’ કહેવામાં આવે છે. ‘ગરીબીરેખા’ એક મનસ્વી રેખા છે. જેનાથી નીચી આવક ધરાવતાં લોકોને ગરીબ ગણવામાં આવે છે.

ગરીબીરેખા અંગેનું સૂત્ર:
Ph = q
n, જયારે y ≤ z
જેમાં Ph = ગરીબોનું પ્રમાણ (કુલ વસ્તીમાં ગરીબોની ટકાવારી)
q = ગરીબ લોકોની સંખ્યા
n = કુલ વસ્તી
y = આવક
z = ગરીબી રેખા
≤ = એટલે વ્યક્તિની આવક ગરીબીરેખાથી નીચે અથવા ગરીબીરેખા પર હોય પરંતુ ગરીબીરેખાની ઉપર ન હોય.
1999 માં ગરીબીની આવી એક આંતરરાષ્ટ્રીય રેખા નક્કી કરવામાં આવી હતી. આ વ્યાખ્યા પ્રમાણે રોજની વ્યક્તિદીઠ 1 ડોલર(ppp) થી ઓછી આવક ધરાવતી વ્યક્તિઓ ગરીબ ગણાય. 1999 માં ભારતમાં ગરીબીનું પ્રમાણ 44.2% જોવા મળ્યું હતું.

ભારતના આયોજનપંચના ગરીબી અંગેના અંદાજો:

ગરીબીનું માપ મેળવવા માટે લઘુત્તમ જરૂરી આવક કે વપરાશ નક્કી કરવામાં આવે છે. આ માટે કાં તો પ્રાથમિક જરૂરીયાતોનું ધોરણ કાં તો દૈનિક આહારમાંથી મળતી કેલરીનું ધોરણ અપનાવવામાં આવે છે.

ભારતના આયોજનપંચે ગરીબીના પ્રમાણનો અંદાજ મેળવવા માટે કેલરીનું ધોરણ અપનાવ્યું છે. જે મુજબ ગ્રામવિસ્તારોમાં પ્રત્યેક વ્યક્તિને દૈનિક આહારમાંથી ઓછામાં ઓછી 2400 કેલરી અને શહેરીવિસ્તારોમાં ઓછામાં ઓછી 2100 કેલરી મળવી જોઈએ. આટલી કેલરી મેળવવા માટે જે વપરાશીખર્ચ જરૂરી છે તેને આયોજનપંચ ‘ગરીબીરેખા’ કહે છે. 1993-'94 ના ભાવે ગરીબીરેખા ગ્રામવિસ્તારો માટે માસિક ધોરણે વ્યક્તિદીઠ રૂ. 228 અને શહેરીવિસ્તારો માટે રૂ. 264 અંદાજવામાં આવી છે. પાંચ વ્યક્તિઓના કુટુંબ માટે ગ્રામવિસ્તારોમાં વાર્ષિક આવક રૂ. 13,680 અને શહેરીવિસ્તારોમાં વાર્ષિક આવક રૂ. 15,480 ગરીબીરેખા છે. આ અંદાજ મુજબ ભારતમાં ગરીબીનું પ્રમાણ 1973-'74 માં 54.9% હતું તે ઘટીને 2004-'05 માં 27.5% થયું છે. આ સમયગાળા દરમિયાન ગરીબીના પ્રમાણમાં થયેલો ફેરફાર નીચે મુજબ અંદાજવામાં આવ્યો છે.

અદ્યતન પદ્ધતિ મુજબ સુધારેલા અંદાજો :-

ભારતનું આયોજનપંચ લગભગ દર પાંચ વર્ષે નેશનલ સેમ્પલ સર્વે ઓફીસ (NSSO) દ્વારા હાથ ધરવામાં આવતા કૌટુંબિક વપરાશીખર્ચના વ્યાપક સર્વેક્ષણના આધારે ગરીબીનું પ્રમાણ અને ગરીબોની સંખ્યા અંગે અંદાજો તૈયાર કરે છે. આ અંદાજો રાષ્ટ્ર ક્ક્ષાના હોય છે. ગ્રામીણ અને શહેરીવિસ્તારોના હોય છે અને જુદાં જુદાં રાજ્યોના હોય છે. ગરીબીના અંદાજ મેળવવાની આ પદ્ધતિની સમયાંતરે ફેરવિચારણા કરવામાં આવે છે. આયોજનપંચે ડિસેમ્બર, 2005 માં પ્રા. સુરેશ ડી. તેંદુલકરના અધ્યક્ષપદ હેઠળ એક નિષ્ણાંત સમિતિ (એક્ષપર્ટ ગ્રુપ) ની રચના કરી હતી. આ સમિતિએ ડિસેમ્બર, 2009 માં પોતાનો અહેવાલ રજૂ કર્યો. સમિતિએ 2004-'05 ની ભાવસપાટીએ 1993-'94 અને 2004-'05 ના વર્ષો માટે ગરીબીના જે નવા અંદાજો રજૂ કર્યા તેનો આયોજનપંચે સ્વીકાર કર્યો છે. આ અહેવાલ મુજબ રાષ્ટ્ર ક્ક્ષાએ 2004-'05 ની ભાવસપાટીએ 2004-'05 માં ગ્રામવિસ્તારો માટે અને શહેરી વિસ્તારો માટે ગરીબીરેખાએ માસિક માથાદીઠ વપરાશીખર્ચ અનુક્રમે રૂ. 446.68 અને રૂ. 578.80 હતું. આ ગરીબીરેખા એ સમગ્ર રાષ્ટ્રને લાગુ પડતી સરેરાશ છે. પણ જુદાં જુદાં રાજ્યોમાં ભાવ તફાવતને લીધે જુદી જુદી છે. તેંદુલકર સમિતિએ ગરીબીના અંદાજો માટે વપરાશના mixed recall period પર આધારિત સર્વેક્ષણોનો ઉપયોગ કરીને 1993-'94 અને 2004-'05ના વર્ષોમાં ગરીબીના અંદાજો નવેસરથી નક્કી કર્યા છે જે નીચે મુજબ છે.

ગરીબીનું પ્રમાણ (ટકામાં)

સ્ત્રોત :- ઇકોનોમિક સર્વે – 2011-'12

19 માર્ચ, 2012 માં આયોજનપંચે ગરીબીરેખાની નવી વ્યાખ્યા જાહેર કરી હતી. તથા ગ્રામીણક્ષેત્રે રૂ. 22 માથાદીઠ દૈનિક આવક અને શહેરીક્ષેત્રે રૂ. 28 ની આવકને ગરીબીરેખા તરીકે નક્કી કરવામાં આવી હતી.

તાજેતરમાં જ આયોજનપંચે જુલાઈ, 2013 માં ગરીબીરેખાની નવી મર્યાદા જાહેર કરી છે. જે અનુસાર ગ્રામીણક્ષેત્રે માથાદીઠ દૈનિક રૂ. 27.30 અને શહેરીક્ષેત્રે રૂ. 33 ની આવક ગરીબીરેખા નક્કી કરવા પર્યાપ્ત ગણવામાં આવશે. તેનાથી એક રૂપિયો પણ વધારે આવક મેળવતી વ્યક્તિને ગરીબ ગણવામાં આવશે નહીં. આ અનુસાર ગ્રામીણક્ષેત્રે માથાદીઠ માસિક રૂ. 816 ના અને શહેરીક્ષેત્રે રૂ. 1000 ના વપરાશીખર્ચને અથવા બીજી રીતે કહીએ તો પાંચ વ્યક્તિના એક કુટુંબદીઠ માસિક રૂ. 4080 નું ગ્રામીણક્ષેત્રે અને રૂ. 5000 નું શહેરીક્ષેત્રે વપરાશીખર્ચ ગરીબીરેખાની મર્યાદામાં આવી શકે.

વધતા જતા સામાન્ય ભાવના સૂચક આંકને લક્ષમાં રાખીને ગરીબીરેખાને વખતોવખત ઊંચે લઈ જવી પડે છે. ગરીબીરેખા માટે વ્યક્તિદીઠ માસિકખર્ચની મર્યાદામાં જુદાં જુદાં સમયે નીચે મુજબ ફેરફારો કરવામાં આવ્યા છે.

ગરીબીરેખાની આ નવી વ્યાખ્યા અનુસાર દેશમાં ગરીબીના પ્રમાણમાં નોંધપાત્ર ઘટાડો થઈ ગયો છે. 2004-'05 માં ગરીબીનું પ્રમાણ 37.2% નું હતું. તે 2011-'12 માં ઘટીને 21.9% નું થઈ ગયું છે. આ સાત વર્ષમાં ગરીબીના પ્રમાણમાં 15% નો ઘટાડો થઈ ગયો છે. એટલે કે 2004-'05 પછી ગરીબીના પ્રમાણમાં સરેરાશ વાર્ષિક 2.19% ના દરે ઘટાડો થયો છે. દસમી પંચવર્ષીય યોજના (2002-'07) દરમિયાન ગરીબીના ઘટાડાનો દર 1.75% નો હતો.

આયોજનપંચની ગરીબીરેખાની નવી વ્યાખ્યા મુજબ 2011-'12 માં ગ્રામીણ અને શહેરીક્ષેત્રમાં ગરીબીનું પ્રમાણ નીચે મુજબ ગણવામાં આવ્યું છે.

ગરીબીનું પ્રમાણ (ટકાવારીમાં)

ગ્રામીણક્ષેત્ર...
  

25.7
શહેરીક્ષેત્ર.....
13.7
સમગ્ર ભારત... 21.9

જે મુજબ 2009-'10 માં દેશમાં ગરીબોની સંખ્યા 40 કરોડની હતી. તે 2011-'12 માં ઘટીને 27 કરોડની થઈ ગઈ છે. માત્ર બે જ વર્ષમાં ગરીબોની સંખ્યામાં 13 કરોડનો ઘટાડો થઈ ગયો છે. છેલ્લા બે દાયકાથી ગરીબીમાં ઘટાડો થવાનો સરેરાશ વાર્ષિક દર જે 1.75 થી 2.0 ની આસપાસ હતો. તે છેલ્લા બે જ વર્ષમાં ચમત્કારિક રીતે 16.5% નો થઈ ગયો છે.

ભારતમાં બેરોજગારીની સ્થિતિ :-

બેરોજગારી એટલે અનૈચ્છિક બેરોજગારી. વ્યક્તિ કામ કરવા તૈયાર હોય છતાં તેને કામ ન મળે તો એ અનૈચ્છિક બેરોજગારી છે. બેરોજગારીના મુખ્ય ત્રણ પ્રકારો છે: માળખાંગત બેરોજગારી, ચક્રીય બેરોજગારી અને સંઘર્ષજન્ય બેરોજગારી. ભારતમાં માળખાંગત બેરોજગારીનું પ્રાધાન્ય જોવા મળે છે. ભારતમાં માળખાંગત બેરોજગારી જુદાં જુદાં સ્થળે જુદાં જુદાં સ્વરૂપમાં દેખાય છે. ગ્રામવિસ્તારોમાં છૂપી બેરોજગારી, મોસમી બેરોજગારી અને અર્ધ બેરોજગારી વધુ હોય છે. જયારે શહેરી વિસ્તારોમાં ખુલ્લી બેરોજગારી અને શિક્ષિત બેરોજગારી વધુ હોય છે.

ભારતીય અર્થતંત્રમાં બેરોજગારીના અસ્તિત્વ માટે શ્રમની માગ અને પુરવઠાની સમગ્રલક્ષી અસમતુલા જવાબદાર છે. શ્રમનો પુરવઠો વધુ છે અને શ્રમની માગ ઓછી છે. તેથી બધા કામદારોને કામ આપી શકાતું નથી. વસ્તીવૃદ્ધિને લીધે શ્રમનો પુરવઠો ઝડપથી વધે છે અને તેથી બેરોજગારી વધે છે. વસ્તીવૃદ્ધિ આર્થિક વિકાસને મંદ પાડીને શ્રમની માંગને વધતી અટકાવે છે. ભારતમાં આર્થિક વિકાસ ધીમો છે. તેથી શ્રમની માગ એટલી ઝડપથી વધતી નથી જેટલી ઝડપથી વસ્તીવૃદ્ધિને લીધે શ્રમનો પુરવઠો વધી રહ્યો છે. ભારતના આર્થિક આયોજનમાં રોજગારી સર્જનને પૂરતી મહત્તા આપવામાં આવી નથી. ઉપરાંત માનવશક્તિ આયોજનની પણ ઉપેક્ષા થઈ છે. મૂડી પ્રચૂર ટેક્નોલોજીને પ્રોત્સાહન મળ્યું છે. પરિણામે શ્રમની માગ ઝડપથી વધતી નથી.

ભારતમાં આર્થિક સુધારાની બેરોજગારી પર અસર નીચેના કોઠામાં દર્શાવેલ આંકડાકીય માહિતી મુજબ છે.

રોજગારી અને બેરોજગારી (લાંબાગાળાની સ્થિતિ)


રોજગારી વૃદ્ધિ દર (વાર્ષિક, ટકામાં)

N.S.S.O. ના અંદાજ મુજબ 2009-'10 માં લાંબાગાળાની બેરોજગારી 11.00 મિલિયન હતી અને બેરોજગારીનો દર કુલ શ્રમદળના 2.51% હતો. ભારતમાં જુલાઈ 2011 થી જૂન 2012 દરમિયાન બેરોજગારીના દરમાં 2% નો વધારો થયો છે. વર્ષ 2011-'12 શ્રમદળ દરમાં બેરોજગારીનું પ્રમાણ વધીને દર 1,000 એ 22 થયું છે. જે 2009-'10 માં 20 હતું.

સમાપન :-

1999 થી અપનાવેલ આર્થિક સુધારાના અમલના પરિણામે રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિનો દર વધ્યો છે પણ ગરીબી નાબૂદીની પ્રક્રિયા ધીમી પડી છે. વૈશ્વિકીકરણ અને ઉદારીકરણના પરિણામે ભારતના બજારોમાં હરીફાઈ ઉગ્ર બની છે અને હરીફાઈમાં ટકી રહેવા માટે અદ્યતન ટેક્નોલોજી અનિવાર્ય બની છે. એટલે અકુશળ શ્રમિકો તેમજ નાના ઉદ્યોગોના કામદારોએ રોજગારી ગુમાવી છે. જાહેર સાહસોમાં પણ કાર્યક્ષમતા સુધારવાના હેતુથી શ્રમનું પ્રમાણ ઘટાડવાની નીતિ અપનાવવામાં આવી છે. જેથી રોજગારી વૃદ્ધિનો દર ઘટ્યો છે. ધીમો આર્થિક વિકાસ, ઝડપી વસ્તી વૃદ્ધિ, રોજગારીની ઓછી તકો, વિકાસની અયોગ્ય વ્યૂહરચના, આવક અને સંપતિની અસમાનતા, કાળુ નાણું, ભ્રષ્ટાચાર તેમજ ફુગાવો, વગેરે અવરોધક પરિબળો ગરીબી અને બેરોજગારી ઘટાડવાના કાર્યમાં અવરોધક સાબિત થયા છે જેના કારણે ભારતમાં ગરીબી અને બેરોજગારી કાયમી ઘર કરી ગઈ છે તે વાસ્તવિકતા સ્વીકાર્યા વગર છૂટકો જ નથી.

References::

  1. Poverty in India – wikipedia
  2. Unemployment in India – wikipedia
  3. Newspaper Articles on Poverty & Unemployment in India
  4. Economic Survey- 2011-12, 2012-13
  5. www.livemint .com/policy
  6. ભારતનાં આર્થિક વિકાસની સમસ્યા2ઓ - શ્રેષ્ઠ પ્રકાશન
  7. ધંધાકીય પર્યાવરણ અને આર્થિક નીતિઓ – 2, બી.એસ.શાહ પ્રકાશન

*************************************************** 

Miss. Jignasha R. Vaghela
Assistant professor, Department of Economics
Arts, Science & Commerce College, Pilvai.
Ta.-Vijapur, Dist. - Mehsana
jignasha_vaghela@yahoo.in
Mo.-9727352447

Previousindexnext
Copyright © 2012 - 2025 KCG. All Rights Reserved.   |   Powered By : Prof. Hasmukh Patel

Home  |  Archive  |  Advisory Committee  |  Contact us